Tuesday, December 29, 2009

"યાદે" - વિ.વિ.નગરની

મારા તે સમયને હું મારો સુવર્ણયુગ કહી શકુ છું. કોઇ ટેન્શન વગર બિંદાશ જીવન લાઇફમા પહેલી વખત જીવતો હતો. જલારામનગર સોસાયટીની જ વાત કરૂ...

જલારામનગર સોસાયટી વિ.વિ.નગરમા "ખાડો" કહેવાતા એરીયામા આવેલી. ખાડો એટલે ખરેખરનો ખાડો જ. ચોમાસામા વરસાદ પડે એટલે ત્યાં કમર સુધી પાણી ભરાય. દર ચોમાસામા એક મીકેનીક ખાડાને નાકે હંગામી ધોરણે પોતાની હાટડી ખોલી નાખતો કારણ કે ત્યાંથી નિકળતા દરેક સ્કુટર અને નાના વાહનો બંધ પડતા જ.

આ સોસાયટીમા ચોથી લાઇનમા સામેની સાઈડમા અમારૂ મકાન, હું અને મારાથી બે વર્ષ મોટોભાઇ તેમા રહ્યે. બીજો મોટો ભાઇ MBA કરે પણ નેહરૂહોલમા રહેતો. મારી સાથે રહેતો મોટોભાઇ આ મકાનમા ૭-૮ વર્ષથી રહેતો એટલે આજુ-બાજુના બધા જ તેને ઓળખે એટલે મારે બહુ વાંધો ના આવ્યો. ચાલો તો પહેલા તો બધાનો પરિચય કરાવુ એટલે આગળના પરાક્રમ વખતે તમે તેને સારી રીતે ઓળખી શકો.

અમારા મકાનની એકદમ સામે ઇશ્વરકાકા રહેતા. તે કાકી અને એક ત્રણ વર્ષન પૌત્ર સાથે રહેતા. દીકરો અને તેની પત્નિ અમેરિકા રહેતા. ઇશ્વરકાકા જેવો કંજુસ વ્યક્તિ મે આજ સુધી જોયો નથી. TVના પ્રકાશમા જમવા બેસે કારણ કે જમતી વખતે TV તો જોવાનું જ હોયને પછી બીજી લાઇટની શું જરૂર છે. મે તેના ઘરે ટ્યુબ લાઇટ કે બલ્પ ક્યારેય પ્રકાશીત જોયો નથી. લગાવેલો હતો કે નહી તેની પણ શંકા છે. તેની પાસે આવા-ગમન માટે એક લ્યુના હતું.. કહેવાતુ કે તેણે લ્યુના એટલે વસાવેલુ કે પેટ્રોલ બચાવવા તેને સાયકલ કરી ફેરવી શકાય. મે તેને ક્યારેય ઘર પાસેથી લ્યુના સવાર થતા જોયા નથી, સોસાયટીના નાકે જઈ ચાલુ કરતા અને સોસાયટીને નાકે જ બંધ કરી દેતા. તો આવા છે હતા ઇશ્વરકાકા.

ઇશ્વરકાકાનું મકાન એકદમ સામે તો ડાબી બાજુના દીવાલ પાડોશી હતા ઝા કાકા. ઝા કાકા રેલ્વેમા કોઇ મોટી પોસ્ટ ઉપરથી VRS લઈને ઘરે આરામ કરતા હતા. આખી જીંદગી તેલ્વેને પાટા જોયને કાઢી હતી એટલે નિવૃતિ પછી પણ તે અનુભવ ચાલુ રાખવા તેણે ગ્રાઉન્ડ ફ્લોરના મકાન માથી ટેરેસ પર જવા માટે એક વિચિત્ર પ્રકારની લીફ્ટ ફીટ કરાવેલી. પણ તેનો ક્યારેય ઉપયોગ કરી શક્યા ના હતા. તેમણે અમારા લાભાર્થે કેબલ કનેક્શન લીધેલુ હતું. ૯ વાગે ઉંઘી જવા વાળા તે વ્યકતિ બીજાને પણ ૯ વગે સુવડાવી દેતા એટલે જેવા ૯ વાગે એટલે તેમના કેબલ કનેક્શન પર અમારૂ પોર્ટેબલ TV ચાલતું. તેમના કોર્ડલેસ ફોન અને અમારા પોર્ટેબલ TV વચ્ચે શું કનેક્શન હતું તે તો ખબર નહી પણ જ્યારે જ્યારે તે ફોન પર વાત કરતા ત્યારે તેનો વાર્તાલાભનો અમને પણ લાભ મળતો.

અમારી જમણી બાજુ એક રાજસ્થાની પરીવાર રહેતો. સાચુ નામ તો ત્યારેય ખબર ના હતી પણ અમે તેમને ગોટુભાઇ અને છોટુભાઈ કહેતા. સોસાયટીમા સૌથી વધુ અમને તેમની સાથે ભળતું. ઘરે આવવા જવાનું સૌથી વધુ તેમની સાથે. ગોટુભાઇને દહેજમા એક સ્કુટર મળેલું તે રોજની એવરેજ ૩૫ થી ૪૦ કિક વગર ચાલુ જ ના થાય. રોજ સવારે ભાભી બુમો પાડે કે જલ્દી કરો ૯.૩૦ વાગી ગયા અને તમારે ૧૧ વાગે ઓફીસે પહોચવાનું છે અને હજી તમે સ્કુટર પણ ચાલુ કરવાનું શરૂ નથી કર્યું. ત્યારે એવી અફવા વહેતી હતી કે ગોટુભાઇએ દહેજ વખતે જિદ્દ કરીને સ્કુટરની માંગ કરી હતી એટલે તેમના સસરાએ એક જુનું સ્કુટર કલર કરી પધરાવી દીધુ હતું. જે હોય તે ગુટુભાઇના સસરા જાણે.

ગોટુભાઇની સામેના મકાન ચોરના લાભાર્થે બંધ રહેતું. મહીને એક વખત તો તે ઘરમા ચોર ઘુસતા જ અને મકાન માલીકને ગાળો દેતા-દેતા અને નસિબને કોશતા ખાલી હાથે જતા રહેતા. એક વખત તો તે ઘર માથી ઇંટના કોથળા ભરેલા નિકળ્યા હતા. ત્યારે અવું સાંભળેલુ કે ચોર જ્યાં ચોરી કરવા જાય ત્યાં આ રીતે ઇંટના કોથળા ભરી ને જતા અને તે કોથળામા ચોરીનો માલ ભરી લેતા. કાઇક આડા-અવળુ થાય તો ઇંટ કામ આવે. અમારે ઘરે પણ દર વેકેશનમા ચોર મહેમાનગતી માણવા આવતા અને ગાળો દઈ ને જતા રહેતા.

તે બંધ મકાનની બાજુના મકાનમા બચુકાકા રહેતા. કાકીનો સ્વભાવ પણ ખુબ સારો તેમનો છોકરો પપ્પુ અમારી સાથે ક્રિકેટ રમતો. એક દીવસ તેમના કોઈ ફ્રેન્ડ લંડનથી આવેલા ત્યારે લાડુ-ભજીયાનું મસ્ત જમણવાર કર્યો હતો. તે આખો દીવસ બ્રસ કરતા રહેતા એટલે શરૂમા તો તેમની દાતની કાળજી માટેની ધગસની અદેખાય થાતી પણ પાછળથી ખબર પડી કે તે તમાકુ ઘસતા. અમારી ટોળીના તોફાનોમા બચાવ કરવા સદેવ તૈયાર અને સોસાયટીના લીગલ કામ કરનાર. પપ્પુ અમારી જોડે બહાર જમવા આવે ત્યારે બધાના પૈસા તે જ આપે અમને ખીસ્સા(ખાલી)મા હાથ પણ નાખવા ના દે.

બચુકાકાની સામે બિપિનકાકા રહેતા. બિપિનકાકા BVM મા પ્રોફેસર હતા. તે તેમના ત્રણ છોકરા સુજલ,જૈમીક અને સશિન જે બધા જ BVM મા ભણતા તેમની સાથે રહેતા. કાકી ઘણા સમય પહેલા જ ગુજરી ગયા હતા. બિપિનકાકા અમારા રોલ મોડેલ હતા. અમે મોટાભાગે તેમના ઘરે જ પડ્યા રહેતા. સવારે ઘરનું કામ કરી ને જાય પછી બધા જ ભાઇઓ વારા-ફરતી રસોય બનાવી નાખતા. ક્યારેક અમે બધાય જોડે રસોય બનાવીને સાથે જમતા.

એમ તો અમારી પાછળ રહેતા જોડે પણ ઠીક-ઠીક સંબંધ હતો પણ મોટેભાગે ઉપરના લોકો જોડે જ દીવસો પસાર થતા. આ લોકોના સાનિધ્યમા કેવા કેવા કારસ્તાન અને ભગા કર્યા તે હવે પછીની પોસ્ટમાં.

-: સિલી પોઇન્ટ :-

ગેરસમજ થાય ત્યારે બમે તેટલી દલીલો ઓછી પડે છે, ત્યારે તો બસ સામેની વ્યક્તિને
તમારી વાત સમજવા સમય આપવો તે જ ઉપાય હોય છે.

Friday, December 25, 2009

"ક્રિકેટ" - હવે બેટ્સમેનની રમત....

કદાચ આજથી ૨૦ વર્ષ પહેલાની વાત છે. હું આઠેક વર્ષનો હતો. ઘરમા બધા ક્રિકેટ જોવાના જબરા શોખીન. મને હજી એટલી ગતાગમના પડે પણ પપ્પા અને ભાઇઓ વાત કરે તે ઉપરથી હું થોડુ-થોડુ નોલેજ મેળવતો જાવ. ત્યારે કદાચ શારજાહ કપ ચાલતો હતો. પરફેક્ટ તો યાદ નથી પણ તેજ હતો. તેમા ભારત-પાકિસ્તાનનો મેચ હતો. પહેલી બેટીંગ ભારતે કરી હતી. લંચ સમયમા ત્યારે એક્ટ્રા ઇનિંગ કે એક્ટ્રા કવર કે ફોર્થ અમ્પાયર જેવું કાઇ આવતું ના હતું. ત્યારે ઘરના સૌથી વધુ અનુભવી એવા પપ્પા અને મોટા ભાઇઓ પોત-પોતાનુ વિશ્લેષણ રજુ કરતા હતા. પપ્પાએ કહ્યું, "૨૦૦ ઉપરનો સ્કોર ગમે તેવી ટીમ માટે ચેઝ કરવો કપરો છે, એક ઓવરમા ૪-૪.૫૦ રન કરવા સહેલી વાત નથી." ભાઈએ કહ્યું, "પણ મીયાદાદ છે એટલે નક્કી ના કહેવાય". પપ્પા: "જો કે સ્કોર ખુબ સારો છે અને આપણી પાસે કપીલ અને સ્પિનરમા મનિંદરસિંહ તથા શાસ્ત્રી છે, બોલ જુનો થયા પછી અબે બીજી ઇનિંગમા આટલા રન ના થાય."
તે મેચમાં રિઝલ્ટ શું આવ્યુ હતુ તે તો યાદ નથી પણ હમણા જ જ્યારે રાજકોટ વન-ડે વખતે લંચ સમયે આવી જ ચર્ચા થઈ હતી. મે કહ્યું, " ૪૧૪ રન એટલે બહુ વધુ કહેવાય આટલા રન કરવા જરાય સહેલા નથી કદાચ ભારત આજે ૧૦૦-૧૫૦ રન થી જીતી જાશે." પપ્પા એ કહ્યું, " પિચ બહુ સારી છે એટલે કાઈ નક્કી ના કહેવાય." મે કહ્યું , " શું લંકા ૪૧૪નો સ્કોર પણ પાર કરી જાશે ?" પપ્પા : "મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી હા ભારતે વિકેટના ગુમાવી હોત અને ૪૫૦ ઉપર રન કર્યા હોત તો બહુ વાંધો ના હતો." બીજી ઇનિંગ શરૂ થઈ અને લંકાએ ધોકાવાળી કરી ત્યારે પપ્પાએ વચ્ચે વચ્ચે કહ્યું પણ ખરૂ, " હવે શું કહે છે તું " મે કહ્યુ, " ગઈ મેચ હાથ માથી". તે તો છેલ્લે-છેલ્લે સારી બોલીંગ અને લંકાની ખરાબ રનીંગથી મેચ જીતી ગયા. પણ....

પણ ૨૦ વર્ષમા આ રમતમા કેટલો ફેરફાર આવી ગયો. ક્યાં ૨૦૦-૨૨૫ નો વિનીંગ સ્કોર અને ક્યાં ૪૦૦ ઉપરની બે-બે ઇનિંગ એક દીવસમા. કદાચ ભવિષ્યમા બોલરની બોલીંગ એનાલીસીસ આ રીતે લખાશે. ૧૦ ઓવર, ૧૨ દડા ખાલી, ૮૦ રન અને ૧ વિકેટ. ઇશાંત શર્માએ ફક્ત ૭.૪ રન પ્રતિ ઓવરની ઇકોનોમી(?) થી જ રન આપ્યા. આ મેચનો મેઇન ઓફ ધી મેચ છે હરભજનસિંહ જેણે પોતાની ૧૦ ઓવરમા ૨૦ દડા ખાલી નાખ્યા અને ખાલી ૧૦ ફોર અને ૪ સિક્સ સાથે ૭૫ રન આપી ૩-૩ વિકેટ જડપી. બેસ્ટ બોલીંગ એનાલીસીસ ૬૦ રનમા ૩ વિકેટ. કેરીયર એનાલીસીસ ૩૫૦ મેચમા ૨૦૦ વિકેટ ઇકોનોમી(?) ૭.૯ મેચમા ૩ કે તેથી વધુ વિકેટ ૧૦ વખત.

કદાચ ભવિષ્યમા લંચ કે ડીનર ટાઇમમા મારો છોકરો અને હું કાઈક આવી ચર્ચા કરતા હઈશું. યથાર્થ, " પપ્પા ૫૫૦ રન કરી લીધા એટલે આપણે આરામથી જીતુ જઈશું." હું, " બેટા ક્રિકેટમા કાઇ નક્કી ના કહેવાય."

-: સિલી પોઇન્ટ :-

દર વર્ષની જેમ આ વર્ષનું પણ ન્યુ યર રિઝોલ્યુશન " પહેલા જુના રિઝોલ્યુશન પુરા કરો પછી
નવાનીવાત કરો .

Sunday, December 20, 2009

કાશીનું મરણ... સુરતનું જમણ તો વિદ્યાનગર નું ભણતર.

તે ધો.૧૦ નું રિજલ્ટ આવ્યું જ હતું, છેલ્લા એક-બે અઠવાડીયાથી જે ટેન્સનનો માહોલ હતો હર્ષમા પરિવર્તીત થઈ ગયો હતો. જો કે છેલ્લા કેટલાક અઠવાડીયાથી મારા સિવાય બધા જ ચિંતામા હતા. મારા કરતા ઘરનાને મારી પર વધુ વિશ્વાષ હતો કે હું ફેઇલ જ થાઇશ. જ્યારે મને પાસ થવાના ઉજળા સંજોગો લાગતા હતા. રિજલ્ટ આવતા જ અને મેથ્સ સાઇન્સના માર્ક જોઇને ઘરનાને વિશ્વાષ થતો ના હતો કે હું આટલો હોશિયાર છુ. ટોટલ ટકાવારીમા તો કાઇ બહુ ઉકાળ્યુ ના હતુ પણ મેથ્સ-સાયન્સમા ૧૬૪ માર્ક હતા. ઘરના ની ઇચ્છા મને કોમર્સ કે આર્ટસમા મોકલવાની હતી પણ હું સાયન્સમા જવા કટિબદ્ધ હતો. કુંટુંબની પરંપરા મુજબ મારે વિદ્યાનગર ભણવા જવુ તેવુ અંતે નક્કી થયું. મારા મોટા પપ્પા પછી ૧૦ ની પરિક્ષા આપનાર દરેક સભ્ય વિદ્યાનગર ભણવા ગયો જ છે. અમારૂ એક ઘર હમણા સુધી ત્યાં હતુ અને તે ઘરમા રહી અમે બધા ભાઇ-બહેનો ભણ્યા છે.

ધો.૧૧ સાયન્સમા એડમીશન લઈ મને ઘરે નહી પણ રૂમ રાખી રહેવાનો આદેશ મળ્યો. સાયન્સ છે માટે ઘરે કાઇ નહી ભણે તેમ માની મને ઘરથી નજીક "નુતન ક્લબ" પાસે મારો રૂમ હતો. કુદરતી હું જે સ્કુલમા ભણતો તે "સત્યાવીસ પાટીદાર" સ્કુલના એક ટ્રસ્ટીનું જ તે મકાન હતૂ. સ્કુલમા પહેલા જ દીવસે અમારો સ્વાગત કાર્યક્રમ હતો. તેમા બધા સર-મેડમનો અમને પરિચય કરાવવામા આવ્યો. બધાએ અમારૂ શબ્દોથી સ્વાગત કર્યું. અંતે અમારે તેનો જવાબ આપવાનો હતો. કોઈ ઉભુ જ આ થયુ ત્યારે ટ્રસ્ટીએ અમુક ના કહેવાના શબ્દ કહેતા હું ઉભો થયો અને યોગ્ય જવાબ આપ્યો.

પણ અમુક પરિસ્થીતીને લીધે હું વધુ સમય મારૂ સાયન્સમા ભણતર આગળ વધારી ના શક્યો. માંગરોલ આવી કોમર્સમા એડમીશન લીધુ. ૧૨ કોમર્સમા પણ ઘરનાની અપેક્ષા વિરૂદ્દ હુ પહેલી જ ટ્રાયે પાસ થઈ ગયો. બી.કોમ.(અંગ્રેજી માધ્યમ) કરવા B.J.V.M. (ભીખાભાઈ જીવાભાઇ વાણિજ્ય મહાવિદ્યાલય)મા એડમીશન લીધુ. આ વખતે ઘરે જ હું અને મારો મોટો ભાઇ કે B.A. કરતો જોડે રહેતા. અમારૂ મકાન M.J.V. ( મહાવીર જૈન વિદ્યાલય) ની પાછળ "ખાડા" મા જલારામનગરમા હતું. પણ મારૂ હેડક્વાટરતો મારા બન્ને કઝીન જેમાથી એક મારી સાથે અને એક N.V. Patel સાયન્સ કોલેજમા હતો તેની "લીબર્ટી" અને "રીલીફ" હોસ્ટેલ હતુ. સવારે રૂમેથી નિકળી જતો કે રાત્રે આવતો. ત્યાં મારૂ એક જોરદાર ગૃપ બન્યું. અમે ૮ જણા કોલેજ ટાઇમ સિવાય જોડેને જોડે જ હોયે. જમવા પણ જોડે જાઇએ. વિદ્યાનગરમા એક આખુ વર્ષ ભણવા સિવાય બધુ જ કર્યુ. મોટોભાઇ MBA કરતો એટલે તેણે તો પહેલા મહીનામા જ તારણ કાઢી લીધુ હતુ કે આ કાઇ ઉકાળવાનો નથી. સિરિયસલી તેણે કોલેજનો તે સમય મને ઇન્જોય કરવા દીધો હતો. બાકી....

