કોઈ પણ દિવસ એટલે કે જન્મદિવસ હોય કે પુણ્યતિથી, મેરેજ અનિવર્સરી હોય કે વેલેન્ડાઇન ડે કે પછી હોય મધર, ફાધર કે ફ્રેન્ડશીપ ડે તેને આપણે શા માટે ઉજવ્યે છીએ ? શું મધર્સ ડે કે ફાધર્સ ડે સિવાય આપણે આપણા માતા-પિતાને પ્રેમ થી યાદ નથી કરતા ? શું લગ્નની તિથી કે પછી વેલેન્ડાઇન ડે સિવાય પ્રિયજનને પ્રેમ નથી કરતા ? કરતા જ હોઇએ છીએ પણ તેને જતાવવા માટે કોઈ એક દિવસ નક્કી હોય ત્યારે આખા વર્ષનો વ્હાલ તે દિવસે વર્ષાવી દઈયે છીએ. તે જ રીતે આપણી ભાષા ગુજરાતી ભાષાનો દિવસ ઉજવી આપણે તેને જતાવવું પડે છે કે "હે માતૃભાષા, અમે તમને ભુલ્યા નથી. ભલે અમે અમારા સંતાનોને બીજા માધ્યમમા ભણવા બેસાડ્યે, રોજીંદા વપરાસમાં તમારો ઉપયોગ દિન-પ્રતિદીન ઓછો કરીય઼ે, જોડણી અને વ્યાકરણની શુદ્ધી ઘટતી જાય તેમ છતા અમારા હ્યદયમાં તમારૂ સ્થાન જે કાલે હતું તે જ આજે છે અને આવતીકાલે પણ રહેશે."
"વિશ્વ ગુજરાતી દિવસ"ની ઉજવણી શા માટે :-
આજ-કાલ બહુ બુમો પડે છે, ગુજરાતી બચાવો આંદોલન જોર-શોરમાં ચાલ્યુ છે. એક એવરેજ માતા-પિતા કાયમ ચિંતામા હોય છે કે પોતાન બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવો કે ગુજરાતી માધ્યમમાં. ઘણા લોકો વર્તમાન પરિસ્થિતી ઉપર થી તારણ પણ કાઢી નાખે છે કે આવનાર કેટલાક વર્ષોમાં ગુજરાતી ભષાનું અસ્તિત્વ ખત્મ થઈ જાશે. પહેલી વાત કે જ્યાં સુધી એક પણ ગુજરાતી ભાષા બોલતી વ્યક્તિ જીવિત રહેશે ત્યાં સુધી ભાષા જીવતી રહેશે. ઘણા લોકો સંસ્કૃતનું ઉદાહરણ આપે છે. પણ શું સંસ્કૃત ભાષા મરી રહી છે ? મારા ખ્યાલે તેનું ઉપાંતરણ થતું આવ્યુ છે અને તેમાથી મોટાભાગની નવી ભષાઓ જન્મી છે. કદાચ મુળ તો આપણે સંસ્કૃત જ બોલતા હોઈશું પણ જેમ હિન્દુ ધર્મના અનેક ફાટાઓ પડ્યા તેમ સંસ્કૃતના પણ અનેક ફાટાઓ પડ્યા અને ભવિષ્યમાં ગુજરાતીના પણ પડે, આ કુદરતી ક્રમ છે અને તેને રોકી શકાશે નહી. જો રોકવા પ્રયત્ન કરીશું તો કદાચ......
બીજુ પાલનપુર થી પોરબંદર, અમદાવાદ થી અમરેલી, દાહોદ થી ડાંગ, શામળાજી થી સુરત, ભુજ થી ભરૂચ દરેક જગ્યાએ અલગ અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલી ની પોતાની એક આગવી ઓળખ છે અને તેથી જ તેની અલગ એક લીજ્જત છે. જે તે પ્રદેશના લોકગીત અને લોકસાહિત્યનું આગવું પ્રદાન છે. તે બધુ જ ગુજરાતી જ છે. આટલી વૈવિધ્ય સભર ભાષા હોય ત્યારે તેની ચિંતા કરવી અને તેને બચાવવા ભાગદોડ કરવી પડે તે થોડુ વધુ પડતું લાગે છે. હા સાહિત્યના સર્જનની દ્રષ્ટીએ સ્થિતિ કરૂણ અને દારૂણ છે. તેવી જ રીતે મોટા સેન્ટરમા રોજ-બરોજના વપરાસમાં ગુજરાતીનું પ્રમાણ ઘટ્યું છે. પણ તેનું કારણ શું ? આપણે ટુર ઉપર અમેરીકા માં હોઇએ ત્યાંરે ત્યાં પણ ઉંધીયું માંગીયે છીએ, આફ્રીકામા ખમણ, મલેશિયામાં પાત્રા અને ઓસ્ટ્રેલીયામાં ખાંડવી પિરસાય તેવી ઇચ્છા જતાવ્યે છીએ અને મોટાભાગે તે પુરી (હા, પુરી સાથે જ) પણ થાય છે. પણ અમદાવાદમાં રિક્ષાવાળા, ગલ્લાવાળા કે પછી શાકવાળા સાથે હિન્દીમાં વાત કરવી તે સ્ટેટસ માં આવે છે. મારા મોટાબાપા દિલ્હિમાં પણ ગુજરાતીથી કામ ચલાવતા. તે કહેતા દુકાનવાળા ને જરૂર હશે તો આફેડો સમજશે બાકી બીજો....
