Wednesday, August 12, 2009

ભાઈ ૨૦ રૂપિયાની મગફળી આપો ને.

મગફળી અને સીંગદાણા વચ્ચે જન્મ થયો અને જીવના ૨૭ વર્ષ તેની વચ્ચે કાઢ્યા. ફેમીલી બીઝનેશ હોવાથી નાનપણ થી જોડાય ગયેલો, નાના-મોટા કામ થી શરૂ કરી અને બે વર્ષ એકલા હાથે ફેક્ટરી ચલાવા સુધીની સફર ખેડેલી. શરૂમા ઓફીસમા સાફ સફાઈ કરવાની, વેકેશનમા બપોરે બધા જમવા જાય ત્યારે ફોન ઉપાડવાના અને જવાબ આપવાના, બેન્કના કામો કરવાના મગફળી આવી હોય કે સીંગદાણા જતા હોય બોરીની સંખ્યા ગણવાની અને લોટ મુજબ કે પાર્ટી મુજબ તેના ઉપર નિશાન કરવાનું કામ કરતો. મોટા ભાઈ કામમા એટલી ચોક્કસાઈનો આગ્રહ કરતા કે ભુલ થાય એટલે આવી બને અને કદાચ આ બીકથી જ ભુલ થતી. પરંતુ આ નાની નાની ભુલથી મળતી સજા મોટી ભુલો થતા રોકતી.

સમય વિતતો ગયો તેમ-તેમ અનુભવ મળતો ગયો. અનુભવની સાથે જવાબદારી અને સત્તા પણ મળતી ગઈ. પરંતુ આ જવાબદારી અને સત્તા એક લાંબી પ્રક્રીયાની સીડીઓ ચડીને મળી એટલે તેને સ્વિકારતા, પચાવતા કે છોડતા કોઈ તકલીફ ના પડી. આ પ્રક્રીયાએ મને એટલો ફ્લેક્સીબલ બનાવ્યો કે કોઈ પણ પરિસ્થિતીને સ્વિકારતા મને બહુ ઓછો સમય લાગવા મંડ્યો. કદાચ આ મારા ઘરની પરંપરા હતી. દરેક વ્યક્તિએ ઓફીસમા પોતાની ખુરશી પ્રાપ્ત કરતા પહેલા એક પ્રક્રીયા માથી પસાર થવુ પડતુ. પપ્પા, મોટા બન્ને ભાઈઓ અને હું આ જ રીતે ખુરશી સુધી પહોચીયા હતા.

આ જે જ્યારે હું જોબ કરૂ છુ ત્યારે અસંખ્ય એવા લોકો સાથે "ટચ"મા આવવાનુ થાય છે જે પપ્પાનો ફેમીલી બીઝનેસ સંભાળતા હોય છે. તેમાથી ઘણા ખુબ સરસ રીતે તેને આગળ વધારતા હોય છે. કુનેહ અને હોશીયારી કાબીલે દાદ હોય પરંતુ એક વાત ખુટતી જોય શકુ છું, પોતાના કામ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ પ્રત્યેનું માન સદંતર ખુટતુ હોય છે. પર્વત પર ચડવુ અને સીધા જ હેલીકોપ્ટરથી લેન્ડ થવુ બન્નેમા ફરક છે. ચડનારને પર્વતની મહાનતા અને સાર્મથ્યની ખબર હોય છે જ્યારે કદાચ હેલીકોપ્ટરથી લેન્ડ કરનાર પોતાને પર્વતથી ચડીયાતો ગણવાની ભુલ કરી શકે છે.

આજે કોમ્પિટીશનના આ જમાનામા જ્યારે તમારી જગ્યા લેવા માટે એક લાંબી લાઈન પાછળ તૈયાર હોય ત્યારે પર્વતથી પોતાને ચડીયાતો ગણવાની ભુલ બહુ મોંઘી પડી શકે છે. હું કોઈ પણ જગ્યાએ હોવ, ગમે તે પોઝીશનમા હોવ, ગમે તેવી સ્થિતીમા હોવ મારે મારા કામ અને તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું માન જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે. પછી તે મારી ઓફીસમા પ્યુન હોય કે મારા બોસ, ક્લાઇન્ટ હોય કે કુરીયરવાળો.

