Friday, July 31, 2009

"બેન્ક" - ગઈકાલ અને આજ.

ક્યું વર્ષ હતુ તે તો મને યાદ નથી, લગભગ હું ૮ વર્ષનો હતો. ફેક્ટરી પર જ રહેવાનું હોવાથી બીઝનેસ નાનપણથી જ શિખતો આવ્યો છું. તે મારો બેન્કમાં જવાનો પહેલો અનુભવ હતો. પિપલ્સ કો.ઓ.બેન્કમાં હું અને ઓફીસના મેતાજી ગયા હતા. પપ્પાએ મેતાજીને કહ્યું હતુ કે બધુ જ નાના શેઠને કરવા દેજો તમે ખાલી તેમના જોડે જજો. પપ્પાએ બેન્કમા પણ ફોન કરીને મારા આગમનની જાણ કરી દીધી હતી. શું કરવાનુ છે તે પણ કહી રાખ્યું હતું. પિપલ્સ બેન્ક એટલે નાની બેન્ક પણ મારા માટે તો એક નવી દુનિયા. કેટલા બધા ટેબલ-ખુરશી અને કેટલા બધા રૂપિયા. માણસો આવે અને જાય એક નવો જ અનુભવ. પણ વાણીયાનો દીકરો એટલે આ બધુ જોતા પણ ગભરાયો નહી. બહું સહજતાથી મે કાઉન્ટર ઉપર ચેક આપ્યો(કાઉન્ટર ઘણુ ઉચુ હતુ એટલે કેશિયરને ખાલી મારો હાથ જ દેખાતો હતો). ટોકન લીધુ,ચેક પાસ થઈને આવ્યો અને સહજતાથી પૈસા પણ લઈ લીધા.

આજે જ્યારે હું પહેલી વાર ICICI BANK (મારા અમુક મીત્ર તેને આઈ થી આઈ થી આઈ બેન્ક કહે છે) મા ગયો ત્યારે મને ઉપર મુજબનો જ ભાવ જાગ્યો. ક્યાં ૧૯૮૭-૮૮ ની પિપલ્સ બેન્ક અને ક્યાં આજની ICICI. એક સદી જતી રહી વચ્ચે. આયોજનબદ્ધ રીતે સેવા આપવાની તેમની રીતે મને ખુબ ગમી. ટોકન લઈને લાઈનમા બેસવાનો અનુભવ મારા જેવા ઘુસમારીયા માટે એકદમ નવો જ હતો. ભલે ગમે તે હોય સ્વચ્છતા સુઘડતા અને આયોજનના ૧૦૦ માથી ૧૦૦ માર્ક આપવા જ રહ્યા.

૧૯૯૬ મા બીઝનેસમાં સક્રિય થયો ત્યારથી ૧૯૯૮ મા બીઝનેસ મુક્યુ ત્યા સુધી સતત ૧૨ વર્ષ બેન્ક રજા સિવાયના લગભગ બધા જ દીવસોમા હું બેન્કમા જતો (ક્યારેક તો બેન્ક રજા ભુલાય જાય તો તેદીવસે પણ હું જઈ આવતો). બેન્કના કોઇ રેગ્યુલર કર્મચારી કરતા પણ મારી હાજરી વધુ હોય. એક યુગને આથમતા અને નવા યુગનો ઉદય થતા જોયો છે. બેન્કને "સેવા" માથી "વ્યવસાય" કરતી પણ જોય છે. મેન્યુલ(હાથેથી) એકાઉન્ટ થી લઈને કોમ્યુટર અને કોરબેંકીંગ સુધીના ફેરફારો મારી નજર સામે થયા છે. માસીક સ્ટેટમેન્ટ માટે પટ્ટાવાળાને આખી લેજરબુક ઉપાડી સ્ટેશનરીવાળાને ત્યાં ઝેરોક્ષ કરાવતા જોયો છે અને તે જ કામ માટે કોમ્યુટરની એક ક્લિક કરતા ક્લાર્કને પણ જોયો છે અને તે જ સ્ટેટમેન્ટ ઓફિસમા બેઠા બેઠા ઇન્ટરનેટ દ્રારા હાથે પણ કાઢ્યું છે. રૂ.૫૦,૦૦૦/- માં છુટી નોટો માટે જગડો કર્યો છે. ત્યારે છુટી નોટો એટલે રૂ.૧,૨ અને ૫ ની કહેવાતી અને આજે બેન્ક માથી રૂ.૧૦૦ ની નોટો આપે તો કહેવું પડે બાંધા આપો ને. સૈધાંતિક બાબતે મારા મારી પણ કરેલી છે અને જ્યાં ભુલ હોય ત્યાં માફામાફી પણ. બેન્કના દરેક કર્મચારી જોડે એક પારિવારીક સંબંધ બંધાયેલો હતો. મેનેજર થી લઈને પ્યુન સુધી દરેક જોડે હુંફ ભરી વાતો કરવાની. આજે પણ જ્યારે માંગરોલ જાવ છું ત્યારે એક વખત બધી જ બેન્કમા આટો મારી આવુ છું.

કદાચ કોઇ મને વેવલો કહે . આને મારી નબળાય ગણો તો નબળાય અને સ્વભાવ ગણો તો સ્વભાવ જીવનના દરેક ક્ષેત્રને હું લાગણી થી જોડી દવ છું. તે પછી મારા મીત્રો કે ગુરૂજનો જેવા જીવંત વ્યક્તિ હોય કે પછી મારી લ્યુના કે બેન્ક જેવા નિર્જીવ. "ક્યા કરૂ ઐસા હી હું મૈ."


3 comments:

  1. jagratbhai ek kahevat chhe mor na inda chitarva no pade..e tame sarthak kari lage chhe..

    aa artical mane gamyo..

    ReplyDelete
  2. ના, તમે વેવલા છો કે ના તમે નબળા, બસ એક લાગણી , સંવેદન થી ધબકતા માણસ !
    :)

    ReplyDelete
  3. માનવું પડશે. "આપની સંવેદના" વાંચવાની મજા પડે છે. જોકે, મારી આ બીજીજ વિજ઼િટ છે અહીં, પણ બહુ સારું લાગ્યું.

    આ બેન્ક વિશેનો લેખ ખરેખર લાગણીઓ ઉપસાવે ઍવો છે. જૂનો જમાનો યાદ કરતા અને તેની સાથે આજનો જમાનો કમ્પેર કરતાં ઍ કહેવત સાચી પડતી લાગે, કે "ઓલ્ડ ઈજ઼ રિયલી ગોલ્ડ!"

    ReplyDelete