ભગવદ્ગોમંડલ ગુજરતીમાં થયેલો સિમાચિન્હ રૂપ પ્રયાસ છે. અને તે સિમા-ચિન્હ કાયમી સિમા જ રહી. તે પછી શું થયું ? લગભગ મારા જેવા સામાન્ય વ્યક્તિને તેની ખબર નથી હોતી આમ તો ભગવદ્ગોમંડલ વિષે પણ ક્યાં બધા ને ખબર છે. આપણે પ્રયાસો કર્યે છીએ પણ તેની માહીતી સામાન્ય જન સુધી પહોચતી નથી. સાહિત્ય સંસ્થાઓની પોતાની જ એટલી દયનીય હાલત છે કે તે પોતે અસ્તિત્વ ટકાવે કે ગુજરાતી ભાષા અને તેની અસ્મિતાનું ? આજે રોજબરોજ ગુજરાતી ભાષામાં જ વપરાતા કેટલાય નવા શબ્દો કે જેની વ્યુત્પતી કદાચ ઇતર ભાષા માથી થઈ હશે, તેમજ તેનો અર્થસભર ગુજરાતી શબ્દ મળવો પણ મુશ્કેલ હશે તેમ છતા વર્ષે-બે વર્ષે તેનો ’ઓફીશીયલી’ ગુજરાતી ભાષામાં વિધીવત સમાવેસ થવો જોઇએ તે થતો નથી. અને થાય છે તો સામાન્ય લોકોને તેનો ખ્યાલ રહેતો નથી. વર્ષે-બે વર્ષે કે પાંચ વર્ષે ગુજરાતી શબ્દ કોશ બહાર પડવો જોઈએ કે જેમા નવા-નવા શબ્દોનો સમાવેસ થયો હોય, બાકી મોબાઇલ કે કોમ્પ્યુટરનો શુદ્ધ ગુજરાતી શબ્દ મને તો નથી જ ખબર. ભગવદ્ગોમંડલની ઇ-આવૃતિ નેટ ઉપર મુકાય છે. ખુબ જ સારો પ્રયાસ છે પણ તેમા પણ કેટલાય શબ્દો શોધવા જતા જવાબ મળે છે "આ શબ્દ મળ્યો નથી" શા માટે ? શબ્દકોશ નું જ્યાં સુધી નવિનિકરણ (અપડેટ) ના થાય ત્યાં સુધી તેનો પુર્ણ મતલબ રહેતો નથી.
ગુજરાતી સાહિત્ય સર્જન(અને સર્જક બન્નેની)ની સ્થિતી થોડી ખરાબ છે. જેટલુ સારૂ સાહિત્ય સર્જન થવું જોઇએ તેટલું થતું નથી, તો સામે સર્જકો બુમો પાડે છે કે કોઈ વાંચતું નથી. આજે સારૂ ગુજરાતી સાહિત્ય વાંચન "બાય ચાન્સ" મળે છે નહી કે "બાય ચોઇસ". પુસ્તકોનું સ્થાન આજે પણ પહેલા હતું તે જ છે પણ સારૂ ગુજરાતી સાહિત્ય ના મળતું હોય લોકો કા જુના સર્જનને ફરજીયાત ફરી ફરી માણે છે કા પછી અંગ્રેજી જેવી બીજી ભાષા તરફ વળે છે. અમુક નાના સમુહ ધરાવતી વિદેશી ભાષા માંથી જે પ્રમાણમાં સાહિત્યનું બીજી ભાષામાં ભાષાંતર થાય છે તેટલા પ્રમાણમાં ગુજરાતી ભાષા માંથી થાય છે ? આજ થી ૧૫, ૨૫ કે ૫૦ વર્ષ પહેલા સાહિત્ય સર્જનની અને આજે શું પરિસ્થિતી છે ? આ બન્ને પ્રશ્નો વિષે વિચારીય઼ે તો પણ વિશ્વ ગુજરાતી ભાષા ઉજવવાનું એક મોટુ કારણ મળી શકશે.
"વિશ્વ ગુજરાતી ભાષા દિવસ"ની ઉજવણી કેવી રીતે :-
જો "શા માટે" નું વિશ્લેષણ કરવામાં આવે તો તે માથી જ કેટલીક બાબતો સામે આવી શકે છે. જેમ કે...
માતૃભાષાનો પ્રસાર વધારવો જોઇએ,નવા શબ્દકોશ નિયમીત રીતે બહાર પાડવો જોઇએ અને તેને માટે વિશ્વ ગુજરાતી દિવસથી વધુ યોગ્ય ક્યો દિવસ હોય શકે. આજની પેઢી કેટલાય ગુજરાતી શબ્દોથી પરિચીત નથી તો સામે કેટલાય નવા શબ્દો કે જેનો કોઈ ગુજરાતી અર્થ સભર શબ્દ પ્રાપ્ય નથી આ બન્નેની વચ્ચે સેતુંનું નિર્માણ નિયમીત અંતરે પ્રકાશીત થતા શબ્દકોશ થી જ થઈ શકે તેમ છે.
