હું કોણ છું. હું હાડ-ચર્મ, માસ-મન, અહંમ-અભિમાન, વેદના-સંવેદના, વિષય-વિચાર થી ભરેલો એક એવો માનવ છું, જે કર્મની સાથે ફળની પણ આશા રાખે છે અને એક જીદ્દ છે કે, શબ્દોથી વિશ્વને પ્રમાણીક બનાવવી છેં. કારણકે, જ્યારે આ વિશ્વનો દરેક માનવ પ્રમાણીક બનશે ત્યારે વિશ્વની બધીજ સમસ્યાઓ આપો-આપ શેષ થઈ જશે. આપ શું માન છો ?
Saturday, October 18, 2014
નિયત, નિષ્ઠા, નિતિમત્તા
Thursday, July 17, 2014
બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૨)
બાળવિકાસની ABCD – A ફોર એન્ડ્રોઇડ અને B ફોર બ્લેકબેરી (ભાગ-૧)
Friday, January 18, 2013
“ बाल मजदुरी ” –एक व्यापक समस्या
भ्रष्टाचार का शिष्टाचार
Monday, March 19, 2012
કેળવણી
Saturday, December 3, 2011
હર ફીક્ર કો ધુએમે ઉડાતા ચલા ગયા…
ટેન્શન-ડિપ્રેશન આજ કાલ સૌથી વધુ ચર્ચાતા શબ્દો બનતા જાય છે અને તે પણ ખાસ કરી ને યુવા વર્ગમાં . એડમીશન થી લઈ ને સબમીશન સુધી અને છેક સેટલ્ડ જોબ સુધી આ શબ્દો પડછાયાની જેમ પાછળ પાછલ દોડતા આવે છે અને મોટા ભાગે હાવી થતા જાય છે. આજે એક એવરેજ યુવાન હાયસ્કુલમાં આવતાની સાથે જ પોતે જાણે બ્લેકહોલમાં દાખલ કેમ ના થયો હોય તેવો અનુભવ કરે છે અને પછી તે બ્લેકહોલ માથી ક્યારેય બહાર નથી આવી શકતો. સારી સ્કુલમાં એડમીશનના મોહ થી આ બ્લેકહોલમાં દાખલ થવાનું શરૂ થાય છે તે છેક સારી જોબ ના મળે ત્યાં સુધીમાં તો આ બ્લેકહોલ તેને ક્યારનો ગળી ગયો હોય છે. બ્લેકહોલમાં પગ પડ્યા પછી શરૂ થાય છે તેમાથી બહાર નિકળવાના પ્રયાસો . મોટેભાગે આ પ્રયાસો ’શોર્ટકટ” ટાઇપ હોય છે. સિગરેટ, હુક્કા, બીયર વગેરે આ પ્રયાસોના માધ્યમ છે.
કોણ જાણે આપણા જીન્સ માં એવી તે કઈ ખામી રહી ગઈ છે કે તે સમસ્યાના ઉકેલ કરતા તેનાથી બચવા અને જો આવી ચડે તો તેને પોસ્ટપોન કરવા વધુ પ્રેરે છે અને આ જીન્સ પેઢી દર પેઢી દ્રઢ થતા જાય છે. આશીર્વાદ કે પ્રાર્થના માં પણ સમસ્યાથી બચવાની રીતસર આજીજી હોય છે. યોગ્ય રીતે સામનો કરવાની વાત આવે ત્યારે ઉભી પુછડીએ દે ધના ધન. ટેસ્ટની તૈયારી નથી થઈ લાવને એક ફુંક મારી લવ ટેન્શન દુર થઈ જાશે. એક્ઝામ નજીક છે અને તૈયારી ના નામે મીડુ ચાલને દીવ આટો મારી આવ્યે (જો કે હવે દીવ સુધી લાંબુ થવાની પણ જરૂર નથી રહેતી કેમ) . ઓહ ગોડ કાલે વાઇવા છે અને તે ઘોંચુ આખા વર્ષનો બદલો લઈ લેશે ચાલ ને હુક્કાબારમાં આટો મારી આવ્યે. આ વાત ખાલી આજની જ નથી સદીઓથી ચાલી આવી છે ખાલી માધ્યમો બદલાયા છે પરિસ્થીતી નહી. મોટાભાગના વ્યસનો આજ ઉમરમાં લાગે છે અને પછી વ્યક્તિએ તેનો બોજો આખી જીંદગી સાથે લઈને ફરવું પડે છે.
શું વ્યસનથી ખરેખર સમસ્યાનું સમાધાન મળી રહે છે ? ના, મોટાભાગના લોકોનો જવાબ હશે. ઘણા દલીલ કરે છે કે વ્યસનથી સમસ્યાનો સામનો કરવાનો પાવર મળે છે. શું ખરેખર ? સિગરેટ-હુક્કા કે પછી બીયર દારૂ પિવાથી સાયન્સ-મેથ્સના દાખલા આવડી જતા હોય તો તો આટલી મહેનત કરવાની જરૂર જ ક્યાં છે. એક સમસ્યા ક્યારેય બીજી સમસ્યાનો ઉકેલ ના હોય શકે . કદાચ જે તે સમસ્યાને ભુલવામાં મદદરૂપ થઈ શકે પણ તે તેનો ઉકેલ તો નથી જ. સમસ્યાઓને જેટલી પોસ્ટપોન કરતા રહેશુ તેટલી જ સમસ્યા મોટી થતી જશે. મેલેરીયા-ટાઇફોઇડ કે જોન્ડીસ થયો હોય ત્યારે કેમ સીગરેટ-હુક્કાથી તેને મટાડતા નથી ? જીવનમાં આવતી દરેક સમસ્યાને આવી રીતે જ જોયશું તો તેનું નિરાકરણ પણ જલ્દી મળશે.