ગયા મહીને યથાર્થને મગફળીના ઓરા ખાવા હતા એટલે રેકડીવાળા પાસે મે ૨૦ રૂ. ની મગફળી માગી. દોઢ વર્ષ પહેલા મારે ત્યા કોઈ ૨૦ બોરી મગફળી વેચવા આવતુ તો હું તેને કહેતો કે "અમે છુટક મગફળી નથી લેતા". પેલો વેચવા આવનાર બહુ જીદ્દ કરતો કે શેઠ લઈ લો ને બીજે ક્યા જાઈશ ત્યારે થોડોક ગુસ્સો આવતો અને ના પાડી દેતો ત્યારે વિચાર સુદ્ધા કર્યો ના હતો કે એક દીવસ મારે જ ૨૦ રૂ. ની મગફળી લેવા જાવી પડશે અને રેકડીવાળો મને કહેશે કે ૪૦ રૂ,ની કોલો છે અને તેનાથી ઓછી નથી વેચતો.

યે જીવન હૈ... યહી હૈ યહી હૈ ઇસકા રંગરૂપ..

Tuesday, August 11, 2009

આજનો દીવસ.


ગયા ઓગસ્ટની જ આ વાત છે. સમસ્યાઓ પોતાની ચરમસિમા પર હતી. પપ્પા બીમાર હતા બેનનું એડમીશન થતુ ના હતું. ઘરમા રોજ બબાલો થતી. મારા ક્લાસ બંધ થવા જઈ રહ્યા હતા. યથાર્થનો બર્થ ડે સામે હતો પણ ઉજવાય શકે તેવી કોઇ સંભાવના હતી નહી. અમદાવાદ મા આવ્યો તેને ૬ મહીના થયા હતા પણ કોઈ મીત્ર કે એવી કોઈ વ્યક્તિ ના હતી કે જેની સાથે હું વાત કરી શકુ. જુના મિત્રો ને શોધવા ક્યાં ? વિચાર કર્યો ચાલને બધા ઓર્કુટ-ઓર્કુટ કરે છે તો ત્યા બધા જ મળી જ જાશે.

તા.૧૧-૮-૦૮ ના દીવસે મે મારી ઓર્કુટ પ્રોફાઇલ બનાવી. ત્યારે મે આજના દીવસની કલ્પના કરી ના હતી. આજે હું જે કાઈ પણ છુ આ બ્લોગ છે તે બધુ જ મારી સમસ્યાઓ નું આડફળ છે. માટે હું ઇશ્વરને પ્રાર્થના કરૂ છું, કે "હેં ઇશ્વર મને આવી જ કસોટી આપતો રહે જેથી મારી ક્ષમતા હજી પણ વિકસે અને હું આ વિશ્વમા મારી ઓળખ પાક્કી કરતો જાવ."

આભાર .

Sunday, August 9, 2009

હા, આવું પણ શક્ય છે.

