Saturday, January 29, 2011

શિખવવું=શિખવું + આત્મસાત કરવું + અભિવ્યક્ત કરવું

શિક્ષકનો સામાન્ય અર્થ સ્કુલ માં ભણાવતી એવી વ્યક્તિ કે જેણે કેટલી બધી “ડીગ્રી” સુધીનું ભણતર કર્યું હોય તેવો કર્યે છીએ. મહદ અંશે આ ધારણા સાચી પણ હોય છે પણ વધુ ભણવું કે શીખવું તેનો અર્થે એ નથી કે બધુ જ આવડવું અને બધુ જ આવડવું તેનો પણ અર્થે તે નથી જ કે બધુ જ શીખવી શકવું.

ક્યારેક કોક સામાન્ય વ્યક્તિ બહુ જ ગુઢ વાત સાવ સહજ રીતે શિખવાડી જતી હોય છે તો ક્યારેક સાવ નાની લાગતી વાત શિખવાડવામાં કોઇ મહાપંડીત ને પણ પરસેવો છુટતો હોય છે. ટાઇટલમાં લખ્યું તેમ શિખવવા માટે એકલું શિખવું જ જરૂરી નથી તેને આત્મસાત કરવું પડે છે. આત્મસાત કર્યા પછી પણ તેને યોગ્ય રીતે અભિવ્યક્ત કરવું રહ્યું.

આજે હું કેવી રીતે શીખ્યો અને કેવી રીતે શીખવાડી શક્યો તેના વીષે મારો જાત અનુભવ કહીશ. ઘટનાઓ જેટલી સત્ય છે તેટલી જ મારા હ્યદયની નજીક પણ છે એટલે વિસ્તૃતીકરણ સ્વાભાવીક છે. શક્ય હશે તેટલા ઓછા બ્રેકમાં અને બની શકશે તેટલા ટુકાણમાં લખવાનો પ્રયત્ન કરીશ.

સમસ્યાનું ઘોડાપુર આવતું નજર સામે દેખાતું હતું. સમસ્યા અસ્તિત્વ ટકાવવાની હોય ત્યારે તરખણા પર પણ સ્ટીમર કરતા વધુ આશા માંડી હોય. સમસ્યા હતી માર્ચ મહીનાની ડેડલાઇનની. જો માર્ચ મહીના સુધીમાં કોઈક જોબ ના મળે તો મારે અમદાવાદ છોડી દેવું તેવો સ્પષ્ટ આદેશ હતો. કદાચ એકાદ મહીનાની લાઇફ-લાઇન મળે પણ તેનાથી વધુ સમય મળે તેવી તો સપનામાં પણ કલ્પના કરી શકુ તેમ ના હતો. ૧૪ મહીનાનો અનીમેશનનો કોર્ષ જોઇન કર્યો હતો પણ ગોર મહરાજ પાસે મુર્હત જોવાનું ભુલાય કેમ ગયુ હોય એક પછી એક સમસ્યા જથ્થાબંધના ધોરણે આવતી હતી. જવું તો હતું દિલ્હી પણ કોઈ રીતે ત્યાં પહોચાય તેમ ના હતું એટલે ઉત્તરપ્રદેશના કોઇ અંતરીળાય જગ્યાએ પ્રેટ્રોલ ખુટે તેના કરતા વચ્ચેની સેફ જગ્યા એટલે કે ઉદયપુર શું ખોટુ છે તેમ માની એનીમેશન પડતું મુકી વિડીયો એડીટીંગનો કોર્ષ પુરો કર્યો.

પનોતી પીછો જ ના છોડતી હોય તેમ તે સમય મંદીની પરાકાષ્ઠા નો હતો. જ્યાં જોબ નક્કી જ હતી તે ઝી ટી.વી. ગુજરાતી બંધ થયુ અને અધુરામાં પુરૂ બીજા મોટા પ્રોડક્શન હાઉસમાં કોસ્ટ કટીંગની કાતર ફરી એટલે બે-બે પાંચ-પાંચ બર્ષના અનુભવી એડીટરો મફતના ભાવે કામ કરવા તૈયાર હોય ત્યારે અમારા જેવા અણઘટ શિખાવ લોકો ને કોણ રાખે ? તેમ છતા કોઈ પણ સંજોગોમાં જોબ શોધ્યે જ છુટકો. તકલીફ એ હતી કે અમુક જોબ માટે મારી પાસે વધુ પડતી લાયકાત હતી અને અમુક મારો પનો ટુકો પડતો હતો. કોલ સેન્ટર કે પછી ફોટો રી-ટચની કોઈ જોબમાં જગ્યા ખાલી હોય તો પણ પ્રેમથી કહી દેતા કે ભાઈ તમને વધુ સારી અને તમારા લાયક જોબ મળશે તો તમે જતા રહેવાના. આ પરથી એક વાત શિખવા મળી રિજેક્શન માટે ખાલી ઓછી આવડત જ નહી વધુ પડતી આવડત પણ ક્યારેક કારણ હોય શકે છે.

જ્યારે સમય ખરાબ હોય ત્યારે નિર્ણયશક્તિ પણ ઘટતી જતી હોય છે. માટે જ લોકો મુશ્કેલ સમયમાં સ્વજનોનો સંગાથ ઇચ્છતા હોય છે. મને ખોટા નિર્ણય લેતા આટકાવ્યો "અરેના-સેટેલાઇટ"ના મીત્રો સ્વજનોએ. "જાગ્રતભાઈ યે જોબ મત લો યે આપકે લેવલ કી નહી હૈ, થોડા ઇન્તજાર કરો ઇસસે ભી અચ્છી જોબ આપકા વેઈટ કર રહી હોગી" આવા આવા આશ્વાશનો ઉપર લાઇફટકી હતી. વાડજ થી પાલડી અને થલતેજ થી સરખેજ છેક ગાંધીનગર સુધી ટ્રાઇ કરી જોય. યલો પેઇજમાં ફોટો સ્ટુડીયો-એડીટીંગ સ્ટુડીયો જેટલા હતા તે બધામાં ટ્રાઈ કરી જોય પણ પરિણામ શુન્ય.

રોજની જેમ બપોરે અરેના પહોચ્યો કે તરત સંગીતામેમ એ કહ્યું, "જાગ્રતભાઈ આપકે લીયે ઇન્ટર્યું કોલ હૈ, ઉસ કો પ્રીમીયર કા બંદા ચાહીયે સ્ટેડીયમ સર્કલ કે પાસે કલ ૧૦.૩૦ બજે પહોચ જાના". બહુ તો આશા હતી અને બહુ ઉત્સાહ પણ ના હતો. એટલા બધા રિજેક્શન મળ્યા પછીની મનોવ્યથા જ કાઈક અલગ હતી. ઉત્સાહ ના હોવાનું કારણ હું Apple FCP શિખેલો એટલે એડોબ પ્રીમીયર મારા માટે એક સ્ટેપ પાછળ જવા જેવું હતું. પણ ચાલો ને ચાન્સ મારવામાં શું જાય છે ?

વધુ આવતા અંકે...

-: સિલી પોઇન્ટ :-

જો તમે તમારી પત્નિ અને બાળકોને તમારી વાત એક સાથે સમજાવી શકો તો પછી શિક્ષકની કોઈ ડિગ્રીની જરૂર નથી.