Wednesday, August 4, 2010

તમે વિ.વિ.નગર માં ભણ્યા છો, તો ખાધે-પિધે સુખી હશો.


અહી ખાધે પિધેનો અર્થ અર્થશાસ્ત્રની દ્રષ્ટીએ નહી સમાજશાસ્ત્રની દ્રષ્ટીએ કરવાનો છે. બાળકને હોસ્ટેલમાં મુકવાનું હોય ત્યારે દરેક માતા-પિતાને એક ચીતાં હેરાન કરતી હોય કે તેનું ખાવાનું શું થશે ? અહી બાળકની ઉમર ગોણ બની જતી હોય છે. લગ્ન કરવાની ઉમર હોય તેવી દીકરી માટે પણ માતા-પિતા આવી ચીંતા કરતા હોય છે.(જ્યારે ખરેખર તો જો તેને જમવાનું બનાવતા ના આવડતું હોય તો સાસરીયાની ચિંતા કરવી જોઈએ.) પણ એક સ્થળનું નામ પડે એટલે ચિંતા દુર થાય છે. વલ્લભ વિદ્યાનગર. બાળકને અહી ભણવા મોકલ્ય એટલે માતા-પિતાને ખાવા-પિવાની ચિંતા તો કરવાની નહી પછી બાળક ભણે નહી તો કાઈ નહી ખાધે-પિધે તો સુખી હોય. આવું ધારવાન અને માનવાના પણ ચોક્કસ કારણો અને ઠોસ પુરાવા છે મારી પાસે. ઉપર જે ભણવાની વાત કરી ગયો તેનો એકનમુનોહું પણ છું. ત્રણ વર્ષ જે વિ.વિ.નગરમાં કાઢ્યા તેમા હું પણ ખાલી ખાધે પિધે સુખી હતો. તે વાત પછી અત્યારે ખાલી ત્યાં ખાવા-પિવાની વસ્તુઓ નું પિષ્ટપિંજણ મારી નજરે કરીશું.

તો પ્રથમ સવારના નાસ્તાથી લઈએ :-


બટાકાપૌવા :-


લગભગ દરેક એવરેજ વિદ્યાનગર વાસીની સવાર ચાની લારી ઉપર હાથમાં બટાકાપૌવાની ડીસ લઈને ઉભા-ઉભા ગપટા મારવાથી થતી હોય છે. ઘરના બટાકાપૌવા અને લારીના બટાકાપૌવામાં ઘણુ અંતર છે. ઘરના સીધા-સાધા પૌવામાં બહુ બહુ તો કોથમીર અને દાડમ નો પગપેસારો હોય જ્યારે અહી તો પૌવા ઉપર ડાઇટીંગ કરી ને પાતળા બની ગયેલા ગાઠીયા જેવી સેવ રીતસરનો અડ્ડો કમાવૂ બેસી હોય. ગાઠીયા રસીકને જો ખોટૂ લાગ્યુ હોય તો બીજી ભાષામાં તેને ઓવરવેઇટ સેવ પણ કહી શકો. ટુકમાં નહી સેવ નહી ગાઠીયા બન્નેની વચ્ચે સમવિષ્ટ થતો કોઈ પદાર્થ હોય. મારા જેવો એસીડીટીનો દર્દી સેવ વધુ પ્રમાણમાં ખાય જાય કે પછી તેને મીક્ષ કરવામાં લોચો મારે તો બીજા દીવસે સવારના નાસ્તો કરવા જેવો ના રહે. ખાસ તો ચોમાસાની સિઝનમાં કે જ્યારે મરચા પણ સેવની સાથે કોમ્પિટીશનમાં ઉતરે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. છતા પણ અહી બનતા અને ખવાતા બટાકાપૌવા યુનિક છે તે તો સ્વિકારવું પડે.

બન-બટર :-
આમ તો બન-બટરને સવારન નાસ્તાની કેટેગરીમાં ના મુકી શકાય. જો કે તેને કોઈ પણ એક કેટેગરીમાં ન મુકવું જોઈએ કારણ કે બન-બટર એ ભુખ્યાનો બેલી જેવો સદાકાળ મળતો એવો નાસ્તો છે. વહેલી-સવાર થી મોડી રાત સુધી આ એક જ ચીજ એવી છે જે તમે માંગો ત્યારે મળે. બન પાછા બે જાત ના મળે સ્વિટ અને મોળા. પણ ખાવાની બન્ને મજા આવે. બનનું ક્ષેત્રફળ જોતા કાચોપોચો પહેલા ખચકાય કે આવડું મોટૂ બન ખુટશે ખરૂ પણ ખાવાનું શરૂ કરે ત્યારે ખબર પડે કે આ તો તે પોતાની પ્રસીદ્ધીથી ફુલાઈને અવડું મોટૂ લાગે છે બાકી આવ તો બે-ત્રન આરામથી આરોગી શકાશે. પાછુ સસ્તુ પણ ખરૂ, મને યાદ છે ત્યા સુધી ૧.૫-૨ રૂપિયામાં મે બન બટર ખાધેલ છે.