ખાટલે મોટી ખોટ એ જ છે કે આપણે જે રીતે જોવા માગ્યે છીએ તે રીતે જ જોયે છીએ અને તેમા આપણો વાંક નથી આપણને શિખવાડવામાં જ એવું આવ્યુ છે. નાનપણથી જ ભણતરનો મતલબ ૨+૨=૪ થાય અને સોડીયમ + ક્લોરાઇડ = મીઠુ બને . ભણતરતો થાય છે પણ ગણતર અને ચણતર રહી જાય છે. અને પછી જ્યારે સમસ્યાઓ ઉભી થાય ત્યારે ટેન્શન-ડીપ્રેશન અને છેવટે વ્યસન. જે ખલાસી દરીયો ખેડવા જાય તેને અફાટ દરીયા સાથે બાથ ભીડતા આવડવું જ જોઇએ તે તેની પુર્વશરત છે સ્વિમીંગ પુલમાં લાઇફગાર્ડ સાથે તરવું અને દરીયો ખુંદવો બન્ને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે તેટલો જ ફરક શાળા-કોલેજ જીવનના પ્રોટેક્ટેડ વાતાવરણ અને વાસ્તવિક જીવનમાં અહીં મારો કેવાનો મતલગ એવો નથી કે સીધા દરીયામાં જ તરતા શીખવું જોયે. આવુ કરવામાં ભવસાગર તરવા કરતા સાગરમાં ડુબી જવાની શક્યતા વધુ રહેલી છે. પણ સ્વિમીંગપુલ અને દરીયા વચ્ચેનું અંતર ઘટાડી તો શકાય કે નહી ? યુવાનોની વ્યાખ્યા જ સ્વપ્નજોનારા એવી થાય છે પણ તેને તે સપનાઓ કેવી રીતે પુરા કરવા અને તેને પુરા કરવા માટે કેવી કેવી સ્કીલની જરૂર પડશે તે માર્ગદર્શન વગર બધ્ધુ નકામું છે . અને આ જ માર્કદર્શનનો અભાવ સ્વિમીંગપુલ થી દરીયા સુધીનું અંતર ઉભુ કરે છે. હવે પરિસ્થીતી એવી નિર્માણ થાય છે કે બીજા કરતા સરસ એકડો ઘુટટા બાળકને જોય ને માતા-પિતા એવા ઉત્સાહી થઈ જાય છે કે પોતાના બાળકમાં મહાન ડોક્ટર-ઇન્જીન્યર જોવા લાગે છે. આ બ્લેકહોલ તરફની યાત્રાનું પહેલુ પગલુ છે .
વાસ્તવિકતા સમજાય ત્યાં સુધીમાં એટલુ મોડુ થઈ ગયુ હોય છે કે ત્યાં સુધીમાં તો વ્યક્તિ સમસ્યાથી બચવા કે તેનાથી છુટકારો મેળવવા શોર્ટકટ અપનાવતો થઈ ગયો હોય છે. આ સર્વવ્યાપી સમસ્યાનું પાયાથી જ શોલ્યુશન લાવવું જરૂરી છે અને તેની શરૂવાત “મર્દાંગી હર ફિક્ર-સમસ્યા-ટેન્શન ને ધુંઆ માં ઉડાવામાં-શરાબમાં બહાવામાં નથી તેનો સામનો કરવામાં તેનો ઉકેલ લાવવામાં છે” તેટલુ સમજવાથી-સમજાવાથી જ કરી શકાય. અને શરૂવાત જેટલી વહેલી થશે તે એટલી જ જરૂરી છે જેટલુ દર્દનું નિદાન . બાકી ક્યાંક….. કોણ કરશે આ શરૂવાત ? મે તો કરી દીધી અને તમે ???
-: સીલી પોઇન્ટ:-
“ગોળના ખાવાની સલાહ આપતા પહેલા જાતે ગોળ મુકવો પડે તેવો બોધ નાનપણમાં સાંભળેલી એક વાર્તા માથી મળેલો”. -પણ ચિંતા ના કરો હું તો ગોળ(વ્યસન) ખાતો જ નથી :D
Thursday, October 20, 2011
"સવેદનાઓ ની વાવણી“

લગભગ બે વર્ષ પહેલા અસમંજસની લાંબી સ્થીતિ માથી પસાર થયા પછી બીજા બાળકનું પ્લાનીંગ કર્યું. પહેલા ખોળે જ દીકરો છે એટલે બીજા બાળકની શું જરૂરિયાત તે વિષે ઘણા ખુબ જ નિકટના લોકોના સ્પષ્ટ અને વ્યાજબી અભિપ્રાયો છતા અંતરની લાગણી હતી કે એક દીકરી તો જોઇએ જ. દિકરો બાપના ખભ્ભા મજબુત કરે તો દીકરી છાતી. માનતાની કહો તો માનતાની પણ મારી ઇચ્છા ઇશ્વરે પુરી કરી અને ગયા વર્ષે જ જેની એ મારે ત્યા જન્મ લીધો.
હું પહેલાથી જ થોડો લાગણીશીલ ખરો, તમે વેવલો પણ કહી શકો. હોસ્પિટલમાં દિકરી આવી તેની વધામણી કરતા જોય લગભગ બધા જ આશ્ચર્ય માં હતા. કદાચ આપણી માનશીકતા જ એવી છે કે અમુક વાતો સહજતાથી સ્વિકારી નથી શકતા . હું તો હજી પેન્ડા વહેચવાની તૈયારી કરતો હતો પણ લોકો શું કહેશે તેના ડરે મમ્મીએ ચોખ્ખી ના પાડી દીધી. કદાચ સમાજમાં રહેવુ હોય તો આપણી ખુશી ની જાહેરાત પણ સમાજ ના નિતી-નિયમો ને આધીન રહી કરવાની થતી હશે.
છેલ્લા એક વર્ષમા એક-એક દિવસ મે જેની ને મોટી થતા જોય છે. હાથ-પગ હલાવતા, હસતા, ઉધી પડતા બેસતા બધુ જ પહેલી વાર કરતા જોય છે. યથાર્થ ક્યારે મોટો થઈ ગયો તેની અતિ વ્યસ્તતાને લીધે ખબર જ ના પડી હતી પણ તેની કસર જેની વખતે જાણે પુરી કરવાની હોય તેમ એક એક પળ માણ્યો છે. લગભગ રોજ સવાર-બપોર-રાત અઢધી કલાક તેની સાથે પસાર કરવાનો વણ લખ્યો નિયમ થઈ ગયેલો. તેમા પણ છેલ્લા ૨-૪ મહિનાથી તો રાત્રે મારી છાતી ઉપર જ સુવાની જીદ્દ અને ના છુટકે તે જીદ્દને પુરી કરવાની .
ઘણા લોકો ના મોઢે જ્યારે “ઓહ તેને તો ૨-૩ દિકરી છે” બોલતા સાંભળુ છુ ત્યારે જે તે વ્યક્તિ ઉપર દયા આવે છે. નક્કિ તે વ્યક્તિ ના નશિબમાં દિકરીનો પ્રેમ નહી હોય અથવા તો તે એટલો કમ અક્કલ હશે કે તે તે પ્રેમને ઓળખી નહી શક્યો હોત. આ જગતમાં સૌથી સૌભાગ્યશાળી વ્યક્તિ એટલે દિકરીનો બાપ . હું ઇશ્વરનો આભારી છુ કે તે મને આ સૌભાગ્ય આપ્યું. કાઇ પણ ખાતી હોય અને હું જેની ની પાસે જાવ તો તરત ઉચી થઈ મારા મો મા ધરાર નાની કટકી મુકશે. અસહ્ય ટેન્શન માં પણ જ્યારે હું તેનુ મલકતુ મો જોય જાવ એટલે બધુ જ ટેન્શન ગાયબ.