બપોરની કોલેજ હતી અને મારો રૂમ કોલેજ અને નાના બજારથી પ્રમાણમા દુર. હાથે ચા કરવાનો કંટાળો આવે એટલે ઘરે બધી સગવડતા હોવા છતા ૧૦ વાગે સિધો જ રિલીફે પહોચુ અને ત્યાથી સિધા જમવા જઈએ. મેસમા જમવાનું ખુબ સારૂ મળે. હું હતો ત્યારે રૂ. ૭૫૦ મા ૩૦ દિવસ બન્ને ટાઇમ જમવાનું મળતુ. માંગરોલના આજુબાજુના ગામડાના અમુક છોકરા તો વેકેશનમા પણ ટ્યુશનનૂ બહાનું કરી ત્યાં જ પડ્યા રહેતા કારણ કે ઘરે આવુ જવાનુ ના મળે . બે જાતની સુકીભાઈ (અમારા બાજુના ગામડાવાળા તેને ચુકીભાજી કહેતા) બે જાતની દાળ પંજાબી અને ગુજરાતી, તેમા ગુજરાતી દાળ પ્રમાણમા મોરી અને ગળી રહેતી જ્યારે પંજાબી દાળ થોડી તિખી રહેતી, કઠોળ,લીલોતરીનું એક શાક, ભાત, દહી છાસ, કાંદા મરચા,ગોળ સાંજે ક્યારેક ભાખરી તો ક્યારેક પુરી, દુધ અને બુધવારે ફ્રુટસલાડ, ખિચડી-ભાત-કઢી અને શુક્રવારે સ્પેસીયલ વખારેલી ખીચડી. આનાથી વિષેસ શું જોઇએ.

અમે ૮ જણા જોડે જમી ત્યાંથી જ પોતપોતાની કોલેજમા જતા. અમારા ક્લાસટીચર પ્રો.પરમાર ઇકોનોમીક્સ લે અને પિરિયડમા ગમે ત્યારે ગમે તેને ઉભા કરી પ્રશ્ન પુછે, વળી જવાબ શુદ્ધ અંગેજીમા જ આપવાનો. મારે અને અંગ્રેજીને બારમો ચંદ્ર અને ઇકોનોમીક્સ જેવો વિષય ઉપરાંત જમીને સિધા જ ક્લાસમા પ્રવેસ કર્યો હોય એટલે ઉંઘ આવવી વ્યાજબી જ હોય. એક દીવસ હું ઉંઘતો જડપાઈ ગયો (ખરેખર ત્યારે ઉંઘતો જ હતો) મને વેલ્યુ અને પ્રાઇઝ વચ્ચેનો એક તફાવત પુછ્યો. મે સામે પ્રશ્ન કર્યો અંગ્રેજીમા કે ગુજરાતીમા તેણે સામે પ્રશ્ન કર્યો "In Which medium R U Study" મે કહ્યું અંગ્રેજી તો કહ્યુ ક્યાં માધ્યમમા તમારે જવાબ આપવો જોઇએ. મે કહ્યુ અંગ્રેજી તો કે આપો. મે કહ્યુ નથી આવડતુ અંગ્રેજી બોલતા. તેને એમ કે આ ઉંઘતો હતો એટલે બહાના કાઢે છે. મને કે વેલ તો ગુજરાતીમા જવાબ આપો અને મે જવાબ આપી દીધો.

કોલેજમા મોટા ભાગના પ્રોફેશર અને મેડમ ટોપ લેવલના હતા. ભણવું પણ હતુ પણ અંગ્રેજી નડતુ હતું. જીવનમા પહેલી વાર અંગ્રેજી ના આવડવાનું દુખ થતુ હતું. કોલેજ પુરી કરી સિધો જ રૂમે જતો હતો. રસ્તામા નાસ્તો કરી અથવા તો ઘરે સાથે લઈ જતો. ૫ વાગે એટલે રિલીફ પર બધી જ પલ્ટન ભેગી થતી. ત્યાંથી અમારી પદયાત્રા નિકળતી, રિલીફ થી ભાઇકાકા સ્ટેચ્યુ ત્યાંથી મોટા બજાર, મોટા બજાર થી ક્યારેક ઇસ્કોન મંદીર તરફ થઈ B & B વાળી ગલી માથી શાસ્ત્રી મેદાન આવતા તો ક્યારેક સિધા જ RPTP થઈ શાસ્ત્રી મેદાન આવતા. શાસ્ત્રીમેદાનમા "હરીયાળી" જોય સિધ્ધા જ મેસ પર જમવા જતા. રાત્રે જમી બધ્ધા પોત-પોતાને રૂમે ભાગતા.

રવિવારનો પોગ્રાંમ શનિવારે સાંજે જ બની જતો. હોસ્ટેલમા શુક્રવારે રિલીઝ થયેલી ફોલ્મોના રિવ્યુ વહેતા થતા. રિવ્યુ ગમે તેવા હોય, નવી ફોલ્મ રિલીઝ થઈ હોય કે ના થઈ હોય ફિલ્મ જોવા જવાનું એટલે જવાનું જ. મોટેભાગે અમે ૮ જોડે જ હોઇએ. શનિવારે અમારો સિક્ષાવાળો આવીને પુછી જાય કે ક્યું ફિલ્મ જોવા જવું છે. રવિવારે સાંજે મોટાભાગે મેસમા રજા હોય એટલે એક વિકટ પ્રશ્ન શું જમવું તેનો સામે આવીને ઉભો રહે. જીવનમા શું બનવું તેના કરતા પણ મોટો અને વિકટ પ્રશ્ન શું જમવું તેનો હોય. કોઇ એક મતે થાય જ નહી એટલે છેલ્લે નક્કી કરી નાખ્યું કે દર રવિવારે સ્વાગતમા જઈ પંજાબી જ ખાવાનું. ત્યાંથી સિધુ સત્યનારાયણ કે જે ત્યારે હજી ફેમસ ના કતુ તેનો આઇસક્રીમ ખાવાનો. ત્યાં બહાર પાનવાળાની દુકાને અમારો રિક્ષા વાળો અમારી રાહ જોતો ઉભો હોય. સાથે ફોલ્મની ટીકીટ પણ હોય. ફિલ્મ જોયા પછી અમને લેવા પણ આવી ગયો હોય. અમને હોસ્ટેલે મુકી જાય અને બીજે દીવસે આવી હીસાબના પૈસા લઈ જાય. દર વખતે ભાગ પાડવાની ઝંજટ ના કરતા દર વખતે એક વ્યક્તિ બધો ખર્ચ આપી દે. બે મહીને એક વાર વારો આવતો.

આટલા જલ્સા અને સાથે મારા સિવાય બધા જ વ્યવસ્થીત ભણતા. જો કે મારુ નામ "બેસ્ટ સ્પિકર ઓફ કોમર્સ" માટે યુનિ. સુધી ગયેલુ પણ પર્શનલ કારણે હું આગળ જઈ ના શક્યો. પ્રો. પંચાલ અને પ્રો ટંડેલને મારી પાસેથી ખુબ અપેક્ષા હતી પણ હું આગળ ના જ વધી શક્યો. બીજા વર્ષે પણ તેણે ગુજરાતી મીડયમમા મને એડમીશન લેવડાવ્યું હતુ પણ અંગત કારણો સર મારે વિદ્યાનગર છોડવું પડ્યુ. સોરી પંચાલસર.

તે પછી પણ છેક ૨૦૦૩ સુધી લગભગ બધી જ નાતાલ હું વિદ્યાનગર કરતો. હમણા છેલ્લે ૨૦૦૮મા ગયો ત્યારે આધુનિકતા રંગે રંગાયેલુ વિદ્યાનગર જોયુ. કદાચ અભાવમા પણ અમે જે જલ્સા કર્યા છે તે આ આધુનિક વિદ્યાનગરમા થવા શક્ય નથી. રવિવારે ઘરે ફોન કરવા માટે STD-PCO મા લાંબી લાઇનમા ઉભવું, ચાલીને બધે ફરવું, અપરમા બાકડા ઉપર બેસી ઉચી ડોક રાખી ફોલ્મ જોવુ આ બધાની મજા જ કઈ ઓર છે. કાશ બીજો જન્મ મળે અને મને મારો કોલેજકાળ ફરી વિદ્યાનગરમા જ વિતાવવા મળે તો કેવું ? એટલે જ કહુ છુ કે "જો કાશીનું મરણ અને સુરતનું જમણ તો વિદ્યાનગરનું ભણતર."

-: સિલી પોઇન્ટ :-

જગત હંમેશા સફળ લોકોની જ સલાહ માને છે, તમે ગમે તેટલા સાચા કેમ ના હો પણ સફળ નહી હોવ તો કોઇ તમારી વાત સાંભળશે નહી.

Tuesday, December 15, 2009

પિતૃત્વની અનુભુતી... I Love U Papa.



"આ તોફાન કોણે કર્યું ?", આટલી જ બુમ પડતા ચડ્ડી ભીની થઈ જતી. સટાક કરતા એક ગાલ ઉપર પડે અને પછી ૧૦-૧૫ મીનિટની જોરદાર શિખામણ. એક વાર કહી દે કે આમ નથી કરવાનુ એટલે પત્યું, પછી દુનિયા ઉંધી-ચત્તિ થઈ જાય પણ તેમા કોઇ ફેરફાર ના થાય. હું ખરેખર પપ્પાથી ખુબ ડરતો હતો. ક્યારેય પણ સાચી ખોટી વાત કરવાની પણ હિંમત ના હતી.

આજ થી ૫ વર્ષ પહેલા જ્યારે મને ખબર પડી કે હું પપ્પા બનવાનો છું ત્યારે અલગ જ ફિલીંગ થઈ. ઘરમા સૌથી નાનો અને એટલે જ નાના તરીકે જ મોટો થયો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ હું ખરેખર મોટો થતો ગયો. અને એક દીવસ હું પણ પપ્પા બન્યો.

અત્યાર સુધી હું એક પુત્ર તરીકે પપ્પાને મુલવતો હતો. પણ પિતૃત્વની અનુભુતી થઈ પછી ખબર પડી કે જેને હું કઠોર સમજતો હતો તેની અંદર કેટલો વ્હાલ હતો. આજ સુધી એક કઠોર અને શિસ્ત પાલનમા બહુ સખ્ત એવા પપ્પાને જોતો હતો હવે તેની તે ચેષ્ઠામા મારા પ્રત્યેનો પ્રેમ દેખાવા લાગ્યો. પિતા તરીકેની ફરજને નિભાવવા તેણે પોતાના દીલ પર પથ્થર મુકવો પડ્યો હશે તેની અનુભુતી મને એક પિતા થયા પછી જ થઈ.

તાવ આવ્યો હોય અને મને ધરારથી દવા પિવડાવતા ત્યારે અનાયાશે જે અણગમો થતો ત્યારે પપ્પાને શું થતુ હશે તે નો ખ્યાલ મારા પુત્રને તાવ આવ્યો ત્યારે થયો. કદાચ આપણે જેટલા ગુણગાન માતૃત્વના ગાયા છે તેટલા પિતૃત્વના ગવાયા નથી. આ લાગણી અને અહેસાશ એક પિતા બન્યા પછી જ થાય છે. આજે ફક્ત એટલુ જ કહેવું છે


I LOVE U PAPA

-: સિલી પોઇન્ટ :-

સંબંધોને ફક્ત આપણી આંખે જ જોવાની ભુલ ના કરવી, ક્યારેક બીજાની નજરે પણ જોય લેવું, શક્ય છે કે આપણે જે જોયે છીએ તેનો દ્રષ્ટીકોણ ખોટો હોય.



Sunday, December 13, 2009

I Love Parle..... કદાચ તમે પણ.

મારી વયની દરેક વ્યક્તિએ જીવનમા એકવાર તો પાર્લેની કોઈને કોઈ આયટમ ખાધી જ હશે. તમને થશે આજે આ પાર્લે ક્યાંથી યાદ આવી ? ગયા અઠવાડીયે યથાર્થ માટે પિપર લેવા ગયો. દુકાનવાળો ઘરનો જ હતો એટલે તેની સલાહ માંગી કઈ લઈ જાવી. કારણ કે જેટલી લઈ જાવ તે બધી તે પુરી જ કરી નાખે . દુકાનવાળાએ કહ્યું પોપિન્સ લઈ જાવ એક તો નાની-નાની પિપર આવે અને એક રોલ બે-ચાર દિવસ ચાલે તે નફામા. તરત જ મને મારું નાનપણ યાદ આવ્યું. અને ત્યારે જ મારો પાર્લે પ્રત્યેનો લગાવ અહી મુકવાનો નિર્ણય કર્યો.

ત્યારે હું પ્રાયમરીમા ભણતો હતો. રિસેસમા મોટાઘરે જમવા હું અને મારી નાની બેન સાથે જમવા જતા. રોજ જમીને મોટા મમ્મી કાઇક ભાગ આપે, ક્યારેક બોર હોય તો ક્યારેક જામફળ આપે. ફ્રુટના હોય ત્યારે તે અમને બન્નેને ૨૫ પૈસા (હા, પાવલી અને તે પણ ૧૯૮૭-૮૮ મા) આપે. ત્યારે ૨૫ પૈસાની ૨ કિસમી કે ઓરેન્જ અથવા તો ૧ મેન્ગો બાઈટ કે મેલોડી આવે. પણ અમે બન્ને ભેગા થઈ ને ૫૦ પૈસાની પોપિન્સ લઈ લેતા. ૫૦ પૈસામા બન્નેને ૩-૪ પિપર મળતી.

હું માંગરોલ રહેતો પણ વારે વારે કોઈને કોઇ મુંબઈ જતુ એટલે લેટેસ્ટ વસ્તુ જે બજારમા આવી હોય તે ઘરમા અચુક આવતી. વારે તહેવારે બહાર જવાનું થતુ એટલે મોટાભાગની વસ્તુનો સ્વાદ માણેલો. કેશોદ એરપોર્ટ પર જ્યારે કોઈ ને મુકવા કે લેવા જઈએ ત્યારે કેન્ટીનમા ગોલ્ડસ્પોર્ટ કે લીમકા પીતા, સાથે નાસ્તામા મોનેકો અને ક્રેકજેક બિસ્કીટ ખાતા. પાર્લે-જી તો ઘરે આવતા જ હતા.

અરે કિસમી તો હમણા સુધી મારા પોકેટમા પડી રહેતી. આજે બજારમા કેટલીય વેરાયટીના બિસ્કિટ,પિપર ચોકલેટ મળે છે પણ જે સ્વાદ અને જે મજા પાર્લેની પિપર બિસ્કિટ ખાવામા મળે છે તે બીજી કોઈ વસ્તુમા મળતી નથી. આજે પણ જ્યારે ટ્રાવેલીંગમા ગયો હોય અને ખુબ ભુખ લાગી હોય અને કાઇ વ્યવસ્થિત ખાવાનું ના મળતુ હોય ત્યારે પાર્લે-જી અને ફ્રુટી થી ચલાવી લવ છું. કદાચ આ બધી પ્રોડક્ટ સાથે ભાવનાત્મક સંબંધ સ્થપાય ગયો લાગે છે.

-: સિલી પોઇન્ટ :-
સફળતા એકલી નથી આવતી, કેટલા બધા લોકો ની અપેક્ષાઓ પણ સાથે આવે છે.

Thursday, December 10, 2009

"ધાર્મીક અંધશ્રદ્ધા" - ફક્ત નબળા વર્ગનો જ ઇજારો નથી.

લગભગ બે વર્ષ પછી માંગરોલ આટલો વખત રહ્યો છું. બે વર્ષમા ઘણુ ચેન્જ થઈ ગયું છે. ભાભી હોસ્પિટલમા હતા ત્યારે વાત માથી વાત નિકળતા ભાઈએ કહ્યું કે નાનુભાઈ(નામ બદલાવેલ છે)ની ટવેરા નથી એટલે અહીથી એમ્બ્યુલન્સ લઈ જવી પડશે. નામ સાંભળતા જ હું ચોકી ઉઠીયો મે તરત જ પ્રશ્ન કર્યો "તે તો ઉઠી ગયો હતો ને ?" ભાઈ કહે હા પણ અત્યારે તે કરોડોમા રમે છે. પછી તો ભાઈએ માંડીને વાત કરી પણ મને બહુ મગજમા ના ઉતર્યું. માંગરોલ આવ્યા પછી ૮-૧૦ વખત ભેટો થયો એટલે બધી વાત મગજમા ઉતરી ગઈ. તો પહેલા તમને નાનુભાઈના ભુતકાળમા લઈ જવ.

મારાથી બે-ત્રણ વર્ષ મોટા એવા નાનુભાઈ કેટલાય વર્ષ બાજુના મીલમા ૮ કલાકના ૮૦ રૂપિયા લેખે કામ કર્યું. મગફળીમા થોડીક સમજ આવી અને મોટા કુટુંબનો સાથ અને બહુ અપેક્ષા બગર મગફળીના ધંધામા ઝંપલાવ્યું. હું ત્યારે રેગ્યુલર ઓફીસમા બેસતો થયો હતો. તે સેમ્પલ લઈ ને આવે અને હું બધુ ચેક કરી ભાઈને કહુ એટલે ભાઇ બધી સુચના આપે કે કેટલા આ મગફળી લેવાય અને તમને કેટલો નફો મળશે. મગફળી આવે ત્યારે તેનું સેમ્પલ કરી તેના નફાના અને ખેડુતને દેવાના પૈસા અલગ કરી આપીએ. ધીમે-ધીમે તો નાનુભાઈ કારખાના સ્ટાફ મેમ્બર જેવા થઈ ગયા હતા. ભાઈ તેમનું બહુ રાખે ક્યારેક નુકશાની જતી હોય તો પૈસા પુરા કરી દે. સામે નાનુભાઈ પણ નાના-મોટા કામ કરી આપે. ધીમે-ધીમે ધંધો વધતો ગયો. નફા માથી તેણે પહેલા કેરીયર રિક્ષા અને પછી ટ્રેક્ટર વસાવ્યું.

જલદી પૈસાવાળા થવાની લાહ્યમા નાનુભાઇ નીતી ચુક્યા એટલે અમે તેનો માલ લેવાનો બંધ કર્યો. સિતારો સાતમે આકાશે હતો ત્યારે તો ગામમા નાનુભાઈનું નામ ગાજતુ. એક સાથે કેટલાય ધંધા કરતા અને એક વર્ષ તો તેમણે મગફળીના કારખાનામા ભાગ પણ રાખેલો. પણ ખોટી નિતીનો પૈસો લાંબો સમય ના રહે તેમ ધીમે-ધીમે વળતા પાણી આવ્યા. હું અમદાવાદ રહેવા ગયો ત્યારે તેમની પરિસ્થિતી બહુ ખરાબ હતી. ખાવાના ફાફા હતા અને કોઈ ઉધાર આપવા તૈયાર ના હતું.

