એક દોઢ મહીનાથી ગુજરાત વિચિત્ર સ્થિતીમા મુકાયુ છે. કોઈ ને કલ્પના પણ ના હોય તેવી વાતના પથ્થરએ ગુજરાતની શાંત સ્થિતીમા વમણો પેદા કર્યા. વાત સાવ સિધીને સાફ હતી… “અનામત નો લાભ જન્મ આધારીત નહી પણ આર્થીક આધાર પર મળવો જોઇએ.” વાત સાવ સાચી અને સિધી છે. જ્યારે જન્મ પર કોઈ વ્યક્તિનો વસ ના હોય ત્યારે ફક્ત જે તે જ્ઞાતીમા જન્મ લેવાથી અનામતનો લાભ મળે અને કોઈ એક જ્ઞાતિ કે ધર્મમા જન્મ લેવાથી અનામત ન મળે તે તો કુદરતના પણ નિયમ વિરુદ્ધની વાત ના થઈ ?
૧૯૯૬ મા S.S.C.ની પરિક્ષા ૫૭ % સાથે પાસ કર્યુ.. સાયન્સ મા રસ અને ગણીત-વિજ્ઞાનમા ૮૦%+ માર્ક હોવા છતા હું પેન્ડીંગ એડમીશનની લાઇનમા ઉભો હતો. ડોક્ટર-એન્જીન્યર થવાના કોઈ સપના ના હતા અને સાચુ કહુતો તેવડ પણ ન હતી. સાયન્સ લઈ B.Sc કરી ને ગણીત અથવા તો બાયોલોજીનો શિક્ષક થવુ હતુ. પેન્ડીંગ લાઇનમા મારી સાથે ઉભેલા લોકો ને તેના માર્ક પુછ્યા તો કોઈ ના ૧૦૦ માથી ૯૭ ને કોઈ ના ૯૫ એટલે કે ૫૦ % થી પણ ઓછા. તેમ છતા તેમાથી અમુક ને જે તે સ્કુલમા એડમીશન મળી ગયુ અને મને ના મળ્યુ. કારણ કે કેટેગેરી મેરીટ નું કટ ઓફ ૨૦૦ માથી ૧૦૦ નું હતુ તે હિસાબે તે લોકોને ૩ થી ૫ માર્ક ઘટતા હતા જ્યારે જનરલ કેટેગેરી ના કટ ઓફ થી હું ખાસ્સા ૧૦ માર્ક દુર હતો. જે તે સ્કુલમા એડમીશન ન મળ્યુ અને સાયન્સ સાથે મારા ભણવાનું પણ નામુ નંખાય ગયુ.
કદાચ મારે જે બનવુ હતુ તે ન બની શક્યો તે ના કારણો માં આ પ્રસંગનું મહત્વ ન ગણ્ય હશે અને કદાચ તે સ્કુલમા એડમીશન મળ્યુ હોત તો પણ કદાચ નિયતી મુજબ હું અત્યારે અહી જ હોત પણ… જે થયુ તેનો અફસોસ જીંદગી ભર રહેશે. માર પ્રિય દાર્શનિક શ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ જે વ્યક્તિનો વર્તમાન ખરાબ હોય ને તે જ ભુતકાળ ને ભાંડે .
પાછો આજ પર આવુ, તો છેલ્લા એક દોઢ મહીના થી જે થઈ રહ્યુ છે તેની સત્યતા અને સાર્થકતા ઉપર છાપાઓના પાના અને FB-વોટ્સએપ પર પોસ્ટઓ ભરાય તેટલુ લખાયુ છે. જે લખાયુ છે તેને જસ્ટીફાય કરવાનો કોઈ પ્રયાસ નથી અને નથી આ આંદોલનની ટીકા કે તરફેણ કરવાનો પ્રયાસ. ઇતિહાસ-આર્થીક-સમાજીક વિષયોની દિર્ઘ છણાવટો ઘણી થઈ ગઈ પણ છેલ્લા સમય સુધી કાઇક ખુટતુ હોય તેવુ લાગ્યા કર્યુ અને એટલે જ લેખન વનવાસ કાળ હોવ છતા આ લખવા પ્રેરાયો.
