Saturday, December 3, 2011

હર ફીક્ર કો ધુએમે ઉડાતા ચલા ગયા…


ટેન્શન-ડિપ્રેશન આજ કાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો બનતા જાય છે અને તે પણ ખાસ કરી ને યુવા વર્ગમાં . એડમીશન થી લઈ ને સબમીશન સુધી અને છેક સેટલ્ડ જોબ સુધી આ શબ્દો પડછાયાની જેમ પાછળ પાછલ દોડતા આવે છે અને મોટા ભાગે હાવી થતા જાય છે. આજે એક એવરેજ યુવાન હાયસ્કુલમાં આવતાની સાથે જ પોતે જાણે બ્લેકહોલમાં દાખલ કેમ ના થયો હોય તેવો અનુભવ કરે છે અને પછી તે બ્લેકહોલ માથી ક્યારેય બહાર નથી આવી શકતો. સારી સ્કુલમાં એડમીશનના મોહ થી આ બ્લેકહોલમાં દાખલ થવાનું શરૂ થાય છે તે છેક સારી જોબ ના મળે ત્યાં સુધીમાં તો આ બ્લેકહોલ તેને ક્યારનો ગળી ગયો હોય છે. બ્લેકહોલમાં પગ પડ્યા પછી શરૂ થાય છે તેમાથી બહાર નિકળવાના પ્રયાસો . મોટેભાગે આ પ્રયાસો ’શોર્ટકટ” ટાઇપ હોય છે. સિગરેટ, હુક્કા, બીયર વગેરે આ પ્રયાસોના માધ્યમ છે.

કોણ જાણે આપણા જીન્સ માં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે તે સમસ્યાના ઉકેલ કરતા તેનાથી બચવા અને જો આવી ચડે તો તેને પોસ્ટપોન કરવા વધુ પ્રેરે છે અને આ જીન્સ પેઢી દર પેઢી દ્રઢ થતા જાય છે. આશીર્વાદ કે પ્રાર્થના માં પણ સમસ્યાથી બચવાની રીતસર આજીજી હોય છે. યોગ્ય રીતે સામનો કરવાની વાત આવે ત્યારે ઉભી પુછડીએ દે ધના ધન. ટેસ્ટની તૈયારી નથી થઈ લાવને એક ફુંક મારી લવ ટેન્શન દુર થઈ જાશે. એક્ઝામ નજીક છે અને તૈયારી ના નામે મીડુ ચાલને દીવ આટો મારી આવ્યે (જો કે હવે દીવ સુધી લાંબુ થવાની પણ જરૂર નથી રહેતી કેમ) . ઓહ ગોડ કાલે વાઇવા છે અને તે ઘોંચુ આખા વર્ષનો બદલો લઈ લેશે ચાલ ને હુક્કાબારમાં આટો મારી આવ્યે. આ વાત ખાલી આજની જ નથી સદીઓથી ચાલી આવી છે ખાલી માધ્યમો બદલાયા છે પરિસ્થીતી નહી. મોટાભાગના વ્યસનો આજ ઉમરમાં લાગે છે અને પછી વ્યક્તિએ તેનો બોજો આખી જીંદગી સાથે લઈને ફરવું પડે છે.

શું વ્યસનથી ખરેખર સમસ્યાનું સમાધાન મળી રહે છે ? ના, મોટાભાગના લોકોનો જવાબ હશે. ઘણા દલીલ કરે છે કે વ્યસનથી સમસ્યાનો સામનો કરવાનો પાવર મળે છે. શું ખરેખર ? સિગરેટ-હુક્કા કે પછી બીયર દારૂ પિવાથી સાયન્સ-મેથ્સના દાખલા આવડી જતા હોય તો તો આટલી મહેનત કરવાની જરૂર જ ક્યાં છે. એક સમસ્યા ક્યારેય બીજી સમસ્યાનો ઉકેલ ના હોય શકે . કદાચ જે તે સમસ્યાને ભુલવામાં મદદરૂપ થઈ શકે પણ તે તેનો ઉકેલ તો નથી જ. સમસ્યાઓને જેટલી પોસ્ટપોન કરતા રહેશુ તેટલી જ સમસ્યા મોટી થતી જશે. મેલેરીયા-ટાઇફોઇડ કે જોન્ડીસ થયો હોય ત્યારે કેમ સીગરેટ-હુક્કાથી તેને મટાડતા નથી ? જીવનમાં આવતી દરેક સમસ્યાને આવી રીતે જ જોયશું તો તેનું નિરાકરણ પણ જલ્દી મળશે.

