Wednesday, September 15, 2010

પકોડી, પુચકા, ગોલગપ્પે અર્થાત પાણીપુરી.

કાલે બપોરે જ મમ્મીએ કહ્યુ સાંજે જમવામાં પાણી પુરી છે ચાલશે ને ત્યારે એક સેકન્ડની પણ રાહ જોયા વગર મે હા પાડી દીધી. ૩-૪ મહીનાથી મને શું ભાવે છે તે નહી નિતા શું ખાય શકે છે તેના આધારે મેનુ તૈયાર થતુ હતુ અને તે લીસ્ટમા પાણીપુરીને સ્થાન ના હોય લાંબા બ્રેક બાદ કાલે પાણીપુરી ખાવા મળી.

આમ તો મને પાણીપુરી સાથે કોઈ વાંધો નથી અને એટલો પ્રેમ પણ નથી કે તેના વગર ના ચાલે. મારી બન્ને નાની બેન પાણીપુરીની બાબતમાં ક્રેઝી કહી શકાય તેટલી હદની શોખીન. અઠવાડીયે એક વાર ૧૦-૧૫ પાણીપુરી ના ખાય ત્યાં સુધી તેને ચેન ના પડે. જ્યારે હું થોડો ટફ ખરો બે-ચાર મહીનાનો વિયોગ સહેજ રીતે સ્વિકારી લવ. થોડો ચુઝી પણ ખરો બની શકે ત્યાં સુધી ઘરે જ ખાવાની અને જો બહાર ખાવી પડે તો સફાઈ પહેલા જોવ. બીજી બાજુ કોઈ નવા સેન્ટરમાં જાવ તો ત્યાંની પ્રખ્યાત ખાવાની વસ્તુ સાથે પાણીપુરી પણ ટેસ્ટ તો કરૂ જ. વર્ષો સુધી અહી માંગરોલમાં ખાણી-પિણીની દ્રષ્ટીએ ખુબ પછાત. વણેલા ગાઠીયા અને સાંજે પાણીપુરી બે જ વસ્તુ હમણા સુધી મળતી. પફ પણ માંગરોલ માટે હમણાની જ શોધ કહેવાય. પંજાબી-ચાઇનીસ રેસ્ટોરન્ટ તો હમણા થોડા વર્ષ પહેલા જ થઈ. પપ્પાની ધાક જબરી લારી ઉપર ખાતા જુએ તો ચડ્ડી ભીની થઈ જાય એટલે મમ્મી આજે પણ બધુ ઘરે જ બનાવી આપે. હા મામાને ઘરે જુનાગઢ જાયે ત્યારે માસીના છોકરા સાથે પાણીપુરી લારીએ ખાવા મળે.

સગાઈ પછી પહેલી વખત સાસરે ગયો ત્યારે ત્યાં પણ ફેમસ પાણીપુરી ક્યાંની તે જ પ્રશ્ન કર્યો હતો. મુંબઈમા મોટાભાગે વેસ્ટન સાઈડ સારી પાણીપુરી મળે બાકી મોટાભાગે પુરીમાં ગરમ "રગડો" નાખી ને જ આપે. ગરમા ગરમ "પાણીપુરી" એક વખત માધવપુરના મેળામા પણ ખાધેલી અને હા મારા જન્મદીવસને દીવસે રાજકોટથી મોડો આવતો હતો ત્યારે જુનાગઢ પણ ખાધેલી સૌથી બેકાર પાણી પુરી મને તે લાગે. બાકી જુનાગઢની નારાયણભાઈની આઇસ કોલ્ડ પાણી પુરીનો તો જવાબ નહી. બીઝનેસને કામે પહેલા રોજ જુનાગઢ જવાનું થતું ત્યારે તે તો અમારી જીવાદોરી હતી.

અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર સીટીગોલ્ડ નવું નવું થયુ ત્યારે સીનેમસાલામાં પહેલી વખત પાણી પુરી ખાધેલી. સાલ્લુ ચમચીથી પુરીમા કાણૂ પાડી મસાલો ભરી પાણી ભરી ખાવા તો ભવ નીકળી જાય. અસલી મજા તો પુરી મોઢામાં ટુટે અને હોઠની કીનારીએ થી પાણીનો રેલો નિકળી આવે તેની છે. બે મીનિટ માટે આંખો બંધ કરી ધ્યાન મગ્ન અવસ્થામાં રહેવાનું અને પછી આજે ક્રિયા ફરી ફરી કરવાની. અરેના સેટેલાઈટની એકદમ નીચે "બેક ફ્રી" વાળાની કહેવાતી હાઇજેનીક પાણીપુરીનો સ્ટોલ શરૂ થયો હતો. તેને ઘણી વખત લાભ આપ્યો હતો. બૈરા મંડળ મોટા ભાગે ઘરની પાછળ સાઈડ આવેલા રોલાઇન્સ અને મોરની ચોકડીએ ઉભતા ભૈયાને લાભ આપતા. શાક લેવા જાય ત્યારે ચાખી આવતા. પણ સૌથી વધુ તો ઘરની પાછળ IOC પંપની સામે ફ્લેમસની પાણીપુરી ખાધેલી છે. ચોખ્ખાય અને ટેસ્ટ બન્ને માટે તેના પર પસંદગીનો કળશ ઢોળાતો. જોકે માનસી સર્કલ પાસેનો ભય્યો પણ વખણાતો અને અમુક પાર્લર વાળા વળી 6 ટેસ્ટ અને 8 ટેસ્ટ પાણીપુરી પણ વહેચા પણ તેનો અખતરો ક્યારેય નથી કર્યો. હા રસરંજનની પાણીપુરી બહુ ખાધી છે.

અમદાવાદ મોટેભાગે ઘરે વધુ બનતી ત્યારે "પકોડી" લેવા જવાનું દુષ્કર કાર્ય મારા ભાગે આવતું. નિતા ક્યાકથી સાંભળી આવે કે ફલાણી દુકાનની પકોડી તાજી અને સારી આવે છે એટલે ત્યાં સુધી ધક્કે ચડવાનું. રામદેવનગર ચાર રસ્તા પાસે એક દુકાનમા અમો પકોડી લેવા ગયા ત્યારે તેમણે તો પ્રશ્નો પુછી કાનફ્યુઝ કરી દીધા. સાદી પકોડી જોઇએ છે કે ભય્યા પકોડી, નાયલોન પકોડી જોઇએ છે કે ફોદીના પકોડી અને હા વળી લસણ્યા પકોડી પણ ખરી અને મરી પકોડી પણ ખરી. મે કહ્યુ ભાઈ ૩૦ રૂપિયાની ૧૦૦ આવતો હોય અને પેટને ભારી ના પડે તે આપી દ્યો. કોક વળી ૧૦૦ પકોડી જોડે ૧ લીટર પાણી ફ્રી આપતુ હોય તો ૧ લીટર પેટ્રોલ બાળી ત્યાં સુધી લાંબા થવાનું. યાર અમદાવાદમા રહી આ કાઠીયાવાડી જીવ શા માટે મુંજાતો હતો તે હવે ખબર પડી ?

કલકતા સોરી કોલકોતામાં પાણીપુરીને પુચકા કે પણ ત્યા પુરીમા માફસરનો મસાલો ભરે અને પાણી ખુબ જ ટેસ્ટી હોય. અમદાવાદી તો ઝગડી જ પડે એટલો જ મસાલો ત્યાં ભરાય. પણ બે-ચાર પડીયા પાણી આરામથી પીવાય જાય તેવું ટેસ્ટી પાણી હોય. પણ મે ખાધેલી સૌથી બેસ્ટ પાણીપુરી સોરી ગોલગપ્પા તો રાજસ્થાન જોધપુરમાં નેશનલ હેન્ડલુમ હાઉસની. પ્યોર ઘીમા તળેલી પાણીપુરી માફસરનો મસાલો અને ખુબ જ ટેસ્ટી પાણી. ગમે તેટલુ જમ્યા પછી ખાવ તો પણ ભારે ના પડે. દીલ્હીની પણ સારી હતી પણ આના જેવી તો નહી જ. સૌથી ખરાબ પાણીપુરી લુધીયાનાની ખાધેલી બે ખાધા પછી ત્રીજી મોઢામા જ ના ઘુસી.

ટુંક એવરેજ ગુજરાતી અને ભારતીય ની જેમ હું પણ સામાન્ય છુ અને મને પણ પાણીપુરી ભાવે છે.

-: સિલી પોઇન્ટ :-
કહેવાય છે(વાયકા છે) કે અમારા ગામનો વર્મા પાણીપુરી વાળો મારવાડી પાણીપુરીની લારી માથી એટલો કમાણો કે તેણે પોતાની ત્રણ દીકરી ના લગ્નમાં ૫-૫ લાખનું દહેજ દીધુ. પણ અત્યારે રોડ ઉપર આવી ગયો. યુ નો પાણીપુરીની કમાણી દહેજમાં સમાણી.

No comments:

Post a Comment