Thursday, June 2, 2011

હું જેવો છુ તેવો છુ…..


પ્રાથમીકમાં હતા ત્યારે અમે રોજ સવારે પ્રાર્થના ગાતા… “ અસત્યો માહે થી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા, ઉંડા અંધારે થી પરમ તેજે તું લઈ જા “. આખ્ખી તો અત્યારે યાદ નથી પણ ત્યારે તો તે અમે ખાલી ગાવા ખાતર ગાતા કારણ કે એટલી બુદ્ધી નોહતી કે ભાવાર્થ સમજી શક્યે. આજે જ્યારે ભાવાર્થ સમજી-સમજાવી શક્યે છીએ ત્યારે ફક્ત એટલી સમજ છે કે હું એક અપુર્ણ વ્યક્તિ છુ અને મારી ગતી પુર્ણતા તરફની હોવી જોઇયે. છે કે નહી તેની ખાતરી કરવા બહુ અંગત મીત્રો હોવા જોઇએ અથવા તો કટ્ટર હરીફો જે તમને આ પુર્ણતા ના રસ્તે ચાલવા માટે સતત ઉત્સાહીત અને પ્રેરીત કરતા રહે.

કદાચ ૧૦૦ % પુર્ણતા શક્ય નથી અને એટલે જ તો વિકાસ-ઉત્ક્રાન્તી વગેરે સતત ચાલતી પ્રક્રીયા છે . આજે જ્યારે હું પાછળ વળીને જોવ છુ ત્યારે હું પોતાને ઘણો આગળ નીકળેલો જણાવ છું. હું છાતી ઠોકીને કહી ના શકુ કે મારી ગતી પુર્ણતા તરફની છે કે નહી પણ એટલુ તો જરૂર મુલ્યાંકન કરી શકુ કે જ્યાંથી ચાલવાની શરૂવાત કરી હતી ત્યાથી ઘણો દુર નિકળી ગયો છું. કદાચ થોડુક મેળવ્યુ હશે તો થોડુક ગુમાવ્યુ પણ હશે તેના સરવૈયા માંડવા નથી બેસાવું પણ આજે જ્યારે મારી લેખનયાત્રાના લગભગ ૧૫-૧૬ વર્ષ થવા જઈ રહ્યા છે અને લખાણ પુક્તતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બસ સ્વજનો સાથે થોડોક ભુતકાળ વાગોળવો છે.

હું લખી શકુ છુ અને તેમાય તેને સારી રીતે વ્યક્ત કરી શકુ છુ તેની મને બહુ મોડી ખબર પડી . એક ગોલ્ડન કહી શકાય તેવો સમયગાળો લગભગ વીતી ગયો જ્યારે નેશનલ લેવલ સુધી નું જ્યા સ્ટેજ મળી શકે તેમ હતું તેવી માંગરોલની વિવેકાનંદ વિનય મંદિરના ૮-૯ નું વર્ષ મે લગભગ બરબાદ જ કરી નાખ્યુ . અને જ્યારે ધો. ૧૦ મા ભાન આવ્યુ ત્યારે બહુ મોડુ થઈ ગયુ હતું. તેમ છતા તે વર્ષે લગભગ શાળા સ્તર પર હું અન-બિટન હતો કારણ કે વકૃત્વસ્પર્ધામાં મારૂ વતવ્ય હું પોતે જ લખતો એટલે વ્યક્ત કરવામાં સરળતા રહેતી અને મૌલીકતા ભારો ભાર જણાતી. કદાચ મારો વિકાસ ત્યાં જ અટકી પડ્યો હોત પણ થન્ક્સ ટુ ડઢાણિયા સાહેબ કે જેણે વખતો વખત મારુ અપમાન કરી મને સતત આગળ વધવાનો બુસ્ટ આપ્યો. કદાચ તે તેમનો પુર્વગ્રહ હતો કે પછી મારા તરફનો આંતરીક પ્રેમ તે તો હું આજ દીવસ સુધી જાણી નથી શક્યો પણ તેમના આકરા શબ્દો મને આજે પણ ચાર્જ કરવા મટે પુરતા છે.

ધો. ૧૨ મા સમગ્ર દેશ આઝાદીની સુવર્ણજયંતિ મનાવતો હતો એટલે મારૂ ચડતુ લોહી પણ ગરમ થવાનું જ હતુ તેમાય વોરાસર ના ટ્યુશનનો તે મુક્ત માહોલ . પછી તો પુછવું જ શું દર અઠવાડીયે એક તેઝાબ નિતરતી કલમે લેખ લખાવા મંડ્યો. કદાચ તે સમય ને હું મારા લેખન નો સુવર્ણકાળ કહી શકુ . મારી વયના અને સહાધ્યાયઓ જે વિચારી પણ નોતા શકતા એવા વિચારો ને હું શબ્દોમા રુપાંતરીત કરતો એટલે વાહ-વાહ તો મળવાની જ હતી. બોર્ડનું વર્ષ હોવા છતા લખવાનું એક ગાંડપણ હતું અને જેટલા ચોપડા ભણવામાં નોહતા વાપર્યા તેટલા લખવામાં વપરાયા. અફસોસ કે આ બધુ જ સુવર્ણ સર્જન હું સાચવી ના શક્યો. કેટલાક વિ.વિ.નગર હતો ત્યારે ઘરના એ પસ્તિમા આપી દીધા અને બચ્યાતા તે માળીયા ઉપર પાણી ભારાયુ તેમા પલળીને નાશ પામ્યા.

