હમણા થોડા સમય પહેલાની જ વાત છે, કોઈ પ્રધાને ભારતીય મુસાફરીના એક માધ્યમને "કેટલક્લાસ" કહીને સંબોધ્યું તેમા બહુ ઉહાપો થયો હતો. હું અહી તેના વિષે કોઈ ટીક્કા-ટીપ્પણ કરવા નથી માગતો. અહી ગયા મે-જુનમા જ્યારે ઉત્તર ભારત પ્રવાસે ગયેલો ત્યારે રેલ્વેનો થયેલો અનુભવ અહી લખવા જઈ રહ્યો છું. રેલ્વે એ આમ-આદમીની જીવાદોરી છે ત્યારે તેને તમે શું નામ આપશો ?
જોધપુર(રાજસ્થાન) થી દિલ્હી જતી વખતે સાઈડ અપર બર્થ આવી. ઘણા સમય પછી ટ્રેનમા જતો હતો એટલે પેલી જુની અપર બર્થ મગજમા. બોગીમા ચડતા વેત જ લાલુનું મેનેજમેન્ટ નજર સામે આવ્યું. સાલુ સાઈડ બર્થમા પણ બેની જગ્યાએ ત્રણ બર્થ ઠોકી દીધેલી. ઉપરની બર્થ જોય એક જ વિચાર આવ્યો હું તો જેમ તેમ કરી ઘુસી જાઈસ પણ કોઈ વ્યવસ્થિત તંદુરસ્ત વ્યક્તિનું શું થતુ હશે ?
મને ખુદને ઘુસ્યા પછી કોફીનમા અનંત યાત્રા પર નિકળ્યા હોય તેવો અનુભવ થતો હતો. તેમા પણ સાઈડની ફ્રેમ પગ પણ બહાર કાઢવા દે નહી અને ગરમી કે મારૂ કામ, ઉપર હવા પહોચાડવા પંખો જમીન પર ફીટ કરવો પડે. દિલ્હી પહોચતા સુધીમા તો હાડકાની વ્યવસ્થીત ચંપી થઈ ગઈ હતી. જેલમા પણ કેદીને આનાથી સારી જગ્યા સુવા મળતી હશે .
બીજો પ્રસંગ લખનૌ થી સહારનપુર જતી વખતે થયો. ૧૫ દિવસ થી સતત મુસાફરી અને કામના થાકને હિસાબે એમ હતું કે ૭.૩૦ ની ટ્રેન છે એટલે બેસીને તરત ઉંઘી જ જવું છે. સ્ટેશન પર પહોચીયો ત્યારે ખબર પડી કે ટ્રેન ૩૦ મીનિટ લેઈટ છે. એટલે હળવો નાસ્તો કરી બેન્ચ પર બેઠો હતો. ત્યાં મારા પગ પાસે સળવળાટ થયો, જોયું તો એક મોટો બધ્ધો ઉંદર પગ પાસે બેઠો હતો. આવડો ઉંદર મે ક્યારેય જોયો ના હતો. સસલા જેવડા ઉંદર બીન્દાસ ફરતા હતા. થોડીક વાર થઈ ત્યાં તો લાઈટ જતી રહી. ૩૦ મિનિટ લેઈટ કરતા-કરતા ૬ કલાક ટ્રેન લેઈટ આવી. આ ૬ કલાક જીંદગીના સૌથી વધુ કંટાળા જનક હતા. સખત ગરમીમા ૬ કલાક દરમ્યાન ૧૫-૨૦ વખત લાઈટ ગઈ, ઉંદરોનો ત્રાસ અને થાક બધુ ભેગુ થયુ.
દિલ્હી થી અમદાવાદ આવવાની આશ્રમ એક્સપ્રેસની વેઇટીંગ ટીકીટ હતી. જે દિલ્હી પહોચતા સુધીમા કંફમ ના થઈ. બે જ રસ્તા હતા, હજી એકાદ બે દિવસ રોકાય જાવ જેથી તત્કાલમા ટીકીટ મળી જાય. પણ ૨૧ દિવસ થી ઘર થી દુર રહી એવો કંટાળ્યો હતો કે હવે એક પણ દિવસ કાઢવો મુશ્કેલ હતો. બીજો રસ્તો જે મળે તે સાધનમા અમદાવાદ આવી જાવ. આ તો કાઈ અમદાવાદ-રાજકોટ થોડુ જવાનુ હતુ કે દર બે કલાકે બસ મળે. કુદરતી બધી જ બસો પેક હતી. છેવટે આશ્રમ એક્સ. ના જ જનરલ ડબ્બામા નિકળવાનો નિર્ણય લીધો. સહારનપુર થી દિલ્હી કટોકટ ટાઈમે પહોચ્યો હતો એટલે બેસવાની જગ્યાની તો કોઈ અપેક્ષા જ ના હતી. પણ એવું પણ ધાર્યુ ના હતું કે ઉભવાની પણ જગ્યા નહી મળે. મુંબઈમા લોકલમા ભિડ જોયેલી છે પણ તે થોડીક મીનિટો કે કલાકોની મુસાફરી માટે જ્યારે અહી પુરા ૧૭ કલાકનો પ્રશ્ન હતો. અમે ૮-૧૦ વ્યક્તિઓ ટોઇલેટમા ઉભા રહ્યા કારણ કે બીજે ક્યાંય જગ્યા જ ના હતી. રાત્રે ૯ વાગ્યા હશે ત્યારે જયપુર આવ્યુ, ત્યાથી થોડીક ભિડ ઓછી થઈ અને અમે ટોઇલેટ માથી બહાર દરવાજા પાસેની જગ્યા પર આવ્યા. છેવટે બન્ને ટોઇલેટ વચ્ચેની જગ્યામા અમે ૮ વ્યક્તિ એક-બીજા ઉપર ગોઠવાયને સુતા. સવાર સુધી આ જ સ્થિતીમા હલ્યા-ચલ્યા વગર પડ્યા રહ્યા. સવાર પડી અને ટોઇલેટ યુઝ કરવા વાળાનો ઘસારો ચાલુ થયો એટલે અમારે ના છુટકે દરવાજે લટકવુ પડ્યું. અમદાવાદ ઘરે આવીને કપડા કાઢ્યા ત્યારે રિતસર કપડા માથી ટોઇલેટની વાસ આવતી હતી.
આ તો મારો પહેલો અનુભવ હતો જનરલ ડબ્બાની મુસાફરી કરવાનો અને કદાચ ફરી મોકો મળે પણ નહી. પણ લાખો લોકો રોજ આ રિતે જ મુસાફરી કરતા હોય છે, કોઈ પણ ફરિયાદ વગર અજાણ્યાની મદદ કરતા કરતા થોડીગ ગાળો બોલીને પણ . ૧૫-૨૦ કલાકની મુસાફરી કે જ્યા ક્યારેક ટોઇલેટમા પાણી પણ ના હોય ગંદા હોય વાસ આવતી હોય. તેમ છતા ક્યારેય કહ્યું નથી કે જનરલ ડબ્બો એટલે ઘેટા-બકરાનો ડબ્બો. કદાચ તેમની પાસે બ્લોગ, ઓરકુટ, ફેસબુક કે ટ્વિટર જેવા લાગણીઓ ને વાચા આપતા માધ્યમો નથી હોતા એટલે.