અત્યારે.... હજી કાલે જ નાનુભાઈ પોતાની નવી સ્કોડા અને કોર્પીયો બતાવા આવ્યા હતા. હાથમા ચાર-ચાર મોંઘા મોબાઈલ ગળામા ઝાડી-ઝાડી ચેઇનો અને હાથમા લક્કી. સફેદ કપડા અને આગળ-પાછળ ફરનારા વટ પડતો હતો. આ બધુ થયુ કેમ ? તે ક્યાંકથી હાથ ચાલાકી સિખી લાવ્યા અને લોકો સામે નોટોનો વરસાદ કરવા મંડ્યા તેમા તો તેના ફોલોવરનો રાફડો ફાટ્યો. કોઈ ---દેવ બની ગયા. અને હા તેના ફોલોવર કોઈ નાનાએવા મણસો નથી. ગામના સૌથી પ્રતિષ્ઠીત અને નામાંકિત લોકો જેમા ડોક્ટરો,વકીલો,ઉદ્યોગપતિઓ વગેરે સામેલ છે. છેલ્લા મહીના દીવસથી જોવ છુ લોકો કામધંધો મુકી તેની પાછળ છે. એક ડોક્ટરે તો પોતાની પ્રેક્ટિસ મુકી દીધી.

આ જોયને થયુ કે ધાર્મીક અંધશ્રદ્ધા ફક્ત નબળા વર્ગ્નો જ ઇજારો નથી વેલ-એજ્યુકેટેટ લોકો પણ તેમા વહી જાય છે.

-: સિલી પોઇન્ટ :-

" ક્યારેક બીજાનો અકસ્માત જોવામા આપણો પણ અકસ્માત થઈ જાય છે" - મતલબ કે બીજાની ભુલોમા ધ્યાન આપવા કરતા આપણા કામમા ધ્યાન રખવું વધુ હિતાવર છે.

Tuesday, December 8, 2009

લાગણીઓમા વહી જવું કે ડુબી જવુ ?

છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતીઓ(હાથે કરીને ઉભી કરેલી) એવી આવીને ઉભી રહે છે કે વારંવાર લાગણીઓનો વિચાર થઈને જ રહે છે. પેલા દેવ-ડીની જેમ છેલ્લા કેટલાક સમયથી ઇમોશનલ અત્યાચાર સહન કરૂ છુ. આમ તો હું પહેલાથી જ થોડો લાગણીશીલ અને તેનો મીત્રોએ અને આજુબાજુના લોકોએ ભરપુર ફાયદો ઉઠાવ્યો છે અને હજી ઉઠાવે છે. ક્યારેક તો બુદ્ધી કહે કે પેલો તને મુર્ખ બનાવે છે તો પણ દીલના માને અને લાગણીમા વહી જવાય. જોબ કરતો ત્યારે બોસ ફાયદો લેતા એમ કહીને કે તું જોબ કરવા આવ્યો ત્યારે તને કક્કો પણ આવડતો ના હતો અમે તને શિખવાડ્યું એટલે તારાથી તો જોબ છોડાય જ નહી. ૮ મહીના કાળી-ધોળી અને લાલ મજુરી કરાવ્યા પછી પણ જ્યારે દીવાળી ઉપર એમ કહીને કે તને તો એક વર્ષ નથી થયુ એટલે બોનસ ના મળે ત્યારે મગજ ફરવો વ્યાજબી હતો. છતા લાગણીઓને કંટ્રોલ કરી છેલ્લો મહીનો પ્રેમથી કામ કરી છુટો થઈ ગયો.

કદાચ આવો કંટ્રોલ બે-ત્રણ વર્ષ પહેલા ના રહ્યો હોત. કારણ કે ઉગ્ર લાગણીઓને કાબુમા રાખતા છેલ્લા બે વર્ષથી જ શિખ્યો છુ. પહેલા તો કોઈની દરકાર રાખ્યા વિના જે સાચુ હોય તે ગમે તે સામે હોય તેને મોઢે મોઢ કહી દેતો. મારા સ્વભાવથી ઘણૂ સહન કર્યું છે. પણ ત્યારે મે શિખી લીધુ છે .

લાગણીઓ એ એક જાતની શક્તિ છે તેને પોઝીટીવ વર્કમા ડાઇવર્ટ કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે. હવે જ્યારે પણ મનમા કોઇ લાગણીઓ જન્મે છે ત્યારે તેને હું થોડો સમય હોલ્ડ કરીને રાખુ છુ. જેથી મને યોગ્ય નિર્ણય લેવાનો સમય મળી રહે . આ શિખ્યો તેનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે હું લોકોને પહેલા જેટલો કડવો લાગતો હવે એટલો જ મીઠો લાગવા મંડ્યો. બીજુ મનમા જે લાગણીઓ જન્મે તેને પ્રોપર રીતે એનાલીશીસ કરવાનો સમય મળી રહે છે. દા.ત. કોઇએ મારા હીતનું નુકશાન કર્યુ છે અને મારા મનમા તિરસ્કારની ભાવના જાગે તો એટ ધેટ ટાઈમ તે વ્યક્ત કરવાને બદલે હવે હું થોડો સમય હોલ્ડ કરૂ છુ. આમ કરવાથી મને તેના આવા કૃત્ય કરવા ના પ્રોપર કારણો વિષે વિચાર કરવાનો સમય મળી રહે છે.

આ તો મારી થીયરી છે, મારા મતે ઉગ્ર લાગણી ત્વરીત વ્યક્ત કરવાથી ડુબાડે છે, જ્યારે સ્નેહની લાગણીઓમા વહી જવાનું હોય છે.

-: સિલી પોઇન્ટ :-

"ભવ્ય'ભુતકાળ' એ 'વર્તમાન'માં ફક્ત આશ્વાસન છે, 'ભવિષ્ય'ની ગેરેંટી નહી."

Monday, December 7, 2009

રાઝ પિછલે જન્મ કા....

છેલ્લા કેટલાય દિવસથી સતત જેની જાહેરાતનો મારો ટી.વી. પર થઈ રહ્યો છે તે શો આજથી શરૂ થવા જઈ રહ્યો છે. સદનસીબે હું જોય નથી શક્યો અને એટલી બધી ઇચ્છા પણ નથી જોવાની પણ બ્લોગ પર લખવા નવો મસાલો મળી ગયો.

મારા પ્રીય લેખક શ્રી શાહબુદ્દીન રાઠોડસાહેબે લખ્યું છે તેમ માણસનો વર્તમાન ખરાબ હોય ત્યારે તે કા ભવિષ્યના સપનામા રાચતો હોય અથવા ભુતકાળ માથી ભુલો કાઢતો હોય. ગગો ઉઠેલ નિકળ્યો, નક્કિ ગયા જન્મમા પાપ કર્યા હશે. ગગા-ગગીના લગ્ન નથી થતા અને માથે પડ્યા છે, ગયા જન્મના મોટા વેરી પેટે ઉતર્યા. પત્ની કજ્યાખોર છે, ગયા જન્મમા કોઈ શ્રાપ દીધો હોવો જોઈએ. આ રીતે ઘણાને બહુ સહેલાયથી વર્તમાનની સમસ્યાઓને ટાળતા જોયા છે.

ગગો ઉઠેલ છે તેમા ગયા નહી આ જન્મના જ પાપ નડે છે, નાનો હતો ત્યારે કાઈ કીધુ નહી એટલે છાપરે ચડીને બેઠો છે. બે ધોલ દીધી હોત તો લાઈનમા આવી જાત. છોકરા-છોકરીનું કાઈ ઠેકાણૂ નથી પડતુ તે માટે ગયા નહી આ જન્મના જ વેર નડે છે. સમાજમા ક્યાય સારાસારી રાખી છે કે કોઈ માગા નાખે. પત્ની કજ્યાખોર છે તેમા પણ આપણો જ વાક છે કોઈ દીવસ સમજાવટથી કામ લીધુ છે ?

સિરિયસલી કહુ તો સમસ્યાથી છટકવાનો આ બહુ સહેલો રસ્તો મળી ગયો છે. હશે પુર્વ-જન્મ જેવું કાઈક હું ના નથી પાડતો પણ પુર્વ-જન્મ જો સાચો હોય તો પહેલા ચાલુ જન્મ સાચો છે. આજની પરિસ્થીતી, આજની સમસ્યા તે આ જન્મની છે અને તેનું આ જન્મમા જ નિરાકરણ લાવવાનું છે. વર્તમાન સનાતન સત્ય છે અને રહેવાનું છે. હા તેનો આધાર ભુતકાળના પાયા પર રહેલો છે પણ ઇમારત એટલે એકલો પાયો જ નથી.

કહેવાનો મતલબ એ છે કે આજની સમસ્યાનો ઉકેલ પહેલા વર્તમાનમા શોધવો જોઈએ, નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ . બાકી પાછલા જન્મમા હું ગમે તે હોવ તેનો મારા આ જન્મમા શું ફરક પડે છે ? જો હું બિરલા,ટાટા કે અંબાણીનો પુર્વજ હોવતો મને તે તેનો હિસ્સો આપી દેવાના નથી અને ભિખારી હોવ તો મારી પાસે જે છે તે કોઈ લઈ લેવાના નથી. પણ માણસને અર્ધખુલ્લા દરવાજે થી ડોક્યું કરવાની મજા આવે છે. જે જોયું તેના વિષે અનુમાનો બાંધી એક કાલ્પનીક દુનિયામા કે જે પોતે પોતાની મરજી પ્રમાણે બનાવી છે અને બધુ જ પોતાની ઇચ્છા મુજબનું છે, તેમા રાચવાનો એક અનોખો આનંદ આવે છે.

હશે જેવી ટી.વી.વાળાની ઇચ્છા.

-: સિલી પોઇન્ટ :-
આપણે હમેંશા ખાંડ જેવા બનવા ઇચ્છીયે છીએ કે જેની હાજરીની બધા નોંધ લે, પણ ખરેખર મીઠા(સોલ્ટ) જેવું બનવું જોઈએ, જેની ગેરહાજરીની નોંધ લેવાય.

Tuesday, December 1, 2009

આજની વાનગી - "ભારતીય નાગરીક"

નમસ્કાર મીત્રો.. આજે આપણી રસોયમા હું તમને ભારતીય નાગરીક કેમ બનવું તે સિખવાડીશ. તો નોટ અને પેન તૈયાર કરી લ્યો.. તો ચાલો આજે બનાવીયે ભારતીય નાગરીક...

તો પહેલા જરૂરી સામગ્રીનું લીસ્ટ બનાવી લ્યો.. ભારતીય નાગરીક બનવા માટે જરૂરી છો કે તમે ભારતીય જેવા દેખાતા હોવા જોયે.. પછી તમે ભલેને પાકીસ્તાની હોવ કે બાંગ્લાદેશી, શ્રીલંકન પણ ચાલે. બીજુ તમારે કોઈ લોકલ સગા કે ઓળખાણ હોવી જરૂરી છે ના હોય તો પણ વાંધો નહી જો હોય તો થોડૂક સસ્તામા પતે. અને અતિ જરૂરી સ્વાદ (અહી જરૂરીયાત) મુજબ નાણા .

ભારતીય નાગરીક બનતા પહેલા પુર્વતૈયારી રૂપે રાશનકાર્ડમા નામ નોંધાવુ પડે છે. તેના માટે લોકલ વ્યક્તિને સાથે લઈ નજીકના સસ્તા અનાજની દુકાને જવું. તે દુકાનવાળાને વિસ્વાષમા લીધા પછી તાલુકા મથકની મામલતદાર કચેરીએ નિયત વારે કુપન(રાશન કાર્ડ) ગુમ થઈ ગયાની અરજી કરવી. અરજીની સાથે સસ્તા અનાજની દુકાનવાળાનો દાખલો જરૂર જોડવો. અરજી કર્યા પછી ઓફીસનો કારકુન તમને એક એફીડેવીટ કરવાનું કેહેશે એટલે ઓફીસની બહાર નિકળશો કે તરત તમને એક ટાઈપિસ્ટ બેસેલો દેખાશે. તેને તમે સ્ટેમ્પ + વધારાના ૫૦ રૂ. આપશો એટલે તે સોગંધનામુ ટાઈપ કરી આપશે. જો ટાઈપપિસ્ટ દયાળૂ હશે તો બે કોપિમા ટાઈપ કરી આપશે બાકી તમારે ઝેરોક્ષ કરાવવી પડેશે. તે સોગંધનામુ લઈ સિધા મામલતદાર ઓફીસમા પહોચી ક્લાર્કને આપશો અને હા જોડે રિવાજ મુજબ ૧૦ થી ૫૦ ની નોટ મુકવાની ના ભુલતા. આટલુ કરશો એટલે એક-બે અઠવાડીયામા તમારૂ કુપન તૈયાર.

હવે પછી નો રસ્તો સાવ સિધો છે. અરે ધ્યાન રાખો એટલો પણ સિધો નથી હજી તો ઘણૂ કામ બાકી છે. આ કુપનથી તમે લાઈટ-ટેલીફોન મેળવી સકશો, મતદારયાદીમા નામ લખાવી વોટર આઈ.ડી અને બેન્કમા ખાતુ પણ ખોલાવી શકશો પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે જન્મતારીખનો દાખલો જોઈશે. તે મેળવવો પણ બહુ સહેલો છે. ગામની પંચાયત ઓફીસ કે નગરપાલીકામા જન્મમરણ નોંધણી વિભાગમા જાવ, તમારી સાચી-ખોટી જન્મતારીખ કહો અને દાખલો માગો, જરુરીયાત પ્રમાણે નાણા ચુકવો એટલે દાખલો હાજર. હવે રસ્તો સાફ.. આ દાખલાના આધારે ડ્રાઇવીંગ લાયસન્સ (એજન્ટ રૂ. ૨૦૦ થી ૫૦૦ મા મેળવી આપશે. ડાયરેક્ટ કરવા જશો તો આખી જીંદગી નિકળી જશે.), પાનકાર્ડ ( ફરી એજન્ટ રૂ. ૮૦ થી ૧૫૦મા અને ૨૫૦મા છેલ્લા વર્ષનું રિટર્ન સાથે.) પાસપોર્ટ (ફરી એજ પ્રક્રીયા) મેળવી શકશો.

તો તૈયાર છે ભારતીય નાગરીક....

તમને થશે હું શું મજાક કરૂ છું. ના આ મજાક નથી હું બહુ સિરિયસ છું. હમણા જ ૨૬/૧૧ ગઈ. બહું ઠેકડા માર્યા બધાએ. શક્તિ પ્રદર્શન પણ કર્યૂ કે અમે કેટલા શક્તિશાળી છીએ. આપણે આ બધુ કરતા હૈશું ત્યારે ગદ્દાર લોકો કેવા હસતા હશે નહી આપણી ઉપર. બધુ જ બરોબર છે. પોલીસવાળાને બુલેટપ્રુફ જેકેટ મળવા જ જોઇએ, લેટેસ્ટ હથીયાર હોવા જ જોઇએ પણ જ્યાં આંતરીક સિસ્ટમમા જ મોટા-મોટા બોકારા છે તેનું શું ? આતંકવાદી આવે અને પછી તેનો સામનો કર્યે તેના કરતા તેને આવતા જ રોકવા શું ખોટા છે ?

શું મુંબઈ પર થયેલો હુમલો સ્થાનીક મદદ વગર શક્ય હતો ? એકલા મુંબઈ જ શા માટે છેલ્લા ૧૦-૧૫-૨૦ વર્ષમા જેટલી પણ વાર હમલા થયા છે શું તે સ્થાનીક મદદ વગર શક્ય બને ? મુંબઈનો સ્થાનીક રહેવાસી આટલી ઝડપથી વી.ટી. સ્ટેશન, હોટલ તાજ કે ઓબેરોય ના પહોચી શકે તેટલી ઝડપથી તેઓ પહોચ્યા હતા. સાલી કોઈની દીમાગ કી બત્તી કેમ જલતી નથી ?

આતંકવાદીઓને ખબર છે કે મરવાનું છે અને જો જીવતા પકડાયા તો પણ સાસરૂ જ છે ૧૦-૧૫ વર્ષ મોજ જ કરવાની છે. પેલો અફઝલ ગૂરૂ મોજ કરે છે અને હવે આ કસાબ પણ મોજ કરશે. એવું એક તો કારણ જણાવો કે જેનાથી આતંકવાદી ભારત આવતા ડરે ? બીજુ હું જ્યાં રહુ છુ તે માંગરોલ દરિયા કિનારે છે અને હાઇલી સેન્સીટીવ એરીયા કહેવાય. અહી થી માધવપુર સુધીનો ૩૦-૪૦ કિમી લાંબો દરીયાકિનારો સંભાળવા હમણા સુધી એક બોટ અને ૧૦-૧૫ નેવીના જવાનો હતા. બીજુ વચ્ચેના નાના-નાના ગામડામા બે-ચાર ગામડા વચ્ચે એક ફોરેસ્ટ ઓફીસર હતા. બહારથી કાઈ પણ અહી લેન્ડ કરવું હોય તો બહુ સહેલુ છે. ભુતકાળમા લેન્ડ થયેલુ પણ છે. પણ હમણા સુધી કોઈ તકેદારી લેવાતી ના હતી. તાજેતરની મને ખબર નથી પણ બે વર્ષ પહેલા સુધી તો આ જ સ્થિતી હતી.

કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ હુમલો કરે અને પછી તેનો મુકબલો કરવો તેના કરતા તેને આવતા જ ના રોકી શકાય ? કાશ...

Thursday, October 29, 2009

રેલ્વેના જનરલ ડબ્બાને શું કહેશો ?




હમણા થોડા સમય પહેલાની જ વાત છે, કોઈ પ્રધાને ભારતીય મુસાફરીના એક માધ્યમને "કેટલક્લાસ" કહીને સંબોધ્યું તેમા બહુ ઉહાપો થયો હતો. હું અહી તેના વિષે કોઈ ટીક્કા-ટીપ્પણ કરવા નથી માગતો. અહી ગયા મે-જુનમા જ્યારે ઉત્તર ભારત પ્રવાસે ગયેલો ત્યારે રેલ્વેનો થયેલો અનુભવ અહી લખવા જઈ રહ્યો છું. રેલ્વે એ આમ-આદમીની જીવાદોરી છે ત્યારે તેને તમે શું નામ આપશો ?

જોધપુર(રાજસ્થાન) થી દિલ્હી જતી વખતે સાઈડ અપર બર્થ આવી. ઘણા સમય પછી ટ્રેનમા જતો હતો એટલે પેલી જુની અપર બર્થ મગજમા. બોગીમા ચડતા વેત જ લાલુનું મેનેજમેન્ટ નજર સામે આવ્યું. સાલુ સાઈડ બર્થમા પણ બેની જગ્યાએ ત્રણ બર્થ ઠોકી દીધેલી. ઉપરની બર્થ જોય એક જ વિચાર આવ્યો હું તો જેમ તેમ કરી ઘુસી જાઈસ પણ કોઈ વ્યવસ્થિત તંદુરસ્ત વ્યક્તિનું શું થતુ હશે ?


મને ખુદને ઘુસ્યા પછી કોફીનમા અનંત યાત્રા પર નિકળ્યા હોય તેવો અનુભવ થતો હતો. તેમા પણ સાઈડની ફ્રેમ પગ પણ બહાર કાઢવા દે નહી અને ગરમી કે મારૂ કામ, ઉપર હવા પહોચાડવા પંખો જમીન પર ફીટ કરવો પડે. દિલ્હી પહોચતા સુધીમા તો હાડકાની વ્યવસ્થીત ચંપી થઈ ગઈ હતી. જેલમા પણ કેદીને આનાથી સારી જગ્યા સુવા મળતી હશે .

