Tuesday, December 29, 2009

"યાદે" - વિ.વિ.નગરની

મારા તે સમયને હું મારો સુવર્ણયુગ કહી શકુ છું. કોઇ ટેન્શન વગર બિંદાશ જીવન લાઇફમા પહેલી વખત જીવતો હતો. જલારામનગર સોસાયટીની જ વાત કરૂ...

જલારામનગર સોસાયટી વિ.વિ.નગરમા "ખાડો" કહેવાતા એરીયામા આવેલી. ખાડો એટલે ખરેખરનો ખાડો જ. ચોમાસામા વરસાદ પડે એટલે ત્યાં કમર સુધી પાણી ભરાય. દર ચોમાસામા એક મીકેનીક ખાડાને નાકે હંગામી ધોરણે પોતાની હાટડી ખોલી નાખતો કારણ કે ત્યાંથી નિકળતા દરેક સ્કુટર અને નાના વાહનો બંધ પડતા જ.

આ સોસાયટીમા ચોથી લાઇનમા સામેની સાઈડમા અમારૂ મકાન, હું અને મારાથી બે વર્ષ મોટોભાઇ તેમા રહ્યે. બીજો મોટો ભાઇ MBA કરે પણ નેહરૂહોલમા રહેતો. મારી સાથે રહેતો મોટોભાઇ આ મકાનમા ૭-૮ વર્ષથી રહેતો એટલે આજુ-બાજુના બધા જ તેને ઓળખે એટલે મારે બહુ વાંધો ના આવ્યો. ચાલો તો પહેલા તો બધાનો પરિચય કરાવુ એટલે આગળના પરાક્રમ વખતે તમે તેને સારી રીતે ઓળખી શકો.

અમારા મકાનની એકદમ સામે ઇશ્વરકાકા રહેતા. તે કાકી અને એક ત્રણ વર્ષન પૌત્ર સાથે રહેતા. દીકરો અને તેની પત્નિ અમેરિકા રહેતા. ઇશ્વરકાકા જેવો કંજુસ વ્યક્તિ મે આજ સુધી જોયો નથી. TVના પ્રકાશમા જમવા બેસે કારણ કે જમતી વખતે TV તો જોવાનું જ હોયને પછી બીજી લાઇટની શું જરૂર છે. મે તેના ઘરે ટ્યુબ લાઇટ કે બલ્પ ક્યારેય પ્રકાશીત જોયો નથી. લગાવેલો હતો કે નહી તેની પણ શંકા છે. તેની પાસે આવા-ગમન માટે એક લ્યુના હતું.. કહેવાતુ કે તેણે લ્યુના એટલે વસાવેલુ કે પેટ્રોલ બચાવવા તેને સાયકલ કરી ફેરવી શકાય. મે તેને ક્યારેય ઘર પાસેથી લ્યુના સવાર થતા જોયા નથી, સોસાયટીના નાકે જઈ ચાલુ કરતા અને સોસાયટીને નાકે જ બંધ કરી દેતા. તો આવા છે હતા ઇશ્વરકાકા.

ઇશ્વરકાકાનું મકાન એકદમ સામે તો ડાબી બાજુના દીવાલ પાડોશી હતા ઝા કાકા. ઝા કાકા રેલ્વેમા કોઇ મોટી પોસ્ટ ઉપરથી VRS લઈને ઘરે આરામ કરતા હતા. આખી જીંદગી તેલ્વેને પાટા જોયને કાઢી હતી એટલે નિવૃતિ પછી પણ તે અનુભવ ચાલુ રાખવા તેણે ગ્રાઉન્ડ ફ્લોરના મકાન માથી ટેરેસ પર જવા માટે એક વિચિત્ર પ્રકારની લીફ્ટ ફીટ કરાવેલી. પણ તેનો ક્યારેય ઉપયોગ કરી શક્યા ના હતા. તેમણે અમારા લાભાર્થે કેબલ કનેક્શન લીધેલુ હતું. ૯ વાગે ઉંઘી જવા વાળા તે વ્યકતિ બીજાને પણ ૯ વગે સુવડાવી દેતા એટલે જેવા ૯ વાગે એટલે તેમના કેબલ કનેક્શન પર અમારૂ પોર્ટેબલ TV ચાલતું. તેમના કોર્ડલેસ ફોન અને અમારા પોર્ટેબલ TV વચ્ચે શું કનેક્શન હતું તે તો ખબર નહી પણ જ્યારે જ્યારે તે ફોન પર વાત કરતા ત્યારે તેનો વાર્તાલાભનો અમને પણ લાભ મળતો.

અમારી જમણી બાજુ એક રાજસ્થાની પરીવાર રહેતો. સાચુ નામ તો ત્યારેય ખબર ના હતી પણ અમે તેમને ગોટુભાઇ અને છોટુભાઈ કહેતા. સોસાયટીમા સૌથી વધુ અમને તેમની સાથે ભળતું. ઘરે આવવા જવાનું સૌથી વધુ તેમની સાથે. ગોટુભાઇને દહેજમા એક સ્કુટર મળેલું તે રોજની એવરેજ ૩૫ થી ૪૦ કિક વગર ચાલુ જ ના થાય. રોજ સવારે ભાભી બુમો પાડે કે જલ્દી કરો ૯.૩૦ વાગી ગયા અને તમારે ૧૧ વાગે ઓફીસે પહોચવાનું છે અને હજી તમે સ્કુટર પણ ચાલુ કરવાનું શરૂ નથી કર્યું. ત્યારે એવી અફવા વહેતી હતી કે ગોટુભાઇએ દહેજ વખતે જિદ્દ કરીને સ્કુટરની માંગ કરી હતી એટલે તેમના સસરાએ એક જુનું સ્કુટર કલર કરી પધરાવી દીધુ હતું. જે હોય તે ગુટુભાઇના સસરા જાણે.

ગોટુભાઇની સામેના મકાન ચોરના લાભાર્થે બંધ રહેતું. મહીને એક વખત તો તે ઘરમા ચોર ઘુસતા જ અને મકાન માલીકને ગાળો દેતા-દેતા અને નસિબને કોશતા ખાલી હાથે જતા રહેતા. એક વખત તો તે ઘર માથી ઇંટના કોથળા ભરેલા નિકળ્યા હતા. ત્યારે અવું સાંભળેલુ કે ચોર જ્યાં ચોરી કરવા જાય ત્યાં આ રીતે ઇંટના કોથળા ભરી ને જતા અને તે કોથળામા ચોરીનો માલ ભરી લેતા. કાઇક આડા-અવળુ થાય તો ઇંટ કામ આવે. અમારે ઘરે પણ દર વેકેશનમા ચોર મહેમાનગતી માણવા આવતા અને ગાળો દઈ ને જતા રહેતા.