વિ.વિ,નગર એક વર્ષ ફક્ત બીજાઓ માટે જ લખ્યુ . કોઇક ડિબેટમા કે પછી નિબંધ લેખનમાં ભાગ લે તો મારી પાસે આવે હું ઉભાઉભ લખાવી આપુ. કદાચ ત્યારે મારા ડીપ્રેશન-સીઝોફેનિયાનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો હતો. તેવું જ માંગરોલ આવ્યા પછી કોલેજમાં પણ ચાલુ રહ્યું. ડિપ્રેશનની દવા ડીસેમ્બર-૧૯૯૮ થી શરૂ થઈ ગયેલી દર અઠવડીયે સીટીંગ લેવા પણ જવું પડતું પણ હજુ તેની પુર્ણ અસર તો થવાને વાર હતી . કોલેજમાં કોઇ ને પણ કોઇ પણ વિષય પર લખવાનું-બોલવાનું હોય બિન્દાસ મારી પાસે આવી જાય અને તેમાથી કેટલાય ને તો હું જાણતો પણ ના હોવ અને અમુક તો મારા હરીફ પણ હોય તેમ છતા ગમે તેને ગમે તે વિષય પર લખી દેતો. કદાચ ત્યારે વાંચન પણ આજથી ઘણૂ વધુ હતુ .

તે પછી આવ્યો મારો શુન્યાવકાશ કાળ… ૨૦૦૧-૦૨ માં ડિપ્રેશનની દવા તથા સીંટીંગની અસર વર્તાવા લાગી . લાઇફ જાણે વિચારશુન્ય અવસ્થામાં પસાર ના થતી હોય કોઈ જાતના વિચારો જ ના જન્મતા . લખાણ તો દુર વાંચન પણ શક્ય ના બન્યું. સામાન્ય નિર્ણય પણ લેવાની માનશીક શક્તિ ખોય બેઠેલો તે જ અરસામાં લગ્ન જેવા લાઇફના મોટા નિર્ણયો પરાણે લેવા પડ્યા . હું જ્યારે મારી ખુદની ચિંતા કરી શકવા અક્ષમ હતો ત્યારે જ વધારાની એક વ્યક્તિની પણ ચિંતા મારા માથે આવી . આ જ ક્સમશકમાં હું જીંદગી થી હારી ગયો અને ના કરવાનું કરી બેઠો ….

જ્યારે જ્યારે હું પડ્યો છુ બમણા જોરથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો છે અને તેમા સફળતા પણ મળી છે . જ્યારે બધાને એવું લાગતું હતું કે હવે આ ડિપ્રેશન માથી ઉભો જ નહી થઈ શકે અને સીટીંગ ફરી ચાલુ કરવા પડશે ત્યારે જ મે દવા બંધ કરી દીધી . દવા બંધ કરવાથી પહેલો ફાયદો તે થયો કે હું ફરી વિચારતો થયો… સપના જોતો થયો . ભલે તે સપના કદી પુરા થવાના ના હોય તો પણ એક આત્મવિશ્વાષ આવ્યો. જે રીતે દવા શરૂ કરવી તે પણ અનિવાર્ય હતી તેમ તેને બંધ કરવી પણ જરૂરી હતી. આ દરમ્યાન માનશીક રીતે મારૂ ઘડતળ થયુ… થેન્ક્સ ટુ ડો. મૃગેશ વૈષ્ણવ .

