બચ્ચા પાર્ટી સાથે તેજસભાઈ
ધબકારના કાર્યક્રમ માથી હજી ઘરમા પગ જ મુક્યો હશે અને મારી વાઈફે હુકમ કર્યો, "યથાર્થની બર્થ ડે આવે છે અને આ બધાને પણ બોલાવાના છે." મે કહ્યુ "સારું બધાને પુછી જોઈશ આવસે કે નહી તે નક્કી નહી." ઓર્કુટ ઉપર કોઈ મળે અને ઘરે આવે તે મને બહું શક્ય લાગતું ના હતું. પણ હા ધબકાર અને તે પહેલા નિરવભાઈ, બીલવાભાઈ,મેહુલભાઈ,અનિરૂદ્ધ વગેરે ઘરે આવી ગયા હતા એટલે અશક્ય પણ નહોતું લાગતું. મારી ફ્રેન્ડલીસ્ટમા ૯૭ માથી ઘરના સભ્યો અને મારા પર્શનલ ફ્રેન્ડ કાઢી નાખુ તો ૭૩ બાકી રહે અને તેમાથી ૩૦ જેટલા મીત્રોનો તો મારી પાસે મોબાઈલ નંબર હતો. અમુક જોડે તો રેગ્યુલર વાત થતી હતી અને હીમતાભાઈ કે પછી કાન્તિભાઈ તો ખુબ લાંબી અને પ્રેમાળ વાતો કરતા જાણે મારા ઘર ના સભ્ય જ કેમ હોય. નિરવભાઈ તો ક્યારેક આઠવાડીયુ મારા ઘરે ના આવે તો મારા વોચમેન કાકા પુછે કે પેલા સ્કુટરવાળા ભાઈ કેમ નથી દેખાતા. લજ્જા તો ક્યારેક નાની બેનની જેમ મારી ઉપર હુકમ છોડતી હોય. ટુકમાં મન ખચકાતુ હતું પણ ચાલ ને બધાને પુછી જ લવ.
નિરવભાઈ મારા ઘરે આવ્યા એટલે તેને ઝાકળભાઈને ફોન કરવાનું કીધુ અને મે સ્નેહાબેન ને ફોન કર્યો. સ્નેહાબેને તો ખુબ ઉત્સાહથી આવવાની હા પાડી અને મારી ઉપર ગુસ્સે થતા થતા ક્રિષ્નાબેનને લાવવાની જવાબદારી ઉપાડી. ત્યાં તો ઝાકળભાઈ સાથે વાત કરી અને તે તો સજોડે આવવા તૈયાર થયા. ચાલો શરૂવાત જ જોરદાર થઈ એટલે વાંધો ના હતો. પછી તો બીલવાભાઈ,લલીતભાઈ, મેહુલભાઈ વગેરે ને ફોન કરી ને આમંત્રણ આપ્યું અને બધા તૈયાર થયા. અમુક મીત્રોને મેસેજ કર્યો. રીષીભાઈને ફોન કર્યો એટલે તેણે LVA અને તેજસભાઈની જવાબદારી લીધી. હમણા કામ પણ બહુ રહે છે એટલે બધાને જવાબદારી સોપી હું તો કામે વળગી ગયો.
પણ બીજા દીવસે થયુ ચાલ બધાને ફોન તો કરી દવ એટલે LVA અને તેજસભાઈને ફોન કર્યો. LVA પાસેથી દેવાંશુંભાઈનો મોબાઈલ નંબર લઈ તેમને વાત કરી અને તે પણ આવવા તૈયાર થયા. મારો ઉત્સાહ વધતો ગયો. પણ આ ઉત્સાહમા એક ભુલ કરી, જેને પણ મેસેજ કર્યો તેને ક્રેપ કે પછી ફોન કરી ને જાણ ના કરી શક્યો. ઘણા મીત્રો મેસેજ જોતા નથી તે તો મને ખ્યાલ જ ના આવ્યો. પ્રાઈવસી માટે હું જેને ૧૦૦ % ઓળખતો નથી તેવા અમુક મીત્રો ને મેસેજ ના કર્યો. બે ચાર મીત્રો એવા છે જે પોતે જ પોતાની ઓળખ છુપાવા માગે છે તેમને પણ આગ્રહ અને આમંત્રણ ના આપ્યું. મારા ઘરના સભ્યોને પણ મે આમંત્રણ આપ્યુ નહી કારણ કે કદાચ ઓળખાણ ના અભાવે બન્ને પક્ષને સજા મળે.
મારો ઉત્સાહ ત્યારે ઠંડો પડ્યો જ્યારે મારી વાઈફે મને વાસ્તવીકતા સમજાવી. ઘરમા ૪ ખુરશી અને ૬ ગાદલા અને ૩ ઓછાડ છે. બધાને બેસાડશો ક્યા ? મને પણ થયુ ૧૮-૨૦ વ્યક્તિ આવશે તો બેસાડવાની તો મોટી ઉપાધી થાશે. પહેલા વિચાર્યુ કે ઉપર ઓફીસમા બધાને નીચે ગાદલા પાથરી બેસાડી દઈશ પણ ઓછાડ વગર ગાદલા પાથરવા કેમ ? નીરવભાઈ ને વાત કરી તો કહે મારા ઘરે થી ૫ ખુરશીનો મેળ પડી જાશે. મારી વાઈફે પાછળ વાળા પાસે ૪ ખુરશી માગી લીધી. તે તો આખો દીવસ બેઠક વ્યવસ્થા ગોઠવવામા જ ગયો. શનિવારે મારી વાઈફ બધી જ વસ્તુ, ૪ ઓછાડ, અને નાસ્તા માટેની જરૂરી સામગ્રી લઈ આવી. તે આખો દીવસ તેણે ઘર સફાઈ અને તૈયારીમા કાઢ્યો.
