Wednesday, August 12, 2009

ભાઈ ૨૦ રૂપિયાની મગફળી આપો ને.

મગફળી અને સીંગદાણા વચ્ચે જન્મ થયો અને જીવના ૨૭ વર્ષ તેની વચ્ચે કાઢ્યા. ફેમીલી બીઝનેશ હોવાથી નાનપણ થી જોડાય ગયેલો, નાના-મોટા કામ થી શરૂ કરી અને બે વર્ષ એકલા હાથે ફેક્ટરી ચલાવા સુધીની સફર ખેડેલી. શરૂમા ઓફીસમા સાફ સફાઈ કરવાની, વેકેશનમા બપોરે બધા જમવા જાય ત્યારે ફોન ઉપાડવાના અને જવાબ આપવાના, બેન્કના કામો કરવાના મગફળી આવી હોય કે સીંગદાણા જતા હોય બોરીની સંખ્યા ગણવાની અને લોટ મુજબ કે પાર્ટી મુજબ તેના ઉપર નિશાન કરવાનું કામ કરતો. મોટા ભાઈ કામમા એટલી ચોક્કસાઈનો આગ્રહ કરતા કે ભુલ થાય એટલે આવી બને અને કદાચ આ બીકથી જ ભુલ થતી. પરંતુ આ નાની નાની ભુલથી મળતી સજા મોટી ભુલો થતા રોકતી.

સમય વિતતો ગયો તેમ-તેમ અનુભવ મળતો ગયો. અનુભવની સાથે જવાબદારી અને સત્તા પણ મળતી ગઈ. પરંતુ આ જવાબદારી અને સત્તા એક લાંબી પ્રક્રીયાની સીડીઓ ચડીને મળી એટલે તેને સ્વિકારતા, પચાવતા કે છોડતા કોઈ તકલીફ ના પડી. આ પ્રક્રીયાએ મને એટલો ફ્લેક્સીબલ બનાવ્યો કે કોઈ પણ પરિસ્થિતીને સ્વિકારતા મને બહુ ઓછો સમય લાગવા મંડ્યો. કદાચ આ મારા ઘરની પરંપરા હતી. દરેક વ્યક્તિએ ઓફીસમા પોતાની ખુરશી પ્રાપ્ત કરતા પહેલા એક પ્રક્રીયા માથી પસાર થવુ પડતુ. પપ્પા, મોટા બન્ને ભાઈઓ અને હું આ જ રીતે ખુરશી સુધી પહોચીયા હતા.

આ જે જ્યારે હું જોબ કરૂ છુ ત્યારે અસંખ્ય એવા લોકો સાથે "ટચ"મા આવવાનુ થાય છે જે પપ્પાનો ફેમીલી બીઝનેસ સંભાળતા હોય છે. તેમાથી ઘણા ખુબ સરસ રીતે તેને આગળ વધારતા હોય છે. કુનેહ અને હોશીયારી કાબીલે દાદ હોય પરંતુ એક વાત ખુટતી જોય શકુ છું, પોતાના કામ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ પ્રત્યેનું માન સદંતર ખુટતુ હોય છે. પર્વત પર ચડવુ અને સીધા જ હેલીકોપ્ટરથી લેન્ડ થવુ બન્નેમા ફરક છે. ચડનારને પર્વતની મહાનતા અને સાર્મથ્યની ખબર હોય છે જ્યારે કદાચ હેલીકોપ્ટરથી લેન્ડ કરનાર પોતાને પર્વતથી ચડીયાતો ગણવાની ભુલ કરી શકે છે.

આજે કોમ્પિટીશનના આ જમાનામા જ્યારે તમારી જગ્યા લેવા માટે એક લાંબી લાઈન પાછળ તૈયાર હોય ત્યારે પર્વતથી પોતાને ચડીયાતો ગણવાની ભુલ બહુ મોંઘી પડી શકે છે. હું કોઈ પણ જગ્યાએ હોવ, ગમે તે પોઝીશનમા હોવ, ગમે તેવી સ્થિતીમા હોવ મારે મારા કામ અને તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું માન જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે. પછી તે મારી ઓફીસમા પ્યુન હોય કે મારા બોસ, ક્લાઇન્ટ હોય કે કુરીયરવાળો.