થેન્કસ જેની મને એક દિકરીના બાપ નું સૌભાગ્ય બક્ષવા બદલ.
“પપ્પા તે શું હતુ ?” લગભગ ટી.વી. જોતા જોતા યથુ મને આ પ્રશ્ન ના પુછે તો જ નવાય.
“બેટા તે કોકો બીન હતુ જેમાથી ચોકલેટ બને ને તે” હંમેશની જેમ બીજા પ્રશ્નની આશા સાથે શાતિથી જવાબ આપ્યો.
“તે શા માટે રડતુ હતુ ?” અપેક્ષીત પ્રતિ પ્રશ્ન પુછાયો .
“બેટા પેલા અંકલ છે ને તે બેસ્ટ ચોકલેટ બનાવવા માટે બેસ્ટ કોકો બીન સિલેક્ટ કરતા હતા પણ તે કોકો બીન થોડુ નબળૂ હતુ અને એટલે તેને સિલેક્ટ ના કર્યું એટલે તે રડતુ હતું.” ડિટેઇલમાં જવાબ આપી નવા પ્રશ્નથી બચવા માટે થોડો ડિપમા ગયો અને ૧૦૦ % વિશ્વાસ હતો કે કદાચ નવો પ્રશ્ન નહી જ આવે.
“પણ તેને આમ ફેકી કેમ દીધુ પેલા અંકલે ? પસંદ ના હતુ તો પ્યારથી ડસ્ટબીનમાં ના નાખી શકાય ? તેમા તેમ ફેકવાનું હોય ? તેને કેટલું ખરાબ લાગ્યુ હશે એક તો રિજેક્ટ કર્યુ અને ઉપરથી આમ ફેક્યુ .”
કેડબરી બોર્નવીલની એડ જોયા પછી ની આ પ્રશ્નોત્તરીમા યથુના આ છેલ્લા વાક્યો સાંભળી મારી પાસે ના તો દલીલ કરવાના શબ્દો હતા ના તો જવાબ દેવા ના.
* * * *
સંવેદનાઓ ની વાવણી ના કરવી પડે તે તો આમ જ ઉગી નિકળે. ઇશ્વરનો આભાર માનું છુ કે મારા માં જે સંવેદના છે તેવી જ સંવેદના મારા બાળકોમાં પણ ઉગી નિકળી.
(આ પોસ્ટ ડોટર્સ ડે નિમિતે લખી હતી સમય અને સંજોગો ના હોવાથી આજે પોસ્ટ કરૂ છું.)
-: સિલી પોઇન્ટ :-
જો નસીબદાર હોવ તો “દિકરી ને ગાય દોરો ત્યા જાય” નહિતર “દિકરીને ગાય માથુ મારી ખાય” જેવા જેના નશિબ. :D
Tuesday, September 20, 2011
ભાઈ

સપ્ટેમ્બર મહિના માં અમારે ઘર માટે જથ્થાબંધ કેકનો ઓર્ડર આપવો પડે . એક રીતે જોતા છાપા-દુધની જેમ માસીક ધોરણે કેક બંધાવીયે તો પણ ચાલે. :P ત્રણેય પેઢીના ખાંટુઓ આ મહીનામાં જ અવતરીયા છે. આજે તેમાથી બે ખાંટુઓ વિષે લખવા જઈ રહ્યો છું. લખાણ કલમથી નહી લાગણી થી લખાય છે એટલે ક્યાંક હું વહી જાવ તો પ્લીઝ દરગુજર કરશો.
“ભાઈ” અમારા જોઇન્ટ ફેમીલીમાં બધા ભાઈઓ માં મોટા, આમ તો તે મારા મોટા પપ્પા થાય પણ ઘરમાં બધા જ તેમને ભાઈ તરીકે જ સંબોધે . નાના છોકરાવમાં તેની પાસે જવાની રીતસર સ્પર્ધા જ થાય. કારણ સાવ સિમ્પલ હતું . ભાઈ મોટે-ભાગે સાંજે ગાડી માં બહારગામ જાય એટલે જે પહેલા પહોચે તેને જાવા મળે અને લટકા મા ગાઠીયા-સોડા અને ઉપર મસાલાવાળુ પાન . ભાઈ અમને રાખે પણ તેવા કોઈ જીદ્દ પુરી ના થાય તેવું ભાગ્યે જ બનતું. કપડા-વોટરબેગ-પેન્સીલ કે પછી દફતર માંગો તે લેટેસ્ટ મળી જાય. ખાવા પિવાની તો ચિંતા જ નહી અને ક્યારેક તો કપડાના બહાને ગયા હોયે અને કપડા છોડી બીજુ બધુ ઘરે પહોચે. કોઈ દીવસ ના નહી અમારી માંગણી જ અમારી જરૂરીયાત અને ભાઈ લાવ્યા એટલે ઘરઆં બીજા કોઈ કાઈ કહે પણ નહી. સગ્ગા બાપ અને કાકા-અદા નો ફરક અમે કોઈ દીવસ જોયો જ નથી. ઉલ્ટાનું પપ્પા થી બચવા ભાઈ પાસે જતા રહ્યે. “લપાઇ જા બસે અહી તો તેરા પપ્પા મારે ગા” બાવા હિન્દીના આ ઉચ્ચારો હજી કાનમાં ગુંજે છે.
મોટા ભાઈ-બહેનો તો ભણવા બહાર ગામ જતા રહેલા એટલે ભાઈ પાસે નો સૌથી વધુ હક અમે નાના પાંચેય ભાડેળાઓ ભોગવતા . પહેલા મોટી બહેન અને પછી અમે બન્ને ભાઈઓ અને છેલ્લે છેલ્લે નાની બન્ને બહેનો. .કોના પ્રત્યે ભાઈને વધુ લાગણી તે કહેવું ઉશ્કેલ છે પણ ભાઈનો અમારા પાંચેય પર અપાર સ્નેહ વર્ષોયો છે. મોટો ભાઈ જ્યારથી હોસ્ટેલમાં ગયો ત્યાર પછી તો હુ એક જ બચ્યો હતો ઘરમાં. લગભગ રોજ ભાઈ પાસે થોડી વાર બેસવાનું અને અલક-મલકની વાતો કરવાની . રોજ બીડી ના પિવાનું સમજાવાનું અને પગ દબાવાના અને છેલ્લે “ફાંદામા ફુરરરરર” કરવાનું . ખાવું પિવું સુવુ જાગવુ તેમ આ બધુ રૂટીન થઈ ગયેલું. અમે ચારેય ભાઈઓમાં સૌથી વધુ હોંશ મારા લગ્નની હતી બન્ને ભાઈઓના સાથે લગ્ન થાય તેવું પપ્પાની ઇચ્છા હોવા છતા ભાઈ એ મારા લગ્ન મોટાભાઈના લગ્ન પછી છ મહીના પછી ગોઠવ્યા અને બધા ભાઈમાં મારા લગ્ન સવાયા કરાવ્યા . સિઝન સારી ના હોવાથી કુંટુંબની સ્થીતી ના હોવા છતા ખર્ચામાં કાઈ બાકી ના રાખ્યું.