બચ્ચા પાર્ટી સાથે તેજસભાઈ


ધબકારના કાર્યક્રમ માથી હજી ઘરમા પગ જ મુક્યો હશે અને મારી વાઈફે હુકમ કર્યો, "યથાર્થની બર્થ ડે આવે છે અને આ બધાને પણ બોલાવાના છે." મે કહ્યુ "સારું બધાને પુછી જોઈશ આવસે કે નહી તે નક્કી નહી." ઓર્કુટ ઉપર કોઈ મળે અને ઘરે આવે તે મને બહું શક્ય લાગતું ના હતું. પણ હા ધબકાર અને તે પહેલા નિરવભાઈ, બીલવાભાઈ,મેહુલભાઈ,અનિરૂદ્ધ વગેરે ઘરે આવી ગયા હતા એટલે અશક્ય પણ નહોતું લાગતું. મારી ફ્રેન્ડલીસ્ટમા ૯૭ માથી ઘરના સભ્યો અને મારા પર્શનલ ફ્રેન્ડ કાઢી નાખુ તો ૭૩ બાકી રહે અને તેમાથી ૩૦ જેટલા મીત્રોનો તો મારી પાસે મોબાઈલ નંબર હતો. અમુક જોડે તો રેગ્યુલર વાત થતી હતી અને હીમતાભાઈ કે પછી કાન્તિભાઈ તો ખુબ લાંબી અને પ્રેમાળ વાતો કરતા જાણે મારા ઘર ના સભ્ય જ કેમ હોય. નિરવભાઈ તો ક્યારેક આઠવાડીયુ મારા ઘરે ના આવે તો મારા વોચમેન કાકા પુછે કે પેલા સ્કુટરવાળા ભાઈ કેમ નથી દેખાતા. લજ્જા તો ક્યારેક નાની બેનની જેમ મારી ઉપર હુકમ છોડતી હોય. ટુકમાં મન ખચકાતુ હતું પણ ચાલ ને બધાને પુછી જ લવ.

નિરવભાઈ મારા ઘરે આવ્યા એટલે તેને ઝાકળભાઈને ફોન કરવાનું કીધુ અને મે સ્નેહાબેન ને ફોન કર્યો. સ્નેહાબેને તો ખુબ ઉત્સાહથી આવવાની હા પાડી અને મારી ઉપર ગુસ્સે થતા થતા ક્રિષ્નાબેનને લાવવાની જવાબદારી ઉપાડી. ત્યાં તો ઝાકળભાઈ સાથે વાત કરી અને તે તો સજોડે આવવા તૈયાર થયા. ચાલો શરૂવાત જ જોરદાર થઈ એટલે વાંધો ના હતો. પછી તો બીલવાભાઈ,લલીતભાઈ, મેહુલભાઈ વગેરે ને ફોન કરી ને આમંત્રણ આપ્યું અને બધા તૈયાર થયા. અમુક મીત્રોને મેસેજ કર્યો. રીષીભાઈને ફોન કર્યો એટલે તેણે LVA અને તેજસભાઈની જવાબદારી લીધી. હમણા કામ પણ બહુ રહે છે એટલે બધાને જવાબદારી સોપી હું તો કામે વળગી ગયો.

પણ બીજા દીવસે થયુ ચાલ બધાને ફોન તો કરી દવ એટલે LVA અને તેજસભાઈને ફોન કર્યો. LVA પાસેથી દેવાંશુંભાઈનો મોબાઈલ નંબર લઈ તેમને વાત કરી અને તે પણ આવવા તૈયાર થયા. મારો ઉત્સાહ વધતો ગયો. પણ આ ઉત્સાહમા એક ભુલ કરી, જેને પણ મેસેજ કર્યો તેને ક્રેપ કે પછી ફોન કરી ને જાણ ના કરી શક્યો. ઘણા મીત્રો મેસેજ જોતા નથી તે તો મને ખ્યાલ જ ના આવ્યો. પ્રાઈવસી માટે હું જેને ૧૦૦ % ઓળખતો નથી તેવા અમુક મીત્રો ને મેસેજ ના કર્યો. બે ચાર મીત્રો એવા છે જે પોતે જ પોતાની ઓળખ છુપાવા માગે છે તેમને પણ આગ્રહ અને આમંત્રણ ના આપ્યું. મારા ઘરના સભ્યોને પણ મે આમંત્રણ આપ્યુ નહી કારણ કે કદાચ ઓળખાણ ના અભાવે બન્ને પક્ષને સજા મળે.