બીજો પ્રસંગ લખનૌ થી સહારનપુર જતી વખતે થયો. ૧૫ દિવસ થી સતત મુસાફરી અને કામના થાકને હિસાબે એમ હતું કે ૭.૩૦ ની ટ્રેન છે એટલે બેસીને તરત ઉંઘી જ જવું છે. સ્ટેશન પર પહોચીયો ત્યારે ખબર પડી કે ટ્રેન ૩૦ મીનિટ લેઈટ છે. એટલે હળવો નાસ્તો કરી બેન્ચ પર બેઠો હતો. ત્યાં મારા પગ પાસે સળવળાટ થયો, જોયું તો એક મોટો બધ્ધો ઉંદર પગ પાસે બેઠો હતો. આવડો ઉંદર મે ક્યારેય જોયો ના હતો. સસલા જેવડા ઉંદર બીન્દાસ ફરતા હતા. થોડીક વાર થઈ ત્યાં તો લાઈટ જતી રહી. ૩૦ મિનિટ લેઈટ કરતા-કરતા ૬ કલાક ટ્રેન લેઈટ આવી. આ ૬ કલાક જીંદગીના સૌથી વધુ કંટાળા જનક હતા. સખત ગરમીમા ૬ કલાક દરમ્યાન ૧૫-૨૦ વખત લાઈટ ગઈ, ઉંદરોનો ત્રાસ અને થાક બધુ ભેગુ થયુ.

દિલ્હી થી અમદાવાદ આવવાની આશ્રમ એક્સપ્રેસની વેઇટીંગ ટીકીટ હતી. જે દિલ્હી પહોચતા સુધીમા કંફમ ના થઈ. બે જ રસ્તા હતા, હજી એકાદ બે દિવસ રોકાય જાવ જેથી તત્કાલમા ટીકીટ મળી જાય. પણ ૨૧ દિવસ થી ઘર થી દુર રહી એવો કંટાળ્યો હતો કે હવે એક પણ દિવસ કાઢવો મુશ્કેલ હતો. બીજો રસ્તો જે મળે તે સાધનમા અમદાવાદ આવી જાવ. આ તો કાઈ અમદાવાદ-રાજકોટ થોડુ જવાનુ હતુ કે દર બે કલાકે બસ મળે. કુદરતી બધી જ બસો પેક હતી. છેવટે આશ્રમ એક્સ. ના જ જનરલ ડબ્બામા નિકળવાનો નિર્ણય લીધો. સહારનપુર થી દિલ્હી કટોકટ ટાઈમે પહોચ્યો હતો એટલે બેસવાની જગ્યાની તો કોઈ અપેક્ષા જ ના હતી. પણ એવું પણ ધાર્યુ ના હતું કે ઉભવાની પણ જગ્યા નહી મળે. મુંબઈમા લોકલમા ભિડ જોયેલી છે પણ તે થોડીક મીનિટો કે કલાકોની મુસાફરી માટે જ્યારે અહી પુરા ૧૭ કલાકનો પ્રશ્ન હતો. અમે ૮-૧૦ વ્યક્તિઓ ટોઇલેટમા ઉભા રહ્યા કારણ કે બીજે ક્યાંય જગ્યા જ ના હતી. રાત્રે ૯ વાગ્યા હશે ત્યારે જયપુર આવ્યુ, ત્યાથી થોડીક ભિડ ઓછી થઈ અને અમે ટોઇલેટ માથી બહાર દરવાજા પાસેની જગ્યા પર આવ્યા. છેવટે બન્ને ટોઇલેટ વચ્ચેની જગ્યામા અમે ૮ વ્યક્તિ એક-બીજા ઉપર ગોઠવાયને સુતા. સવાર સુધી આ જ સ્થિતીમા હલ્યા-ચલ્યા વગર પડ્યા રહ્યા. સવાર પડી અને ટોઇલેટ યુઝ કરવા વાળાનો ઘસારો ચાલુ થયો એટલે અમારે ના છુટકે દરવાજે લટકવુ પડ્યું. અમદાવાદ ઘરે આવીને કપડા કાઢ્યા ત્યારે રિતસર કપડા માથી ટોઇલેટની વાસ આવતી હતી.

આ તો મારો પહેલો અનુભવ હતો જનરલ ડબ્બાની મુસાફરી કરવાનો અને કદાચ ફરી મોકો મળે પણ નહી. પણ લાખો લોકો રોજ આ રિતે જ મુસાફરી કરતા હોય છે, કોઈ પણ ફરિયાદ વગર અજાણ્યાની મદદ કરતા કરતા થોડીગ ગાળો બોલીને પણ . ૧૫-૨૦ કલાકની મુસાફરી કે જ્યા ક્યારેક ટોઇલેટમા પાણી પણ ના હોય ગંદા હોય વાસ આવતી હોય. તેમ છતા ક્યારેય કહ્યું નથી કે જનરલ ડબ્બો એટલે ઘેટા-બકરાનો ડબ્બો. કદાચ તેમની પાસે બ્લોગ, ઓરકુટ, ફેસબુક કે ટ્વિટર જેવા લાગણીઓ ને વાચા આપતા માધ્યમો નથી હોતા એટલે.


Wednesday, October 28, 2009

"દિવ" - એક અનોખી જગ્યા.

પ્રવાસ વર્ણન મારો શોખ રહ્યો છે. ફરવાનો કંટાળો આવે પણ જે તે જગ્યાએ ગયા પછી તે જગ્યાનું બારીક અવલોકન કરી મહત્તમ આનંદ પ્રાપ્ત કરવો તે આદત બની ગઈ છે. બીજુ જેટલો આનંદ મેળવ્યો હોય તેનાથી અનેક ગણો આનંદ ઉમેરી બીજા સાથે જે-તે પ્રવાસનું વર્ણન કરી વહેચવો તે શોખ બની ગયો છે. લેખન કરતા બોલીને વર્ણન કરવામા મને વધુ મજા આવતી પણ અત્યારે સાંભળનારા ના હોય ત્યારે ભાવનાઓને આ રીતે વ્યક્ત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

દિવ બે વખત જવાનો મોકો મળ્યો છે. માંગરોલ થી નહી બહુ દુર-નહી બહું નજીક હોવા છતા દીવનું નામ પડે એટલે ઘરમા સોપો પડી જાય. "દિવ તો કાઈ જવાતું હશે ?" આ એક જ પ્રશ્ન જવાના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દેતો. અખુટ સૌંદર્ય હોવા છતા દારૂને કારણે બદનામ હોવાથી જે મહત્વ મળવું જોઈએ તે મહત્વ અમારા ઘરમા મળતું નથી. બન્ને વખતે સમુહ પ્રવાસમા ગયેલો, પહેલીવાર પ્રાથમીકમા હતો ત્યારે અને બીજી વાર કોલેજ માથી ગયો હતો. ત્રીજી વખત પણ જવાનો મોકો મળેલ પણ અંગત કારણો સર ગયેલો નહી.

એક જ પોસ્ટમા બન્ને પ્રવાસને સમાવવા શક્ય નથી એટલે અહી પહેલા પ્રવાસનું વર્ણન કરીશ. બીજા પ્રવાસ માણવા માટે થોડી રાહ જુઓ.

અજય સ્કુલ-માંગરોલમા હું ધો.૬ માં ભણતો હતો. શિયાળાનો સમય હતો અને એક બે દિવસ એક રાત્રીનો પ્રવાસ ગોઠવવાનો હતો. જવાની ખુબ ઇચ્છા હતી પણ પપ્પાને પુછવું કેમ ? અજયસરને જ કહ્યું કે મારે આવવું છે પણ પપ્પાને પુછવાની હિંમત નથી થતી શક્ય હોય તો તમે પરવાનગી લઈ આપો. અજયસરની ભલામણ કામ કરી ગઈ. મને અને મારી નાની બેન બન્નેને જવાની રજા મળી ગઈ. પ્રવાસ જવાને હજી એક વિકની વાર હતી ત્યાં સુધી હજી એક બસ પુરતા પણ વિદ્યાર્થી થયા ના હતા. હજી ગયા વર્ષે જ એક પ્રવાસ આ જ કારણે રદ્દ થયો હતો એટલે આ વખતે પણ રદ્દ થવાની સંભાવના પુરી હતી. પણ કદાચ આ શાળા જીવનનો છેલ્લો પ્રવાસ હતો માટે અમે જવા માટે મક્કમ હતા. છેલ્લા દિવસોમા પ્રવાસ માટે એવો તો ઉત્સાહ બતાવ્યો કે ૫૬ ની જગ્યાએ ૮૦-૮૫ ની સંખ્યા થઈ ગઈ.

પ્રવાસની આગલી રાત્રીએ મમ્મી આખી રાત જાગી અમારા માતે નાસ્તો બનાવ્યો. સવારે ૬-૬.૩૦ વાગે નિકળવાનું હતુ એટલે વહેલી સવારે પપ્પા મુકવા આવ્યા. પ્રાથના ખંડમા બધા ભેગા થયા અને અમારી ૮-૧૦ જણાની ટોળીને બધી જ વ્યવસ્થા કરવાની જવાબદારી સોપાઈ. પ્રાથના બોલી, સુચનાઓ આપી બસમા બેસવાનું શરૂ કર્યુ. બસ ૩X ૨ અને ૫૬ સિટની હતી જ્યારે બેસવા વાળા અમે ૮૦-૮૫ જણા હતા. ત્રણની સિટમા અમે ૫-૫ ૭-૭ જણા બેસીને બધાનો સમાવેસ એક જ બસમા કરી લીધો. અમારે પહેલા જુનાગઢ જવાનું હતું, ત્યાં નરશી મેહતાનો ચોરો, અશોકનો સિલાલેખ વગેરે જોય ને અમે સક્કરબાગ મા ફર્યા. ત્યાંથી સાંજે નિકળી અમે તુલસીશ્યામ પહોચીયા, ત્યાં રાત્રી રોકાણ કરવાનું હતું. રાત્રે ધર્મશાળામા રોટલા,શાક અને ખિચડી જમ્યા. આવું સાદુ પણ સ્વાદીષ્ટ જમવાનું પહેલી જમ્યો હતો. રાત્રે દર્શન કરી અમારી ટીમે સુવાની વ્યવસ્થા કરવાની હતી. અમને બે મોટા-મોટા રૂમ આપવામા આવ્યા હતા. તેમા લાઈનસર ગાદલા પાથરી બધાને ૧૦ વાગ્યે સુવાનો ઓર્ડર મળી ગયો હતો. સવારે વહેલા દિવ જવાનું હોવાથી વહેલા ઉઠવાની તાકીદ કરી હતી.

પણ તોફાન નસે-નસમા ભરેલુ હોય ત્યારે અને આવો મોકો પાછો ક્યારે મળશે તેમ વિચારીને ધમાલ શરૂ કરી. નીચેરસોડા માથી કોલસા લઈને રાખેલા પહેલા તો તે બધાના મોઢે ચોપડી દીધા. પછી દોરી લઈ બધાના પગ એક બીજા સાથે બાંધ્યા. રાત્રીના ૧ વાગ્યા સુધી અવાજો કર્યા એટલે સર આવીને ધમકાવી ગયા એટલે ચુપ થયા. રાત્રે ૨-૨.૩૦ વાગ્યા હશે ત્યા સર પાછા આવ્યા. અમને ઉંઘ આવતી ના હતી એટલે બીજાને સુવા દઈએ તે આસયની અમને બહાર બોલાવ્યા. અમે આખી ટોળી બહાર ગઈ પછી ખબર પડી કે નિચે સિંહ આવ્યા છે. ફક્ત ૮-૧૦ ફુટ દુરથી સિંહ જોવાનો પહેલો પ્રસંગ હતો. પછી તો અંદર આવીને ક્યારે ઉંઘ આવી ગઈ તે ખબર જ ના પડી. કદાચ સિંહનો પ્રભાવ હશે.

સવાર પડતા જ અમારુ તોફાન પ્રકાશમા આવ્યું. પહેલા તો બધાના પગ બાંધેલા એટલે એક પછી એક ઢગલો થવા મંડ્યા તેમાથી માંડ છુટ્યા ત્યા બધા એક બીજાના મોઢા જોતા-જોતા હસવા મંડ્યા. બધા જ છોકરાઓમા અમારા જ મોઢા કાળા નહી એટલે સરને સમજતા વાર ના લાગી કે આ કારસ્તાન અમારૂ છે. સજા રૂપે સવાર-સવારમા ધર્મશાળા ફરતે ૧૦ રાઉન્ડ અને બધાનો સામાન ઉચકી બસમા ચડાવાનો આવ્યો. ત્યાંથી દિવ જવા રવાના થયા, રસ્તામા ધમાલ બોલાવતા-બોલાવતા અમે દીવ પહોચીયા.

દીવ પહોચતા જ ખબર પડી કે અમારી બસને અંદર જવા દેવામા નહી આવે. અમે ચાલીને દીવ ફરીશું તેવો નિર્ણય લીધો. ૭-૮ કિ.મી. ચાલ્યા પછી અમે દીવના કિલ્લા પાસે પહોચીયા. થાક અને તરસથી હાલત ખરાબ હતી. ત્યારે હજી પાઉચની શોધ થઈ ના હતી અને દીવ દરિયા કિનારે હોવાથી પાણીની બહુ તકલીફ એટલે ક્યાય પિવાનું પાણીના મળે. એક "ચા" વાળાએ અમારી પર દયા ખાય પોતાનું આખા દિવસની ચા બનાવવા માટેનું પાણી અમને પિવડાવી દીધુ બદલામા પૈસા લેવાની પણ ના પાડી. ત્યારે તો અમને તેનામા સાક્ષાત ભગવાન નજરે ચડતા હતા. દિવમા કિલ્લો,ચર્ચ વગેરે જોયા પછી એક લોકલ બસમા અમને પાછા અમારી બસ સુધી પહોચાડવામા આવ્યા. અમારે ઉના પહોચી જમવાનું હતુ. થાક-તરસ અને ભુખ હાલત ખરાબ કરતી હતી પણ પ્રવાસની મજા સામે તે બધુ જ સહ્ય હતું.

બપોરે ૨-૨.૩૦ વાગ્યા આજુબાજુ અમે ઉના પહોચીયા કોઈ અમને ૮૦-૮૫ જણાને જમાડવાની શક્તિ ધવાવતુ ના હતું. એક ધાબાવાળાએ કટકે-કટકે બધાને જમાડવાની તૈયારી દર્શાવી. અમે પહેલા નિચલા ધોરણના એટલે કે અમારી નાના ભાઈ-બહેનોથી જમવાની શરૂવાત કરાવડાવી. કોઈ ફોર્સ નહી સ્વય શિસ્તની અજોડ મિસાલ અમે ત્યારે સ્થાપી. અમારા ગૃપ સૌથી છેલ્લે ૩.૩૦-૪ વાગ્યે જમ્યું. આજે નાનકડી અગવડતા માટે હડતાલ કરતા, તોડફોડ કરતા વિધ્યાર્થીઓને જોવ છુ ત્યારે અમને તે દ્રશ્ય નજર સામે આવી જાય છે. બધી જ અગવડતા વચ્ચે પણ ૨૦૦ % આનંદ પ્રાપ્ત કરવો તે જેવી તેવી વાત ના હતી.

ત્યાંથી અમે સોમનાથ ગયા, દર્શન કરી જમવા જેવો જ નાસ્તો કર્યો. ભગવાનના સાનિધ્યમા કેટલીય વાર સુધી બેઠા, રમતો રમી અને રાત્રે માંગરોલ પરત ફર્યા. આજે પણ અમે જુના મીત્રો આ પ્રવાસની વાતો કર્યે છીએ ત્યારે એક જ વાત આવે છે. આપણે નાના હતા ત્યારે કેવા પ્રેક્ટીકલ હતા નહી, નાની નાની વાતો ને જતી કરવી, ખુશ થવા માટે આપણી જરૂરીયા કેટલી ઓછી હતી. અરે ગમે તેવી મુશ્કેલી વચ્ચે પણ મજા મેળવી લેતા. જતુ કરવાની ભાવના હતી. બીજાને મદદરૂપ થતા, જ્યારે અત્યારે ? જવા દ્યોને યાર બધાને ખબર છે.

હવે પછી માર બીજા દિવ પ્રવાસની મજા લઈશું.

Tuesday, October 27, 2009

બસની મુસાફરી....



માંગરોલ એટલે છેવાડાનું ગામ. બસએ બાકીની દુનિયા સાથે જોડતું એક માત્ર માધ્યમ. તમારે ટ્રેનમા જવું હોય તો પણ બસમા બેસી ૧૬૦-૭૦ કિ.મી.ની મુસાફરી કરી રાજકોટ જવું પડે. હા, કેશોદ થી ત્યારે મીટરગેઇજ અને અત્યારે બ્રોડગેઇજ ટ્રેનની સવલત ખરી પણ અનુકુળ સમય ના હોવાથી બહુ ઓછી વાર બેસવાનું થતું. મને પહેલાથી જ બસની મુસાફરી અનુકુળ આવી ગઈ હતી. જુનાગઢ વાર તહેવાર અને મોટા ભાગે કામથી જવાનું થતું ત્યારે બસ એક માત્ર ચારો હતો. ૧૯૯૬ માં વિ.વિ.નગર ભણવા ગયો ત્યારે તો ઉજ્જડ વનમા એરંડો પ્રધાન તેમ આણંદ થી જુનાગઢની એક માત્ર એસ.ટી. બસ આવતી. રજા પડવાની હોય તેના એક અઠવાડીયા પહેલાથી જ અમારા બસ સ્ટેન્ડના ચક્કર ચાલુ થઈ જતા. નિયમ ૫ દિવસ પહેલાનો હોય અને તે અમને ખબર પણ હોય છતા માસ્તરને માય-બાપ બનાવીને પણ રિઝર્વેશન મેળવવાની કોશિસ કરતા.

ક્યારે રિઝર્વેશન ના મળે તો રાત્રીની તે બસમા વચ્ચે ચાલવાના રસ્તા ઉપર બેગ ઉપર બેઠા-બેઠા અને મોડી રાત્રે ચાદર પાથરી સુતા-સુતા મુસાફરી કરેલ છે. ત્યારે હજી બસના સ્લિપર કોચ શરૂ થયા ના હતા, કદાચ અમારી આ રિતની સુવાની આદત પરથી પ્રેરણા લઈને જ સ્લિપર કોચની શોધ થઈ હોય તો કહેવાય નહી. વચ્ચે સુવામા એવી તો ફાવટ આવી ગઈ હતી કે પછીથી રિઝર્વેશન કરવાની જ આળસ કરી જતો. ક્યારેક તો એટલી ભિડ હોય કે વચ્ચે સામાન રાખવાની પણ જગ્યાના હોય ત્યારે ડ્રાઈવર સાહેબ સાથે સાચી ખોટી ઓળખાણ કાઢી તેની કેબીનમા જગ્યા મેળવી લેતા.

શિયાળો, ઉનાળો કે ચોમાસું બધી જ સિઝનમા મારી કુંડલીમા બસની મુસાફરી યોગ હોય જ. મારા માટે આવતે મહીને તમારો મુસાફરી યોગ છે તેવી ભવિષ્યવાણી ગમે તે જ્યોતિષિ આંખ બંધ કરીને કરી શકે છે. તેમા પણ ૧૯૯૯ થી ૨૦૦૫ સુધી તો દર અઠવાડીયું બસમાં અમદાવાદ આવવાનું થતું. વચ્ચે તો ટ્રકની હડતાલ હતી ત્યારે બસમા સિંગદાણા ભરી અને તેની ઉપર સુતા-સુતા મુસાફરી કરેલ છે. આદત મુજબ દરેક વખતે મારૂ અવલોકન ચાલુ જ રહેતું.