લાઇફમાં જ્યારે પણ લાગે કે તે હવે બરોબર સેટ થઈ ગઈ છે ત્યારે જ ન જાણે ક્યાથી આંતરીક એક કીડો સળવડે અને પાછો અનિશ્ચીતતાઓ તરફ ધકેલાય જાવ . માંગરોલની ઠાઠ-માઠ ભરેલી લાઇફ મુકી અમદાવાદ ધુળ ફાંકવા આવી ચડ્યો. મારા જોબની બે-ત્રણ મહીનાની સેલેરી જેટલુ રોજ કમાય લેતો તે છોડીને આવવું સામાન્ય લોકોની નજરે તો મુર્ખામી જ દેખાય . પણ અમદાવાદ આવ્યો અને રાખ નીચે દબાયેલા અંગારા ફરી સળગવા મંડ્યા. ઓર્કુટ કોમ્યુનિટી થી શરૂવાત થઈ તે પછી બ્લોગ અને ફેસબુક સુધી વિસ્તરી ઘણા મીત્રો મળ્યા, ઘણા સાથે મુક્ત ચર્ચાઓ કરી તો કેટલાય ઝગડાઓ પણ કર્યા . વાર્તાના રાજકુમાર(રી)ની જેમ દીવસે નહી વિકસ્યો હોય તેટલો (મોટાભાગે) રાતે વિકસ્યો . કટાયેલી (કલમની)તલવાર ફરી ધારદાર બની અને કેટલાય સાથે રીતસરના યુદ્ધો લડ્યા. ૧૯૯૭ ના વર્ષને જો હું સુવર્ણકાળ ગણતો હોવ તો આ મારો રૂપેરીસમય હતો. ફરક એટલો કે આ ગાળાનું લગભગ બધુ જ સર્જન સચવાયેલુ છે. આ ગાળામાં મને ઘણા લોકોએ પ્રોત્સાહીત કર્યા બધા ના નામ લેવા શક્ય નથી પણ તેમા થી બે નામ લખવા માટે કી-પેડને રોકી શકતો નથી .રજનીભાઈ તથા જે.વી. કદાચ આ બન્નેના પ્રોત્સાહને હવનમાં ઘીનું કામ કર્યું અને બીજા દરેક વ્યક્તિનો ફાળો આહુતી થી ઓછો ના જ ગણી શકુ . બે-ચાર નામો એવા છે કે કદાચ તેણે ટાટીયા ખેચવાનો પ્રયત્ન ના કર્યો હોત તો પણ હું કદાચ આટલુ લખી ના શક્યો હોત .

નવેમ્બર ૨૦૦૯ મા પેલો કીડો ફરી સળવળ્યો અને લગભગ સેટલ થઈ રહેલી લાઇફ છોડી માંગરોલ પાછો આવ્યો. માંગરોલ પરત ફરવાની સિધી અસર લખવા પર પડી અને લાગતું હતું કે ફરી પાછો શુન્યાવકાશકાળ આવશે ત્યારે જ મારા મીત્રો-સ્વજનોએ મને સાચવી લીધો . જેમ જેમ લખોતો આવ્યો તેમ તેમ આવેગો અને ઉત્તેજનાઓ ઘટતી ગઈ અને સ્થીરતા વધતી ગઈ કદાચ થોડી શુષ્કતા પણ આવી ક્યારેક હું પોતે તાજગીનો અભાવ અનુભવું છું પણ આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે એક માથી બીજામાં થતા રૂપાંતરણ દરમ્યાન કાઇક નવું વધુ સારૂ વધુ બહેતર મળે છે તો થોડુક જુનુ જતું પણ કરવું પડે છે.

શરૂવાતમાં લખેલી પ્રાર્થનામાં જે પ્રભુની વાત છે તેને મે ક્યારેય જોયા નથી . મારા માટે તો તે ઇશ્વર મારા મીત્રો, સ્વજનો સ્નેહીજનો હિતેચ્છુઓ શત્રુઓ જ છે જે મારા વર્તમાન અને ભવિષ્યવિષે વિચારે છે ચિંતા કરે છે . દરેક એ વ્યક્તિ કે જેણે જીવનમાં એક વખત પણ મારા વિષે સારૂ-ખરાબ વિચાર્યુ હશે તે મારે મન પેલા ઇશ્વરથી કમ નથી . તો હે મારા ઇશ્વર તું મને મારી આ અપુર્ણતા થી પુર્ણતા તરફના પ્રયાણમા જે રીતે મદદરૂપ થયો છે તે બદલ હું તારો આભાર માનું છુ અને આગળ પણ મદદ કરતો રહેજે તેવી નમ્ર વિનંતી કરૂ છુ કારણ કે હું તો જેવો છું તેવો જ છુ તેને બદલવો તે તારા હાથમાં છે.

નોંધ :- હું કોઈ અસામાન્ય વ્યક્તિ નથી એટલે પ્લીઝ …….

-:સિલી પોઇન્ટ :-

૧૯૯૭ થી ૨૦૧૧ વચ્ચેના મારા જીવનને એક વાક્યમાં વર્ણવું હોય તો કેવી રીતે વર્ણવી શકાય ? સો સિમ્પલ “બાલ ઠાકરે માથી મનમોહનસિંહ માં રુપાંતરણ “ :P

બીજુ આ બધુ લખવાનો મુખ્ય આશય શો ? બસ આટલુ જ સિદ્ધ કરવા કે “આત્મકથા હંમેશા સફળ લોકોની જ નથી હોતી અમારા જેવા લોકોની પણ હોય શકે છે. “