પફ :-
સમોસા અને ખારીનું વર્ણસંકર સંતાન મે પહેલી વખત વિ.વિ.નગરમાં જોયેલું. બીજું આખા ગુજરાતમાં જ્યારે પફ ત્રીકોણ આકારે પેદા થતા ત્યારે અહી લંબ-ચોરસ મળતા. પફ મારા જીવનનો મુળભુત આધાર હતો. સુર્યવંશી હોવાના નાતે મારે જ્યારે નાસ્તો કરવાનો હોય ત્યારે એક માત્ર વસ્તુ મળતી. ઓવનમાં રાખેલા ગરમાગરમ પફ ખાયને સવારે ૧૧ વાગ્યે મારો દીવસ ઉગતો. આજે પણ કોઈ લેબોરેટરીવાળા લોહી ચેક કરે તો મારા લોહીમાં - % તો પફનો ભાગ નિકળે . મારી ફેવરીટ વસ્તુ હોય આન વિષે વધુ તો નહી લખુ પણ બધાને એક વણ માંગી સલાહ જરૂર આપીશ કે એક વખત વિ.વિ.નગર જઈ પફ ખાઇ આવો(પોતાને ખર્ચે હો.).

બર્ગર :-
પફ જોડીયા ભાઈ એવો અને ઓવન માં સાથે રહેતો એવો બર્ગર નામનો પદાર્થ મને તો કોઈ દીવસ ભાવ્યો નહી. ના દાબેલી નો સ્વાદ આવે, ના બટેટા વડાનો ના વડાપાઉનો.. તેના સ્વાદની એવી તો અસર થઈ કે આજે પણ સારામાં સારી રેસ્ટોરાનો સૌ ચાખેલો અને વખાણેલું બર્ગર ખાલી નામ બર્ગર હોવા ના નાતે મને નથી ભાવતું. બર્ગર નામ સાંભળતા કાન વાયા મગજ જીભને મોઢું બગાડવાનો ઓર્ડર આપી દઈ છે. ખરેખર સ્વાદ એટલો ખરાબ નહી હોય પણ મોટે ભાગે પફ ખલાસ થઈ ગયા હોય ત્યારે પરાણે બર્ગર ખાવા પડતા તેની ખીજ માત્ર તેની સામે અણગમો ઉદભવવા માટે કાફી હતી.

આમ તો નાસ્તો ત્યારે ઘણો મળતો પણ મુખ્ય વસ્તુઓ પ્રચલીત હતી. બધા સાથે ફાર્મસી કોલેજમાં ભણતા કેટલા બધા છોકરા વચ્ચે ભનતી એક માત્ર છોકરી જેવી પેસ્ટ્રી એવરગ્રીન હતી. કારણ કે તેનો કોઈ વિકલ્પ ના હતો.


મીત્રો હવે પચીની પોસ્ટમાં બપોરનું જમવાનું,સાંજનો નાસ્તો અને રાત્રીના જમવાનું પિષ્ટપિંજણ કરીશું.


સિલી પોઇન્ટ


હોસ્પિટલમાં તાજા જન્મેલ બાળકે સિસ્ટરને પુછ્યું, "નાસ્તામાં શું છે ?" સિસ્ટરે કહ્યું, "બટાકાપૌવા અને પફ". "હે ભગવાન ! પાછો હું વિધ્યાનગરમાં જન્મયો." બાળક નિસાસા નાખતા બોલ્યો. - વિ.વિ.નગરમાં સાથે ભણતા એક મીત્રનો SMS.


1 comment:

  1. વાહ સુંદર વર્ણન! "તમારો ભૂતકાળ , મારો વર્તમાન છે !" આટલા વર્ષે પણ આ વર્ણન પ્રસ્તુત ગણી શકાય એવું જ છે.. - જગત

    ReplyDelete