શિયાળો હોય ત્યારે પણ લોકો બારી પાસે બેસવા પડાપડી કરતા કારણ કે સિધા તડકોનો લાભ મળે તે માટે. બપોર ના સમયે બસ કઈ દીશામા જશે તેના પર થી બસની કઈ બાજુ તડકો વધુ આવશે તેની વિપરિત બાજુએ બેસવાની ગણતરી કરતા લોકોને પણ જોયા છે. અરે ઉતરતી-ચડતી વખતે મારા-મારી તો ઘણી વખત જોય છે. બાબો કે બેબી ૩-૫ વર્ષનો છે કે નહી તે માતેની કંડકટર સાથેની જીભા-જોડી તો દરેક વખતે જોવા મળે છે. ત્રણની સિટમા આરામ થી બેસવા માટે "અહી આવે છે પાછળ ખાલી જ છે" તેવા જવાબો સાંભળેલા છે. અરે બે ટીકીટ લીધેલી હોય અને સાથે નાનો બાબો કે બેબી હોય અને ત્રણની સિટ પર કોઈ બેસવા આવે ત્યારે જગ્યા ના કરવી. ખુબ ભિડ હોય ઉભવાની પણ જગ્યા ના હોય ત્યારે કોઈ એકલી સ્ત્રી નાના બાળક સાથે બસમા ચડે તો પણ તેને સિટના આપવી વગેરે બનાવો વખતે ખુબ ગુસ્સો આવતો.

વોલ્વોનું આગમન થયું પછી તેમા ઘણી વાર તેમા બેસવાનું થયુ છે, દરેક વખતે એક વાત કોમન બને છે. બસ ચાલુ થઈ ના હોય ત્યાં સુધી બેઠેલા મુસાફરો સિટ ઉપર આપેલી બધી જ સ્વિચો મચડતા હોય છે. મોટા ભાગે એક પણ સ્વિચ ચાલતી હોતી નથી. બસ ચાલુ થાય અને થોડોક સમય થાય એટલે આ જ લોકો પાછા આ સ્વિચો પાસે કામ લેવાનો નિષ્ફળ પ્રયાસ કરતા નજરે ચડે છે. બન્ને વખતે આસય તદ્દન વિપરિત હોય છે. પહેલી વાર A.C. ની સ્પિડ વધારવા માટે અને બીજી વાર સ્પિડ ઘટાડવા માટેની કસરત હોય છે. છેવટે ઠંડી (અહી A.C.) પોતાની પરાકાષ્ઠાએ પહોચે ત્યારે સહનશક્તિ અને ધીરજ ખુટતા A.C. ના હોલમા રૂમાલ, દુપટ્ટો કે બસનો પડદો ભરાવી દરેક પરિસ્થિતીમા અસ્થાયી માર્ગ કાઢવાની ભારતીય પરંપરા જાળવે છે. ક્યારે આટલુ પુરતુ ના હોય ત્યારે બાહ્ય ગરમીથી રક્ષણ મેળવવા માટેનો પડદો ઓઢી ગરમી મેળવવાનો પ્રયાસ થાય છે.

પુસબેક સિટને હજી આપણો સમાજ સ્વિકારી શક્યો નથી. ઘણા લોકોની જુનાગઢ થી અમદાવાદ સુધીની ૭ કલાકની મુસાફરી સિટ આગળ-પાછળ કરવામા જ પુરી થઈ જાય છે. જુનાગઢ મજેવડી થી સિટ સરખી કરવાની શરૂ કરે અને અમદાવાદ ઇસ્કોન આવે ત્યા સુધી તેનો મેળ ના પડે. અમુક લોકો તો બસમા ખાવા માટે જ મુસાફરી કરતા હોય છે. કોઈ બાવા-સાધુએ જાણે સલાહ આપી ના હોય તેમ આખે રસ્તે મોઢામા ઠુસ-ઠુસ કરતા હોય છે. તેમા પણ નાના બાળકો ખાસ ઘરે મમ્મી જમવાનું ના આપતી હોય તે રીતનું વર્તન કરે છે(મારો જાત અનુભવ). જેટલી જગ્યાએ બસ થોભે તેટલી જગ્યાએ થી કાઈક ને કાઈ લેવું જ જોયે. ઘાટે-ઘાતનું પાણીની જેમ સ્ટેશને સ્ટેશનની વેફર,કુરકુરે અને ચોકલેટ ખાતા-ખાતા અમદાવાદ આવે.

અંતમા પણ પાલડી ઉતરવાનું હોય પરંતુ સરખેજથી ક્લીનરને કહેતા જાય "પાલડી આવે એટલે કેજો" અમુક પતિ-પત્નિ ઇસ્કોન ઉતરવું કે જોધપુર તે મથામણા કરતા હોય છે. "અહી થી રિક્ષા ૧૫ રૂપિયામા મળશે જોધપુર થી ૨૦ લેશે" તે વાતો મા અને સામસામે દલીલો ઇસ્કોનથી બસ ઉપડવાની હોય ત્યારે પાછળથી બસ રોકવા દોડશે અને છેલ્લે ઇસ્કોન અને જોધપુરની વચ્ચે "ન અહી ના કે ન ત્યાંના" તેવી સ્થિતીમા ઉતરશે.

ગમે તેમ તો પણ બસની મુસાફરી એટલે બસની મુસાફરી તેની આગળ પ્લેન પણ પાણી ભરે.

Monday, October 26, 2009

મને એક પિતા તરીકે ગર્વ છે.

મારા અનન્ય મિત્ર અરવિંદભાઈ(AB) અવનવી લીંક મોકલવા માટે બહુ ફેમસ છે. નેટના ભોમીયા અને મારા જેવા સર્ફિંગના આળસુ માટે ઘરબેઠા ગંગા પહોચાડવાનું કામ કરતા આ મીત્ર એ આજે એક મેસેજ મોકલ્યો જે આ પ્રમાણે હતો.

Absolutely amazing...

One day, a son asks his dad "Daddy, would you like to run a marathon with me?"..
The father says "yes". And they run their first marathon together
Another time, the son asks his dad again "Daddy, would you like to run a marathon with me?". The father says "yes son".
One day, the son asks his father "Daddy, would you run the Ironman with me?
The Ironman is the most difficult triathlon ever...
4 kms swimming,
180 kms biking and
42 km running.
And the dad says "yes".
The story looks simple until you watch the following clip.
Just amazing.
Please don't miss..
http://www.youtube.com/watch?v=VJMbk9dtpdY
Regards,
Arvindbhai.

વિડીયો જોયા પછી હું નિ:શબ્દ થઈ ગયો. મને મારા પર એક આદર્શ પિતા હોવાનું જે મિથ્યાભિમાન હતું તે નેસ્ત નાબુદ થઈ ગયું. એક પિતા પોતાના સંતાન માટે શું-શું કરી શકે છે તેનો આ ઉત્તમ નમુનો છે. ઇશ્વર આ પિતા-પુત્રને હંમેશા ખુસ રાખે તેવી પ્રાર્થના સાથે હું વધુ કાઈ લખી શકુ તેમ નથી એટલે અટકુ છું.


આજે કારતક સુદ આઠમ- ગોપાષ્ટમી.


કાલે મિત્રો સાથે બાઈક ઉપર ઝાંઝરી(દહેગામ થી ૩૦-૩૫ કિમી) બાઈક ઉપર ફરવા ગયો હતો. એક જ દિવસમા ૧૭૦-૮૦ કી.મી. બાઈક ચલાવવાનો આ પહેલો જ અનુભવ હતો. ઉપરાંત નાવાનો અને ૩-૪ કી.મી. નદીના પથરાળ રસ્તામા ચાલવાનો ખુબ જ થાક હતો એટલે સવારે ૧૦ વાગે હજી ઉઠીને બ્રસ મોઢામા લીધુ જ હતું ત્યાં મોબાઈલ રણક્યો. સામેથી મમ્મીનો અવાજ હતો, હેપ્પિ બર્થ ડે ટુ યુ. એક મિનિટ તો હું ચોંકી જ ગયો. મિત્ર પ્રબોધનો બર્થ ડે છે અને તેને રાત્રે વિસ કરી લિધુ પણ મારા જન્મદિવસને તો હજી વાર છે. મમ્મી હતા એટલે સામે પુછી પણ લીધુ, મારો જન્મદિવસ ? મને કે હા આજે ગોપાષ્ટમી છે એટલે તારો તિથી પ્રમાણે જન્મદિવસ છે.

આજે પણ મારા ઘરમા તારીખ કરતા તિથીનું મહત્વ વધુ છે. મારો સમય એવો છે કે હું વાર-તારીખ ભુલી જાવ છુ ત્યારે તિથી યાદ રહેવાનો પ્રશ્ન જ નથી. છતા એક વાત ખરી કે મને આપણી વિક્રમ સંવત પર પુર્ણ પંચાગ હોવાથી ગર્વ છે. કદાચ સુર્ય-ચંદ્રની ગતિનો સુમેળ કરી ચાલતુ બીજુ કોઈ પંચાગ મે જોયુ નથી. તેમ છતા
વિશ્વ જ્યાં ચાલે ત્યાં ચાલવું જ રહ્યું.

એક વાત ખરી કે જ્યારે બીજાના બર્થ ડે યાદ રહે અને તમારા બર્થ ડે ભુલી જાવ ત્યારે સમજવું કે કા તો તમે બહુ બીઝી થઈ ગયા છો અથવા તો તમે તમારો વિચાર નથી કરતા. મારી બાબતમા બીજી શક્યતા વધુ પ્રબળ છે. બીજા માટે જગ્યા કરવામા ક્યાંક તમારે ઉભા રહેવું ના પડે તે જો-જો, અત્યારે કદાચ હું તે જ સ્થિતીમા છું. દાન, માફી અને સલાહ હંમેશા પ્રળબની જ શોભે. વિચારવા જેવું છે નહી ?

Friday, October 9, 2009

હું ઇશ્વર નથી.. મને પણ ઇર્ષા થાય છે.

આજે જીવનમા એક એવી જગ્યાએ ઉભો છુ જ્યાંથી પાછળ વળીને જોવ તો કેટલીય મંજીલ કાપી લીધાનો સંતોષ છે. જ્યારે બીજી બાજુ મારી જ સાથે સફરની શરૂવાત કરનાર મારા થી ઘણા આગળ નિકળી ગયા નો અફસોસ છે. હા, મને તેમની ઇર્ષા થાય છે. હું નસીબમા માનું છુ કે નથી માનતો તે ગોણ બાબત છે પણ મને મારામાં રહેલી શક્યતાઓ વિષે પુરેપુરી જાણકારી છે. તેથી પણ વધુ મને મારી મર્યાદાઓ વિષે ખબર છે.

ક્યારેક આપણામા રહેલી શક્યતાઓ પર આપણી મર્યાદા હાવી થઈ જતી હોય છે. જેમ તેંડુલકરમા દરેક ઇંનિગમા સેન્ચુરી કરવાની શક્યતા રહેલી છે પણ ઓફ સાઈડ થી બહાર નિકળતા બોલને સળી કરવાની મર્યાદા જ્યારે તેની શક્યતાઓ થી પ્રબળ હોય ત્યારે તે શુન્યમા આઉટ થઈ જાય છે. અહી મારી જાત ને કોઈ સાથે સરખાવાની કોશીસ નથી કરતો. પણ તેડુલકરની સિદ્ધીની કોઈ ગલીમા રમતા અને દરેક વખતે શક્યતાઓ પર મર્યાદાની વિજય હેઠળ દબાતા ખેલાડીને ઇર્ષા થવી સ્વાભાવિક છે.

મારી સ્થિતી પણ પેલા ખેલાડી જેવી જ છે. હું લખી શકુ છુ, બોલી શકુ છુ, મોટામા મોટો બીઝનેશ એકલા હાથે સંભાળી શકુ છું પણ મારી મર્યાદાઓ, "લાગણીશિલતા, મક્ક્મતાનો અભાવ, આળસ, નિર્ણય શક્તિનો અભાવ" મને આગળ વધતા રોકે છે. વધુ પડતી ઇમાનદારીને પણ આ લીસ્ટમા મુકી શકાય. આજે મે ઘણૂ બધુ મેળવ્યું છે અને તેથી વધુ ઘણૂ બધુ વેડફ્યું છે ત્યારે કોઈ સારા લેખક, કોલમીસ્ટ કે બિઝનેશમેન ને નિર્ણય લેતા, બોલતા કે લખતા જોવ છું ત્યારે અંદર અંદર થી એક સળવળાટ થાય છે. આવુ તો હું પણ બોલી શકુ છુ, લખી શકુ છુ કે નિર્ણયો લઈ શકુ છુ,પણ...

મને ખ્યાલ છે કે દરેક મંઝીલ મળવાની એક યોગ્ય તારીખ હોય છે. ગીતાસાર નાનપણમા વાંચતા, સાંભળતા, "સમયથી પહેલા અને ભાગ્ય થી વધુ કોઈ ને કાઇ મળ્યુ નથી, કર્મ કર ફળની આશા ના રાખ". પણ ફળની આશા વગર કામ કર્વું શક્ય છે ? પગાર જ ના મળતો હોત તો કોઈ જોબ પર જાત ? લેખકને તેના લખાણ બદલ નામ અને દામ ના મળવાના હોય તો તે શું લખવા નો ? બિઝનેશમેન પ્રોફિટ ના થાય તેવો ધંધો શું કામ કરે ? હું પણ ફળની આશા સાથે જ કર્મ કરૂ છું. ભલે ફળ મળવું ના મળવું ઇશ્વર આધીન છે.

ઓર્કુટ પર આવ્યા પછી ઘણૂ મેળવ્યું છે. ઘણા ના સંપર્કમા આવ્યો છું. તેમાથી અમુક તો મહારથી કહી શકાય તેવી વ્યક્તિઓ છે. અમદાવાદમા પૈસાની કિમંત જાણી છે. લોકો કેટલુ કમાય છે અને કેટલુ વાપરે છે તે જાણ્યું. ત્યારથી ઇર્ષા થવા લાગી. હું ઇશ્વર નથી કે મને ઇર્ષા ના થાય... અને હા હું એટલો ખરબ પણ નથી કે લોકો ના સુખે દુ:ખી થાવ. ઇશ્વર સદાય તેમને ખુશ રાખે અને આજે છે તેના કરતા ૧૦૦ ગણી સમૃદ્ધી આપે.

કડકડતી નોટો.... બધાની ચાહત.

કાલે ૮-૧૦ ના રોજ ઓફીસે સવારના વહેલુ જવાનું હતુ. ઓફીસ ખાલી ખમ્મ હતી. હું એકલો માખીઓ મારતો હતો. બપોરે જમીને સાવ નવરો બેઠો હતો. ત્યાં મારા સરના પપ્પા આવીને બોલ્યા, "અલ્યા અહી નવરો બેઠો છે તો જાને RBI મા ૫ અને ૧૦ ની નવી નોટો મળે છે લઈ આવ." આમ પણ કાઈ કામ હતું નહી અને તે બહાને RBI પણ જોવાય જાશે, તેમ વિચારી હું અને મારી ઓફીસના એક ભાઈ ગયા. ત્યાં પહોચી ને જોયું તો એ લાં......બી લાઈન. આમ પણ કાઈ કામ ના હતું એટલે અમે તો ઉભી ગયા લાઈનમા. લાગવગીયા ઘુસ મારવાની કોશીસ કરે અને કોઈ પટ્ટાવાળા કે સિક્યોરીટી વાળાને પટાવાની કોશીસ કરે. કોણ જાણે કેમ કોઈ ને લાઇનમા ઉભવાનો કંટાળો આવતો હશે ? કે પછી લાઈન તોડવાનો એક છુપો આનંદ મળતો હશે ? ભગવાન જાણે. ડંડા ખાધા પછી જ સરખી લાઈન કરવી તે જાણે જન્મજાત આદત હોય છે. આપણા ભારતીયો ના DNA મા કદાચ સારી વ્યવસ્થાને અવ્યવસ્થામા બદલી નાખવાના જીન્સ આઝાદી પહેલાથી વારસાગત મજબુત થતા આવ્યા લાગે છે ?

મહા મુસિબતે અંદર ગયા... ત્યાં વળી બીજી લાઈન હતી. તે લાઈનમા ટોકન લેવાનું હતું. મને ૧૮ નંબરનું અને બીજા ભાઈને ૧૭ નંબરનું ટોકન મળ્યું. અંદર ગયા તો પાછી ત્રીજી લાઈન હતી. અભિમન્યુ ચક્રવ્યુમા નહી મુંજાણો હોય તેટલો હું અંદર જઈને મુંજાણો. ક્યા બારી નંબર ૧૮ તે શોધવા મા જ ૧૦ મીનિટ નિકળી ગઈ. હું ૧૮ અને પેલા ભાઈ ૧૭ નંબરની બારી ની લાઇનમા ઉભા. ત્યાં કોઈ એ ધડાકો કર્યો કે ખાલી ૩,૦૦૦ ની જ નવી નોટ આપે છે અને તે પણ ૧૦ અને ૨૦ ની જ. આ તો જુનાગઢની બસમા ધક્કામુક્કી કરી ને બેઠા અને પછી ખબર પડી કે આ સીટીબસ ખાલી ઇસ્કોન સુધી જ જાય છે તેવું થયું. પેલો ભાઈ મને કહે શું કરીશું હાલો પાછા. મે કહ્યુ ના અહી સુધી આવ્યા છીએ તો નવી નોટ લઈ ને જ જાયે. કાઈ લીધા વગર જાશુ તો પાછા સાભળવાનો વારો આવશે.

અમારે ૮,૦૦૦ ની નવી નોટ લેવાની હતી. મે તેને કહ્યુ તમે ૩,૦૦૦ ની ૧૦ ની લઈ લેજો. મારી આગળ વાળાને ૧૦૦૦ ની જ લેવાની હતી એટલે ૧૦૦૦ તેને આપ્યા. મે ૨૦૦૦ ની ૧૦ની અને ૨૦૦૦ની ૨૦ વાળી નવી નોટ લીધી. મારો તો તરત નંબર આવી ગયો એટલે પેલા ભાઈની રાહ જોતો હું બહાર ઉભો. ત્યાં નવી નોટો લઈને દિગ્વિજય થઈ ને નિકળતા લોકોની મોઢાની ચમક જોવા જેવી હતી. તેમાય અમુક લોકો તેમના સંબંધી ને કહેતા કે મારી ઓળખાણને લીધે જ તમને નવી નોટો મળી બાકી અહી ૧૦-૧૦ ધક્કા ખાવ તો પણ નવી નોટ જોવા ના મળે. એક ભાઈ તો પરચુરણ ઉપાડવા એક હમાલ લઈને આવ્યા હતા. જીવનમા પહેલી વાર કોઈ ને પૈસાનો ભાર લાગતો હોય તેવું જોયું હતું. પેલા હમાલના ચહેરા પર તે પીડા હું જોઈ શકતો હતો. એક ભાઈ કોઈ અંદર નોટ લેવા ગયા હશે તેને મોબાઈલ પર સુચના આપત હતા. કેવી રીતે અને ક્યા-ક્યા કેવી વાત કરવી તે દર બે મીનિટે સમજાવતા હતા. મને થયુ કે આ ભાઈએ વધુ ચલાવ્યુ તો હમણા પેલો બહાર આવી આને કહેશે કે જાવ તમે જ લઈ આવો.