મારો ઉત્સાહ ત્યારે ઠંડો પડ્યો જ્યારે મારી વાઈફે મને વાસ્તવીકતા સમજાવી. ઘરમા ૪ ખુરશી અને ૬ ગાદલા અને ૩ ઓછાડ છે. બધાને બેસાડશો ક્યા ? મને પણ થયુ ૧૮-૨૦ વ્યક્તિ આવશે તો બેસાડવાની તો મોટી ઉપાધી થાશે. પહેલા વિચાર્યુ કે ઉપર ઓફીસમા બધાને નીચે ગાદલા પાથરી બેસાડી દઈશ પણ ઓછાડ વગર ગાદલા પાથરવા કેમ ? નીરવભાઈ ને વાત કરી તો કહે મારા ઘરે થી ૫ ખુરશીનો મેળ પડી જાશે. મારી વાઈફે પાછળ વાળા પાસે ૪ ખુરશી માગી લીધી. તે તો આખો દીવસ બેઠક વ્યવસ્થા ગોઠવવામા જ ગયો. શનિવારે મારી વાઈફ બધી જ વસ્તુ, ૪ ઓછાડ, અને નાસ્તા માટેની જરૂરી સામગ્રી લઈ આવી. તે આખો દીવસ તેણે ઘર સફાઈ અને તૈયારીમા કાઢ્યો.

રવિવારે એટલે કે પાર્ટીના દીવસે સવારમા નિરવભાઈનો ફોન આવ્યો. જાગ્રતભાઈ હું તમારે ત્યાં આવતો હતો પણ પેટ્રોલ ખાલી થઈ ગયુ તમે પેટ્રોલ લઈ ને આવો. દિવસની શરૂવાત જ આવી થઈ મે કહ્યુ માર્યા આ તો. સાંજે ભગો ના થાય તો સારું. હું પેટ્રોલ લઈ ને ગયો એટલે મારે ત્યાં આવતા હતા ત્યારે ખ્યાતીબેન ને યાદ કર્યાં. પછી તો મારે ઘરે મારા કરતા વધુ નિરવભાઈ એ કામ કર્યું. સરબત માટેની સામગ્રી થી લઈ સરબત ચાખવા જેવું જોખમી કામ પણ તેણે જ કર્યું. મારુ બનાવેલુ સરબત સરખુ કરવામા તેમનો મોટો હાથ અને જીભ બન્ને હતા. સરબત બની ગયું એટલે મારી વાઈફે અણૂ ધડાકો કર્યો,"પાણી ના બાટલાવાળો બે દીવસથી નથી આવ્યો." તરત જ હું અને નિરવભાઈ પાણી લેવા ગયા. ખુસશી લાવ્યા બધુ પતી ગયા પછી તે ઘરે ગયા.

૩.૩૦ ના હું નિરવભાઈ ને લેવા ગયો તે પહેલા LVA અને ક્રિષ્નાબેન બીમાર હોવાથી નથી આવતા તેવું કહ્યું. લજ્જાનો પણ નથી આવવાની તેવો મેસેજ આવ્યો. નિરવભાઈ ને ૩.૪૫ વાગ્યામા બોલાવી રોજ મોડા આવે છે તેની કસર કાઢી. અમારે બન્ને ને શરત લાગી કે કોણ પહેલા આવે છે તેની. તેણે ઝાકળભાઈ કહ્યુ અને મે લલીતભાઈ કહ્યું. બન્ને ના આવ્યા. ઝાકળભાઈને સુપ્રીમકોર્ટ માથી સમન્સ આવ્યો હતો એટલે ત્યા જાવું પડ્યું અને લલીતભાઈને ઓફીસે કામ આવ્યું.(હું તમારી બન્નેની મનો સ્થિતી સમજી શકુ છું.) પહેલા બીલવાભાઈ આવ્યા, તેની પાછળ પાછળ સ્નેહાબેન, જાહ્નવીબેન, રીષીભાઈ, તેજસભાઈ અને દેવાંશુભાઈ પણ આવ્યા. જાહ્નવીબેને સહપરિવાર આવી પોતાનું પ્રોમીસ પાળ્યુ તો સ્નેહાબેને અક્ષત ને સાથે લાવી હાફ-પ્રોમીસ પાળ્યું. ઉતાવળનું પરિણામ તે થયું કે હું દેવાંશુંભાઈને સહપરિવાર આવવાનું આમંત્રણ આપવાનું ભુલી જ ગયો. સોરી ભાભી અને પરીબેન. તેમ છતા રંગત જામતી ગઈ. મેહુલભાઈ પ્રેમ બિમાર હોવાથી ના આવી શક્યા. પણ અસંખ્ય ફોન અને મેસેજ આવતા ગયા. આનંદભાઈ નો ન્યુઝીલેન્ડ થી હોય કે અરવિંદભાઈનો લંડનથી, LVA લજ્જા,ક્રિષ્ના અને હા યથાર્થ ના લીટલ ફઈ બા કુંજલબેન,ભુષણભાઈ, અનિરુદ્ધ કેટલાય મીત્રો નો ફોન આવ્યા. હું તો કામમા હતો એટલે કેટલાય મીત્રના ફોન હું લઈ પણ શક્યો ના હતો. વીકી,યોજોભાઈ, અવનીબેન ખ્યાતીબેન, સપનાબેન, કમલેશભાઈ, કાન્તિભાઈ, અનુજભાઈ, રવિનભાઈ, રુશાંગભાઈ, સ્પનભાઈ હિમતાભાઈ વગેરે ના સ્ક્રેપ અને મેસેજ આવ્યા.

