Saturday, October 18, 2014

નિયત, નિષ્ઠા, નિતિમત્તા





       જન્માષ્ટમી ઉપર પરિવાર સાથે પોરબંદર મેળામા જવાનું થયું, આમ તો બધુ સામાન્ય હતુ પણ એક વાત જો કે આંખને ખુંચી . લગભગ બધી જ રાઇડ્સ જેવી કે કોલંબસ, બ્રેક ડાન્સ, ટોરાટોરા, રોકેટ, ડ્રેગન વગેરે ની ટિકીટનો દર સમાન ૧૦ રૂ. હતો. ગયા વર્ષે આ દર અલગ અલગ એટલે કે અમુકના ૧૦ તો અમુકના ૨૦ રૂ. એમ હતો. બીજુ બધી જ રાઇડ્સ લગભગ એક-બે રાઉન્ડ લગાવી લોકો ને ઉતારી દેતા હતા. અમુકમા તો હજી સ્પિડ પકડી ના પકડી ત્યાં તો ઉતરવાનો સમય થઈ જતો હતો . કારણ બહાર નિકડતી વખતે સામે લાગેલા બોર્ડ પર નજર પડી ત્યારે જાણવા મળ્યુ . “નગરપાલીકા મેળા આયોજન સમિતી દ્રારા બધી જ રાઇડ્સ નું રૂ. ૧૦ નું ભાવ બાંધણુ કરે છે.”
       વર્ષોથી અમદાવાદ રેલ્વે-બસ સ્ટેશન પર ઉતરવાનું થાય છે. જ્યા જવુ હોય ત્યાં મીટર થી નહી ફિક્સ ભાડા થી આવવાની કેટલાય રિક્ષાવાળા જીદ્દ કરતા હોય છે. અજાણ્યા ને તો મીટર ઉપર જવાનો ડર જ લાગે ક્યાંક ફેરવી ફેરવી ને લઈ જાય તો ? મુંબઈ દાદર સ્ટેશન પરથી પ્રિ-પેઇડ ટેક્સી કરેલી, ટ્રાફીક જામના બદલામા એક્ટ્રા રૂપિયા માંગવા મા આવેલા નહિતર ટ્રેઇન ચુકાવી દેવાની રિતસર ધમકી મળેલી.
       બાળકોને લઈ ને કેટલીય વખત દવાખાને લાઈનમા બેસેલો છુ. લગભગ દરેક વખતે નવા કેસ ૭૦ રૂપિયા હોય અને ઇમર્જન્સી કેસના ૧૦૦ હોય તો કેટલાય નમુના ૩૦ વધુ ખર્ચી વહેલો વારો લેવાની લાલચ રોકી નથી શકતા . પછી ભલે ને બીજાના બાળકો રડતા હોય.
       ૧૯૯૦ ના દશકામા પેકેટમા બટેટાની વેફર્સ બજારમા મળતી થઈ. બે વિદેશી બ્રાન્ડ સાથે બે મુખ્ય દેશી બ્રાન્ડ આવતી. આજે જોવા મળે છે તેવી વેરાયટી અને વિવિધતા તો ના હતી અને આવા હારડા પણ ના હતા. દેશી બ્રાન્ડની એક વેફર્સ કંપની ની પોલીથીનની થેલી મીણબત્તીથી પેક કરેલી અને ૫ રૂપિયા મા પેટ ભરાય એટલી તેલ થી લથબથ વેફર્સ મળતી. અત્યારની જેમ રમ્કડાની જગ્યાએ ઘણી વખત માચીસની કાંડી કે પછી બટેટાની છાલ પણ નિકળે જેવા જેના નસિબ. પણ આજે, મંદિરમા મળતા પ્રસાદ  કરતા પણ ઓછી સંખ્યા (વજન કેમ કહેવુ ?) મા વેફર્સ આ પેકેટ મા મળે છે. આવુ તો કેટલુય ૫ રૂપિયામા મળે છે.
       મીત્ર ખીમજીભાઈની કોસ્મેટીકની દુકાને અઠવાડીયે ૨-૩ દિવસ બેસવાનુ થાય. હાલ લગભગ બધી જ આયટમ્સ મા સ્કિમ ચાલે છે. ડીયો સાથે સાબુ, શેમ્પુ સાથે કંડીશનર કે ફ્રેસવોસ, ટુથ પેઇસ્ટ સાથે બ્રસ, વોસિંગ પાવડર સાથે બકેટ આવી તો કેટલીય ફ્રિ ની સ્કિમ ચાલે છે. બધી સ્કિમ મા એક વાત કોમન હોય છે ૧૦૦ થી ૧૫૦ ની વસ્તુ સાથે ૩૦ થી ૮૦ ની માર્કેટમા ના ચાલતી વસ્તુ ધાબડી દેવામા આવે છે. સાબુ વાળા તો કમાલ કરે છે, ત્રણ ઉપર એક ફ્રિ ની સ્કિમ મા પહેલા જે સાબુ ૧૦૦ ગ્રામનો આવતો હોય તેને તે જ ભાવ સાથે ૭૦ ગ્રામ નો કરી નાખે. સિધો હિસાબ પહેલા જે રૂપિયા મા મા ૩૦૦ ગ્રામ સાબુ મળતો તે હવે તેટલા જ રૂપિયામા (ફ્રિ સાબુ સાથે) ૪ X ૭૦ = ૨૮૦ ગ્રામ જ મળે.
       આ બધા જ દાખલા વ્યક્તિ-ઉત્પાદક-સેવા આપનાર ની નિષ્ઠા, નિયત અને નિતિમત્તા ના અભાવના છે. બધા જ એવા છે એવુ નથી પણ જે છે તેનુ પ્રમાણ અને તેનો પ્રભાવ સમાજ ઉપર ખુબ વધુ છે. આ તબક્કે એક પ્રશ્ન થાય આ બધાની જરૂરિયાતો કેટલી ? શું આવુ કર્યા વગર જીવન શક્ય જ નથી ? આપણે પણ જીવનમા ક્યાંક-ક્યારેક આવુ કર્યુ હશે ત્યારે આજે જાત ને સવાલ પુછ્યે શું આ બધુ આટલુ જરૂરી હતુ ? અરિસામા જાત ને જોતિ વખતે વિખેરાયેલા વાળ વચ્ચેની સફેદી નજરે ચડતી હોય તો આવા આત્મા પર લાગેલા દાગ કેમ નથી દેખાતા ?
       અમુક ફરજો સરકારની હોય, અમુક ફરજો સમાજની હોય અને અમુક ફરજો વ્યક્તિની હોય. સરકાર અને સમાજને ભાંડતા પહેલા શું આપણે ૧૦૦ % ખાતરી થી કહી શક્યે છીએ કે આપણી વ્યક્તિગત ફરજ આપણે નિભાવીત છે ? જવાબ સાચી નિયત-નિષ્ઠા અને નિતિમત્તા થી શોધીશુ તો કેટલીય સમસ્યાઓનો નું કારણ અને કારક આપણે ખુદ હોયશુ.

-: સિલી પોઇન્ટ :-
 U.P. લોકસભા ચુટણી ના પરિણામ પછી મુલાયમસિંહ તેના પુર્વજો ઉપર ગુસ્સે થયા હશે . તેમણે થોડી વધુ મહેનત કરી હોત તો PM નહી તો વિપક્ષના નેતા નું પદ તો પોતાને મળત. :D