ગયા મહીને યથાર્થને મગફળીના ઓરા ખાવા હતા એટલે રેકડીવાળા પાસે મે ૨૦ રૂ. ની મગફળી માગી. દોઢ વર્ષ પહેલા મારે ત્યા કોઈ ૨૦ બોરી મગફળી વેચવા આવતુ તો હું તેને કહેતો કે "અમે છુટક મગફળી નથી લેતા". પેલો વેચવા આવનાર બહુ જીદ્દ કરતો કે શેઠ લઈ લો ને બીજે ક્યા જાઈશ ત્યારે થોડોક ગુસ્સો આવતો અને ના પાડી દેતો ત્યારે વિચાર સુદ્ધા કર્યો ના હતો કે એક દીવસ મારે જ ૨૦ રૂ. ની મગફળી લેવા જાવી પડશે અને રેકડીવાળો મને કહેશે કે ૪૦ રૂ,ની કોલો છે અને તેનાથી ઓછી નથી વેચતો.

યે જીવન હૈ... યહી હૈ યહી હૈ ઇસકા રંગરૂપ..

4 comments:

  1. તમારો દ્રષ્ટિકોણ એકદમ સાચો છે.

    ૧) પોતાના કામ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ પ્રત્યેનું માન સદંતર ખુટતુ હોય છે.

    ૨) પર્વત પર ચડવુ અને સીધા જ હેલીકોપ્ટરથી લેન્ડ થવુ બન્નેમા ફરક છે.
    - મને આ બંને વાતો ખુબ ખુબ ખુબ ગમી.
    keep it up... બહું ઓછું પીરસો છો તમે , અમારી જરૂરિયાત અને તમારી કાબેલિયતના પ્રમાણમાં ..:))

    ReplyDelete
  2. બાપ-દાદાના ધન્ધામાં જોડાતા લોકો વિષે ભાર્ગવભાઇ એ સરસ કહ્યુ તુ કે: એક્ટરનો છોકરો એકટર (અભિષેક, રણવીર વિ.), પોલીટીશિયન નો પોલીટીશિયન (ભરત સોલંકી, રાહુલ ગાંધી વિ.), ક્રિકેટરનો છોકરો ક્રિકેટર (રોહન ગવાસ્કર) વિ. વિ. અને ભિખારીનો છોકરો ભિખારી, સુથારનો છોકરો સુથાર, પ્યુન નો છોકરો પ્યુન બને તે વચ્ચે કોઇ ભેદ નથી! તમે તમારા મા-બાપે જે કર્યુ હોય તેનાથી વિશેષ કરો તો તમે જીવનમાં કાંઇ કર્યુ! નહીતર હેલોકોપ્ટરનુ લેંડીગ!
    જય હો! લગે રહો!

    ReplyDelete
  3. tamari flexibal banvani prakriya nu raz janva malyu...khub j saras jagratbhai..ane parvat par chadvu ane helicopter vali vat pan etli j sachi lagi...khub j saral bhasha ma tame bahubadhu kahi jao cho..khare khar maja aave che..tamari andar thi tamari ek pramanik manas tarike ni sachchai zalke che.keep it up.

    ReplyDelete
  4. તમારો બ્લોગ વાંચ્યો...સ્પર્શી ગયો...કોઇ યાતનામાથી પસાર થયા બાદ જ કોઇ આવુ વિચારી શકે કે એને કાગળ પર ઉતારી શકે...પણ આવી મુશ્કેલી ઓ મા થી ઉપર આવેલી વ્યક્તિ એના જીવન મા ખૂબ કાઠુ કાઢે છે જે ડાયરેક્ટ હેલીકૉપ્ટરમાંથી લેંડ થયેલી વ્યક્તિ કોઇ કાળે નથી કરી શક્તી.. એ પણ એટલુ જ સત્ય છે..સોનુ ટીપાય ત્યારે જ એમાથી સુન્દર ઘરેણુ બને છે...આપણા વિચારો અને આપણે પણ એમ જ ઘડાઇએ છીએ..આપણી જગ્યા લેવા આપણ ને જ ધક્કો મારીને આગળ નીકળનારનો આપણે આભાર માનવો રહ્યો કે એમના લીધે જ આપણ ને આમ ઘડાવાને તક મળી..

    ReplyDelete