જે લખાયુ-ચર્ચાયુ તે બધુ જ પોતાને ઠેકાણે પણ કોઈ ને થયુ કે આ અચાનક એવી તો શું પરિસ્થિતી થઈ કે જે લોકો અનામત ની વિરોધ મા હતા તે લોકો ને જ અનામત માંગવાનો સમય આવ્યો ? મુદ્દો રાજકીય-શૈક્ષણીક-વ્યવસાઇક કરતા આર્થીક અને સામાજીક વધુ છે. જો જો આ વાત અનામત માંગતી કોઈ એક જ્ઞાતિ કે સમાજ સાથે જોડવાની ભુલ ના કરતા. આ વાત છે બધી જ કહેવાતી ઉચ્ચ જ્ઞાતીઓની અને તેમા આ લખનારની જ્ઞાતી પણ આવી જાય છે. આ વર્ગ સમાજ વ્યવસ્થાનો એવો ભાગ છે કે મોટા ભાગે વ્યવસાય કે નાના મોટા ઉદ્યોગો સાથે જોડાયેલો છે. પોતાની જ્ઞાતિના સમુહના ટેકે ટેકે આગળ આવ્યો છે અને પોતાના નાના મોટા સમુહમા સુખે થી રહે છે. તો પછી તકલીફ ક્યા થઈ ? સમાજ વ્યવસ્થાના એક સામાન્ય અભ્યાસી લેખે અમુક મુદ્દાઓ ધ્યાનમ આવ્યા છે તે જણાવું.
૧. અંગ્રેજીમ કહેવત છે Don’t put all Eggs in one basket, બધા ઇન્ડા એક ટોકરીમા મુકવાં નહી, ટોકરી પડી નથી ને બધા ઇન્ડાનું રામ બોલો ભાઈ રામ થયુ નથી. આ કહેવત જેટલી આર્થીક બાબતો ને લાગુ પડે છે તેટલી જ સામાજીક બાબતો ને પણ લાગુ પડે છે. સંગઠીત સમાજ પ્રગતી કરે, સુખ દુ:ખમાં એક બીજા ને મદદરૂપ થાય પણ આખાસમાજ ઉપર કોઈ આર્થીક કે સામાજીક આફત આવે ત્યારે ? તોફાની દરીયામા ૫૦ લોકો એક બોટ પર સવાર હોય અને ૫-૫ લોકો ૧૦ બોટ પર હોય ત્યારે જાનહાની ની શક્યતા એકલી બોટ કરતા ૧૦ અલગ-અલગ બોટમા ઓછી રહેલી છે તેવુ આંકડાશાસ્ત્રનો નિયમ કહે છે. આઇ બાત સમજ મે…
૨. વાઇબ્રન્ટ સમયમા સમય સાથે બદલવુ પડે, વિકાસ વર્ટીકલની સાથે હોરિઝન્ટલ પણ થવો જોઇએ. ૧૦૦ માળની ૫૦ બિલ્ડીંગ કરતા ૧૦ માળની ૫૦૦ બિલ્ડીંગ વધુ વાસ્તવિક વિકાસ ની સ્થિતી દર્શાવે છે. કોઈ સમાજની આર્થીક પ્રગતી ત્યારે જ થઈ ગણાય કે તેની કુલ સંપતી વધુ માં વધુ લોકો વચ્ચે વહેચાયેલી હોય અને તો જ તે સમાજ શંતિથી રહી શકે. બીજુ વેપાર ધંધામાં નવીનીકરણ થાય તો જ હરીફાયમા ટકવુ શક્ય બને.
૩. મહત્વનો અને છેલ્લો મુદ્દો, નવી પેઢી એક સુરક્ષીત અને સ્થાયી જીવન જીવવાની લાલસામા સપડાય ગઈ છે. જોખમ થી ડરે છે તેમ તો નહી પણ જોખમથી દુર જરૂર ભાગે છે. ૧૦ થી ૫ ની નોકરી અને શનિ-રવીની રજાની લાલસા વેપાર-ધંધા પર હાવી થતી જાય છે. સામે પક્ષે દીકરીના મા-બાપ પણ એવુ જ ઇચ્છે છે કે પોતાની દીકરી નોકરીયાતના ઘરમા જાય . વર્ષે ૫ કરોડનું ટર્ન ઓવર કરનાર, એક એવરેજ સરકારી ઓફીસ કરતા વધુ નો સ્ટાફ ધરાવનાર અને એક વિદ્યાસહાયકના પગાર કરતા વધુ ટેક્ષ ચુકવનાર ને યોગ્ય જીવન સાથી મળવામાં ફાફા પડવા સામાન્ય વાત છે, ત્યારે કહેવાતા આ ઉચ્ચ જ્ઞાતિ નો જોક અનામત તરફ જવો સ્વાભાવિક છે.
એક પરિવર્તનની શરૂવાતના આશા ના કિરણ જેવું આંદોલન જે તબક્કે પહોચ્યું છે ત્યારે પ્રશ્ન થવો વ્યાજબી છે, “અનામતની આંધી – અંતનો આરંભ કે આરંભનો અંત ?”
-: સિલી પોઇન્ટ :-
અનામત આંદોલનના કન્વિન્યરશ્રી ની આખી સ્પિચ સિલી પોઇન્ટ તરીકે…