ભાઈને નાનામાં નાનુ કામ હોય મને હાકલ નાખે, કપડા લેવાના હોય કે લુંગી, દવાખાને જવાનું હોય પછી નખ કાપવાનું મારા વગર ના ચાલે . કુંટુંબની આંતરીક સ્થિતી સારી ના હતી ત્યારે મારી જેમ તેણે પણ પિડા ભોગવી હશે અને તે જ પિડા ભાઈ ને ખાય ગઈ. સ્થીતી ખરાબ હતી ત્યારે ભાઈ મને જ સમજાવતા, “તું સમજદાર છે ને તો તું જ સાજી જા ને.” છેલ્લે છેલ્લે પણ મારી જ સેવા લઈ પરમધામ ગયા . ગયા વિકઆં જ તેમનો જન્મદિવસ અને શ્રાધ ગયું . કદાચ આજે સૌથી વધુ હું ભાઈને મીસ કરૂ છું કારણ કે, “હું જીદ્દ કોની પાસે કરૂ કે મારે આમ કરવું છે.” કદાચ હવે પછી આજીવન જીદ્દ કરવાનો વારો જ નહી આવે. સાંભળો છો ને ભાઈ…..
આગળ શું લખવું ???????
અમારા ચારેય ભાઈઓ માં સૌથી હોશિયાર, સમજુ અને શાત મારા થી મોટો ભાઈ . આમ તો તે મારાથી છ વર્ષ મોટો પણ ક્યારેય મે તેને મોટા ભાઈ તરીકે ટ્રીટ નથી કર્યો. હુ તોફાની અને તે શાત અને ડાહ્યો એટલે ઘણી વાર મારે લીધે તે રડ્યો છે. તેની છાપ સારી એટલે તે રડે એટલે તેના આસુઓની ઇમ્પેક્ટ વધુ પડે . તે ઇમ્પેક્ટને ઘટાડવા માટે હું હંમેશા મોટા અવાજે રડતો આંખમા એક પણ આંસુ ના હોય પણ આજુ-બાજુ ના બધા ઘરો સુધી પહોચે તેવો મારો ભેગડો હોય. ફઈ કહેતા “એક રડે તો ગામ તણાય અને બીજો રડે તો ગામ ગાજે” . મોટા ભાગે મારો ભેકડો મને માર થી બચાવી લેતો .
લગભગ બદ્ધુ જ હું ભાઈ પાસે થી શિખતો, રમત-ગમત, વાત કરતા, કપડા પહેરતા ઇવન ખાતા પણ તેની પાસે થી જ શિખ્યો. હું તેના જેટલુ જ ભણુ તેવુ તે મારા કરતા પણ વધુ ઇચ્છતો . મારી દરેક સમસ્યાઓ તેની પાસે પહોચે ત્યારે જ પુરી થઈ જાતી. અમુક ચોક્કસ કારણો થી હું તેનાથી થોડો દુર રહેતો થયો છતા અમારા વચ્ચેનો સ્નેહ ક્યારેય ઓછો નથી થયો. મારો પહેલો બેસ્ટ ફ્રેન્ડ ભાઈ છે
અમે બન્ને સગા ભાઈઓ હોવા છતા સ્વભાવ થી માંડીને રહેણી કહેણીમા જમીન આસમાનનું અંતર તે લગભગ રોજ ક્લીનસેવ હોય અને હું ૧૫-૨૦ દીવસની દાઢી વધારેલો. પેન્ટમા શર્ટ ઇન કરેલુ અને મેચીંગ બેલ્ટ-શુઝ પહેરવાનો આગ્રહ આજે પણ તે મારી પાસે રાખે છે. તે મને તેના જેવો બનાવવાનો એક પણ પ્રયાસ છોડતો નથી અને હુ તોવો થતો નથી. કેટલી વખત કેવા છતા વોલેટ-બેલ્ટ રાખતો-પહેરતો નથી. રોજ સેવ કરતો નથી લગભગ લઘરા જેવો ફરૂ છુ. ઉતાવળ-આવેગ મારા દુર્ગુણો છે તેના વિષે તે ઘણુ ટોક ટોક કરતો પણ હું સુધરતો જ નથી. પપ્પા માટે હંમેશા તે એસેટ અને હુ લાયબીલીટી રહ્યો છું . તે મુશ્કેલી દુર કરતો અને હુ ઉભી કરતો. . મારી ઉપર ખીજાતો-ગુસ્સે થતો સલાહ આપતો મારૂ બધ્ધુ જ જાણતો એવો તે એક જ વ્યક્તિ છે જેની મને ઇર્ષા થાય છે.
આજે(20-09-11) તેનો જન્મદિવસ છે. તે સિંગાપુર સ્થાઇ થયો છે એટલે તેને ભેટીને હેપ્પિ બર્થ ડે તો નહી કહી શકુ પણ….. I Realy Miss U Bro.
-: સિલી પોઇન્ટ :-
હુ નાનો હતો ત્યારે ખુબ આત્મવિશ્વાષ થી ખોટુ બોલતો. કાઈ પણ ભાંગ ટુટ થઈ હોય બધા મને જ આગળ કરી દે અને એટલા કોફીડન્સથી હું વાર્તા કહી દવ કે બધા સાચુ જ માની જાય. એક વખત ઓવર કોફીડન્સમા કાઇક વધુ પડતુ જ બોલી નાખેલું ત્યારે અમને બહુ માર પડેલી . આવી પરિસ્થીતી વખતે ભાઈ( મોટા પપ્પા) અમને બચાવતા. લાવો મારા રૂમમાં બધાની સર્વીસ કરૂ તેમ કહી રૂમમા પુરી ગાદલા ઉપર લાકડી પછાડે અને અમે જોર જોર થી બુમો પાડતા.
Friday, September 9, 2011
બોમ્બ ધડાકાની આગળ પાછળ…..