તે બંધ મકાનની બાજુના મકાનમા બચુકાકા રહેતા. કાકીનો સ્વભાવ પણ ખુબ સારો તેમનો છોકરો પપ્પુ અમારી સાથે ક્રિકેટ રમતો. એક દીવસ તેમના કોઈ ફ્રેન્ડ લંડનથી આવેલા ત્યારે લાડુ-ભજીયાનું મસ્ત જમણવાર કર્યો હતો. તે આખો દીવસ બ્રસ કરતા રહેતા એટલે શરૂમા તો તેમની દાતની કાળજી માટેની ધગસની અદેખાય થાતી પણ પાછળથી ખબર પડી કે તે તમાકુ ઘસતા. અમારી ટોળીના તોફાનોમા બચાવ કરવા સદેવ તૈયાર અને સોસાયટીના લીગલ કામ કરનાર. પપ્પુ અમારી જોડે બહાર જમવા આવે ત્યારે બધાના પૈસા તે જ આપે અમને ખીસ્સા(ખાલી)મા હાથ પણ નાખવા ના દે.

બચુકાકાની સામે બિપિનકાકા રહેતા. બિપિનકાકા BVM મા પ્રોફેસર હતા. તે તેમના ત્રણ છોકરા સુજલ,જૈમીક અને સશિન જે બધા જ BVM મા ભણતા તેમની સાથે રહેતા. કાકી ઘણા સમય પહેલા જ ગુજરી ગયા હતા. બિપિનકાકા અમારા રોલ મોડેલ હતા. અમે મોટાભાગે તેમના ઘરે જ પડ્યા રહેતા. સવારે ઘરનું કામ કરી ને જાય પછી બધા જ ભાઇઓ વારા-ફરતી રસોય બનાવી નાખતા. ક્યારેક અમે બધાય જોડે રસોય બનાવીને સાથે જમતા.

એમ તો અમારી પાછળ રહેતા જોડે પણ ઠીક-ઠીક સંબંધ હતો પણ મોટેભાગે ઉપરના લોકો જોડે જ દીવસો પસાર થતા. આ લોકોના સાનિધ્યમા કેવા કેવા કારસ્તાન અને ભગા કર્યા તે હવે પછીની પોસ્ટમાં.

-: સિલી પોઇન્ટ :-

ગેરસમજ થાય ત્યારે બમે તેટલી દલીલો ઓછી પડે છે, ત્યારે તો બસ સામેની વ્યક્તિને
તમારી વાત સમજવા સમય આપવો તે જ ઉપાય હોય છે.

Friday, December 25, 2009

"ક્રિકેટ" - હવે બેટ્સમેનની રમત....

કદાચ આજથી ૨૦ વર્ષ પહેલાની વાત છે. હું આઠેક વર્ષનો હતો. ઘરમા બધા ક્રિકેટ જોવાના જબરા શોખીન. મને હજી એટલી ગતાગમના પડે પણ પપ્પા અને ભાઇઓ વાત કરે તે ઉપરથી હું થોડુ-થોડુ નોલેજ મેળવતો જાવ. ત્યારે કદાચ શારજાહ કપ ચાલતો હતો. પરફેક્ટ તો યાદ નથી પણ તેજ હતો. તેમા ભારત-પાકિસ્તાનનો મેચ હતો. પહેલી બેટીંગ ભારતે કરી હતી. લંચ સમયમા ત્યારે એક્ટ્રા ઇનિંગ કે એક્ટ્રા કવર કે ફોર્થ અમ્પાયર જેવું કાઇ આવતું ના હતું. ત્યારે ઘરના સૌથી વધુ અનુભવી એવા પપ્પા અને મોટા ભાઇઓ પોત-પોતાનુ વિશ્લેષણ રજુ કરતા હતા. પપ્પાએ કહ્યું, "૨૦૦ ઉપરનો સ્કોર ગમે તેવી ટીમ માટે ચેઝ કરવો કપરો છે, એક ઓવરમા ૪-૪.૫૦ રન કરવા સહેલી વાત નથી." ભાઈએ કહ્યું, "પણ મીયાદાદ છે એટલે નક્કી ના કહેવાય". પપ્પા: "જો કે સ્કોર ખુબ સારો છે અને આપણી પાસે કપીલ અને સ્પિનરમા મનિંદરસિંહ તથા શાસ્ત્રી છે, બોલ જુનો થયા પછી અબે બીજી ઇનિંગમા આટલા રન ના થાય."
તે મેચમાં રિઝલ્ટ શું આવ્યુ હતુ તે તો યાદ નથી પણ હમણા જ જ્યારે રાજકોટ વન-ડે વખતે લંચ સમયે આવી જ ચર્ચા થઈ હતી. મે કહ્યું, " ૪૧૪ રન એટલે બહુ વધુ કહેવાય આટલા રન કરવા જરાય સહેલા નથી કદાચ ભારત આજે ૧૦૦-૧૫૦ રન થી જીતી જાશે." પપ્પા એ કહ્યું, " પિચ બહુ સારી છે એટલે કાઈ નક્કી ના કહેવાય." મે કહ્યું , " શું લંકા ૪૧૪નો સ્કોર પણ પાર કરી જાશે ?" પપ્પા : "મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી હા ભારતે વિકેટના ગુમાવી હોત અને ૪૫૦ ઉપર રન કર્યા હોત તો બહુ વાંધો ના હતો." બીજી ઇનિંગ શરૂ થઈ અને લંકાએ ધોકાવાળી કરી ત્યારે પપ્પાએ વચ્ચે વચ્ચે કહ્યું પણ ખરૂ, " હવે શું કહે છે તું " મે કહ્યુ, " ગઈ મેચ હાથ માથી". તે તો છેલ્લે-છેલ્લે સારી બોલીંગ અને લંકાની ખરાબ રનીંગથી મેચ જીતી ગયા. પણ....

પણ ૨૦ વર્ષમા આ રમતમા કેટલો ફેરફાર આવી ગયો. ક્યાં ૨૦૦-૨૨૫ નો વિનીંગ સ્કોર અને ક્યાં ૪૦૦ ઉપરની બે-બે ઇનિંગ એક દીવસમા. કદાચ ભવિષ્યમા બોલરની બોલીંગ એનાલીસીસ આ રીતે લખાશે. ૧૦ ઓવર, ૧૨ દડા ખાલી, ૮૦ રન અને ૧ વિકેટ. ઇશાંત શર્માએ ફક્ત ૭.૪ રન પ્રતિ ઓવરની ઇકોનોમી(?) થી જ રન આપ્યા. આ મેચનો મેઇન ઓફ ધી મેચ છે હરભજનસિંહ જેણે પોતાની ૧૦ ઓવરમા ૨૦ દડા ખાલી નાખ્યા અને ખાલી ૧૦ ફોર અને ૪ સિક્સ સાથે ૭૫ રન આપી ૩-૩ વિકેટ જડપી. બેસ્ટ બોલીંગ એનાલીસીસ ૬૦ રનમા ૩ વિકેટ. કેરીયર એનાલીસીસ ૩૫૦ મેચમા ૨૦૦ વિકેટ ઇકોનોમી(?) ૭.૯ મેચમા ૩ કે તેથી વધુ વિકેટ ૧૦ વખત.

કદાચ ભવિષ્યમા લંચ કે ડીનર ટાઇમમા મારો છોકરો અને હું કાઈક આવી ચર્ચા કરતા હઈશું. યથાર્થ, " પપ્પા ૫૫૦ રન કરી લીધા એટલે આપણે આરામથી જીતુ જઈશું." હું, " બેટા ક્રિકેટમા કાઇ નક્કી ના કહેવાય."

