Monday, September 12, 2011

કાળા નાણા ના કાળા-ધોળા….


ડર શબ્દનો અર્થ સાપેક્ષ છે. તેની પ્રભાવક ક્ષમતા બન્ને પક્ષે વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય છે. એક વ્યક્તિ બીજા વ્યક્તિ થી ડરતો હોય તો જરૂરી અથી કે ત્રીજા થી ડરે જ, તે જ રીતે બીજી વ્યક્તિ થી પહેલો ડરે છે એટલે ત્રીજી વ્યક્તિ પણ ડરશે જ તે પણ જરૂરી નથી. ક્યાંક વાંચેલુ “તલવારની તાકાત તેને ધારણ કરનાર પર નિર્ભર રાખે છે “. તે જ રીતે શબ્દોનો પ્રભાવ પણ તેને બોલનાર-લખનાર પર અવલંબે છે.

જીવનમાં નૈતિકતા ખુબ જરૂરી છે. નૈતિક રીતે પુર્ણ વ્યક્તિનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોવાનું જ પણ બધી જ વાત માં નૈતિક મુલ્યોની દુહાહી આપી રડવા ના બેસાય. માન્યુ કે દેશમાં પ્રવર્તમાન સમસ્યાઓ ના મુળ માં નૈતિક અધ:પતન મુખ્ય છે પણ નૈતિક મુલ્યો સ્થાપિત કરવા માટે પણ હંમેશા ડર નો સાથ લેવો જ પડતો હોય છે. ચાલુ ક્લાસે વાતો ના કરાય તે શાળા જીવનનું નૈતિક મુલ્ય અને પરમ કર્તવ્ય ગણાય પણ જ્યારે ગણગણાટ શરૂ થાય અને ત્યારે તરત જ શિક્ષક ટેબલ પર ફુટપટ્ટી ના પછાડે તો તે ગણગણાટ ને ઘોંઘાંટ બનતા વાર નથી લાગતી. સિંગ્નલ ઉપર એક બાઇક લાલ બત્તિ વખતે નિકળે કે તરત ટ્રાફિક પોલીસ કાઇ ના કરે તો પરિણામ ટ્રાફિક જામ જ આવવાનું. કાયદા રક્ષક ની નિષ્ફળતા કાયદા ભંગ કરનાર માટે હિંમત પુરી પાડે છે. ખોટુ બોલો કે ખરાબ કામ કરો તો નર્ક માં જવાના ડર થી જ તો સદીઓ થી જીવન મુલ્યો પાસ ઓન થતા આવ્યા છે. નૈતિકતા સ્થાપવી હશે તો ડરાના જરૂરી હૈ.

ભ્રષ્ટાચાર, ગોટાળા ટેક્ષચોરી વગેરે વગેરે વગેરે શું ખાલી નૈતિક અધ:પતનનું જ પરિણામ છે ? જો હા તો આ અધ:પતન માટે શું કાયદો અને ડરની ગેરહાજરી જવાબદાર નથી ? બધી જ બાબતોમાં જ્યારે “વહીવટ” થી કામ થઈ જતું હોય પછી ડર શા માટે લાગે. આ ડર નથી કારણ કે કાયદા માં અને વ્યવસ્થાતંત્રમાં મોટા મોટા ગાબડા છે અને આ ગાબડા દ્રારા લાખો કરોડો રૂપિયા પરભારા જતા રહે છે. કેવડા ગાબડા છે તે ઉદા સાથે સમજાવવાનો પ્રયાસ કરીશ.

ABC નામક પેઢી છે. તે એગ્રી કોમોડીટીના પ્રોસેસીંગ-ઉત્પાદન સાથે સંકળાયેલી છે. તેનુ કાર્યક્ષેત્ર ખેત પ્રોડક્ટ ને ખરીદી તેને નિકાસ કરતા વહેપારીને પહોચાડવા સુધી નું છે. હવે જો જો ખેડુત કાયદાના ચોપડે ક્યાંય નોધાયેલો નથી હોતો તેમજ તેને સત્તા મળેલી છે કે તે પોતાનો માલ મુક્ત બજારમાં ક્યાંય પણ રોકડેથી (બાય કેસ ચેક થી નહી) વેચી શકે છે એટલે ખરીદનાર વહેપારી તેનો માલ રોકડેથી ખરીદી શકે છે. હવે અહી થી કાળા નાણા ની યાત્રા શરૂ થાય છે. વહેપારી હવે ધારો કે પરચેઝ એન્ટ્રી ના ફાડે તો ? તે માલ પરભારો તેના ગોડાઉનમાં પડ્યો રહે છે. તે માલનું પ્રોસેસીંગ થતા ૩ થી ૫ દિવસ લાગતા હોય ત્યારે બહુ મોટુ જોખમ રહેતું નથી તો સામે પક્ષે તે માલની કોઈ જ એન્ટ્રી ના થયેલી હોય તેના પર તેને કોઈ જ ટેક્ષ ચડતો નથી . હવે પ્રોસેસ થયા પછી ધારો કે તે માલ રિટેઇલ વહેપારી પાસે ગયો એટલે કે પ્રોવિઝન-જનરલ સ્ટોરમાં તો ત્યાં તો તે આરામ થી સેલ(વેચાણ)-બીલ વગર નિકળી જવાનો. ભારત દેશનાં મોટા ભાગના મહાન નાગરીક બીલ માંગવાની તસ્દી જ નથી લેતા અથવા તો ૪ થી ૧૫ % બચતની લાલચે વગર બીલનો માલ ખરીદી લે છે. ટુંકમાં કાળુ નાણુ છેવટના ખરીદનાર થી લઈ ને ઉત્પાદક ખેડુત સુધી નો બિન્દાસ સફર ખેડે છે. અહી કોઈ પણ સ્તરે અસરકારક કાયદાનો અભાવ જોવા મળે છે.