છેલ્લા ૨૫-૨૭ વર્ષથી અને તેમા પણ છેલ્લા ૫-૧૦ વર્ષથી તો ખાસ લગભગ દરેક એવી વ્યક્તિ કે જે મારી જેમ કાઈક વિચારી શકે છે અને તે વિચારોને વ્યક્ત કરી શકે છે તે દર ધડાકે એક જ પ્રકારનો વિલાપ કરતો આવ્યો છે. આંતકવાદીને જડબાતોડ જવાબ દેવો જોઈએ, આ બધી જ પ્રવૃતિ સીમા પારની છે અને તેને રોકવા માટે અમેરીકા-ઇઝરાઇલ જેવી શખ્ત નિતી અપનાવવી જોઇએ, નેતાગીરી નમાલી છે વગેરે વગેરે . સામે પક્ષે મહાન ભારતના અતિ મહાન નેતાઓ પણ એક અગાઉ થી તૈયાર સ્ક્રિપ્ટ વાંચતા હોય તે રીતે એકની એક વાત બકી જતા હોય છે. અહી આ બધી જ વાત કોઈ એક પક્ષ કે સરકારને કેન્દ્ર સ્થાને રાખી નથી લખી તે ચોખવટ પ્રાથમીક તબક્કે જ કરી દવ. બધા જ પક્ષ અને બધી જ સરકાર વખતે આ જ નાટક ભજવાતુ આવ્યુ છે.
એક ખાલી આંતકવાદ જ શા માટે દેશની દરેક સમસ્યા વખતે આવું જ નાટક ભજવાતુ આવ્યુ છે . પણ અહી ખાલી આપણે આતંકવાદને જ કેન્દ્રમા રાખી વાત કરવાની છે. આખી વાત ને જો એક જ વાક્યમા કહેવી હોય તો “જ્યારે જ્યારે રાષ્ટ્રનિતી પર જ્યારે રાજનિતી હાવી થાય છે ત્યારે ત્યારે જે તે દેશની આ જ દશા થવાની” . હું કોઈ મોટો તત્વજ્ઞાની નથી કે નથી બહુ મોટો રાજનિજ્ઞ પણ આ વિષયને સમજવા, જેટલું સમજુ છુ જેટલુ જોયુ છે તેના આધારે હું આ કહી શકુ છું.
થોડુક ડીપમાં જઈએ તો આજથી ૬૦-૭૦-૮૦ વર્ષ પહેલા સુધી દેશ પ્રથમ હતો બીજી બધી જ વાત પછી આવતી. કોન્ગ્રેસ હોય, મુસ્લીમ લીગ હોય કે પછી જમણેરીઓ-ડાબેરીઓ હોય બધા માટે દેશ પહેલા બાકી બધુ પછી . કારણ બધાનો ટારગેટ એક જ હતો દેશની આઝાદી . જેવી દેશની આઝાદીનો સમય નજીક આવતો જણાયો એટલે તરત જ દેશ ટારગેટ માથી હટી ગયો અને સત્તા ટારગેટ બન્યું પરિણામ દેશના ત્રણ કટકા થયા અને લાખો લોકો પ્રભાવિત થયા. ભલુ થયું ભારતનું કે સરદાર પટેલ જે તે સમયે તે ને મળ્યા બાકી ગણ્યા ગણાય નહી તેટલા દેશોમાં આ દેશ વહેચાય જાત. (મારે માંગરોલ થી મુંબઈ સાસરે જવું હોત તો કેટલા દેશોને ઠેકવું પડેત ? :D) . સરદાર પટેલ આ કરી શક્યા કારણ કે તેનો ટારગેટ દેશની અખંડતા અને એકતા હતી તો સામે પક્ષે ચાચા નહેરૂ ગંભિર ભુલો કરતા ગયા કારણ કે તેનો ટારગેટ દેશ નહી પોતાની શાંતિદુત તરિકેની વૈશ્વિક છબીને બચાવવાનો હતો. ચીને પુંઠે લાત મારી ઘોર નિંદ્રા માથી જગાડ્યા ના હોત તો આ ચાચા હજી કબુતર ઉડાડ્યે જ રાખેત . શાસ્ત્રીજી કમનશીબ કે તેને એક એવી ધરોહર મળી કે જેને આગળ વધાર્યે જ છુટકો હતો. પાયામાં થયેલી ભુલો પર નવી ભુલોનું ચણતર કરતા રહ્યા. ઇન્દીરા ગાંધી ઉપર સત્તાનો નશો ના ચડ્યો હોત તો ભારત ૮૦ના દાયકા માં જ સુપરપાવર બની ગયુ હોત . તે એવી વ્યક્તિ હતા કે જેના ટારગેટ તેના માઇન્ડમાં ક્લિયર હતા. આ કરવું છે પરિણામ ગમે તે આવે, એટલે જ તો પાકિસ્તાન સામે યુદ્ધ કરી તેના બે ટુકડા કર્યા, અણુ ધડાકા કર્યા ઓપરેશન બ્લુ સ્ટાર વગેરે થઈ શક્યા. અહી વચ્ચે એક મુદ્દાની વાત લખવાની ભુલાઇ ગઈ ૧૯૬૫ સુધી માં જે દેશ ધર્મના નામે વહેચાયેલો હતો તે જ દેશ હવે ભાષા અને પ્રાન્તના નામે વહેચાયો. કારણ વિકાસનું ધરી ટારગેટ સત્તા ભોગવવાનું હતું. ઘણા વિદ્વાનો અમેરીકાનો દાખલો આપી કહે છે કે ભારતમાં ઓછામાં ઓછા ૫૦ રાજ્યો હોવા જોઈએ. હું ૧૦૦ % સહમત છુ કે નાના રાજ્યો હોય તો તેનો વહીવટ સરળ રહે અને વિકાસ જલ્દી જાય ઉદા. છત્તીસગઢ, પણ ભારતમાં ચુંટણી પ્રણાલી એવી છે કે નાના રાજ્યો રાજકીય અખાડો બનીને રહી જાય તેવી પુરતી સંભાવના રહેલી છે ઉદા. ઝારખંડ-ગોવા .
ઇન્દીરા ગાંધીની હત્યા પછી આખો દશકો ભારત વિચારશુન્ય નેતાગીરીના હાથમાં ભગવાન ભરોસે રહ્યું. આ એવો તબક્કો હતો જેમા લાભ કરતા લાંબાગાળાનું નુકશાન વધુ થયું. અત્યાર સુધી જે દેશ ખાલી ધર્મ અને ભાષા-પ્રાન્તના નામે વહેચાયેલો હતો તે હવે જાતીઓમાં વહેચાયો. સવર્ણ અને દલીત તો બરોબર પણ પછાત અને અતિ પછાત થવાની જાણે રેસ લાગી. આજની મોટાભાગની સમસ્યાને તપાસવામાં આવે તો તેનું મુળ અહી જોવા મળશે .
તમને થશે જાતીવાદ અને બોમ્બધડાકા વચ્ચે શું કનેકશન છે ? સિધા જ તાર જોડાયેલા છે. બોમ્બ ધડાકા રાજકીય નિષ્ક્રિયતા અને ઇચ્છાશક્તિના અભાવને લીધે થાય છે. ત્વરીત નિર્ણયશક્તિ અને પરિણામ ભોગવવાની તૈયારીના અભાવને લીધે થાય છે. દેશની-રાજ્યોની કમાન લગાડ લુચ્ચા લલ્લુ-પંજુઓ ના હાથમાં છે તેને લીધે થાય છે. આ બધા જ (અવ)ગુણો ધરાવતો કોઈ વ્યક્તિ પોતાની જાતિ ના જોરે સહેલાયથી ચુંટાય અવી શકે છે. રાજકીય પક્ષો પણ સારા વ્યક્તિને નહી જાતિય સમીકરણમાં કોણ ફીટ બેસે છે તેને જ ટીકીટ આપે છે કારણ પહેલો ટારગેટ દેશનો વિકાસ નહી સત્તા મેળવવી-ટકાવી રાખવી તે છે.