ખાટલે મોટી ખોટ એ જ છે કે આપણે જે રીતે જોવા માગ્યે છીએ તે રીતે જ જોયે છીએ અને તેમા આપણો વાંક નથી આપણને શિખવાડવામાં જ એવું આવ્યુ છે. નાનપણથી જ ભણતરનો મતલબ ૨+૨=૪ થાય અને સોડીયમ + ક્લોરાઇડ = મીઠુ બને . ભણતરતો થાય છે પણ ગણતર અને ચણતર રહી જાય છે. અને પછી જ્યારે સમસ્યાઓ ઉભી થાય ત્યારે ટેન્શન-ડીપ્રેશન અને છેવટે વ્યસન. જે ખલાસી દરીયો ખેડવા જાય તેને અફાટ દરીયા સાથે બાથ ભીડતા આવડવું જ જોઇએ તે તેની પુર્વશરત છે સ્વિમીંગ પુલમાં લાઇફગાર્ડ સાથે તરવું અને દરીયો ખુંદવો બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે તેટલો જ ફરક શાળા-કોલેજ જીવનના પ્રોટેક્ટેડ વાતાવરણ અને વાસ્તવિક જીવનમાં અહીં મારો કેવાનો મતલગ એવો નથી કે સીધા દરીયામાં જ તરતા શીખવું જોયે. આવુ કરવામાં ભવસાગર તરવા કરતા સાગરમાં ડુબી જવાની શક્યતા વધુ રહેલી છે. પણ સ્વિમીંગપુલ અને દરીયા વચ્ચેનું અંતર ઘટાડી તો શકાય કે નહી ? યુવાનોની વ્યાખ્યા જ સ્વપ્નજોનારા એવી થાય છે પણ તેને તે સપનાઓ કેવી રીતે પુરા કરવા અને તેને પુરા કરવા માટે કેવી કેવી સ્કીલની જરૂર પડશે તે માર્ગદર્શન વગર બધ્ધુ નકામું છે . અને આ જ માર્કદર્શનનો અભાવ સ્વિમીંગપુલ થી દરીયા સુધીનું અંતર ઉભુ કરે છે. હવે પરિસ્થીતી એવી નિર્માણ થાય છે કે બીજા કરતા સરસ એકડો ઘુટટા બાળકને જોય ને માતા-પિતા એવા ઉત્સાહી થઈ જાય છે કે પોતાના બાળકમાં મહાન ડોક્ટર-ઇન્જીન્યર જોવા લાગે છે. આ બ્લેકહોલ તરફની યાત્રાનું પહેલુ પગલુ છે .

વાસ્તવિકતા સમજાય ત્યાં સુધીમાં એટલુ મોડુ થઈ ગયુ હોય છે કે ત્યાં સુધીમાં તો વ્યક્તિ સમસ્યાથી બચવા કે તેનાથી છુટકારો મેળવવા શોર્ટકટ અપનાવતો થઈ ગયો હોય છે. આ સર્વવ્યાપી સમસ્યાનું પાયાથી જ શોલ્યુશન લાવવું જરૂરી છે અને તેની શરૂવાત “મર્દાંગી હર ફિક્ર-સમસ્યા-ટેન્શન ને ધુંઆ માં ઉડાવામાં-શરાબમાં બહાવામાં નથી તેનો સામનો કરવામાં તેનો ઉકેલ લાવવામાં છે” તેટલુ સમજવાથી-સમજાવાથી જ કરી શકાય. અને શરૂવાત જેટલી વહેલી થશે તે એટલી જ જરૂરી છે જેટલુ દર્દનું નિદાન . બાકી ક્યાંક….. કોણ કરશે આ શરૂવાત ? મે તો કરી દીધી અને તમે ???

-: સીલી પોઇન્ટ:-

ગોળના ખાવાની સલાહ આપતા પહેલા જાતે ગોળ મુકવો પડે તેવો બોધ નાનપણમાં સાંભળેલી એક વાર્તા માથી મળેલો”. -પણ ચિંતા ના કરો હું તો ગોળ(વ્યસન) ખાતો જ નથી :D