Wednesday, October 28, 2009

"દિવ" - એક અનોખી જગ્યા.

પ્રવાસ વર્ણન મારો શોખ રહ્યો છે. ફરવાનો કંટાળો આવે પણ જે તે જગ્યાએ ગયા પછી તે જગ્યાનું બારીક અવલોકન કરી મહત્તમ આનંદ પ્રાપ્ત કરવો તે આદત બની ગઈ છે. બીજુ જેટલો આનંદ મેળવ્યો હોય તેનાથી અનેક ગણો આનંદ ઉમેરી બીજા સાથે જે-તે પ્રવાસનું વર્ણન કરી વહેચવો તે શોખ બની ગયો છે. લેખન કરતા બોલીને વર્ણન કરવામા મને વધુ મજા આવતી પણ અત્યારે સાંભળનારા ના હોય ત્યારે ભાવનાઓને આ રીતે વ્યક્ત કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.

દિવ બે વખત જવાનો મોકો મળ્યો છે. માંગરોલ થી નહી બહુ દુર-નહી બહું નજીક હોવા છતા દીવનું નામ પડે એટલે ઘરમા સોપો પડી જાય. "દિવ તો કાઈ જવાતું હશે ?" આ એક જ પ્રશ્ન જવાના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દેતો. અખુટ સૌંદર્ય હોવા છતા દારૂને કારણે બદનામ હોવાથી જે મહત્વ મળવું જોઈએ તે મહત્વ અમારા ઘરમા મળતું નથી. બન્ને વખતે સમુહ પ્રવાસમા ગયેલો, પહેલીવાર પ્રાથમીકમા હતો ત્યારે અને બીજી વાર કોલેજ માથી ગયો હતો. ત્રીજી વખત પણ જવાનો મોકો મળેલ પણ અંગત કારણો સર ગયેલો નહી.

એક જ પોસ્ટમા બન્ને પ્રવાસને સમાવવા શક્ય નથી એટલે અહી પહેલા પ્રવાસનું વર્ણન કરીશ. બીજા પ્રવાસ માણવા માટે થોડી રાહ જુઓ.

અજય સ્કુલ-માંગરોલમા હું ધો.૬ માં ભણતો હતો. શિયાળાનો સમય હતો અને એક બે દિવસ એક રાત્રીનો પ્રવાસ ગોઠવવાનો હતો. જવાની ખુબ ઇચ્છા હતી પણ પપ્પાને પુછવું કેમ ? અજયસરને જ કહ્યું કે મારે આવવું છે પણ પપ્પાને પુછવાની હિંમત નથી થતી શક્ય હોય તો તમે પરવાનગી લઈ આપો. અજયસરની ભલામણ કામ કરી ગઈ. મને અને મારી નાની બેન બન્નેને જવાની રજા મળી ગઈ. પ્રવાસ જવાને હજી એક વિકની વાર હતી ત્યાં સુધી હજી એક બસ પુરતા પણ વિદ્યાર્થી થયા ના હતા. હજી ગયા વર્ષે જ એક પ્રવાસ આ જ કારણે રદ્દ થયો હતો એટલે આ વખતે પણ રદ્દ થવાની સંભાવના પુરી હતી. પણ કદાચ આ શાળા જીવનનો છેલ્લો પ્રવાસ હતો માટે અમે જવા માટે મક્કમ હતા. છેલ્લા દિવસોમા પ્રવાસ માટે એવો તો ઉત્સાહ બતાવ્યો કે ૫૬ ની જગ્યાએ ૮૦-૮૫ ની સંખ્યા થઈ ગઈ.

