છેલ્લા ૨૨ દિવસથી રખડતો હતો, કેટ-કેટલા લોકો ને મળ્યો. ઘણો સમય ટ્રેન અને રેલ્વેસ્ટેશન પર વિતાવ્યો. ઘણા નવા લોકો ના સંપર્કમા આવ્યો. ઘણુ નવું જાણ્યુ અને ઘણુ નવું શિખ્યો. ટ્રેન અને રેલ્વેસ્ટેશન પર જ્યારે હંમેશા સમય પસાર કરવા હું અવલોકન કરતો રહેતો. નાની નાની વાતો ક્યારેક જીવનમા ઘણુ શિખવી જાતી હોય છે જે હું અનુભવે શિખ્યો છું.
આજે બજારમા યુઝ એન્ડ થ્રો નું ચલણ વધતુ જાય છે. ચા ના કપ થી લઈને જમવાની થાળી સુધી દરેક વસ્તુ એક વાર વાપરીને ફેકી દેવાની. ના સાફ કરવાની જંજટ ના સાચવવાની ચિંતા. જ્યારે જરૂર પડે ત્યારે નવી લઈ લેવાની. સંબંધનું પણ આજે તેવું જ થવા લાગ્યું છે. હું નાનો હતો ત્યારે મારા મોટા પપ્પાના મોઢે કોઇ ને કહેતા સાંભળતો, "તમારે અને અમારે તો ચાર પેઢીના સંબંધ" અથવા તો "આપણે તો ૫૦ વર્ષનો સંબંધ". આ વાત બહુ જુની નથી હો, મને યાદ છે ત્યાં સુધી આવી વાત સાંભળી હશે તેને ૧૦-૧૫ વર્ષ પણ નહી થયા હોય, આજે પણ ક્યારેક આવી વાતો સાંભળવા મળે છે પણ જુદી રીતે, "તેણે ચાર પેઢીના સંબંધની પણ શરમ ના રાખી." અથવા તો "છેલ્લા ૫૦ વર્ષ ના સંબંધ માથે તેણે પાણી ફેરવી નાખ્યું "
હું હમણા એક સ્ટેશન પર બેઠો હતો. મારી ટ્રેનને આવવાની વાર હતી(ટ્રેન લેટ હતી કહુ તો પણ ચાલે). બાજુમા જ એક યુવાન અંદાજે ૧૮-૨૦ વર્ષની છોકરી મોબાઇલ પર વાત કરતી હતી. તેની વાત પરથી અને સામે થી આવાજ પરથી લાગતું હતુ કે સામે કોઇ છોકરો હતો. છોકરી ઉગ્ર સ્વરમા છોકરાને ખખડાવી રહી હતી. બન્ને વચ્ચે છેલ્લા બે-ત્રણ મહીનાથી સંબંધ હતો અને બે ચાર દિવસ પહેલા પેલી છોકરીએ પેલા છોકરાને બીજી કોઇ છોકરી સાથે જોઈ લીધો માટે આ ઝગડો થતો હતો તેવુ તેમની વાતો પરથી હું સમજી શક્યો. છોકરી ચહેરા પર કોઇ પણ ભાવ લાવ્યા વગર વાતો કરી રહી હતી. તેના સ્વરમા ક્યાય સંબંધ ટુટ્યાનો કોઇ પણ જાતનો વિશાદ જણાતો ના હતો.
આજે આપણે બધી જ બાબતોમા પ્રેક્ટિકલ થઈ ગયા છીએ ત્યારે પારસ્પરિક સંબંધમા પણ પ્રેક્ટિકલ થવું સારૂ છે ? શું સંબંધો ડિસ્પોઝેબલ ડીસની જેમ યુઝ એન્ડ થ્રો જેવા નથી થવા લાગ્યા ? કામ પત્યુ અને તમે કોણ અને અમે કોણ જેવી બાબત સારી છે ?વિચાર જો આ બાબત પર.. મારો જવાબ ટુંક સમયમા લખીશ.