સામે પક્ષે જે તે જાતીના નેતાઓ પોતાનો વિકાસ કેમા થાય છે તે વાતને કેન્દ્ર સ્થાને રાખી રાજકીય પવન પ્રમાણે સઢ ફેરવતા રહે છે. જે તે પક્ષમાં જે તે વિસ્તારમાં પોતાની જાતી ની વસ્તિના આધારે કદ નક્કી થતુ હોય ત્યારે રાષ્ટ્રીય તો શું સ્થાનિક સમસ્યા સામે પણ કોણ નજર નાખે છે ? ઉદા. સાથે સમજાવું, ધારો કે એક મતવિસ્તારમાં ૧.૨૫ લાખ મતદાર છે . તેનો ઉમેદવાર નક્કી કેમ થાય ? તે નક્કી કરવાનું એક સાદુ ગણીત છે. ૧.૨૫ લાખ માથી મહત્તમ ૭૦ % મતદાન થાય એટલે કે ૮૭-૮૮ હજાર મત પડે . હવે ધારો કે X જાતી ના મતદાર ૬૦ હજાર છે તો તેના ૭૦ % લેખે ૪૦-૪૫ હજાર મત થાય તો આ એક ચોક્કસ જાતીને સાચવી રાખો એટલે મોટા ભાગે જે તે સીટ પાક્કી .
અમારા જેવા ગાંડા માણસો જ્યારે પણ આવી ડાહી ડાહી વાતો કરે છે ત્યારે ઘણા ચીંટીયો ભરી ને કહે છે, “ભાઈ રાજકારનમાં જાવ ને” ત્યારે શું જવાબ આપવો ? બોમ્બ ધડાકા થતા આવ્યા છે અને ભવિષ્યમાં થતા રહેશે . તિવ્રતા અને માત્રા જે છે તેના કરતા પણ વધતી જાશે. અંતે ભારતીય પ્રજા બહુ ફ્લેક્ષીબલ છે બધી જ સમસ્યાઓ વચ્ચે સમતા સાધી સદીઓ થી જેમ જીવતી આવી છે તેમ આ સમસ્યા ને પણ અપનાવી લેશે –અરે અપનાવી લીધી છે. જે પાયા પર આ ઇમારત ઉભી છે તે પાયા માં જ દોષ હોય ત્યારે પાડોશીને ગાળો ભાંડી શો લાભ ? વિચારવા જેવી વાત છે નહી.
-:સીલી પોઇન્ટ :-
મારો એક મીત્ર છે, તેના પપ્પા, કાકા-કાકી, મોટીબહેન-બનેવી, મોટોભાઇ-ભાભી, પોતે અને પોતાની વાઇફ, નાનોભાઈ અને તેની વાઇફ, કઝીન અને તેની વાઇફ એમ તેના ઘરના કુલ ૧૩ જણા સરકારી નોકરીયાત છે . બધુ મળી માસીક ૨.૫ થી ૩ લાખ સરકારના જમે છે છતા તે સરકારી ચોપડે અતિ પછાત છે. :O ખરેખર મેરા ભારત મહાન.
Thursday, August 25, 2011
સુબહ હોને કો હૈ...
માણસ એક એવું પ્રાણી છે જેણે સૃષ્ટીના બધા જ પ્રાણીઓ પાસે તેમની કોઈ ને કોઈ વિશિષ્ટતા મેળવી પોતાને બહેતર વધુ બહેતર બનાવતો આવ્યો છે અને આ રીતે તેણે પોતાનું વર્ચસ્વ જમીન-પાણી-આકાશ અને છેવટે અંતરીક્ષમાં પણ સ્થાપ્યું છે. પક્ષીઓ ની ઉડવાની કલા માથી તેણે પ્લેન બનાવ્યુ તો માછલીઓની તરવાની કળા માથી સબમરીન બનાવી. મધપુડા માથી પ્રરણા લઈ ઓછા ખર્ચમાં બહોળા બાંધકા આદર્યા તો ઉધઈ પાસે થી હાઇ-રાઇઝ મકાનો મેળવ્યા. પોલર બિઅર પાસેથી(તેના જ ભોગે) ઠંડીમા રહેવાની કળા શિખી તો ઊંટ પાસે થી ગરમીમાં રહેવાની. ટુંકમાં આપણે આજે જે સ્થિતીમાં છિએ તેમાં કોઈક ના કોઈક પગલે કોઈ ને કોઈ પ્રાણીની પ્રરણા જરૂર રહી છે.
હવે અહી સુધી બરોબર હતુ પણ જેમ દીવાળી-નવરાત્રી-ચોમાસુ સેલમાં અમુક જોયતી વસ્તુ સાથે અમુક ના જોયતી વસ્તુ ફ્રી આવે છે તેમ (હમણા હમણા વઘબકરી ચા વાળા ૧ કી. ચા સાથે લંચબોક્સ ફ્રી આપે છે ઘરમાં લંચબોક્સ રાખવાની જગ્યા નથી બચી.) સારી વાતો ભેગી નબળી ટેવો પણ સાથે જ આવી . લુચ્ચાઈ, ચાપલુસી, દગો, લાગ જોય વાર કરવો, રંગ બદલવો વગેરે . આ બધી ટેવો આંનુવંશીક રીતે બેવડાતી ગઈ એટલે જ સમાજએ સંમૃદ્ધી ની સાથે સાથે ક્યારેય ના જોયા હોય તેવા યુદ્ધો જોયા. અમુક લોકોમાં સારા લક્ષણો ભરેલા હોય તો તે સમાજ ઉપયોગી કામો કરે જ્યારે અમુકમાં નબળા લક્ષણો હાવી હોય તે આજના જેવા લુચ્ચા રાજકારણીઓ બની જાય છે.
અહીં સુધી તો બધાને ખબર હતી પણ, મારે ત્યાં જે કુતરો છે તે જર્મન સેફર્ડ અને પામેરીયનનું ક્રોસ બ્રીડ છે. કદ કાઠી તેની જર્મન સેફર્ડ જેવી, દેખાવ અને સ્વભાવ પામેરીયન જેવો છે. આ તો નશીબ સારુ બાકી જો પામેરીયની ચપળતા-ચંચળતા અને જર્મન સેફર્ડની આક્રમકતા-શરીર મળ્યુ હોત તો ? બસ આવું જ કાઇક લુચ્ચા અને દંભીની પ્રજાતીનું ક્રોસ બીડ થાય અને જે વર્ણસંકર પ્રજા પેદા તેના માટે કહી શકાય. આ વર્ણ-સંકર પેદાશ આજકાલ બહુ સક્રિય છે અને જેને આપણે બૌદ્ધીકોના નામે ઓળખીયે છીએ.