આ દરમ્યાન અમુક લોકો પોતાનો વ્યવસાય કરવા મા વ્યસ્ત હતા. રિક્ષામા ક્યાક થી સ્ત્રીઓ અને પુરૂષો લાવી તેને લાઈનમા ઉભા રાખી ભાડેથી નવી નોટો લેવડાવાતી હતી. આ ધંધાની તો મને ખબર જ નહી. તે તો પાછળ થી ખબર પડી જ્યારે ૫ ની નવી નોટ ના મળી અને પેલા ભાઈએ ત્યાં બહાર ઉભેલા એક વ્યક્તિને ભાવ પુછ્યો અને પેલાએ પેકેટના ૫૦ રૂપિયા કહ્યા ત્યારે. સાલુ આ તો કરવા જેવો ધંધો. સિધા જ ૧૦ % માર્જીન. ઓફીસે આવ્યા તો નસીબમા સાંભળવાનું તો હતું જ. ૫ ની કેમ નવી નોટ ના લાવ્યા ? અત્યાર સુધી શું કર્યુ ? બહાર મળતી હતી અંદર શા માટે ગયા ? વગેરે વગેરે રાબેતા મુજબ. પછી હોશે હોશે તેજુરીમા પૈસા મુકી બધા કામે વળગ્યા.

નિરાતે હું બેઠો હતો ત્યારે એક જ વિચાર આવ્યો. આને ઘેલછા કહેવાય કે ગાંડપણ કે પછી આત્મસંતોસ. બીજા પાસે છે અને મારી પાસે નથી કે મારી પાસે બીજા કરતા પહેલા કોઈ ચીજ આવી ગઈ તેવા અહમ નો સંતોષ કે ભંગ થી ઉત્પન થતી એક વૃતિ ? શું કહેશું આને.

Monday, October 5, 2009

અવલોકન કરવાની ટેવ

હું ત્યારે બીજા કે ત્રીજા ધોરણમા ભણતો હતો. ગુજરાતીમા એક પાઠ આવતો. અવલોકન કરવાની ટેવ. એમા એક શેઠનું હિરા-ઝવેરાત લાદેલું ઊંટ ખોવાય જાય છે. તે રાજાને ફરિયાદ કરે. એક વ્યક્તિ ઊંટને જોયા વગર ઊંટ વિષે માહીતી આપે છે. તે આ બધુ પોતાની અવલોક કરવાની ટેવને લીધે કહે છે. રાજા તેને શાબાશી આપે છે. તેવી વાર્તા હતી. આપણે તો નાના એટલે થયું કે અત્યારથી આ ટેવ વિકસાવ્યે અને મોટા થાશું ત્યારે આવું જ કોઈનું ઊંટ ખોવાશે તો રાજા પાસે શાબાશી મળશે. પણ આ અવલોકન કરવાની ટેવ એટલે શું ? રડવાની ટેવ વિષે ખબર હતી. લેસન ના કરવાની ટેવ, તોફાન કરવાની ટેવ વગેરે તો ખબર હતી. અરે ત્યાં સુધી કે ટેવ શબ્દ સારી વસ્તું માટે પણ ઉપયોગ થાય કે નહી તે જ ખબર ના હતી. સર ને પુછ્યું, ડાકીસર ને મારા પ્રત્યે સ્નેહ ખરો. એ એક માત્ર સર એવા કે જે મને માર્યા વગર સમજાવે. મને કહે અવલોકન કરવાની ટેવ એટલે કે કોઈ પણ વ્યક્તિ કે વસ્તુને નિરાંતે જીણવટ પુર્વક જોવૂં. તેના વિષે અનુમાનો લગાવવા અને તે સાચા છે કે ખોટા તેની સાબીતી મેળવવી. ત્યારથી કુદરતી રીતે મારામા આ ટેવ(?) આવી ગઈ.

ક્યાય પણ નવરો બેઠો હોવ, બાઈક ઉપર જતો હોવ કે ઓફીસમા કોઈને ટ્રેનિંગ આપતો હોવ, લોકોના હાવભાવ, બોલવાની રીત, કપડા, આજુબાજુનું વાતાવરણ, સજાવટ વગેરે જીણવટથી જોવ છું. આગલા અનુભવ સાથે તેને સરખાવું છુ, અનુમાનો બાંધો છું. કોઈ અંગત હોય તો તેને પુછી પણ લવ કે મે તમારા વિષે આવું અનુમાન બાંધેલુ છે સાચું છે કે ખોટું. ઘણી વાર હું સાચો હોવ છું તો કેટલીય વાર હું ખોટો હોવ છું. આ એક મારો પ્રિય ટાઇમ પાસ છે અને ખાલી આનંદ માટે જ કરૂ છું. તેનાથી ઘણા ફાયદા થાય છે તો ક્યારેક નુંકશાન પણ થાય છે.

યથાર્થનો જન્મ થયો હતો ત્યારે એટલે કે તે ૨ દિવસનો હતો ત્યારે તેને જોવા માટે હું મુંબઈ ગયો હતો. મુંબઈમા જોરદાર પુર આવ્યુ હતું તે પછીનો એ સમય હતો. રોગચાળો ફાટી નિકળ્યો હતો. બધી જ હોસ્પિટલને કેપેસીટી કરતા ૨-૩ ગણા પેશેન્ટ લેવા આદેશ આપવામા આવ્યો હતો. સામેની પથારી પર એક ૮-૯ વર્ષની ઢિંગલી બીમાર હતી. બહુ ડાહી પણ બાટલા અને ઇંજેકશનથી બહું ડરે એટલે ખુબ રડે. અડધો દીવસ મે તેનું અવલોકન કર્યું. સાંજે ૫ વાગ્યા આજુબાજુ તેની સાથે વાતો કરવાનું સરૂ કર્યું. એ તેના વિષે કાઇક બોલે તે પહેલા તો મે તેને તેના શોખના વિષયો ફેવરીટ ટી.વી. પોગ્રામ વગેરે વગેરે વિષે સચોટ જણાવી દીધું. એની મમ્મી મને જોતી રહી. મને કહે તમે ફેસ રિડર છો કે શું ? મારી એક ભાણી તેની જ ઉંમરની છે. અને બન્નેની રીત ભાત સરખી એટલે પેલી છોકરીને ગમતી બાબતો વિષે અનુમાન બાંધી લિધુ.

હું ઘણી બધી વાર ખોટો પણ પડ્યો છું. તેમા પણ આ ઓર્કુટ ઉપર તો ખાસ. કોઈ વિષે અભિપ્રાય બાંધ્યો હોય અને તે તેનાથી સાવ વિપરીત પણ નિકળે છે. અહી મારા ખાસ મિત્રો વિષે જ કહૂ તો, તેજસભાઈ. તેના વિષે પહેલા મને એવું હતું કે તે તો બહુ ઘંમડી અને પોતાને કાઇક ઉંચા જ સમજતા હશે. પણ જ્યારે તેને રૂબરૂ મળ્યો તેની સાથે આખી નવરાત્રી ઉજવી ત્યારે સાચી ખબર પડી.

પણ અવલોકન કરવાની ટેવ થી કલ્પના શક્તિ ખીલે છે અને પુર્વાનુંમાન બાંધતા આવડે છે. પણ એક ખ્યાલ રાખવો પુર્વાનુંમાન પુર્વગ્રહ ના બની જાય.

સાચી જોડણી, ખોટી જોડણી, મારી જોડણી.

લખવાનું ભુત ચડ્યું ના હતૂ ત્યારે પણા મારા અક્ષરો બહું ખરાબ. વ્યાકરણ અને જોડણી તો તેનાથી પણ ખરાબ. કોઈ શબ્દને એક નિયમના બંધનમા બાંધી રાખવો મને જરાય ના ગમે. સ,શ અને ષ વચ્ચે પહેલી જ હું ભેદ રાખવામા માનતો નહી. "ઇ" અને "ઈ" કે પછી "ઉ" અને "ઊ" ને એક જ ગણતો. ક્રિયાપદ અને ક્રિયાવિષેસણ શું ? કઈ જગ્યાએ કોનો ઉપયોગ થાય તે જ ખબર ના હોય ત્યારે વ્યાકરણના બિજા નિયમોની તો વાત જ ક્યાં કરવી. હા છઠ્ઠી વિભક્તિની ખબર હતી, "નો,ની,નું,ના" ઘરમા તેનો ઉપયોગ કરવાની મનાઈ હતી.

હાઈસ્કુલમા આવ્યો પછી વ્યાકરણ અને તેના ઉપયોગની ખબર પડી. પણ તેમા પણ ક્યારેક સવાલો જાગતા.. દરખવતે પહેલોપુરૂષ અને બીજો પુરૂષ કે ત્રીજો પુરૂષ જ કેમ આવતો ? કદાચ આજ તો પુરૂષપ્રધાન સમાજની નિશાની હશે. ગુજરાતીનું વ્યાકરણ અંગ્રેજીના વ્યાકરણ ઉપરથી શિખ્યો. એકવચન-બહુવચન લખતા,બોલતા, વાંચતા આવડતું પણ ખબર ના પડતી. એમ તો સંસ્કૃતમા દ્વિવચન પણ આવતું. ગુજરાતી કરતા મારૂ અંગ્રેજી અને સંસ્કૃતનું વ્યાકરણ સારૂ હતું. અંગ્રેજીમા તો ગ્રામર ના માર્ક ઉપર તો પાસ થતો.

પરંતુ જેમ બીજુ બધુ એક બાજુ સ્પેલીંગ વગર ના ચાલે તેમ ગુજરાતીની જોડણી બહું ખરાબ. અને તેનો અનુભવ ઓર્કુટ પર આવ્યા પછી થયો. મારી ટેગ લાઈન "નસીબ સામે બાથ ભિડતો"મા નસીબની જોડણી ખોટી હતી. મારો પ્રીય મીત્ર રવિન આ વાત જાણે. પણ મને કહી ના શકે. એક દીવસ તેણે મારી સામે વાત મુકી. મે સહર્ષ વાત સ્વિકારી અને પ્રોમીસ લીધુ કે મારી જ્યાં જ્યાં જોડણી ખોટી હોય ત્યાં તારે ટપારવો મને.

વચ્ચે મે ઉંજા જોડણી વિષે વાચ્યું અને સાંભળ્યું હતું. ત્યારે વિચાર આવ્યો કે આપણો સમાવેસ તેમા થઈ શકે કે નહી ? મે પછી મહેસાણા જોડણી વાળા, પાલનપુર જોડણી વાળા અને પાટણ જોડણી વાળા વિષે પણ તપાસ કરાવી. પણ તેવા કોઈ નું અતિત્વ હોવા ના પુરાવા ના મળ્યા. પણ જો હું કોઈ એવા ગૃપમા ભળુ તો પણ તે બધા અંદરો-અંદર જગડે. કારણ કે હું કોઈ શબ્દને બંધનમા બાંધવા માં માનતો જ નથી. ક્યારેક કોઈ શબ્દ એક રિતે લખ્યો હોય તો ક્યારેક બીજી રિતે.. અને ક્યારેક તો એક જ શબ્દ એક જ વાક્યમા બે જુદી જુદી રીતે લખ્યો હોય. એટલે મારો સમાવેસ ક્યાં કરવો તે પણ એક ચર્ચાનો વિષય બની શકે તેમ છે.

શરૂ મા હું લખવા કરતા બોલવાનું પસંદ કરતો. કોઈ વિષય પરની ચર્ચામા મને બોલતા સાંભળી મારા ગુજરાતીના સરે મને ધરાર નિબંધ લેખન કરવા ફરજ પાડી. મારી જોડણીઓ જોય ને તેમને બે દીવસ સુધી ઉંઘ નહી આવી હોય. ત્યારનું નક્કી કર્યું હતુ કે જો વકૃત્વ અને નિબંધ લેખન બે હોય ત્યારે વકૃત્વમા ભાગ લેવો. બોલવામ જોડણી દોશના માર્ક નથી કપાતા.

પણ બ્લોગ લખવાની શરૂવત કરી ત્યારે આ મર્યાદા બહું નડી. શરૂ શરૂ મા તો બહુ લાંબુ ના લખતો પણ થોડુંક લંબાણ પુર્વક લખુ એટલે બહું બધી જોડણી ભુલો થાય. આભાર દેવાંશુંભાઈ જેવા સ્વજનો નો કે જેણે કાન ખેચી ને પણ મને સુધારવા પ્રયત્ન કર્યો બાકી મે તો નાહી જ નખ્યું હતું. આજે પોસ્ટ કરતી વખતે બહું ધ્યાન રાખૂ છું. છતા ઘણી ભુલો રહી જાય છે. ૨૦-૨૨ વર્ષની આદત એમ થોડી છુટે.

છતા પ્રયત્ન ચાલુ છે... જોયે ક્યાંરે હું સુધરૂ છું.

Sunday, October 4, 2009

ધાર્મીક અત્યાચાર

નવમું નોરતું હતું.. બધા રૂપાલ જવા માટે નિકળ્યા હતા. ત્યાં જ ભાઈનો ફોન આવ્યો. જલ્દીથી હોસ્પિટલ પહોચ ભાભીની તબીયત ખરાબ છે. હું જલ્દી ઘરે પહોચ્યો અને બાઈક લઈ સિધો સ્ટર્લીંગ હોસ્પિટલની વાટ પકડી. રસ્તામા ગુરૂકુળ પાસે સામે એક કહેવાતા "સંત" નું સરઘસ ભટકાણું.. રસ્તો બંધ હતો અને મારે ઉતાવળ હતી એટલે ફરી ને હોસ્પિટલ પહોચ્યો. ત્યાં પહોચીયા પછી ખબર પડી કે ઉતાવળમા અમુક વસ્તુ ઘરે રહી ગઈ છે. હું ફરી ત્યાથી નિકળ્યો ઘરે આવવા માટે. સેલ્સ ઇન્ડિયા થી વસ્ત્રાપુર લેક સુધી નો એક બાજુનો આખો રસ્તો પેલા લોકોએ રોકી લીધો હતો.. બધાને સાલ હોસ્પિટલ ફરીને જવા માટે મજબુર કરતા હતા.

મને મોડુ થતુ હોવાથી હું ત્યાંથી ભાગ્યો.. પણ વળતા મારા નસિબ ખરાબ. સરઘસે છેક વસ્ત્રાપુર લેક થી સંદેશ પ્રેસની બાજુ વાળો ઘોડા સરકલ સુધીનો આખો રસ્તો રોકી લીધો. અમને કહ્યુ કે તમારે એસ.જી હાઈ વે ફરી થલતેજ થઈ ને ડ્રાઇવ ઇન આવવાનું.. મારો પિત્તો ગયો. શું છે આ બધુ. ધરાર બાઈક વચ્ચે નાખી. એક ગાડી ને ઠોકી તેને રોકાવડાવી. રસ્તો ક્રોસ કરી સામેની બાજુ પહોચ્યો. ત્યાં એક ખાખી કપડાવાળો ડંડો પછાડતો મારી પાસે આવ્યો. તે મારી પાસે આવે તે પહેલા જ મે કહ્યુ કે નક્કિ તે આ લોકો પાસેથી પૈસા લીધા છે. હતો ત્યા ઉભી જા બાકી હમણા કમિશનરને ફોન કરૂ. પેલો પાછો જતો રહ્યો. હું નિકળ્યો તે બધા જોતા હતા પણ... કોઈ ની હિમંત ના થઈ રસ્તો ક્રોસ કરવાની.

રાત્રે સુતા પહેલા એક વિચાર આવ્યો. શું કોઈ ધર્મ કે સંપ્રદાયને લોકોની સગવડતા ના ભોગે પોતાના ધર્મ કે સંપ્રદાયનો પ્રચાર કરવાનો હક છે ? શું તે જે મુદ્દા પર લોકોને પોતાના તરફ ખેચે છે તે જ પાયાગત મુદ્દાઓ નો આમ ખુલ્લે આમ તમાસો કરતા સરમ નથી આવતી ? કદાચ આપણી દુર્બળતાનો આ લોકો ફાયદો ઉઠાવે છે.

હે ઇશ્વર તારા નામે ચરી ખાનાર તો જોયા હતા આ તો તારા નામે ઢિક પણ મારે છે.

Tuesday, September 29, 2009

પ્રેમ ની વ્યાખ્યા શું ?

ખ્યાતીબેન ના પ્રશ્નો જે બીજા સ્વજનોને પણ જાગ્યા હશે તેના જવાબ રૂપે આ પોસ્ટ લખુ છું. ગયુ આખુ પખવાડીયુ અતિ કામમા વિત્યું.

શું પ્રેમ ફક્ત બે વિજાતિય પાત્રો વચ્ચે જ થાય છે ? ભાઈ-ભાઈ, બહેન-બહેન, પિતા-પુત્ર, મિત્ર-મિત્ર, ઇવન સંબધને નામ આપ્યા વગર પણ પ્રેમ ના થઈ શકે ? કદાચ આપણે કલ્પિ પણ ના શકીયે તેટલો વિશાળ શબ્દ છે પ્રેમ.

પહેલો પ્રશ્ન શું ચકાસીને પ્રમ થાય ?
ના, હું નથી માનતો કે બજારમા તમે કોઈ વસ્તુ લેવા જાવ અને જેમ ૨-૫ દુકાનો ફરી અને મોલ-ભાવ કરીને કોઈ વસ્તુ લો તેમ પ્રેમ કરવો શક્ય છે. પરંતુ પ્રેમ થયા પછી તેને સાચવી રાખવા માટે તો આ બધુ જરૂ છે કે નહી. ફરી પાછી ચોખવટ કરી દવ, આ પ્રેમ ફિલ્મયો પ્રેમ નહી હો. હું અહી લખુ છુ અને મને કોઈ વાંચે છે.. તે પણ એક સ્નેહ કે પ્રેમના બંધનથી બંધાય છીએ ત્યારે જ ને. મારે આ સ્નેહબંધ ટકાવી રખવા મારા લેખનમા,વિચારોમા અને વર્તનમા પવિત્રતા અને પારદર્શકતા રાખવી જરૂરી નથી ? સામે મારી પાત્રતા મુજબ સ્નેહ આપવો તે મારા સ્નેહીજનોની ફરજ નથી ? વિચારજો આ બાબત પર...

બીજો પ્રશ્ન..
શું બીજીવાર નો ત્રીજીવારનો પ્રેમ શક્ય છે ?
કેમ નહી.. જીવનમા શું તમે આખી જીંદગી એક જ વ્યક્તિને ચાહ્યા કરવાના ? લીવ ઇટ, ફરગેટ ઇટ.. ની પોલીસી રખવાની. જેમ સામેની વ્યક્તિને હક છે કે તમારી સાથે તેને ના ફાવ્યુ એટલે તેણે બીજુ પાત્ર શોધી લીધુ તે રીતે આપણે પણ સ્વતંત્ર છીએ જ ને ? પ્રેમભંગ થયા પછી કાઈ જીવન તો પુરૂ નથી થઈ જતૂં ને ? સંબધો જ્યારે બંધાય છે ત્યારે જ તેના પર "એક્સપાઈરી ડેટ" લખાઈ ગઈ હોય છે. અમુક કિસ્સામા "બેસ્ટ બીફોર" લખાય ગયું હોય છે. સંબંધ ટુટે નહી તો પન તિવ્રતા જરૂર ઓછી થતી જાય છે. અને આ બધુ કુદરતી છે.
આ તો થઈ વિજાતિય પ્રેમની વાત.. બાકી જીવનમા ડગલેને પગલે હું કોઈ ના ને કોઈ ના પ્રેમમા નથી પડતો ? ક્યારેક મારા પુત્ર સાથે તો ક્યારેક કોઈ ફિલ્મના.. ક્યારેક કોઈ સારા પુસ્તકના તો ક્યારેક કોઈ લેખકના. બધા જ વ્યવહારમા શું આ બધા તત્વો જરૂરી નથી ?