-: સિલી પોઇન્ટ :-

દર વર્ષની જેમ આ વર્ષનું પણ ન્યુ યર રિઝોલ્યુશન " પહેલા જુના રિઝોલ્યુશન પુરા કરો પછી
નવાનીવાત કરો .

Sunday, December 20, 2009

કાશીનું મરણ... સુરતનું જમણ તો વિદ્યાનગર નું ભણતર.

તે ધો.૧૦ નું રિજલ્ટ આવ્યું જ હતું, છેલ્લા એક-બે અઠવાડીયાથી જે ટેન્સનનો માહોલ હતો હર્ષમા પરિવર્તીત થઈ ગયો હતો. જો કે છેલ્લા કેટલાક અઠવાડીયાથી મારા સિવાય બધા જ ચિંતામા હતા. મારા કરતા ઘરનાને મારી પર વધુ વિશ્વાષ હતો કે હું ફેઇલ જ થાઇશ. જ્યારે મને પાસ થવાના ઉજળા સંજોગો લાગતા હતા. રિજલ્ટ આવતા જ અને મેથ્સ સાઇન્સના માર્ક જોઇને ઘરનાને વિશ્વાષ થતો ના હતો કે હું આટલો હોશિયાર છુ. ટોટલ ટકાવારીમા તો કાઇ બહુ ઉકાળ્યુ ના હતુ પણ મેથ્સ-સાયન્સમા ૧૬૪ માર્ક હતા. ઘરના ની ઇચ્છા મને કોમર્સ કે આર્ટસમા મોકલવાની હતી પણ હું સાયન્સમા જવા કટિબદ્ધ હતો. કુંટુંબની પરંપરા મુજબ મારે વિદ્યાનગર ભણવા જવુ તેવુ અંતે નક્કી થયું. મારા મોટા પપ્પા પછી ૧૦ ની પરિક્ષા આપનાર દરેક સભ્ય વિદ્યાનગર ભણવા ગયો જ છે. અમારૂ એક ઘર હમણા સુધી ત્યાં હતુ અને તે ઘરમા રહી અમે બધા ભાઇ-બહેનો ભણ્યા છે.

ધો.૧૧ સાયન્સમા એડમીશન લઈ મને ઘરે નહી પણ રૂમ રાખી રહેવાનો આદેશ મળ્યો. સાયન્સ છે માટે ઘરે કાઇ નહી ભણે તેમ માની મને ઘરથી નજીક "નુતન ક્લબ" પાસે મારો રૂમ હતો. કુદરતી હું જે સ્કુલમા ભણતો તે "સત્યાવીસ પાટીદાર" સ્કુલના એક ટ્રસ્ટીનું જ તે મકાન હતૂ. સ્કુલમા પહેલા જ દીવસે અમારો સ્વાગત કાર્યક્રમ હતો. તેમા બધા સર-મેડમનો અમને પરિચય કરાવવામા આવ્યો. બધાએ અમારૂ શબ્દોથી સ્વાગત કર્યું. અંતે અમારે તેનો જવાબ આપવાનો હતો. કોઈ ઉભુ જ આ થયુ ત્યારે ટ્રસ્ટીએ અમુક ના કહેવાના શબ્દ કહેતા હું ઉભો થયો અને યોગ્ય જવાબ આપ્યો.

પણ અમુક પરિસ્થીતીને લીધે હું વધુ સમય મારૂ સાયન્સમા ભણતર આગળ વધારી ના શક્યો. માંગરોલ આવી કોમર્સમા એડમીશન લીધુ. ૧૨ કોમર્સમા પણ ઘરનાની અપેક્ષા વિરૂદ્દ હુ પહેલી જ ટ્રાયે પાસ થઈ ગયો. બી.કોમ.(અંગ્રેજી માધ્યમ) કરવા B.J.V.M. (ભીખાભાઈ જીવાભાઇ વાણિજ્ય મહાવિદ્યાલય)મા એડમીશન લીધુ. આ વખતે ઘરે જ હું અને મારો મોટો ભાઇ કે B.A. કરતો જોડે રહેતા. અમારૂ મકાન M.J.V. ( મહાવીર જૈન વિદ્યાલય) ની પાછળ "ખાડા" મા જલારામનગરમા હતું. પણ મારૂ હેડક્વાટરતો મારા બન્ને કઝીન જેમાથી એક મારી સાથે અને એક N.V. Patel સાયન્સ કોલેજમા હતો તેની "લીબર્ટી" અને "રીલીફ" હોસ્ટેલ હતુ. સવારે રૂમેથી નિકળી જતો કે રાત્રે આવતો. ત્યાં મારૂ એક જોરદાર ગૃપ બન્યું. અમે ૮ જણા કોલેજ ટાઇમ સિવાય જોડેને જોડે જ હોયે. જમવા પણ જોડે જાઇએ. વિદ્યાનગરમા એક આખુ વર્ષ ભણવા સિવાય બધુ જ કર્યુ. મોટોભાઇ MBA કરતો એટલે તેણે તો પહેલા મહીનામા જ તારણ કાઢી લીધુ હતુ કે આ કાઇ ઉકાળવાનો નથી. સિરિયસલી તેણે કોલેજનો તે સમય મને ઇન્જોય કરવા દીધો હતો. બાકી....

બપોરની કોલેજ હતી અને મારો રૂમ કોલેજ અને નાના બજારથી પ્રમાણમા દુર. હાથે ચા કરવાનો કંટાળો આવે એટલે ઘરે બધી સગવડતા હોવા છતા ૧૦ વાગે સિધો જ રિલીફે પહોચુ અને ત્યાથી સિધા જમવા જઈએ. મેસમા જમવાનું ખુબ સારૂ મળે. હું હતો ત્યારે રૂ. ૭૫૦ મા ૩૦ દિવસ બન્ને ટાઇમ જમવાનું મળતુ. માંગરોલના આજુબાજુના ગામડાના અમુક છોકરા તો વેકેશનમા પણ ટ્યુશનનૂ બહાનું કરી ત્યાં જ પડ્યા રહેતા કારણ કે ઘરે આવુ જવાનુ ના મળે . બે જાતની સુકીભાઈ (અમારા બાજુના ગામડાવાળા તેને ચુકીભાજી કહેતા) બે જાતની દાળ પંજાબી અને ગુજરાતી, તેમા ગુજરાતી દાળ પ્રમાણમા મોરી અને ગળી રહેતી જ્યારે પંજાબી દાળ થોડી તિખી રહેતી, કઠોળ,લીલોતરીનું એક શાક, ભાત, દહી છાસ, કાંદા મરચા,ગોળ સાંજે ક્યારેક ભાખરી તો ક્યારેક પુરી, દુધ અને બુધવારે ફ્રુટસલાડ, ખિચડી-ભાત-કઢી અને શુક્રવારે સ્પેસીયલ વખારેલી ખીચડી. આનાથી વિષેસ શું જોઇએ.