હવે સંભાવનાઓ જરા ચેન્જ કરીએ . જો જે તે એગ્રી પ્રોડક્ટ નિકાસ થવાની હોય તો ? નિકાસ કરનાર પેઢી કે કંપની જે તે માલ વાસ્તવિક કિંમત થી ખુબ જ ઉંચા ભાવના કે પછી ખુબ જ નિંચા ભાવ માં ખરીદે છે . કારણ છેલ્લે કહીશ (નોંધ :- જે તે પેઢી જેન્યુન બીઝનેશ નથી કરતી તેનો વાસ્તવિક ધંધો બીજો છે તેની ખાસ નોંધ મગજમાં લેવી જેથી એવું ના સમજવું કે બધા જ નિકાસ કરતા આવા છે.) . હવે એગ્રી પ્રોડક્ટ પ્રોડ્યુસર-પ્રોસેસર એ ખેડુત પાસે થી લિધેલા માલનું ખરીદબીલ નથી ફાડ્યુ એટલે ખરીદનારની મરજી મુજબનું વેચાણબીલ ફાડી શકે છે અને જે તે વચેણાબીલ ની સમરૂપ ખરીદબીલ ફાડે છે. વાસ્તવિક કિંમત ધારો કે ૨૦ હોય અને જો તે ૩૦ નું ખરીદબીલ ફાડે તો તેના ૧૦ રૂપિયા સિધા કાળા માથી ધોળા થઈ ગયા અને ૧૫ નું ખરીદબીલ ફાડે તો ૫ રૂપિયા કાળા થયા .

સામે પક્ષે પેલી નિકાસ કરતી કંપની વાસ્તવમાં હવાલા ઓપરેટ જેવું જ કામ કરે છે. વાસ્તવિક ૨૦ કિંમત વાળી વસ્તુ તે ૩૦-૪૦ કે ૫૦ રૂપિયા ના ભાવે નિકાસ કરે એટલે વધારાના ૧૦ થી ૩૦ રૂપિયા વિદેશમાં જમા થયેલા કાળા નાણા સફેદ થઈ પાછા આવે છે . તે જ રીતે ૨૦ ની કિંમત વાળી વસ્તુ ૧૫ થી ૧૦ જેટલા નીચે ભાવે નિકાસ કરી કાળા નાણા દેશની બહાર મોકલે છે. આ જ પેઢી આનાથી ઉલ્ટી પ્રક્રિયા એટલે કે વધુ કે ઓછા ભાવે આયાત કરી આવી રીતે વાઇટ કોલર હવાલા ઓપરેટ કરી શકે છે. આ બધુ જ કાયદેસર રીતે થતુ હોય કોઈ જ કાઇ નથી કરી શકતું.

કાયદો કેટલો સખ્ત છે તેના પર નહી પણ કેટલો અસરકારક છે તેના ઉપર પરિણામ અવલંબતુ હોય છે. જે કાયદા નિચે આટલા મોટા ગાબડા હોય તે ખાલી નૈતિકતાની દુહાધી જ આપી શકે. દેશ ને અત્યારે સખ્ત કાયદાની નહી અસરકારક કાયદાઓની જરૂર છે જે પરિણામ ઉપર સિદ્ધી જ અસર કરતા હોય. ૧૦૦ % બધી જ આવક જાહેર કરી ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય અને પકડાયે ત્યારે પણ ૩૦ % ટેક્ષ ભરવાનો થતો હોય ત્યારે મોટા ભાગના બીજો ઓપશન વધુ પસંદ કરે છે વધુ માં ઇન્કમટેક્ષની રેડ સ્ટેટસ સિમ્બોલ બને તે નફા માં. લાયસન્સ લઈ ૧૫ પ્રકારના રજીસ્ટરો રાખવા કરતા ના લઈ ઝંજટ મુક્ત વેપાર અનુકળ લાગવો સ્વાભાવિક છે.

જ્યારે અસ્તિત્વ અને નૈતિકતા બન્ને માથી એક પસંદ કરવાનો વખત આવે ત્યારે ધર્મરાજ યુદ્ધીષ્ઠીર પણ “નરો વા કુંજ રો વા” કહી દેતા હોય ત્યાં સામાન્ય પ્રજાની તો વાત ના પુછાય. ખરૂ કે ખોટું ?

-: સિલી પોઇન્ટ :-

વર્ષો થી સોરઠ જીલ્લામાં ઉત્પાદીત થતા સીંગદાણા “કાઠિયાવાડી કાજુ” તરીકે ઓળખાય છે . શા માટે ખબર છે ? મુક્ત અર્થતંત્ર પહેલા ના સમયે જ્યારે કાજુ આયાત કરવા માટે મોટી મોટી MNC કંપની સીંગદાણા પણ કાજુના ભાવે નિકાસ કરતી એટલે. :P

(નોંધ :- મારો પરિવાર દાયકાઓથી એગ્રી કોમોડીટી ના વેપાર સાથે સંકળાયેલો છે અને હું આવા જ વાતાવરણમાં મોટો થયેલો છું.)

No comments:

Post a Comment