પ્રવાસની આગલી રાત્રીએ મમ્મી આખી રાત જાગી અમારા માતે નાસ્તો બનાવ્યો. સવારે ૬-૬.૩૦ વાગે નિકળવાનું હતુ એટલે વહેલી સવારે પપ્પા મુકવા આવ્યા. પ્રાથના ખંડમા બધા ભેગા થયા અને અમારી ૮-૧૦ જણાની ટોળીને બધી જ વ્યવસ્થા કરવાની જવાબદારી સોપાઈ. પ્રાથના બોલી, સુચનાઓ આપી બસમા બેસવાનું શરૂ કર્યુ. બસ ૩X ૨ અને ૫૬ સિટની હતી જ્યારે બેસવા વાળા અમે ૮૦-૮૫ જણા હતા. ત્રણની સિટમા અમે ૫-૫ ૭-૭ જણા બેસીને બધાનો સમાવેસ એક જ બસમા કરી લીધો. અમારે પહેલા જુનાગઢ જવાનું હતું, ત્યાં નરશી મેહતાનો ચોરો, અશોકનો સિલાલેખ વગેરે જોય ને અમે સક્કરબાગ મા ફર્યા. ત્યાંથી સાંજે નિકળી અમે તુલસીશ્યામ પહોચીયા, ત્યાં રાત્રી રોકાણ કરવાનું હતું. રાત્રે ધર્મશાળામા રોટલા,શાક અને ખિચડી જમ્યા. આવું સાદુ પણ સ્વાદીષ્ટ જમવાનું પહેલી જમ્યો હતો. રાત્રે દર્શન કરી અમારી ટીમે સુવાની વ્યવસ્થા કરવાની હતી. અમને બે મોટા-મોટા રૂમ આપવામા આવ્યા હતા. તેમા લાઈનસર ગાદલા પાથરી બધાને ૧૦ વાગ્યે સુવાનો ઓર્ડર મળી ગયો હતો. સવારે વહેલા દિવ જવાનું હોવાથી વહેલા ઉઠવાની તાકીદ કરી હતી.

પણ તોફાન નસે-નસમા ભરેલુ હોય ત્યારે અને આવો મોકો પાછો ક્યારે મળશે તેમ વિચારીને ધમાલ શરૂ કરી. નીચેરસોડા માથી કોલસા લઈને રાખેલા પહેલા તો તે બધાના મોઢે ચોપડી દીધા. પછી દોરી લઈ બધાના પગ એક બીજા સાથે બાંધ્યા. રાત્રીના ૧ વાગ્યા સુધી અવાજો કર્યા એટલે સર આવીને ધમકાવી ગયા એટલે ચુપ થયા. રાત્રે ૨-૨.૩૦ વાગ્યા હશે ત્યા સર પાછા આવ્યા. અમને ઉંઘ આવતી ના હતી એટલે બીજાને સુવા દઈએ તે આસયની અમને બહાર બોલાવ્યા. અમે આખી ટોળી બહાર ગઈ પછી ખબર પડી કે નિચે સિંહ આવ્યા છે. ફક્ત ૮-૧૦ ફુટ દુરથી સિંહ જોવાનો પહેલો પ્રસંગ હતો. પછી તો અંદર આવીને ક્યારે ઉંઘ આવી ગઈ તે ખબર જ ના પડી. કદાચ સિંહનો પ્રભાવ હશે.

સવાર પડતા જ અમારુ તોફાન પ્રકાશમા આવ્યું. પહેલા તો બધાના પગ બાંધેલા એટલે એક પછી એક ઢગલો થવા મંડ્યા તેમાથી માંડ છુટ્યા ત્યા બધા એક બીજાના મોઢા જોતા-જોતા હસવા મંડ્યા. બધા જ છોકરાઓમા અમારા જ મોઢા કાળા નહી એટલે સરને સમજતા વાર ના લાગી કે આ કારસ્તાન અમારૂ છે. સજા રૂપે સવાર-સવારમા ધર્મશાળા ફરતે ૧૦ રાઉન્ડ અને બધાનો સામાન ઉચકી બસમા ચડાવાનો આવ્યો. ત્યાંથી દિવ જવા રવાના થયા, રસ્તામા ધમાલ બોલાવતા-બોલાવતા અમે દીવ પહોચીયા.