અમે ૮ જણા જોડે જમી ત્યાંથી જ પોતપોતાની કોલેજમા જતા. અમારા ક્લાસટીચર પ્રો.પરમાર ઇકોનોમીક્સ લે અને પિરિયડમા ગમે ત્યારે ગમે તેને ઉભા કરી પ્રશ્ન પુછે, વળી જવાબ શુદ્ધ અંગેજીમા જ આપવાનો. મારે અને અંગ્રેજીને બારમો ચંદ્ર અને ઇકોનોમીક્સ જેવો વિષય ઉપરાંત જમીને સિધા જ ક્લાસમા પ્રવેસ કર્યો હોય એટલે ઉંઘ આવવી વ્યાજબી જ હોય. એક દીવસ હું ઉંઘતો જડપાઈ ગયો (ખરેખર ત્યારે ઉંઘતો જ હતો) મને વેલ્યુ અને પ્રાઇઝ વચ્ચેનો એક તફાવત પુછ્યો. મે સામે પ્રશ્ન કર્યો અંગ્રેજીમા કે ગુજરાતીમા તેણે સામે પ્રશ્ન કર્યો "In Which medium R U Study" મે કહ્યું અંગ્રેજી તો કહ્યુ ક્યાં માધ્યમમા તમારે જવાબ આપવો જોઇએ. મે કહ્યુ અંગ્રેજી તો કે આપો. મે કહ્યુ નથી આવડતુ અંગ્રેજી બોલતા. તેને એમ કે આ ઉંઘતો હતો એટલે બહાના કાઢે છે. મને કે વેલ તો ગુજરાતીમા જવાબ આપો અને મે જવાબ આપી દીધો.

કોલેજમા મોટા ભાગના પ્રોફેશર અને મેડમ ટોપ લેવલના હતા. ભણવું પણ હતુ પણ અંગ્રેજી નડતુ હતું. જીવનમા પહેલી વાર અંગ્રેજી ના આવડવાનું દુખ થતુ હતું. કોલેજ પુરી કરી સિધો જ રૂમે જતો હતો. રસ્તામા નાસ્તો કરી અથવા તો ઘરે સાથે લઈ જતો. ૫ વાગે એટલે રિલીફ પર બધી જ પલ્ટન ભેગી થતી. ત્યાંથી અમારી પદયાત્રા નિકળતી, રિલીફ થી ભાઇકાકા સ્ટેચ્યુ ત્યાંથી મોટા બજાર, મોટા બજાર થી ક્યારેક ઇસ્કોન મંદીર તરફ થઈ B & B વાળી ગલી માથી શાસ્ત્રી મેદાન આવતા તો ક્યારેક સિધા જ RPTP થઈ શાસ્ત્રી મેદાન આવતા. શાસ્ત્રીમેદાનમા "હરીયાળી" જોય સિધ્ધા જ મેસ પર જમવા જતા. રાત્રે જમી બધ્ધા પોત-પોતાને રૂમે ભાગતા.

રવિવારનો પોગ્રાંમ શનિવારે સાંજે જ બની જતો. હોસ્ટેલમા શુક્રવારે રિલીઝ થયેલી ફોલ્મોના રિવ્યુ વહેતા થતા. રિવ્યુ ગમે તેવા હોય, નવી ફોલ્મ રિલીઝ થઈ હોય કે ના થઈ હોય ફિલ્મ જોવા જવાનું એટલે જવાનું જ. મોટેભાગે અમે ૮ જોડે જ હોઇએ. શનિવારે અમારો સિક્ષાવાળો આવીને પુછી જાય કે ક્યું ફિલ્મ જોવા જવું છે. રવિવારે સાંજે મોટાભાગે મેસમા રજા હોય એટલે એક વિકટ પ્રશ્ન શું જમવું તેનો સામે આવીને ઉભો રહે. જીવનમા શું બનવું તેના કરતા પણ મોટો અને વિકટ પ્રશ્ન શું જમવું તેનો હોય. કોઇ એક મતે થાય જ નહી એટલે છેલ્લે નક્કી કરી નાખ્યું કે દર રવિવારે સ્વાગતમા જઈ પંજાબી જ ખાવાનું. ત્યાંથી સિધુ સત્યનારાયણ કે જે ત્યારે હજી ફેમસ ના કતુ તેનો આઇસક્રીમ ખાવાનો. ત્યાં બહાર પાનવાળાની દુકાને અમારો રિક્ષા વાળો અમારી રાહ જોતો ઉભો હોય. સાથે ફોલ્મની ટીકીટ પણ હોય. ફિલ્મ જોયા પછી અમને લેવા પણ આવી ગયો હોય. અમને હોસ્ટેલે મુકી જાય અને બીજે દીવસે આવી હીસાબના પૈસા લઈ જાય. દર વખતે ભાગ પાડવાની ઝંજટ ના કરતા દર વખતે એક વ્યક્તિ બધો ખર્ચ આપી દે. બે મહીને એક વાર વારો આવતો.

આટલા જલ્સા અને સાથે મારા સિવાય બધા જ વ્યવસ્થીત ભણતા. જો કે મારુ નામ "બેસ્ટ સ્પિકર ઓફ કોમર્સ" માટે યુનિ. સુધી ગયેલુ પણ પર્શનલ કારણે હું આગળ જઈ ના શક્યો. પ્રો. પંચાલ અને પ્રો ટંડેલને મારી પાસેથી ખુબ અપેક્ષા હતી પણ હું આગળ ના જ વધી શક્યો. બીજા વર્ષે પણ તેણે ગુજરાતી મીડયમમા મને એડમીશન લેવડાવ્યું હતુ પણ અંગત કારણો સર મારે વિદ્યાનગર છોડવું પડ્યુ. સોરી પંચાલસર.

તે પછી પણ છેક ૨૦૦૩ સુધી લગભગ બધી જ નાતાલ હું વિદ્યાનગર કરતો. હમણા છેલ્લે ૨૦૦૮મા ગયો ત્યારે આધુનિકતા રંગે રંગાયેલુ વિદ્યાનગર જોયુ. કદાચ અભાવમા પણ અમે જે જલ્સા કર્યા છે તે આ આધુનિક વિદ્યાનગરમા થવા શક્ય નથી. રવિવારે ઘરે ફોન કરવા માટે STD-PCO મા લાંબી લાઇનમા ઉભવું, ચાલીને બધે ફરવું, અપરમા બાકડા ઉપર બેસી ઉચી ડોક રાખી ફોલ્મ જોવુ આ બધાની મજા જ કઈ ઓર છે. કાશ બીજો જન્મ મળે અને મને મારો કોલેજકાળ ફરી વિદ્યાનગરમા જ વિતાવવા મળે તો કેવું ? એટલે જ કહુ છુ કે "જો કાશીનું મરણ અને સુરતનું જમણ તો વિદ્યાનગરનું ભણતર."

-: સિલી પોઇન્ટ :-

જગત હંમેશા સફળ લોકોની જ સલાહ માને છે, તમે ગમે તેટલા સાચા કેમ ના હો પણ સફળ નહી હોવ તો કોઇ તમારી વાત સાંભળશે નહી.