વિચારજો આ બાબત પર.....

Wednesday, September 16, 2009

"મૃત્યુ", સત્ય, અંતિમ સત્ય, એક માત્ર સત્ય.

જીવનમા જો કાઈ નક્કિ જ હોય તો તે મૃત્યુ છે. અને તેને જ આપણે માનવા તૈયાર નથી. ઇશ્વરીય શક્તિની અંતિમ તાકાત એટલે મૃત્યું. એક શબ્દ સામે સમગ્ર સૃષ્ટિ વામણી થઈ જાય છે.

છેલ્લા કેટલાક સમયથી હું મૃત્યુને બહું નજીકથી જોવ છું. સાયન્સ જ્યારે તેની બુંલંદી પર છે ત્યારે ઇશ્વરીય શક્તિ સામે આ એક જ શબ્દ તેને વમણો કરી દે છે. હા મને સાયન્સ પર ૧૦૦ % ભરોસો છે. એટલે જ તો કોઈ પણ વાત સ્વિકારતા પહેલા હું તેને સાયન્સની દ્રષ્ટિએ ચકાશું છું.

ભાભીને જ્યારે પહેલી વાર કેન્સર ડિટેક્ટ થયું ત્યારે ઘરમા નિરાશાની સ્થિતી હતી. ત્યારે પણ હું અને મારો મોટો ભાઈ એમ જ માનતા હતા કે મેડીકલ સાયન્સ આજે એટલુ વિકસી ગયું છે કે કેન્સરની સારવાર શક્ય છે. ઉદાહરણ પણ સામે હતા જ. થયું પણ એવું માત્ર ૬ મહિનામા કેન્સર ક્યોર થઈ ગયું. મેડીકલ સાયન્સ ઉપર ભરોસો બમણો વધી ગયો. પણ....

પણ હું ભુલી ગયો હતો કે મેડીકલ સાયન્સથી ઉપર પણ એક ઓથોરીટી છે.. જે બધા જ જીવોનું નિયમન કરે છે. તેણે એક જ શબ્દથી બધા જ જીવો ને પોતાના આધીન રહેવા મજબુર કર્યા છે. એક વર્ષ પછી ભાભી ના કેન્સરે ફરી ઉથલો માર્યો. ઘણી સારવાર કરી પણ વ્યર્થ. આજે તે અંતિમ અવસ્થામા છે. ત્યારે એક જ વિચાર આવે છે. જો આ મૃત્યુ નામની કોઈ ચીજ ના હોત તો ? શું આપણે ઇશ્વરીય શક્તિને આધીન થઈ જીવતા હોત ? કદાચ ના. જીવન શું છે.. જન્મ થી મૃત્યુ સુધી ની યાત્રા.
હે ઇશ્વર હવે આવી ભુલ નહી થાય... તારી શક્તિને આકવાની જે ભુલ કરી છે તે માટે બસ આ વખતે ક્ષમા કરી દે.. કદાચ બહુ મોડુ થઈ ગયુ છે.

Tuesday, September 15, 2009

"પ્રેમ" -પવિત્રતા,પારદર્શકતા,પાત્રતા.

પ્રેમની વ્યાખ્યા શું ? જવાબ આપવા માટે હું મારી જાતને અસમર્થ ગણૂ છું. કદાચ પ્રેમ એટલો વિશાળ શબ્દ છે કે તેને કોઈ એકાદ વ્યખ્યામા વર્ણવી ના શકાય. હા તેના તત્વો વિષે ચર્ચા જરૂર કરી શકાય. કોઇ મને પુછે કે પ્રેમના કેટલા પ્રકાર ? તો હું સામે પ્રશ્ન કરૂ છુ, શું પ્રેમને પ્રકારોમા વહેચવો શક્ય છે ? બે પ્રેમ વચ્ચે તફાવત કઈ રીતે પાડી શકો ? ક્યો પ્રેમ ઉચો કે નીચો કે વધુ મહાન તે કેમ નક્કી કરવું ? હું તો આવા ભાગાકાર કરવા માટે અસમર્થ છું. મારા મતે તો પ્રેમ એટલે પ્રેમ. બીજુ કાઈજ નહી. દરેક પ્રેમ અનન્ય છે, નાતો તેની તુલના કરવી શક્ય છે કે ના તો તેનુ પ્રમાણ માપવું શક્ય છે.

હા,પ્રેમમા અતિ જરૂરી એવા ત્રણ તત્વોની ચર્ચા કરી શકાય. આ તત્વોને પ્રેમનો આધાર સ્તંભ પણ કહી શકો. તે પછી માતા-પુત્રનો પ્રેમ હોય કે પતિ-પત્નિનો. મીત્રો વચ્ચેનો પ્રેમ હોય કે વાચક-લેખકનો. દરેક વખતે માત્રા જુદી હોય શકે, તિવ્રતા જુદી હોય શકે પણ તેને આધાર આપવા ત્રેણ તત્વોતો જરૂરી છે જ. પવિત્રતા,પારદર્શકતા અને પાત્રતા. જો આ ના હોય તો પ્રેમને નિભાવો બહુ કઠિન છે અને કષ્ટદાયક પણ ખરો.

પવિત્રતા :- કદાચ પ્રેમનો સૌથી નજીકનો સમાનાર્થી શબ્દ પવિત્રતા ગણી શકાય. જ્યાં પવિત્રતા હોય ત્યાં પ્રેમ હોય જ. પણ દર વખતે પ્રેમમા પવિત્રતા હોતી નથી. કદાચ પ્રેમભંગ થવાનું સૌથી મોટુ કારણ પવિત્રતાનો અભાવ હોય છે. પવિત્રતામા તમે ત્યાગ,સમર્પણ વગેરેને પણ ગણી શકો. આ બધુ સહજભાવે થતી ક્રિયા છે અને તેના માટે પવિત્રતા આવશ્યક છે. જે રીતે ઇશ્વર સાથે પ્રેમ કરવા તનથી નહી મનથી પવિત્રતા અધુ અગત્યની છે તે જ રીતે વ્યક્તિનો વ્યક્તિ પ્રત્યેના પ્રેમમા માનશિક પવિત્રતા ખુબ આવશ્યક છે. જો પવિત્ર મને પ્રેમ કરેલ હોય તો પછી તેને નિભાવવા બહુ મહેનત કરવિ નથી પડતી. કાશ.. આ વાત બધા સમજે તો.

પારદર્શકતા :-કોઈ પણ સંબધ નિભાવવા પારદર્શકતા અતિ આવશ્યક છે. પારદર્શકતા એટલે તમે જેવા છો તેવા જ દંભ રહિત દેખાવું. દંભમા ક્યારેક સામેની વ્યક્તિ વધુ અપેક્ષા બાંધી બેસે અને જ્યારે તે અપેક્ષા પુરી ના થાય ત્યારે સંબધમા અવિશ્વાષ જન્મે જે પ્રેમને અંત તરફ લઈ જાય છે. પારદર્શકતાથી કોઈ વાત યાદ રાખવી નથી પડતી. પ્રેમજો નિ:સ્વાર્થ હશે તો પારદર્શકતા સ્વિકારી લેશે. તમે જેવા છો તે જ હાલતમા કોઈ તમને સ્વિકારે તેમા જ તમારી અને સામેના વ્યક્તિની ભલાઈ છે. બાકી તો પ્રેમ નહી બીઝનેશ થયો ગણાય. હા પ્રેમમા સામેના પાત્રને પ્રેરણા આપી શકો . બીનશરતી પ્રેમ જ સાચો પ્રેમ છે.

પાત્રતા :- પાત્રતા કોની જોવાની ? સામેના વ્યક્તિની ? ના,મારી પણ. જેમ હું સામીની વ્યક્તિ યોગ્ય છે કે નહી તે જોવ છું તેજ રીતે હું તેને યોગ્ય છુ કે નહી તે પણ જોવાનું. કદાચ તમને મારો આ વિચાર યોગ્ય નહી લાગે પણ જે પ્રેમ સમાન પાત્રમા થાય તે જ લાંબો સમય ટકે છે. અસમાન પત્રનો પ્રેમ એક દીવસતો અસમાનતાનો અહેસાસ કરાવી ને જ રહે છે. પાત્રતાના કોઈ માપ દંડ નથી હોતા પણ મારી પાત્રતા મને ખબર હોય એટલે તેટલી જ પાત્રતા સામેની વ્યક્તિની હોવી જોઈએ. અયોગ્ય પાત્ર સાથે સ્નેહ કરી શકો પ્રેમ નહી.

પણ આટલુ વિચારે કોણ ? કોઈ નહી. આ બધુ લખવું સહેલુ છે અમલમા મુકવું નહી. બાકી તો વ્યક્તિને પ્રેમ થયો છે તે ખબર પડે પછી તો મગજ સ્વિચ ઓફ જ થઈ જાય છે. ઠોકર લાગે ત્યારે ખબર પડે. અને ઠોકર લાગ્યા પછી જ્યારે બીજી વાર પ્રેમ થાય ત્યારે પાછી સ્વિચ ઓફ. બીજી વારની ઠોકર પછી વ્યક્તિ પેઢી જાય છે. પહેલી ઠોકર કરતા બીજીમા અને બીજી કરતા ત્રીજી ઠોકરથી ક્રમશ: પિડા ઓછી થતી જાય છે. આજે પ્રેમને સિરિયસલી લેનારા પણ કેટલા ?

ખુલ્લા મને કરેલો પ્રેમ ખુલ્લા દીલે કરેલા પ્રેમ કરતા લાંબુ આયુષ્ય ભોગવે છે. કારણ કે પાપ મનમા હોય છે હ્યદય તો પહેલેથી જ નિર્મળ હોય છે. પવિત્રતા,પારદર્શકતા અને પાત્રતાથી થતો પ્રેમ ખરેખર પરિપક્વ હોય છે. વિચારજો આ વાત પર.

Monday, September 7, 2009

ભુતકાળ,વર્તમાનકાળ,ભવિષ્યકાળ. ત્રીજો પુરૂષ બહુવચન.



શિક્ષક "ડે" હમણા જ ગયો. ઓગસ્ટના છેલ્લા "વિક"મા હું મારા "નેટીવ" જુનાગઢ "ડિસ્ટ્રીક્ટ"ના માંગરોલ નામના નહી "સીટી" નહી "વિલેજ" ગામમા હતો. "આફટર""મંથ" હું ત્યા ગયો હતો એટલે "નોટીસ" કર્યુ કે બહુ "ચેન્જ" આવ્યુ ના હતું. જો કે "લાસ્ટ" ૨૦ "યર્સ" કોઇ કરતા કોઈ "ચેન્જ" આવ્યું જ નથી. હા,"સ્ટડીઝ"ની બાબતમા "લાર્જ ચેન્જીસ" આવ્યા છે. કેવા "ચેન્જીસ" આવ્યા છે તે વિષે "નોલેજ" લેવા હું મારી "ઓલ્ડ સ્કુલ" મા ગયો હતો.
આજે અને આવતીકાલે સામાન્ય પણે બોલાતી ભાષા આવી જ હશે. જેનો સ્વિકાર આપણે સૌ એ કરવોજ રહ્યો. જડતા નાશનું મુળ છે તે બધા જ જાણે છે. મને આ ભાષામા વાત કરતો જોઈને સૌથી વધુ ખુશ મારા ઇંગ્લીસના સર થતા હશે. ધો.૧૦ મા તેણે મને કહ્યુ જ હતું, "જાગ્રત અંગ્રેજીમા તારૂ પાસ થવું મુશ્કેલ છે,પણ મને વિશ્વાષ છે કે તું મને ખોટો સાબીત કરીશ." બોર્ડવાળાનો આભાર કે ૬૦ માર્કનું ગ્રામર પુછ્યું અને હું એકલા ગ્રામરના સહારે નિકળી ગયો. તેવો જ મુશ્કેલ વિષય મારા માટે સમાજશાસ્ત્ર હતો. ડઢાણીયાસરે ગેરેન્ટી આપી હતી કે તું પાસ થઈશ જ નહી. ભલુ થયુ પરિક્ષકનું કે ૩૭ માર્ક આપી દીધા.

છેલ્લે આ બધા સિવાય, અજયસર ને મળવાનું થયું. વાત માથી વાત નિકળી અને મે કહ્યું, "સર અત્યારે જીવન રૂપી પરિક્ષામા પાસ થવાના પ્રયત્નો ચાલુ છે અને મુશ્કેલી એ છે કે કોઈ અપેક્ષીત પણ બજારમા મળતી નથી જેમાથી કોપી કર્ય. બીજુ તમે મારેલો માર અમને અત્યારે કામ લાગે છે." સાચુ કહું તો શિસ્તનો ત્યારે જે આગ્રહ હતો અને માનસપટલ પર મારથી જે છાપ પડી ગઈ હતી તે અત્યારે ખુબ કામ આવે છે. જેને "ટફ વર્ક" કહી શકાય તેવા કામ માટેનો "મોરલ" છેક સુધી જળવાય રહે છે. કામ પ્રત્યેની નિષ્ઠા પ્રાથમીક અને માધ્યમીકમા મળેલી શિક્ષાને આભારી છે.

પરંતુ નિરાસા તેમની વાત સાભળીને બહુ થઈ. તેણે જ્યારે એમ કહ્યું,કે "જાગ્રત તમને જે હક થી મારી શકતા હતા એટલી હક થી અત્યારે તો કોઈ વિદ્યાર્થીને ખીજાય પણ નથી શકતા. કાઈ પણ કેવાય જાય છોકરાને તો બીજા દીવસે તેના મમ્મી-પપ્પા સ્કુલે આવે અને કહે કેમ અમારા છોકરા કાઈ કહ્યું." જે હાથમા ફુટપટ્ટી સદાય ફરતી રહેતી અને જે આખની કલ્પના માત્રથી અમારી ચડ્ડી ઢીલી થઈ જતી તેમા નિરાસા જોય બહુ દુખ થયું. કદાચ શિસ્તનું મુલ્ય જાણતા હોવા છતા ભવિષ્યના નાગરીકોમા તેનુ નિરૂપરણ ના કરી શકવાનું દુખ હું જોય શકતો હતો.

પણ એક પિતા તરીકે મને ચિંતા થવા મંડી. મારા પપ્પા તો મને આવી કડક સ્કુલમા મુકી નિ:ચિંત થઈ ગયા હતા પણ મારૂ શું ? જો બધે જ આવું હોય તો મારા બાળકમા શિસ્ત કેવી રીતે આવશે ? કારણ કે ઘર કરતા પણ બાળક સ્કુલમા વધુ હોય છે. અને જો ત્યાં જ આવું હોય તો ???????

ચિંતા કરવા જેવો પ્રશ્ન છે અને જેનો જવાબ મારી પાસે નથી. બહું જલ્દી જવાબ મેળવો પડશે.


Wednesday, August 12, 2009

ભાઈ ૨૦ રૂપિયાની મગફળી આપો ને.

મગફળી અને સીંગદાણા વચ્ચે જન્મ થયો અને જીવના ૨૭ વર્ષ તેની વચ્ચે કાઢ્યા. ફેમીલી બીઝનેશ હોવાથી નાનપણ થી જોડાય ગયેલો, નાના-મોટા કામ થી શરૂ કરી અને બે વર્ષ એકલા હાથે ફેક્ટરી ચલાવા સુધીની સફર ખેડેલી. શરૂમા ઓફીસમા સાફ સફાઈ કરવાની, વેકેશનમા બપોરે બધા જમવા જાય ત્યારે ફોન ઉપાડવાના અને જવાબ આપવાના, બેન્કના કામો કરવાના મગફળી આવી હોય કે સીંગદાણા જતા હોય બોરીની સંખ્યા ગણવાની અને લોટ મુજબ કે પાર્ટી મુજબ તેના ઉપર નિશાન કરવાનું કામ કરતો. મોટા ભાઈ કામમા એટલી ચોક્કસાઈનો આગ્રહ કરતા કે ભુલ થાય એટલે આવી બને અને કદાચ આ બીકથી જ ભુલ થતી. પરંતુ આ નાની નાની ભુલથી મળતી સજા મોટી ભુલો થતા રોકતી.

સમય વિતતો ગયો તેમ-તેમ અનુભવ મળતો ગયો. અનુભવની સાથે જવાબદારી અને સત્તા પણ મળતી ગઈ. પરંતુ આ જવાબદારી અને સત્તા એક લાંબી પ્રક્રીયાની સીડીઓ ચડીને મળી એટલે તેને સ્વિકારતા, પચાવતા કે છોડતા કોઈ તકલીફ ના પડી. આ પ્રક્રીયાએ મને એટલો ફ્લેક્સીબલ બનાવ્યો કે કોઈ પણ પરિસ્થિતીને સ્વિકારતા મને બહુ ઓછો સમય લાગવા મંડ્યો. કદાચ આ મારા ઘરની પરંપરા હતી. દરેક વ્યક્તિએ ઓફીસમા પોતાની ખુરશી પ્રાપ્ત કરતા પહેલા એક પ્રક્રીયા માથી પસાર થવુ પડતુ. પપ્પા, મોટા બન્ને ભાઈઓ અને હું આ જ રીતે ખુરશી સુધી પહોચીયા હતા.

આ જે જ્યારે હું જોબ કરૂ છુ ત્યારે અસંખ્ય એવા લોકો સાથે "ટચ"મા આવવાનુ થાય છે જે પપ્પાનો ફેમીલી બીઝનેસ સંભાળતા હોય છે. તેમાથી ઘણા ખુબ સરસ રીતે તેને આગળ વધારતા હોય છે. કુનેહ અને હોશીયારી કાબીલે દાદ હોય પરંતુ એક વાત ખુટતી જોય શકુ છું, પોતાના કામ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ પ્રત્યેનું માન સદંતર ખુટતુ હોય છે. પર્વત પર ચડવુ અને સીધા જ હેલીકોપ્ટરથી લેન્ડ થવુ બન્નેમા ફરક છે. ચડનારને પર્વતની મહાનતા અને સાર્મથ્યની ખબર હોય છે જ્યારે કદાચ હેલીકોપ્ટરથી લેન્ડ કરનાર પોતાને પર્વતથી ચડીયાતો ગણવાની ભુલ કરી શકે છે.

આજે કોમ્પિટીશનના આ જમાનામા જ્યારે તમારી જગ્યા લેવા માટે એક લાંબી લાઈન પાછળ તૈયાર હોય ત્યારે પર્વતથી પોતાને ચડીયાતો ગણવાની ભુલ બહુ મોંઘી પડી શકે છે. હું કોઈ પણ જગ્યાએ હોવ, ગમે તે પોઝીશનમા હોવ, ગમે તેવી સ્થિતીમા હોવ મારે મારા કામ અને તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું માન જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે. પછી તે મારી ઓફીસમા પ્યુન હોય કે મારા બોસ, ક્લાઇન્ટ હોય કે કુરીયરવાળો.