બધા લોકો ને સ્નેહ જોઈ હું અને મારી વાઈફ ભાવવિભોર થઈ ગયા હતા. એક વર્ષ પછી ઘરમા આટલી ચહલ પહલ હતી. કદાચ અમારે આવા ટોનિકની ખુબ જરૂર હતી. એક દીવસ અમે અમારી તકલીફો અને મુસીબતોને સાઈડ પર મુકી મન ભરી ને માણ્યો. તે માટે મારા સ્વજનોનો ક્યાં શબ્દોમા આભાર માનું ? જીવનમા આપણા જ્યારે મોઢુ ફેરવી જાય ત્યારે એક નાનકડી ઓળખાણ ધરાવતા અને માત્ર નેટ ઉપર મળ્યા હોય તેવા આવી રીતે સ્વજન બની જાય ખરા ? હા, આવું પણ શક્ય છે.

Sunday, August 2, 2009

વિચારોનું "મેકઓવર".

આજે ટી.વી. ઉપર રિયાલીટી શોની ભરમાર છે ત્યારે "મેકઓવર" શબ્દ હાલતા-ચાલતા સાંભળવા મળે છે. ટી.વી પર આવતા પહેલા એક વ્યક્તિ કેવી હતી અને તે ટી.વી. પર આવ્યા પછી કેવી દેખાવા લાગે છે તે આપને જોઈ શકીયે છીએ. હું અહી વિચારોના મેક ઓવર વિષે લખવા જઈ રહ્યો છું.

આપણા દેખાવની સાથે સાથે આપણા વિચારો પન પરંપરાગત નથી થઈ ગયા ? નાની અમથી વાતોમા આપણે બાયો ચડાવવા મંડ્યે છીએ અને જ્યારે કાઇક ખરેખર નક્કર કરવાનું આવે ત્યારે છુઉઉઉઉ... સમાજ જે જડપે બદલાય રહ્યો છે, નવી પેઢી જે રીતે મોટી થાય છે ત્યારે ક્યારેક મને બે પેઢી વચ્ચે એકાદ સદી જેટલુ અંતર દેખાય છે. એક ટી.વી. શો માટે આપણે એટલા તો બરાડા પાડીયે છીએ કે તેના ઘોંઘાટમા વાસ્તવિકતાનો અવાજ દબાઈ જાય છે. યાર આજે મારા ટી.વી. પર દેશી-વિદેશી સેકડો ચેનલો આવે છે અને જરૂરી નથી કે તે બધી જ ચેનલો પર આવતા બધા જ કાર્યક્રમો મારી મરજી મુજબ ના હોય. તે જ રીતે કોઇ આલયો માલયો ધમાલીયો કાઈ એલ ફેલ બોલે એટલે આપણે ચડી નિકળવાનું ? ક્યારે આપણે આપણી બુદ્ધીથી નિર્ણય લેશું ?