Tuesday, December 15, 2009

પિતૃત્વની અનુભુતી... I Love U Papa.



"આ તોફાન કોણે કર્યું ?", આટલી જ બુમ પડતા ચડ્ડી ભીની થઈ જતી. સટાક કરતા એક ગાલ ઉપર પડે અને પછી ૧૦-૧૫ મીનિટની જોરદાર શિખામણ. એક વાર કહી દે કે આમ નથી કરવાનુ એટલે પત્યું, પછી દુનિયા ઉંધી-ચત્તિ થઈ જાય પણ તેમા કોઇ ફેરફાર ના થાય. હું ખરેખર પપ્પાથી ખુબ ડરતો હતો. ક્યારેય પણ સાચી ખોટી વાત કરવાની પણ હિંમત ના હતી.

આજ થી ૫ વર્ષ પહેલા જ્યારે મને ખબર પડી કે હું પપ્પા બનવાનો છું ત્યારે અલગ જ ફિલીંગ થઈ. ઘરમા સૌથી નાનો અને એટલે જ નાના તરીકે જ મોટો થયો. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ હું ખરેખર મોટો થતો ગયો. અને એક દીવસ હું પણ પપ્પા બન્યો.

અત્યાર સુધી હું એક પુત્ર તરીકે પપ્પાને મુલવતો હતો. પણ પિતૃત્વની અનુભુતી થઈ પછી ખબર પડી કે જેને હું કઠોર સમજતો હતો તેની અંદર કેટલો વ્હાલ હતો. આજ સુધી એક કઠોર અને શિસ્ત પાલનમા બહુ સખ્ત એવા પપ્પાને જોતો હતો હવે તેની તે ચેષ્ઠામા મારા પ્રત્યેનો પ્રેમ દેખાવા લાગ્યો. પિતા તરીકેની ફરજને નિભાવવા તેણે પોતાના દીલ પર પથ્થર મુકવો પડ્યો હશે તેની અનુભુતી મને એક પિતા થયા પછી જ થઈ.

તાવ આવ્યો હોય અને મને ધરારથી દવા પિવડાવતા ત્યારે અનાયાશે જે અણગમો થતો ત્યારે પપ્પાને શું થતુ હશે તે નો ખ્યાલ મારા પુત્રને તાવ આવ્યો ત્યારે થયો. કદાચ આપણે જેટલા ગુણગાન માતૃત્વના ગાયા છે તેટલા પિતૃત્વના ગવાયા નથી. આ લાગણી અને અહેસાશ એક પિતા બન્યા પછી જ થાય છે. આજે ફક્ત એટલુ જ કહેવું છે


I LOVE U PAPA

-: સિલી પોઇન્ટ :-

સંબંધોને ફક્ત આપણી આંખે જ જોવાની ભુલ ના કરવી, ક્યારેક બીજાની નજરે પણ જોય લેવું, શક્ય છે કે આપણે જે જોયે છીએ તેનો દ્રષ્ટીકોણ ખોટો હોય.



Sunday, December 13, 2009

I Love Parle..... કદાચ તમે પણ.

મારી વયની દરેક વ્યક્તિએ જીવનમા એકવાર તો પાર્લેની કોઈને કોઈ આયટમ ખાધી જ હશે. તમને થશે આજે આ પાર્લે ક્યાંથી યાદ આવી ? ગયા અઠવાડીયે યથાર્થ માટે પિપર લેવા ગયો. દુકાનવાળો ઘરનો જ હતો એટલે તેની સલાહ માંગી કઈ લઈ જાવી. કારણ કે જેટલી લઈ જાવ તે બધી તે પુરી જ કરી નાખે . દુકાનવાળાએ કહ્યું પોપિન્સ લઈ જાવ એક તો નાની-નાની પિપર આવે અને એક રોલ બે-ચાર દિવસ ચાલે તે નફામા. તરત જ મને મારું નાનપણ યાદ આવ્યું. અને ત્યારે જ મારો પાર્લે પ્રત્યેનો લગાવ અહી મુકવાનો નિર્ણય કર્યો.

ત્યારે હું પ્રાયમરીમા ભણતો હતો. રિસેસમા મોટાઘરે જમવા હું અને મારી નાની બેન સાથે જમવા જતા. રોજ જમીને મોટા મમ્મી કાઇક ભાગ આપે, ક્યારેક બોર હોય તો ક્યારેક જામફળ આપે. ફ્રુટના હોય ત્યારે તે અમને બન્નેને ૨૫ પૈસા (હા, પાવલી અને તે પણ ૧૯૮૭-૮૮ મા) આપે. ત્યારે ૨૫ પૈસાની ૨ કિસમી કે ઓરેન્જ અથવા તો ૧ મેન્ગો બાઈટ કે મેલોડી આવે. પણ અમે બન્ને ભેગા થઈ ને ૫૦ પૈસાની પોપિન્સ લઈ લેતા. ૫૦ પૈસામા બન્નેને ૩-૪ પિપર મળતી.

હું માંગરોલ રહેતો પણ વારે વારે કોઈને કોઇ મુંબઈ જતુ એટલે લેટેસ્ટ વસ્તુ જે બજારમા આવી હોય તે ઘરમા અચુક આવતી. વારે તહેવારે બહાર જવાનું થતુ એટલે મોટાભાગની વસ્તુનો સ્વાદ માણેલો. કેશોદ એરપોર્ટ પર જ્યારે કોઈ ને મુકવા કે લેવા જઈએ ત્યારે કેન્ટીનમા ગોલ્ડસ્પોર્ટ કે લીમકા પીતા, સાથે નાસ્તામા મોનેકો અને ક્રેકજેક બિસ્કીટ ખાતા. પાર્લે-જી તો ઘરે આવતા જ હતા.

અરે કિસમી તો હમણા સુધી મારા પોકેટમા પડી રહેતી. આજે બજારમા કેટલીય વેરાયટીના બિસ્કિટ,પિપર ચોકલેટ મળે છે પણ જે સ્વાદ અને જે મજા પાર્લેની પિપર બિસ્કિટ ખાવામા મળે છે તે બીજી કોઈ વસ્તુમા મળતી નથી. આજે પણ જ્યારે ટ્રાવેલીંગમા ગયો હોય અને ખુબ ભુખ લાગી હોય અને કાઇ વ્યવસ્થિત ખાવાનું ના મળતુ હોય ત્યારે પાર્લે-જી અને ફ્રુટી થી ચલાવી લવ છું. કદાચ આ બધી પ્રોડક્ટ સાથે ભાવનાત્મક સંબંધ સ્થપાય ગયો લાગે છે.

-: સિલી પોઇન્ટ :-
સફળતા એકલી નથી આવતી, કેટલા બધા લોકો ની અપેક્ષાઓ પણ સાથે આવે છે.

Thursday, December 10, 2009

"ધાર્મીક અંધશ્રદ્ધા" - ફક્ત નબળા વર્ગનો જ ઇજારો નથી.