રવિવારે એટલે કે પાર્ટીના દીવસે સવારમા નિરવભાઈનો ફોન આવ્યો. જાગ્રતભાઈ હું તમારે ત્યાં આવતો હતો પણ પેટ્રોલ ખાલી થઈ ગયુ તમે પેટ્રોલ લઈ ને આવો. દિવસની શરૂવાત જ આવી થઈ મે કહ્યુ માર્યા આ તો. સાંજે ભગો ના થાય તો સારું. હું પેટ્રોલ લઈ ને ગયો એટલે મારે ત્યાં આવતા હતા ત્યારે ખ્યાતીબેન ને યાદ કર્યાં. પછી તો મારે ઘરે મારા કરતા વધુ નિરવભાઈ એ કામ કર્યું. સરબત માટેની સામગ્રી થી લઈ સરબત ચાખવા જેવું જોખમી કામ પણ તેણે જ કર્યું. મારુ બનાવેલુ સરબત સરખુ કરવામા તેમનો મોટો હાથ અને જીભ બન્ને હતા. સરબત બની ગયું એટલે મારી વાઈફે અણૂ ધડાકો કર્યો,"પાણી ના બાટલાવાળો બે દીવસથી નથી આવ્યો." તરત જ હું અને નિરવભાઈ પાણી લેવા ગયા. ખુસશી લાવ્યા બધુ પતી ગયા પછી તે ઘરે ગયા.
૩.૩૦ ના હું નિરવભાઈ ને લેવા ગયો તે પહેલા LVA અને ક્રિષ્નાબેન બીમાર હોવાથી નથી આવતા તેવું કહ્યું. લજ્જાનો પણ નથી આવવાની તેવો મેસેજ આવ્યો. નિરવભાઈ ને ૩.૪૫ વાગ્યામા બોલાવી રોજ મોડા આવે છે તેની કસર કાઢી. અમારે બન્ને ને શરત લાગી કે કોણ પહેલા આવે છે તેની. તેણે ઝાકળભાઈ કહ્યુ અને મે લલીતભાઈ કહ્યું. બન્ને ના આવ્યા. ઝાકળભાઈને સુપ્રીમકોર્ટ માથી સમન્સ આવ્યો હતો એટલે ત્યા જાવું પડ્યું અને લલીતભાઈને ઓફીસે કામ આવ્યું.(હું તમારી બન્નેની મનો સ્થિતી સમજી શકુ છું.) પહેલા બીલવાભાઈ આવ્યા, તેની પાછળ પાછળ સ્નેહાબેન, જાહ્નવીબેન, રીષીભાઈ, તેજસભાઈ અને દેવાંશુભાઈ પણ આવ્યા. જાહ્નવીબેને સહપરિવાર આવી પોતાનું પ્રોમીસ પાળ્યુ તો સ્નેહાબેને અક્ષત ને સાથે લાવી હાફ-પ્રોમીસ પાળ્યું. ઉતાવળનું પરિણામ તે થયું કે હું દેવાંશુંભાઈને સહપરિવાર આવવાનું આમંત્રણ આપવાનું ભુલી જ ગયો. સોરી ભાભી અને પરીબેન. તેમ છતા રંગત જામતી ગઈ. મેહુલભાઈ પ્રેમ બિમાર હોવાથી ના આવી શક્યા. પણ અસંખ્ય ફોન અને મેસેજ આવતા ગયા. આનંદભાઈ નો ન્યુઝીલેન્ડ થી હોય કે અરવિંદભાઈનો લંડનથી, LVA લજ્જા,ક્રિષ્ના અને હા યથાર્થ ના લીટલ ફઈ બા કુંજલબેન,ભુષણભાઈ, અનિરુદ્ધ કેટલાય મીત્રો નો ફોન આવ્યા. હું તો કામમા હતો એટલે કેટલાય મીત્રના ફોન હું લઈ પણ શક્યો ના હતો. વીકી,યોજોભાઈ, અવનીબેન ખ્યાતીબેન, સપનાબેન, કમલેશભાઈ, કાન્તિભાઈ, અનુજભાઈ, રવિનભાઈ, રુશાંગભાઈ, સ્પનભાઈ હિમતાભાઈ વગેરે ના સ્ક્રેપ અને મેસેજ આવ્યા.
બધા લોકો ને સ્નેહ જોઈ હું અને મારી વાઈફ ભાવવિભોર થઈ ગયા હતા. એક વર્ષ પછી ઘરમા આટલી ચહલ પહલ હતી. કદાચ અમારે આવા ટોનિકની ખુબ જરૂર હતી. એક દીવસ અમે અમારી તકલીફો અને મુસીબતોને સાઈડ પર મુકી મન ભરી ને માણ્યો. તે માટે મારા સ્વજનોનો ક્યાં શબ્દોમા આભાર માનું ? જીવનમા આપણા જ્યારે મોઢુ ફેરવી જાય ત્યારે એક નાનકડી ઓળખાણ ધરાવતા અને માત્ર નેટ ઉપર મળ્યા હોય તેવા આવી રીતે સ્વજન બની જાય ખરા ? હા, આવું પણ શક્ય છે.