સંસ્કતિ એકલા રહેવામા નથી પ્રવાહમા ભળવામા છે. ક્યા સુધી આપણી ખોખલી દલીલો ના સહારે એકલા એકલા ચાલશો. જે વસ્તુ બદલી નથી શકાતી તો તેની આદત પાળવી જ રહી. કોઇ બસની સીટ પર માટી છે અને તમે નહી બેસો તો શું તે સીટ ખલી રહેવાની છે ? કોઇ બીજો આવીને બેસી જ જાવાનો છે કારણ કે બસમા સીટો ૫૬ છે અને મુસાફરો ૮૬. તમારે નક્કી કરવાનું છે કે તમારી ગણતરી ૫૬ મા કરવી છે કે ૩૦ માં. આજે બધા ઉજવાતા દિવસોનો વિરોધ કરે છે. મને પણ નથી ગમતું પણ શું કરવાનું ? મારા ૩૦,૪૦ કે ૫૦ મીત્રો મને મેસેજ કરે અને હું સામો જવાબ ના આપુ તો કાઇ થશે નહી પણ હું જવાબ આપીશ તો થોડી તો ખુસી થાસે ને ? વેલેન્ડાઇન ડે (હું જેને વેલણખાઇન ડે કહું છુ) ના ઉજવીને મારે તો મારી વાઇફને નારાજ જ કરવાની ને ? હવે તો ફિલ્મ પણ સારી નથી બનતી એવું કહી ને શું ફિલ્મ જોવા પર હું પ્રતિબંધ મુકી શકુ છુ ?

આપણે બદલવું જ રહ્યું બાકી એકલા રેહવા તૈયાર રહેવું. આજે દરેક ઘરમા બહુમતી આ રીતે જીવવા ટેવાયેલી છે એટલે આપણે તેના પ્રમાણે ઢળવું જ પડશે. સમાજ આજે જે રીતે બદલાય રહ્યો છે તે ગતિ જોડે આપણે ગતી મેળવવી હોય તો વિચારોને બદલવા પડશે. સિધા સરળ અને યોગ્ય દિશા બતાવતા વિચારો જ આજે ચાલે છે. હું મારી જ વત કરૂ તો આજથી દોઢ વર્ષ પહેલાના અને આજના મારા વિચારોમા ઘણો ફરક છે. કદાચ બે ધૃવો જેટલો, કારણ મને એકલુ રહેવું નથી ગમતું. હા એટલુ જરૂર કરી શકાય કે ફેરફારો એક નિયમ અનુશાર કર્યે તો. ફિલ્મો જોવી પણ બધી જ નહી સિલેક્ટેટ અને તે ફિલ્મનો સાર, સાચુ ખોટુ બધા જ પરિવારના સભ્યો મળીને ચર્ચા થઈ શકે કે નહી. જેથી બાળકને યોગ્ય માર્ગદર્શન મળી રહે. બધા જ દીવસો ઉજવવાના પણ એક નિયમ પ્રમાણે. ટી.વી. મા જોય શકાતા કાર્યક્રમનું એક યોગ્ય ટાઇમટેબલ બનાવી શક્ય હોય તો બધા સાથે મળીને જોયે તો ?

પરંતુ આવો સમય કોની પાસે છે ? પછી કહેશું બાળકો બગડે છે અને સંસ્કૃતિનું હનન થાય છે. આપણે બાળકોને રોકવાની જગ્યાએ તેને યોગ્ય દીશા આપવાની જરૂર છે અને તે માટે આપણે પણ તેની સાથે તેની ગતીમા દોડવાની જરૂર છે. જ્યારે આપણે, આપણે દોડી નથી શકતા એટલે તેને પણ દોડતા રોક્યે છીએ. કદાચ આજે વિચારોના મેક ઓવરની તાતી જરૂર છે.