દીવ પહોચતા જ ખબર પડી કે અમારી બસને અંદર જવા દેવામા નહી આવે. અમે ચાલીને દીવ ફરીશું તેવો નિર્ણય લીધો. ૭-૮ કિ.મી. ચાલ્યા પછી અમે દીવના કિલ્લા પાસે પહોચીયા. થાક અને તરસથી હાલત ખરાબ હતી. ત્યારે હજી પાઉચની શોધ થઈ ના હતી અને દીવ દરિયા કિનારે હોવાથી પાણીની બહુ તકલીફ એટલે ક્યાય પિવાનું પાણીના મળે. એક "ચા" વાળાએ અમારી પર દયા ખાય પોતાનું આખા દિવસની ચા બનાવવા માટેનું પાણી અમને પિવડાવી દીધુ બદલામા પૈસા લેવાની પણ ના પાડી. ત્યારે તો અમને તેનામા સાક્ષાત ભગવાન નજરે ચડતા હતા. દિવમા કિલ્લો,ચર્ચ વગેરે જોયા પછી એક લોકલ બસમા અમને પાછા અમારી બસ સુધી પહોચાડવામા આવ્યા. અમારે ઉના પહોચી જમવાનું હતુ. થાક-તરસ અને ભુખ હાલત ખરાબ કરતી હતી પણ પ્રવાસની મજા સામે તે બધુ જ સહ્ય હતું.

બપોરે ૨-૨.૩૦ વાગ્યા આજુબાજુ અમે ઉના પહોચીયા કોઈ અમને ૮૦-૮૫ જણાને જમાડવાની શક્તિ ધવાવતુ ના હતું. એક ધાબાવાળાએ કટકે-કટકે બધાને જમાડવાની તૈયારી દર્શાવી. અમે પહેલા નિચલા ધોરણના એટલે કે અમારી નાના ભાઈ-બહેનોથી જમવાની શરૂવાત કરાવડાવી. કોઈ ફોર્સ નહી સ્વય શિસ્તની અજોડ મિસાલ અમે ત્યારે સ્થાપી. અમારા ગૃપ સૌથી છેલ્લે ૩.૩૦-૪ વાગ્યે જમ્યું. આજે નાનકડી અગવડતા માટે હડતાલ કરતા, તોડફોડ કરતા વિધ્યાર્થીઓને જોવ છુ ત્યારે અમને તે દ્રશ્ય નજર સામે આવી જાય છે. બધી જ અગવડતા વચ્ચે પણ ૨૦૦ % આનંદ પ્રાપ્ત કરવો તે જેવી તેવી વાત ના હતી.

ત્યાંથી અમે સોમનાથ ગયા, દર્શન કરી જમવા જેવો જ નાસ્તો કર્યો. ભગવાનના સાનિધ્યમા કેટલીય વાર સુધી બેઠા, રમતો રમી અને રાત્રે માંગરોલ પરત ફર્યા. આજે પણ અમે જુના મીત્રો આ પ્રવાસની વાતો કર્યે છીએ ત્યારે એક જ વાત આવે છે. આપણે નાના હતા ત્યારે કેવા પ્રેક્ટીકલ હતા નહી, નાની નાની વાતો ને જતી કરવી, ખુશ થવા માટે આપણી જરૂરીયા કેટલી ઓછી હતી. અરે ગમે તેવી મુશ્કેલી વચ્ચે પણ મજા મેળવી લેતા. જતુ કરવાની ભાવના હતી. બીજાને મદદરૂપ થતા, જ્યારે અત્યારે ? જવા દ્યોને યાર બધાને ખબર છે.

હવે પછી માર બીજા દિવ પ્રવાસની મજા લઈશું.

2 comments:

  1. સ્કુલના સમયના પ્રવાસ, મસ્તી અને ત્યારના મિત્રોની વાત થતા જ કંઈક અનેરો આનંદ અનુભવાઈ જાય છે. તમારી જેમ જ હું પણ ધો-૫ માં હતો ત્યારે પ્રવાસમાં ગયેલો અને એ ૩ દિવસનો પ્રવાસ હતો. એમાં દિવનો પણ સમાવેશ થઈ ગયેલો. દિવ તો અમારે ગામથી ૯૦-૧૦૦ કિ.મી. જેટલુ થાય છે. તમે કહ્યુ તેમ દિવનુ નામ પડતા જ સોપો પડી જાય એ વાત તો એકદમ સાચી છે.

    ReplyDelete
  2. એક વાત ખબર ના પડી...છઠ્ઠા ધોરણમાં હતાં તો શાળાજીવનનો છેલ્લો પ્રવાસ કેવી રીતે???

    ReplyDelete