કોઈ પણ પ્રશ્ન આવે તો કા તમારો જવાબ પક્ષમા હોય કા તમારો જવાબ વિપક્ષમા હોય બહુ બહુ તો ખબર નથી એવો પણ હોય શકે, પણ આ કહેવાતા બૌદ્ધીકો પક્ષ-વિપક્ષની વચ્ચેની વંડી પર બેસી “આ પણ ખરાબ છે અને પેલુ પણ ખોટુ છે” તેવો ડિપ્લોમેટીક જવાબ આપતા ફરતા હોય છે. શરૂવાતમાં તો આપણને તેમના જ્ઞાન વિષે અહોભાવ થઈ પડે પણ જ્યારે બારીકાય થી તપાસીયે ત્યારે ખબર પડે કે આ તો “ગોલ-ગોલ માહે પોલ મ પોલ” જેવું છે. પેલી વંડી પર બેસી આ લોકો રાહ જોતા હોય છે કે ક્યારે પરિણામ નજીક આવે અને ખબર પડે કે ક્યો પક્ષ જીતમાં છે એટલે તરત તેનો વંડી ઠેકી તેનો ઝંડો પકડી લવ.
અમુક બૌદ્ધીકો પાછા દરેક વાત ને વાયા એક જ રસ્તે લઈ જવા નો હઠાગ્રહ રાખતા હોય છે. તેમની ગાડીનો કોલકત્તા-દિલ્હીનો રસ્તો પણ વાયા ગાંધીનગર થઈ જતો હોય છે અને દિલ્હી થી જમ્મુ જવું હોય તો પણ તે આપણને ગાંધીનગર તો ઢસડી જ લાવે છે. જ્યારે અમુક દરેક પ્રશ્ન માટે “અત્યાર સુધી આમ ચાલતુ આવ્યું છે હવે બદલી ને શું ફાયદો” તેમ એક જ જવાબ ગોખેલો હોય છે ત્યારે કહેવાનું મન થાય છે કે, સાહેબ-મેડમ આપનો વંશ વારસો ના હોય તો અમને કોઈ વાંધો નથી અમારે તો છે અને બીજુ તમે એમ માનતા હો કે તમે જીવી લીધુ છે તો ભાઇ-બેન સાહેબ અમને તો જીવવા દો . રાજકારણીઓ ને બધા ઓળખી ગયા છે હવે સમય આવ્યો છે આ કહેવાતા બૌદ્ધીકોને ઓળખવાનો . આ એવી પ્રજાતી છે જે, “નિર્વિર્ય હોય તો લઘુશંકા કરી તેને વિર્યમાં ખપાવાનો પ્રયાસ કરશે.” (સોરી પણ આનાથી ઓછી ખરાબ કોઈ વ્યાખ્યા સુજતી નથી.) અને તેનાથી વિશેષ કાઇ કરી શકે તેમ પણ ક્યાં હોય છે ?
લોકપાલ-જોકપાલ કે પછી જન લોકપાલ વિષે મારે કાઇ જ લખવું નથી અને વાસ્તવિક રીતે હું તે વિષે લખી શકુ તેટલો મારી જાત ને સક્ષમ માનતો પણ નથી . મુદ્દો છે લોક શક્તિનો ભલુ થજો ગાંધીબાપુનું કે તેના રસ્તે ચાલી આપણને આઝાદી મળી (મારો આશય બીજા ક્રાન્તિવિરોને ઓછા આંકવાનો જરા પણ નથી.) ઇતિહાસમા જે સમયે જે શ્રેષ્ઠ હતુ તે થયુ અત્યારે તેને બદલી ના શકાય પણ આવનાર ભવિષ્ય માટે તેનો આધાર લઈ વર્તમાનમાં થોડા ફેરફારો ફાઇન-ટ્યુન તો કરી શકીયે કે નહી ? વિચારો તો ખરા જો નેતાજીની આઝાદ હિન્દ ફૌજ જીતી ગઈ હોત તો ? પાછળ થી જે લોકતંત્ર આવ્યુ તે બધુ જ બેઠ્ઠે બેઠુ થયુ હોત પણ વિરોદ્ધ સશસ્ત્ર જ થાય તેવી માનશીકતા આપણા બધ્ધામાં દ્રઢ થઈ ગઈ હોત કે નહી ? અને અત્યારે જે રામલીલા મેદાનમાં થાય છે તેની જગ્યાએ લીબીયાવાળી થતી હોત કે નહી ? વૈશ્વિક સ્તરે સમાજમાં આમુલ પરિવર્તન આવી રહ્યા હોય ત્યારે તેને આંખ મીંચીને નજર અંદાજ કરવાની ભુલ ના કરાય . પણ ભારતના રાજકર્તાઓમાં આટલી બુદ્ધી હોત તો તો શું જોયતું તું.
તે લોકો જે સંસદીય લોકતંત્રની દુહાઇ આપે છે અને તેની જ આડમાં પોતાની મનમાની કરે છે તે ભુલી રહ્યા છે કે આ એજ પ્રજા છે જેણે ૬૪ વર્ષ પહેલા નિત્યસુર્ય એવી બ્રિટીશ મહાસત્તાને હલબલાવી નાખી હતી. હવે અહી પાછા બૌદ્ધીકો એવો તર્ક આપશે કે તે તો વિશ્વયુદ્ધ માં પાયમાલ થયા એટલે ભારતને મુક્ત કર્યું . સાહેબ માગ્યા વગર માં પણ ના આપે અને આ તો ગોરાઓ હતા શું એમ નેમ સામે ચાલી ને સોનાની ખાણ આપણને સોપી દે ? પ્રજાશક્તિનો પરચો આજે આખ્ખુ વિશ્વ જોય રહ્યુ છે તેમાં ભારતનો દાખલો યુનિક છે . લાખો લોકો પોતાનો આક્રોશ શાંતિ પુર્ણ રીતે વ્યક્ત કરતા હોય તે જ યુનિક નથી તો બીજુ શું છે ?