પુસ્તકાલયની સંખ્યા વધારવી અને વાંચન સ્પર્ધા રાખવી વગેરે તો ખરૂં જ પણ કાઇક નક્કર કાર્ય કરવાની પણ જરૂરિયાત છે. જો સારો વાચક જોઈતો હોય તો તે માટે પહેલા સારા લેખક નું સર્જન કરવું પડશે. તેના માટે આ ઉજવણી ના ભાગ રૂપે જ લેખન સ્પર્ધાની સાથે સાથે એક માર્ગદર્શન શિબીરનું પણ આયોજન કરવું જોઇએ. જેથી ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તકની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે. આજે સ્કુલો માં વ્યાકરણ અને જોડણી વિષે પુરતું આમ તો અલ્પ માત્રા માં પણ માર્ગદર્શન નથી મળતું તો આવું માર્ગદર્શન મળી રહે તેની વ્યવસ્થા કરવી જોઇએ. આજે સમયાંતરે અમુક શિબીરો થતી જ હોય છે પણ તેનો ખ્યાલ બહુ ઓછા લોકો ને હોય છે તેથી જ તેનો લાભ પણ બહુ અલ્પ માત્રામાં લોકો લઈ શકતા હોય છે. આવી શિબીરો વ્યાપક જન-સમુદાય સુધી પહોચે તે પણ જરૂરી છે.
ગુજરાતી સાહિત્ય સર્જન ખોટનો સોદો છે તેવી માન્યતાને ખોટી પાડવા અને ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા સર્જકને પોતાના સર્જનનું યોગ્ય વળતર મળી રહે તેમજ પ્રોત્સાહન પણ મળી રહે તેવી વ્યવસ્થા થવી જોઇએ તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ના દિવસે વર્ષ દરમ્યાન થયેલ સારા સર્જનનું યોગ્ય બહુમાન પણ થવું જોઇએ.
ઇન્ટરનેટ અભિવ્યક્તિનું એક સક્ષમ માધ્યમ તરીકે ઉભર્યું છે. ગુજરાતી ભાષા થી સેકડો-હજારો માઇલ દુર એવા લાખો ગુજરાતી બંધુઓને આ માધ્યમથી તેમની માતૃભાષા સાથે જોડી શકાય છે. આ દિવસે એકાદ "ઈ-બુક" બહાર પાડી ઇન્ટરનેટના માધ્યમથી તેમના સુધી ગુજરાતી ભાષાના વિકાસની માહીતી પહોચાડી શકાય તેમ છે. તેમજ આવી સ્પર્ધામાં કે જે "વિશ્વ ગુજરાતી ભાષા" ના નામ તળે યોજાય છે ત્યારે ખરેખર વિશ્વનો દરેક ગુજરાતી તેમા ભાગ લઈ શકે તે માટે નિબંધો "ઇ-મેઇલ" થી મંગાવી તેમના પણ અમુલ્ય મંતવ્યો મંગાવી શકાય તેવું આયોજન થવું જોઇએ..
અમુક સારા સારા પુસ્તકોની ઈ-આવૂતિ બનાવી આ દિવસે પ્રકાશીત કરવી જોઇએ. જેથી આ કૃતિઓનો લાભ વિશ્વના છેવાડાના ગુજરાતી વાચક સુધી પહોચે તથા તે પણ પોતાની આવનાર પેઢીને ગુજરાતી ભાષાના સાનિધ્યમાં ઉછેરી શકે. અંતે તો આ "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ " છે.
કારણોનું યોગ્ય અધ્યન કરવામાં આવે તો કેટલીય રીતો મળી શકશે... જરૂર છે ફક્ત યોગ્ય દિશા તરફ ડગ માંડવાની. પહેલુ ડગ મંડાયુ એટલે યાત્રા શરૂ અને યોગ્ય જગ્યાએ પહોચ્યા જ સમજો. પણ આ પ્રથમ ડગ માંડિયે ત્યારે ને ? બસ આટલુ કરીયે તો પણ ઘણુ છે.
"બેટા જલ્દીથી વેક્ક-અપ થઈ જા, બ્રેક-ફાસ્ટ કરી લર્ન કરવા મંડ યસ્ટર ડે થી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, જો તુ લર્ન નહી કર તો બેક રહી જાયશ અને તારા ફ્રેન્ડસ ફોર્વડ થઈ જાશે તો ફાસ્ટ-ફાસ્ટ બાથ લઈ ફ્રેસ થઈ જા જો મે તારા માટે હોટ-હોટ થેપલા બનાવી રાખ્યા છે અને ચા પણ કોલ્ડ થાય છે તારી". અહી એક મમ્મી તેના અંગ્રેજી મીડીયમમાં ભણતા છોકરા સાથે વાત કરે છે તે ભાષાને શું કહીશુ ? વાઇબ્રન્ટ ગુજરાતી... :P