વિચાર જો ?


નામના મેળવવાની ચાહના.

હમણા હમણા ઘણા દીવસોથી એવા એવા પ્રસંગો બન્યા છે કે ઘણૂ બધુ લખવવાનું બાજુ પર છોડી આ લખવાની ફરજ પડી. કોઇ ની પણ ટીકા કર્યા વગર અને નામ લીધા વગર આજે સમાજમા ફેલાતા આ રોગ વિષે મારો અભિપ્રાય લખીશ. એટલે કોઇ એ પર્શનલ સમજવું નહી અને પર્શનલ કોમેન્ટ પણ લખવી નહી તેવી નમ્ર વિનંતી છે.
આજે જ્યારે દુનિયા બહુ ઝડપથી આગળ વધી રહી છે ત્યારે દરેકને પહેલા થવું છે. તે પછી પર્શનલ લાઈફ હોય, સામાજીક લાઈફ હોય કે આ આભાષી દુનિયા. પરંતુ કુદરતી છે કે દરેક પાસે તેવી શક્તિ ના પણ હોય ત્યારે શું કર્વું. બીજાની સિદ્ધી પોતાના નામે ચડાવો અને આગળ વધો. શું આ ફક્ત અહી ઓર્કુટ અને બ્લોગ જગત પુરતું જ સિમીત છે ? ના દરેક જગ્યાએ આ જ ચાલે છે. જુનિયરે કરેલ કામની વાહ-વાહ સિનિયર લઈ જાય સાથે પ્રમોશન પણ મેળવી જાય. નોકરની મહેનત માલીક ચાટી ખાય અને તગડો થતો જાય. સચિવની બુદ્ધી અને વાહ વાહ મંત્રી(મને તો આજ સુધી વિશ્વાષ નથી બેઠો કે લાલુ યાદવ જેવા બજેટ બનાવી શકે ખરા ?) મેળવે. પરંતુ આ બધી જગ્યાએ જે તે વ્યક્તિ પોતાની ફરજ બજાવે છે અને તેને તેનું વળતર મળે છે. પરંતુ ક્રીયેશનની વાત આવે ત્યારે ? કોઇ સંગીતકાર મહામહેનત કરી એક ધુન બનાવે અને તેને બીજો કોઈ ચોરી જાયતો ? એક એન્જીન્યર એક ડીઝાઇન બનાવે અને તેનો લાભ બીજો ખાટી જાય તો ? એક લેખક પોતાના વિચારો લખે અને તે જ વિચારોથી બીજો વાહ વાહ મેળવી જાય તો ? એક કવિની કવિતા તે બીજા કવિના નામે જોવે ત્યારે તેને કેવું દુખ થાય ? લાગણીહીન લોકોને દુ:ખ સાથે ક્યા નિસબત છે.
નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી. એકનો દીકરો બીજી સ્ત્રી ઉપાડી જાય છે અને રાજા પાસે ફરીયાદ કરે ત્યારે રાજા દીકરાના બે ભાગ કરી બન્ને ને એક એક ભાગ આપવાનું કહે છે ત્યારે સાચી માં રડવા મંડે છે અને પોતાનો દીકરો પેલી બીજી સ્ત્રીને આપી દેવનું કહે છે. હું સમજી શકુ છું કે સંતાનહીન સ્ત્રી નું દુ:ખ શું હોય છે પરંતુ આ દુખ તેને બીજાના છોકરા ચોરવાનો અધીકાર તો નથી જ આપતો ને. આવા વાંજણી વૈચારીકતા લોકો એ વિચારવું(?) જોઈએ કે તમે વિચારો જણી ના શકો તો કાઈ નહી પણ કોઇના વિચારો તો ના ચોરો. નામના મેળવવાની ચાહનામા અંધ આવા લોકોને બીજાની લાગણીઓ ક્યાં દેખાય છે. કદાચ હવે વધુ લખીશ તો મારી મર્યાદા નહી રહે એટલે અહિ જ આટકુ છું.