ગયા મહીને યથાર્થને મગફળીના ઓરા ખાવા હતા એટલે રેકડીવાળા પાસે મે ૨૦ રૂ. ની મગફળી માગી. દોઢ વર્ષ પહેલા મારે ત્યા કોઈ ૨૦ બોરી મગફળી વેચવા આવતુ તો હું તેને કહેતો કે "અમે છુટક મગફળી નથી લેતા". પેલો વેચવા આવનાર બહુ જીદ્દ કરતો કે શેઠ લઈ લો ને બીજે ક્યા જાઈશ ત્યારે થોડોક ગુસ્સો આવતો અને ના પાડી દેતો ત્યારે વિચાર સુદ્ધા કર્યો ના હતો કે એક દીવસ મારે જ ૨૦ રૂ. ની મગફળી લેવા જાવી પડશે અને રેકડીવાળો મને કહેશે કે ૪૦ રૂ,ની કોલો છે અને તેનાથી ઓછી નથી વેચતો.

યે જીવન હૈ... યહી હૈ યહી હૈ ઇસકા રંગરૂપ..

Tuesday, August 11, 2009

આજનો દીવસ.


ગયા ઓગસ્ટની જ આ વાત છે. સમસ્યાઓ પોતાની ચરમસિમા પર હતી. પપ્પા બીમાર હતા બેનનું એડમીશન થતુ ના હતું. ઘરમા રોજ બબાલો થતી. મારા ક્લાસ બંધ થવા જઈ રહ્યા હતા. યથાર્થનો બર્થ ડે સામે હતો પણ ઉજવાય શકે તેવી કોઇ સંભાવના હતી નહી. અમદાવાદ મા આવ્યો તેને ૬ મહીના થયા હતા પણ કોઈ મીત્ર કે એવી કોઈ વ્યક્તિ ના હતી કે જેની સાથે હું વાત કરી શકુ. જુના મિત્રો ને શોધવા ક્યાં ? વિચાર કર્યો ચાલને બધા ઓર્કુટ-ઓર્કુટ કરે છે તો ત્યા બધા જ મળી જ જાશે.

તા.૧૧-૮-૦૮ ના દીવસે મે મારી ઓર્કુટ પ્રોફાઇલ બનાવી. ત્યારે મે આજના દીવસની કલ્પના કરી ના હતી. આજે હું જે કાઈ પણ છુ આ બ્લોગ છે તે બધુ જ મારી સમસ્યાઓ નું આડફળ છે. માટે હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું, કે "હેં ઇશ્વર મને આવી જ કસોટી આપતો રહે જેથી મારી ક્ષમતા હજી પણ વિકસે અને હું આ વિશ્વમા મારી ઓળખ પાક્કી કરતો જાવ."

આભાર .

Sunday, August 9, 2009

હા, આવું પણ શક્ય છે.

બચ્ચા પાર્ટી સાથે તેજસભાઈ


ધબકારના કાર્યક્રમ માથી હજી ઘરમા પગ જ મુક્યો હશે અને મારી વાઈફે હુકમ કર્યો, "યથાર્થની બર્થ ડે આવે છે અને આ બધાને પણ બોલાવાના છે." મે કહ્યુ "સારું બધાને પુછી જોઈશ આવસે કે નહી તે નક્કી નહી." ઓર્કુટ ઉપર કોઈ મળે અને ઘરે આવે તે મને બહું શક્ય લાગતું ના હતું. પણ હા ધબકાર અને તે પહેલા નિરવભાઈ, બીલવાભાઈ,મેહુલભાઈ,અનિરૂદ્ધ વગેરે ઘરે આવી ગયા હતા એટલે અશક્ય પણ નહોતું લાગતું. મારી ફ્રેન્ડલીસ્ટમા ૯૭ માથી ઘરના સભ્યો અને મારા પર્શનલ ફ્રેન્ડ કાઢી નાખુ તો ૭૩ બાકી રહે અને તેમાથી ૩૦ જેટલા મીત્રોનો તો મારી પાસે મોબાઈલ નંબર હતો. અમુક જોડે તો રેગ્યુલર વાત થતી હતી અને હીમતાભાઈ કે પછી કાન્તિભાઈ તો ખુબ લાંબી અને પ્રેમાળ વાતો કરતા જાણે મારા ઘર ના સભ્ય જ કેમ હોય. નિરવભાઈ તો ક્યારેક આઠવાડીયુ મારા ઘરે ના આવે તો મારા વોચમેન કાકા પુછે કે પેલા સ્કુટરવાળા ભાઈ કેમ નથી દેખાતા. લજ્જા તો ક્યારેક નાની બેનની જેમ મારી ઉપર હુકમ છોડતી હોય. ટુકમાં મન ખચકાતુ હતું પણ ચાલ ને બધાને પુછી જ લવ.

નિરવભાઈ મારા ઘરે આવ્યા એટલે તેને ઝાકળભાઈને ફોન કરવાનું કીધુ અને મે સ્નેહાબેન ને ફોન કર્યો. સ્નેહાબેને તો ખુબ ઉત્સાહથી આવવાની હા પાડી અને મારી ઉપર ગુસ્સે થતા થતા ક્રિષ્નાબેનને લાવવાની જવાબદારી ઉપાડી. ત્યાં તો ઝાકળભાઈ સાથે વાત કરી અને તે તો સજોડે આવવા તૈયાર થયા. ચાલો શરૂવાત જ જોરદાર થઈ એટલે વાંધો ના હતો. પછી તો બીલવાભાઈ,લલીતભાઈ, મેહુલભાઈ વગેરે ને ફોન કરી ને આમંત્રણ આપ્યું અને બધા તૈયાર થયા. અમુક મીત્રોને મેસેજ કર્યો. રીષીભાઈને ફોન કર્યો એટલે તેણે LVA અને તેજસભાઈની જવાબદારી લીધી. હમણા કામ પણ બહુ રહે છે એટલે બધાને જવાબદારી સોપી હું તો કામે વળગી ગયો.

પણ બીજા દીવસે થયુ ચાલ બધાને ફોન તો કરી દવ એટલે LVA અને તેજસભાઈને ફોન કર્યો. LVA પાસેથી દેવાંશુંભાઈનો મોબાઈલ નંબર લઈ તેમને વાત કરી અને તે પણ આવવા તૈયાર થયા. મારો ઉત્સાહ વધતો ગયો. પણ આ ઉત્સાહમા એક ભુલ કરી, જેને પણ મેસેજ કર્યો તેને ક્રેપ કે પછી ફોન કરી ને જાણ ના કરી શક્યો. ઘણા મીત્રો મેસેજ જોતા નથી તે તો મને ખ્યાલ જ ના આવ્યો. પ્રાઈવસી માટે હું જેને ૧૦૦ % ઓળખતો નથી તેવા અમુક મીત્રો ને મેસેજ ના કર્યો. બે ચાર મીત્રો એવા છે જે પોતે જ પોતાની ઓળખ છુપાવા માગે છે તેમને પણ આગ્રહ અને આમંત્રણ ના આપ્યું. મારા ઘરના સભ્યોને પણ મે આમંત્રણ આપ્યુ નહી કારણ કે કદાચ ઓળખાણ ના અભાવે બન્ને પક્ષને સજા મળે.

મારો ઉત્સાહ ત્યારે ઠંડો પડ્યો જ્યારે મારી વાઈફે મને વાસ્તવીકતા સમજાવી. ઘરમા ૪ ખુરશી અને ૬ ગાદલા અને ૩ ઓછાડ છે. બધાને બેસાડશો ક્યા ? મને પણ થયુ ૧૮-૨૦ વ્યક્તિ આવશે તો બેસાડવાની તો મોટી ઉપાધી થાશે. પહેલા વિચાર્યુ કે ઉપર ઓફીસમા બધાને નીચે ગાદલા પાથરી બેસાડી દઈશ પણ ઓછાડ વગર ગાદલા પાથરવા કેમ ? નીરવભાઈ ને વાત કરી તો કહે મારા ઘરે થી ૫ ખુરશીનો મેળ પડી જાશે. મારી વાઈફે પાછળ વાળા પાસે ૪ ખુરશી માગી લીધી. તે તો આખો દીવસ બેઠક વ્યવસ્થા ગોઠવવામા જ ગયો. શનિવારે મારી વાઈફ બધી જ વસ્તુ, ૪ ઓછાડ, અને નાસ્તા માટેની જરૂરી સામગ્રી લઈ આવી. તે આખો દીવસ તેણે ઘર સફાઈ અને તૈયારીમા કાઢ્યો.

રવિવારે એટલે કે પાર્ટીના દીવસે સવારમા નિરવભાઈનો ફોન આવ્યો. જાગ્રતભાઈ હું તમારે ત્યાં આવતો હતો પણ પેટ્રોલ ખાલી થઈ ગયુ તમે પેટ્રોલ લઈ ને આવો. દિવસની શરૂવાત જ આવી થઈ મે કહ્યુ માર્યા આ તો. સાંજે ભગો ના થાય તો સારું. હું પેટ્રોલ લઈ ને ગયો એટલે મારે ત્યાં આવતા હતા ત્યારે ખ્યાતીબેન ને યાદ કર્યાં. પછી તો મારે ઘરે મારા કરતા વધુ નિરવભાઈ એ કામ કર્યું. સરબત માટેની સામગ્રી થી લઈ સરબત ચાખવા જેવું જોખમી કામ પણ તેણે જ કર્યું. મારુ બનાવેલુ સરબત સરખુ કરવામા તેમનો મોટો હાથ અને જીભ બન્ને હતા. સરબત બની ગયું એટલે મારી વાઈફે અણૂ ધડાકો કર્યો,"પાણી ના બાટલાવાળો બે દીવસથી નથી આવ્યો." તરત જ હું અને નિરવભાઈ પાણી લેવા ગયા. ખુસશી લાવ્યા બધુ પતી ગયા પછી તે ઘરે ગયા.

૩.૩૦ ના હું નિરવભાઈ ને લેવા ગયો તે પહેલા LVA અને ક્રિષ્નાબેન બીમાર હોવાથી નથી આવતા તેવું કહ્યું. લજ્જાનો પણ નથી આવવાની તેવો મેસેજ આવ્યો. નિરવભાઈ ને ૩.૪૫ વાગ્યામા બોલાવી રોજ મોડા આવે છે તેની કસર કાઢી. અમારે બન્ને ને શરત લાગી કે કોણ પહેલા આવે છે તેની. તેણે ઝાકળભાઈ કહ્યુ અને મે લલીતભાઈ કહ્યું. બન્ને ના આવ્યા. ઝાકળભાઈને સુપ્રીમકોર્ટ માથી સમન્સ આવ્યો હતો એટલે ત્યા જાવું પડ્યું અને લલીતભાઈને ઓફીસે કામ આવ્યું.(હું તમારી બન્નેની મનો સ્થિતી સમજી શકુ છું.) પહેલા બીલવાભાઈ આવ્યા, તેની પાછળ પાછળ સ્નેહાબેન, જાહ્નવીબેન, રીષીભાઈ, તેજસભાઈ અને દેવાંશુભાઈ પણ આવ્યા. જાહ્નવીબેને સહપરિવાર આવી પોતાનું પ્રોમીસ પાળ્યુ તો સ્નેહાબેને અક્ષત ને સાથે લાવી હાફ-પ્રોમીસ પાળ્યું. ઉતાવળનું પરિણામ તે થયું કે હું દેવાંશુંભાઈને સહપરિવાર આવવાનું આમંત્રણ આપવાનું ભુલી જ ગયો. સોરી ભાભી અને પરીબેન. તેમ છતા રંગત જામતી ગઈ. મેહુલભાઈ પ્રેમ બિમાર હોવાથી ના આવી શક્યા. પણ અસંખ્ય ફોન અને મેસેજ આવતા ગયા. આનંદભાઈ નો ન્યુઝીલેન્ડ થી હોય કે અરવિંદભાઈનો લંડનથી, LVA લજ્જા,ક્રિષ્ના અને હા યથાર્થ ના લીટલ ફઈ બા કુંજલબેન,ભુષણભાઈ, અનિરુદ્ધ કેટલાય મીત્રો નો ફોન આવ્યા. હું તો કામમા હતો એટલે કેટલાય મીત્રના ફોન હું લઈ પણ શક્યો ના હતો. વીકી,યોજોભાઈ, અવનીબેન ખ્યાતીબેન, સપનાબેન, કમલેશભાઈ, કાન્તિભાઈ, અનુજભાઈ, રવિનભાઈ, રુશાંગભાઈ, સ્પનભાઈ હિમતાભાઈ વગેરે ના સ્ક્રેપ અને મેસેજ આવ્યા.

બધા લોકો ને સ્નેહ જોઈ હું અને મારી વાઈફ ભાવવિભોર થઈ ગયા હતા. એક વર્ષ પછી ઘરમા આટલી ચહલ પહલ હતી. કદાચ અમારે આવા ટોનિકની ખુબ જરૂર હતી. એક દીવસ અમે અમારી તકલીફો અને મુસીબતોને સાઈડ પર મુકી મન ભરી ને માણ્યો. તે માટે મારા સ્વજનોનો ક્યાં શબ્દોમા આભાર માનું ? જીવનમા આપણા જ્યારે મોઢુ ફેરવી જાય ત્યારે એક નાનકડી ઓળખાણ ધરાવતા અને માત્ર નેટ ઉપર મળ્યા હોય તેવા આવી રીતે સ્વજન બની જાય ખરા ? હા, આવું પણ શક્ય છે.

Sunday, August 2, 2009

વિચારોનું "મેકઓવર".

આજે ટી.વી. ઉપર રિયાલીટી શોની ભરમાર છે ત્યારે "મેકઓવર" શબ્દ હાલતા-ચાલતા સાંભળવા મળે છે. ટી.વી પર આવતા પહેલા એક વ્યક્તિ કેવી હતી અને તે ટી.વી. પર આવ્યા પછી કેવી દેખાવા લાગે છે તે આપને જોઈ શકીયે છીએ. હું અહી વિચારોના મેક ઓવર વિષે લખવા જઈ રહ્યો છું.

આપણા દેખાવની સાથે સાથે આપણા વિચારો પન પરંપરાગત નથી થઈ ગયા ? નાની અમથી વાતોમા આપણે બાયો ચડાવવા મંડ્યે છીએ અને જ્યારે કાઇક ખરેખર નક્કર કરવાનું આવે ત્યારે છુઉઉઉઉ... સમાજ જે જડપે બદલાય રહ્યો છે, નવી પેઢી જે રીતે મોટી થાય છે ત્યારે ક્યારેક મને બે પેઢી વચ્ચે એકાદ સદી જેટલુ અંતર દેખાય છે. એક ટી.વી. શો માટે આપણે એટલા તો બરાડા પાડીયે છીએ કે તેના ઘોંઘાટમા વાસ્તવિકતાનો અવાજ દબાઈ જાય છે. યાર આજે મારા ટી.વી. પર દેશી-વિદેશી સેકડો ચેનલો આવે છે અને જરૂરી નથી કે તે બધી જ ચેનલો પર આવતા બધા જ કાર્યક્રમો મારી મરજી મુજબ ના હોય. તે જ રીતે કોઇ આલયો માલયો ધમાલીયો કાઈ એલ ફેલ બોલે એટલે આપણે ચડી નિકળવાનું ? ક્યારે આપણે આપણી બુદ્ધીથી નિર્ણય લેશું ?

સંસ્કતિ એકલા રહેવામા નથી પ્રવાહમા ભળવામા છે. ક્યા સુધી આપણી ખોખલી દલીલો ના સહારે એકલા એકલા ચાલશો. જે વસ્તુ બદલી નથી શકાતી તો તેની આદત પાળવી જ રહી. કોઇ બસની સીટ પર માટી છે અને તમે નહી બેસો તો શું તે સીટ ખલી રહેવાની છે ? કોઇ બીજો આવીને બેસી જ જાવાનો છે કારણ કે બસમા સીટો ૫૬ છે અને મુસાફરો ૮૬. તમારે નક્કી કરવાનું છે કે તમારી ગણતરી ૫૬ મા કરવી છે કે ૩૦ માં. આજે બધા ઉજવાતા દિવસોનો વિરોધ કરે છે. મને પણ નથી ગમતું પણ શું કરવાનું ? મારા ૩૦,૪૦ કે ૫૦ મીત્રો મને મેસેજ કરે અને હું સામો જવાબ ના આપુ તો કાઇ થશે નહી પણ હું જવાબ આપીશ તો થોડી તો ખુસી થાસે ને ? વેલેન્ડાઇન ડે (હું જેને વેલણખાઇન ડે કહું છુ) ના ઉજવીને મારે તો મારી વાઇફને નારાજ જ કરવાની ને ? હવે તો ફિલ્મ પણ સારી નથી બનતી એવું કહી ને શું ફિલ્મ જોવા પર હું પ્રતિબંધ મુકી શકુ છુ ?

આપણે બદલવું જ રહ્યું બાકી એકલા રેહવા તૈયાર રહેવું. આજે દરેક ઘરમા બહુમતી આ રીતે જીવવા ટેવાયેલી છે એટલે આપણે તેના પ્રમાણે ઢળવું જ પડશે. સમાજ આજે જે રીતે બદલાય રહ્યો છે તે ગતિ જોડે આપણે ગતી મેળવવી હોય તો વિચારોને બદલવા પડશે. સિધા સરળ અને યોગ્ય દિશા બતાવતા વિચારો જ આજે ચાલે છે. હું મારી જ વત કરૂ તો આજથી દોઢ વર્ષ પહેલાના અને આજના મારા વિચારોમા ઘણો ફરક છે. કદાચ બે ધૃવો જેટલો, કારણ મને એકલુ રહેવું નથી ગમતું. હા એટલુ જરૂર કરી શકાય કે ફેરફારો એક નિયમ અનુશાર કર્યે તો. ફિલ્મો જોવી પણ બધી જ નહી સિલેક્ટેટ અને તે ફિલ્મનો સાર, સાચુ ખોટુ બધા જ પરિવારના સભ્યો મળીને ચર્ચા થઈ શકે કે નહી. જેથી બાળકને યોગ્ય માર્ગદર્શન મળી રહે. બધા જ દીવસો ઉજવવાના પણ એક નિયમ પ્રમાણે. ટી.વી. મા જોય શકાતા કાર્યક્રમનું એક યોગ્ય ટાઇમટેબલ બનાવી શક્ય હોય તો બધા સાથે મળીને જોયે તો ?

પરંતુ આવો સમય કોની પાસે છે ? પછી કહેશું બાળકો બગડે છે અને સંસ્કૃતિનું હનન થાય છે. આપણે બાળકોને રોકવાની જગ્યાએ તેને યોગ્ય દીશા આપવાની જરૂર છે અને તે માટે આપણે પણ તેની સાથે તેની ગતીમા દોડવાની જરૂર છે. જ્યારે આપણે, આપણે દોડી નથી શકતા એટલે તેને પણ દોડતા રોક્યે છીએ. કદાચ આજે વિચારોના મેક ઓવરની તાતી જરૂર છે.

વિચાર જો ?