લગભગ બે વર્ષ પછી માંગરોલ આટલો વખત રહ્યો છું. બે વર્ષમા ઘણુ ચેન્જ થઈ ગયું છે. ભાભી હોસ્પિટલમા હતા ત્યારે વાત માથી વાત નિકળતા ભાઈએ કહ્યું કે નાનુભાઈ(નામ બદલાવેલ છે)ની ટવેરા નથી એટલે અહીથી એમ્બ્યુલન્સ લઈ જવી પડશે. નામ સાંભળતા જ હું ચોકી ઉઠીયો મે તરત જ પ્રશ્ન કર્યો "તે તો ઉઠી ગયો હતો ને ?" ભાઈ કહે હા પણ અત્યારે તે કરોડોમા રમે છે. પછી તો ભાઈએ માંડીને વાત કરી પણ મને બહુ મગજમા ના ઉતર્યું. માંગરોલ આવ્યા પછી ૮-૧૦ વખત ભેટો થયો એટલે બધી વાત મગજમા ઉતરી ગઈ. તો પહેલા તમને નાનુભાઈના ભુતકાળમા લઈ જવ.

મારાથી બે-ત્રણ વર્ષ મોટા એવા નાનુભાઈ કેટલાય વર્ષ બાજુના મીલમા ૮ કલાકના ૮૦ રૂપિયા લેખે કામ કર્યું. મગફળીમા થોડીક સમજ આવી અને મોટા કુટુંબનો સાથ અને બહુ અપેક્ષા બગર મગફળીના ધંધામા ઝંપલાવ્યું. હું ત્યારે રેગ્યુલર ઓફીસમા બેસતો થયો હતો. તે સેમ્પલ લઈ ને આવે અને હું બધુ ચેક કરી ભાઈને કહુ એટલે ભાઇ બધી સુચના આપે કે કેટલા આ મગફળી લેવાય અને તમને કેટલો નફો મળશે. મગફળી આવે ત્યારે તેનું સેમ્પલ કરી તેના નફાના અને ખેડુતને દેવાના પૈસા અલગ કરી આપીએ. ધીમે-ધીમે તો નાનુભાઈ કારખાના સ્ટાફ મેમ્બર જેવા થઈ ગયા હતા. ભાઈ તેમનું બહુ રાખે ક્યારેક નુકશાની જતી હોય તો પૈસા પુરા કરી દે. સામે નાનુભાઈ પણ નાના-મોટા કામ કરી આપે. ધીમે-ધીમે ધંધો વધતો ગયો. નફા માથી તેણે પહેલા કેરીયર રિક્ષા અને પછી ટ્રેક્ટર વસાવ્યું.

જલદી પૈસાવાળા થવાની લાહ્યમા નાનુભાઇ નીતી ચુક્યા એટલે અમે તેનો માલ લેવાનો બંધ કર્યો. સિતારો સાતમે આકાશે હતો ત્યારે તો ગામમા નાનુભાઈનું નામ ગાજતુ. એક સાથે કેટલાય ધંધા કરતા અને એક વર્ષ તો તેમણે મગફળીના કારખાનામા ભાગ પણ રાખેલો. પણ ખોટી નિતીનો પૈસો લાંબો સમય ના રહે તેમ ધીમે-ધીમે વળતા પાણી આવ્યા. હું અમદાવાદ રહેવા ગયો ત્યારે તેમની પરિસ્થિતી બહુ ખરાબ હતી. ખાવાના ફાફા હતા અને કોઈ ઉધાર આપવા તૈયાર ના હતું.

અત્યારે.... હજી કાલે જ નાનુભાઈ પોતાની નવી સ્કોડા અને કોર્પીયો બતાવા આવ્યા હતા. હાથમા ચાર-ચાર મોંઘા મોબાઈલ ગળામા ઝાડી-ઝાડી ચેઇનો અને હાથમા લક્કી. સફેદ કપડા અને આગળ-પાછળ ફરનારા વટ પડતો હતો. આ બધુ થયુ કેમ ? તે ક્યાંકથી હાથ ચાલાકી સિખી લાવ્યા અને લોકો સામે નોટોનો વરસાદ કરવા મંડ્યા તેમા તો તેના ફોલોવરનો રાફડો ફાટ્યો. કોઈ ---દેવ બની ગયા. અને હા તેના ફોલોવર કોઈ નાનાએવા મણસો નથી. ગામના સૌથી પ્રતિષ્ઠીત અને નામાંકિત લોકો જેમા ડોક્ટરો,વકીલો,ઉદ્યોગપતિઓ વગેરે સામેલ છે. છેલ્લા મહીના દીવસથી જોવ છુ લોકો કામધંધો મુકી તેની પાછળ છે. એક ડોક્ટરે તો પોતાની પ્રેક્ટિસ મુકી દીધી.

આ જોયને થયુ કે ધાર્મીક અંધશ્રદ્ધા ફક્ત નબળા વર્ગ્નો જ ઇજારો નથી વેલ-એજ્યુકેટેટ લોકો પણ તેમા વહી જાય છે.

-: સિલી પોઇન્ટ :-

" ક્યારેક બીજાનો અકસ્માત જોવામા આપણો પણ અકસ્માત થઈ જાય છે" - મતલબ કે બીજાની ભુલોમા ધ્યાન આપવા કરતા આપણા કામમા ધ્યાન રખવું વધુ હિતાવર છે.

Tuesday, December 8, 2009

લાગણીઓમા વહી જવું કે ડુબી જવુ ?

છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતીઓ(હાથે કરીને ઉભી કરેલી) એવી આવીને ઉભી રહે છે કે વારંવાર લાગણીઓનો વિચાર થઈને જ રહે છે. પેલા દેવ-ડીની જેમ છેલ્લા કેટલાક સમયથી ઇમોશનલ અત્યાચાર સહન કરૂ છુ. આમ તો હું પહેલાથી જ થોડો લાગણીશીલ અને તેનો મીત્રોએ અને આજુબાજુના લોકોએ ભરપુર ફાયદો ઉઠાવ્યો છે અને હજી ઉઠાવે છે. ક્યારેક તો બુદ્ધી કહે કે પેલો તને મુર્ખ બનાવે છે તો પણ દીલના માને અને લાગણીમા વહી જવાય. જોબ કરતો ત્યારે બોસ ફાયદો લેતા એમ કહીને કે તું જોબ કરવા આવ્યો ત્યારે તને કક્કો પણ આવડતો ના હતો અમે તને શિખવાડ્યું એટલે તારાથી તો જોબ છોડાય જ નહી. ૮ મહીના કાળી-ધોળી અને લાલ મજુરી કરાવ્યા પછી પણ જ્યારે દીવાળી ઉપર એમ કહીને કે તને તો એક વર્ષ નથી થયુ એટલે બોનસ ના મળે ત્યારે મગજ ફરવો વ્યાજબી હતો. છતા લાગણીઓને કંટ્રોલ કરી છેલ્લો મહીનો પ્રેમથી કામ કરી છુટો થઈ ગયો.

કદાચ આવો કંટ્રોલ બે-ત્રણ વર્ષ પહેલા ના રહ્યો હોત. કારણ કે ઉગ્ર લાગણીઓને કાબુમા રાખતા છેલ્લા બે વર્ષથી જ શિખ્યો છુ. પહેલા તો કોઈની દરકાર રાખ્યા વિના જે સાચુ હોય તે ગમે તે સામે હોય તેને મોઢે મોઢ કહી દેતો. મારા સ્વભાવથી ઘણૂ સહન કર્યું છે. પણ ત્યારે મે શિખી લીધુ છે .

લાગણીઓ એ એક જાતની શક્તિ છે તેને પોઝીટીવ વર્કમા ડાઇવર્ટ કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે. હવે જ્યારે પણ મનમા કોઇ લાગણીઓ જન્મે છે ત્યારે તેને હું થોડો સમય હોલ્ડ કરીને રાખુ છુ. જેથી મને યોગ્ય નિર્ણય લેવાનો સમય મળી રહે . આ શિખ્યો તેનાથી સૌથી મોટો ફાયદો એ થયો કે હું લોકોને પહેલા જેટલો કડવો લાગતો હવે એટલો જ મીઠો લાગવા મંડ્યો. બીજુ મનમા જે લાગણીઓ જન્મે તેને પ્રોપર રીતે એનાલીશીસ કરવાનો સમય મળી રહે છે. દા.ત. કોઇએ મારા હીતનું નુકશાન કર્યુ છે અને મારા મનમા તિરસ્કારની ભાવના જાગે તો એટ ધેટ ટાઈમ તે વ્યક્ત કરવાને બદલે હવે હું થોડો સમય હોલ્ડ કરૂ છુ. આમ કરવાથી મને તેના આવા કૃત્ય કરવા ના પ્રોપર કારણો વિષે વિચાર કરવાનો સમય મળી રહે છે.

આ તો મારી થીયરી છે, મારા મતે ઉગ્ર લાગણી ત્વરીત વ્યક્ત કરવાથી ડુબાડે છે, જ્યારે સ્નેહની લાગણીઓમા વહી જવાનું હોય છે.

-: સિલી પોઇન્ટ :-

"ભવ્ય'ભુતકાળ' એ 'વર્તમાન'માં ફક્ત આશ્વાસન છે, 'ભવિષ્ય'ની ગેરેંટી નહી."

Monday, December 7, 2009

રાઝ પિછલે જન્મ કા....

છેલ્લા કેટલાય દિવસથી સતત જેની જાહેરાતનો મારો ટી.વી. પર થઈ રહ્યો છે તે શો આજથી શરૂ થવા જઈ રહ્યો છે. સદનસીબે હું જોય નથી શક્યો અને એટલી બધી ઇચ્છા પણ નથી જોવાની પણ બ્લોગ પર લખવા નવો મસાલો મળી ગયો.

મારા પ્રીય લેખક શ્રી શાહબુદ્દીન રાઠોડસાહેબે લખ્યું છે તેમ માણસનો વર્તમાન ખરાબ હોય ત્યારે તે કા ભવિષ્યના સપનામા રાચતો હોય અથવા ભુતકાળ માથી ભુલો કાઢતો હોય. ગગો ઉઠેલ નિકળ્યો, નક્કિ ગયા જન્મમા પાપ કર્યા હશે. ગગા-ગગીના લગ્ન નથી થતા અને માથે પડ્યા છે, ગયા જન્મના મોટા વેરી પેટે ઉતર્યા. પત્ની કજ્યાખોર છે, ગયા જન્મમા કોઈ શ્રાપ દીધો હોવો જોઈએ. આ રીતે ઘણાને બહુ સહેલાયથી વર્તમાનની સમસ્યાઓને ટાળતા જોયા છે.

ગગો ઉઠેલ છે તેમા ગયા નહી આ જન્મના જ પાપ નડે છે, નાનો હતો ત્યારે કાઈ કીધુ નહી એટલે છાપરે ચડીને બેઠો છે. બે ધોલ દીધી હોત તો લાઈનમા આવી જાત. છોકરા-છોકરીનું કાઈ ઠેકાણૂ નથી પડતુ તે માટે ગયા નહી આ જન્મના જ વેર નડે છે. સમાજમા ક્યાય સારાસારી રાખી છે કે કોઈ માગા નાખે. પત્ની કજ્યાખોર છે તેમા પણ આપણો જ વાક છે કોઈ દીવસ સમજાવટથી કામ લીધુ છે ?

સિરિયસલી કહુ તો સમસ્યાથી છટકવાનો આ બહુ સહેલો રસ્તો મળી ગયો છે. હશે પુર્વ-જન્મ જેવું કાઈક હું ના નથી પાડતો પણ પુર્વ-જન્મ જો સાચો હોય તો પહેલા ચાલુ જન્મ સાચો છે. આજની પરિસ્થીતી, આજની સમસ્યા તે આ જન્મની છે અને તેનું આ જન્મમા જ નિરાકરણ લાવવાનું છે. વર્તમાન સનાતન સત્ય છે અને રહેવાનું છે. હા તેનો આધાર ભુતકાળના પાયા પર રહેલો છે પણ ઇમારત એટલે એકલો પાયો જ નથી.

કહેવાનો મતલબ એ છે કે આજની સમસ્યાનો ઉકેલ પહેલા વર્તમાનમા શોધવો જોઈએ, નિરાકરણ લાવવાના પ્રયત્ન કરવા જોઈએ . બાકી પાછલા જન્મમા હું ગમે તે હોવ તેનો મારા આ જન્મમા શું ફરક પડે છે ? જો હું બિરલા,ટાટા કે અંબાણીનો પુર્વજ હોવતો મને તે તેનો હિસ્સો આપી દેવાના નથી અને ભિખારી હોવ તો મારી પાસે જે છે તે કોઈ લઈ લેવાના નથી. પણ માણસને અર્ધખુલ્લા દરવાજે થી ડોક્યું કરવાની મજા આવે છે. જે જોયું તેના વિષે અનુમાનો બાંધી એક કાલ્પનીક દુનિયામા કે જે પોતે પોતાની મરજી પ્રમાણે બનાવી છે અને બધુ જ પોતાની ઇચ્છા મુજબનું છે, તેમા રાચવાનો એક અનોખો આનંદ આવે છે.

હશે જેવી ટી.વી.વાળાની ઇચ્છા.

-: સિલી પોઇન્ટ :-
આપણે હમેંશા ખાંડ જેવા બનવા ઇચ્છીયે છીએ કે જેની હાજરીની બધા નોંધ લે, પણ ખરેખર મીઠા(સોલ્ટ) જેવું બનવું જોઈએ, જેની ગેરહાજરીની નોંધ લેવાય.

Tuesday, December 1, 2009

આજની વાનગી - "ભારતીય નાગરીક"

નમસ્કાર મીત્રો.. આજે આપણી રસોયમા હું તમને ભારતીય નાગરીક કેમ બનવું તે સિખવાડીશ. તો નોટ અને પેન તૈયાર કરી લ્યો.. તો ચાલો આજે બનાવીયે ભારતીય નાગરીક...

તો પહેલા જરૂરી સામગ્રીનું લીસ્ટ બનાવી લ્યો.. ભારતીય નાગરીક બનવા માટે જરૂરી છો કે તમે ભારતીય જેવા દેખાતા હોવા જોયે.. પછી તમે ભલેને પાકીસ્તાની હોવ કે બાંગ્લાદેશી, શ્રીલંકન પણ ચાલે. બીજુ તમારે કોઈ લોકલ સગા કે ઓળખાણ હોવી જરૂરી છે ના હોય તો પણ વાંધો નહી જો હોય તો થોડૂક સસ્તામા પતે. અને અતિ જરૂરી સ્વાદ (અહી જરૂરીયાત) મુજબ નાણા .

ભારતીય નાગરીક બનતા પહેલા પુર્વતૈયારી રૂપે રાશનકાર્ડમા નામ નોંધાવુ પડે છે. તેના માટે લોકલ વ્યક્તિને સાથે લઈ નજીકના સસ્તા અનાજની દુકાને જવું. તે દુકાનવાળાને વિસ્વાષમા લીધા પછી તાલુકા મથકની મામલતદાર કચેરીએ નિયત વારે કુપન(રાશન કાર્ડ) ગુમ થઈ ગયાની અરજી કરવી. અરજીની સાથે સસ્તા અનાજની દુકાનવાળાનો દાખલો જરૂર જોડવો. અરજી કર્યા પછી ઓફીસનો કારકુન તમને એક એફીડેવીટ કરવાનું કેહેશે એટલે ઓફીસની બહાર નિકળશો કે તરત તમને એક ટાઈપિસ્ટ બેસેલો દેખાશે. તેને તમે સ્ટેમ્પ + વધારાના ૫૦ રૂ. આપશો એટલે તે સોગંધનામુ ટાઈપ કરી આપશે. જો ટાઈપપિસ્ટ દયાળૂ હશે તો બે કોપિમા ટાઈપ કરી આપશે બાકી તમારે ઝેરોક્ષ કરાવવી પડેશે. તે સોગંધનામુ લઈ સિધા મામલતદાર ઓફીસમા પહોચી ક્લાર્કને આપશો અને હા જોડે રિવાજ મુજબ ૧૦ થી ૫૦ ની નોટ મુકવાની ના ભુલતા. આટલુ કરશો એટલે એક-બે અઠવાડીયામા તમારૂ કુપન તૈયાર.

હવે પછી નો રસ્તો સાવ સિધો છે. અરે ધ્યાન રાખો એટલો પણ સિધો નથી હજી તો ઘણૂ કામ બાકી છે. આ કુપનથી તમે લાઈટ-ટેલીફોન મેળવી સકશો, મતદારયાદીમા નામ લખાવી વોટર આઈ.ડી અને બેન્કમા ખાતુ પણ ખોલાવી શકશો પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે જન્મતારીખનો દાખલો જોઈશે. તે મેળવવો પણ બહુ સહેલો છે. ગામની પંચાયત ઓફીસ કે નગરપાલીકામા જન્મમરણ નોંધણી વિભાગમા જાવ, તમારી સાચી-ખોટી જન્મતારીખ કહો અને દાખલો માગો, જરુરીયાત પ્રમાણે નાણા ચુકવો એટલે દાખલો હાજર. હવે રસ્તો સાફ.. આ દાખલાના આધારે ડ્રાઇવીંગ લાયસન્સ (એજન્ટ રૂ. ૨૦૦ થી ૫૦૦ મા મેળવી આપશે. ડાયરેક્ટ કરવા જશો તો આખી જીંદગી નિકળી જશે.), પાનકાર્ડ ( ફરી એજન્ટ રૂ. ૮૦ થી ૧૫૦મા અને ૨૫૦મા છેલ્લા વર્ષનું રિટર્ન સાથે.) પાસપોર્ટ (ફરી એજ પ્રક્રીયા) મેળવી શકશો.

તો તૈયાર છે ભારતીય નાગરીક....

તમને થશે હું શું મજાક કરૂ છું. ના આ મજાક નથી હું બહુ સિરિયસ છું. હમણા જ ૨૬/૧૧ ગઈ. બહું ઠેકડા માર્યા બધાએ. શક્તિ પ્રદર્શન પણ કર્યૂ કે અમે કેટલા શક્તિશાળી છીએ. આપણે આ બધુ કરતા હૈશું ત્યારે ગદ્દાર લોકો કેવા હસતા હશે નહી આપણી ઉપર. બધુ જ બરોબર છે. પોલીસવાળાને બુલેટપ્રુફ જેકેટ મળવા જ જોઇએ, લેટેસ્ટ હથીયાર હોવા જ જોઇએ પણ જ્યાં આંતરીક સિસ્ટમમા જ મોટા-મોટા બોકારા છે તેનું શું ? આતંકવાદી આવે અને પછી તેનો સામનો કર્યે તેના કરતા તેને આવતા જ રોકવા શું ખોટા છે ?

શું મુંબઈ પર થયેલો હુમલો સ્થાનીક મદદ વગર શક્ય હતો ? એકલા મુંબઈ જ શા માટે છેલ્લા ૧૦-૧૫-૨૦ વર્ષમા જેટલી પણ વાર હમલા થયા છે શું તે સ્થાનીક મદદ વગર શક્ય બને ? મુંબઈનો સ્થાનીક રહેવાસી આટલી ઝડપથી વી.ટી. સ્ટેશન, હોટલ તાજ કે ઓબેરોય ના પહોચી શકે તેટલી ઝડપથી તેઓ પહોચ્યા હતા. સાલી કોઈની દીમાગ કી બત્તી કેમ જલતી નથી ?

આતંકવાદીઓને ખબર છે કે મરવાનું છે અને જો જીવતા પકડાયા તો પણ સાસરૂ જ છે ૧૦-૧૫ વર્ષ મોજ જ કરવાની છે. પેલો અફઝલ ગૂરૂ મોજ કરે છે અને હવે આ કસાબ પણ મોજ કરશે. એવું એક તો કારણ જણાવો કે જેનાથી આતંકવાદી ભારત આવતા ડરે ? બીજુ હું જ્યાં રહુ છુ તે માંગરોલ દરિયા કિનારે છે અને હાઇલી સેન્સીટીવ એરીયા કહેવાય. અહી થી માધવપુર સુધીનો ૩૦-૪૦ કિમી લાંબો દરીયાકિનારો સંભાળવા હમણા સુધી એક બોટ અને ૧૦-૧૫ નેવીના જવાનો હતા. બીજુ વચ્ચેના નાના-નાના ગામડામા બે-ચાર ગામડા વચ્ચે એક ફોરેસ્ટ ઓફીસર હતા. બહારથી કાઈ પણ અહી લેન્ડ કરવું હોય તો બહુ સહેલુ છે. ભુતકાળમા લેન્ડ થયેલુ પણ છે. પણ હમણા સુધી કોઈ તકેદારી લેવાતી ના હતી. તાજેતરની મને ખબર નથી પણ બે વર્ષ પહેલા સુધી તો આ જ સ્થિતી હતી.

કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ હુમલો કરે અને પછી તેનો મુકબલો કરવો તેના કરતા તેને આવતા જ ના રોકી શકાય ? કાશ...