છેલ્લે કોણ સાચુ છે કોણ ખોટુ છે કોને ક્યો સ્વાર્થ છે ક્યું લોકપાલ સાચુ છે સારુ છે તે બધ્ધી જ ચર્ચા પોત પોતાને સ્થાને છે પણ આજે સમગ્ર દેશની પ્રજામાં ઉંડે ઉંડે સવારની આશા જન્મી છે. કેટલાય સમયથી સહન કરતી આવતી પ્રજા કોઈ દુ:સ્વપ્ન માથી સફાળી જાગી ગઈ હોય તેવો માહોલ છે . જો સવાર હજી ના થઈ હોય તો એટલી પણ વાર નથી કે પાછા ઉંઘી જાયે . અત્યારે પાછા ઉંઘી જાશુ તો શક્ય છે કે પાછા સમયસય ઉઠી ના પણ શક્યે . બસ એક જ વાત….. “હારે ગા તુ હર બાઝી જબ ખેલે હમ જી જાનશે “ .
-: સિલી પોઇન્ટ :-
કહેવાતા અમુક બૌદ્ધીકોની વાતો “નિર્વિર્ય વ્યક્તિના મુત્ર વિસર્જન બરોબર હોય છે ફળશ્રુતિ કાઇ ના હોય છતા જે તે વ્યક્તિને વિસર્જનનો આનંદ પણ મળી રહે “ ઉદા. પ.પુ.ધ.ધુ ૪૨૦-૮૪૦ ડોગી મહારાજ .
બીજુ, વધુ પડતા આવેગને લીધે મન વિચલીત થવું સામાન્ય છે અને જ્યારે મન વિચલીત હોય ત્યારે વિષયની સિમારેખામાં રહેવું મુશ્કેલ છે એટલે ઉપરોક્ત પોસ્ટમાં વારે વારે વિષયાંતર થયેલુ છે . આશા રાખુ છુ મારા કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો.
Thursday, June 2, 2011
હું જેવો છુ તેવો છુ…..
પ્રાથમીકમાં હતા ત્યારે અમે રોજ સવારે પ્રાર્થના ગાતા… “ અસત્યો માહે થી પ્રભુ પરમ સત્યે તુ લઈ જા, ઉંડા અંધારે થી પરમ તેજે તું લઈ જા “. આખ્ખી તો અત્યારે યાદ નથી પણ ત્યારે તો તે અમે ખાલી ગાવા ખાતર ગાતા કારણ કે એટલી બુદ્ધી નોહતી કે ભાવાર્થ સમજી શક્યે. આજે જ્યારે ભાવાર્થ સમજી-સમજાવી શક્યે છીએ ત્યારે ફક્ત એટલી સમજ છે કે હું એક અપુર્ણ વ્યક્તિ છુ અને મારી ગતી પુર્ણતા તરફની હોવી જોઇયે. છે કે નહી તેની ખાતરી કરવા બહુ અંગત મીત્રો હોવા જોઇએ અથવા તો કટ્ટર હરીફો જે તમને આ પુર્ણતા ના રસ્તે ચાલવા માટે સતત ઉત્સાહીત અને પ્રેરીત કરતા રહે.
કદાચ ૧૦૦ % પુર્ણતા શક્ય નથી અને એટલે જ તો વિકાસ-ઉત્ક્રાન્તી વગેરે સતત ચાલતી પ્રક્રીયા છે . આજે જ્યારે હું પાછળ વળીને જોવ છુ ત્યારે હું પોતાને ઘણો આગળ નીકળેલો જણાવ છું. હું છાતી ઠોકીને કહી ના શકુ કે મારી ગતી પુર્ણતા તરફની છે કે નહી પણ એટલુ તો જરૂર મુલ્યાંકન કરી શકુ કે જ્યાંથી ચાલવાની શરૂવાત કરી હતી ત્યાથી ઘણો દુર નિકળી ગયો છું. કદાચ થોડુક મેળવ્યુ હશે તો થોડુક ગુમાવ્યુ પણ હશે તેના સરવૈયા માંડવા નથી બેસાવું પણ આજે જ્યારે મારી લેખનયાત્રાના લગભગ ૧૫-૧૬ વર્ષ થવા જઈ રહ્યા છે અને લખાણ પુક્તતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે બસ સ્વજનો સાથે થોડોક ભુતકાળ વાગોળવો છે.
હું લખી શકુ છુ અને તેમાય તેને સારી રીતે વ્યક્ત કરી શકુ છુ તેની મને બહુ મોડી ખબર પડી . એક ગોલ્ડન કહી શકાય તેવો સમયગાળો લગભગ વીતી ગયો જ્યારે નેશનલ લેવલ સુધી નું જ્યા સ્ટેજ મળી શકે તેમ હતું તેવી માંગરોલની વિવેકાનંદ વિનય મંદિરના ૮-૯ નું વર્ષ મે લગભગ બરબાદ જ કરી નાખ્યુ . અને જ્યારે ધો. ૧૦ મા ભાન આવ્યુ ત્યારે બહુ મોડુ થઈ ગયુ હતું. તેમ છતા તે વર્ષે લગભગ શાળા સ્તર પર હું અન-બિટન હતો કારણ કે વકૃત્વસ્પર્ધામાં મારૂ વતવ્ય હું પોતે જ લખતો એટલે વ્યક્ત કરવામાં સરળતા રહેતી અને મૌલીકતા ભારો ભાર જણાતી. કદાચ મારો વિકાસ ત્યાં જ અટકી પડ્યો હોત પણ થન્ક્સ ટુ ડઢાણિયા સાહેબ કે જેણે વખતો વખત મારુ અપમાન કરી મને સતત આગળ વધવાનો બુસ્ટ આપ્યો. કદાચ તે તેમનો પુર્વગ્રહ હતો કે પછી મારા તરફનો આંતરીક પ્રેમ તે તો હું આજ દીવસ સુધી જાણી નથી શક્યો પણ તેમના આકરા શબ્દો મને આજે પણ ચાર્જ કરવા મટે પુરતા છે.
ધો. ૧૨ મા સમગ્ર દેશ આઝાદીની સુવર્ણજયંતિ મનાવતો હતો એટલે મારૂ ચડતુ લોહી પણ ગરમ થવાનું જ હતુ તેમાય વોરાસર ના ટ્યુશનનો તે મુક્ત માહોલ . પછી તો પુછવું જ શું દર અઠવાડીયે એક તેઝાબ નિતરતી કલમે લેખ લખાવા મંડ્યો. કદાચ તે સમય ને હું મારા લેખન નો સુવર્ણકાળ કહી શકુ . મારી વયના અને સહાધ્યાયઓ જે વિચારી પણ નોતા શકતા એવા વિચારો ને હું શબ્દોમા રુપાંતરીત કરતો એટલે વાહ-વાહ તો મળવાની જ હતી. બોર્ડનું વર્ષ હોવા છતા લખવાનું એક ગાંડપણ હતું અને જેટલા ચોપડા ભણવામાં નોહતા વાપર્યા તેટલા લખવામાં વપરાયા. અફસોસ કે આ બધુ જ સુવર્ણ સર્જન હું સાચવી ના શક્યો. કેટલાક વિ.વિ.નગર હતો ત્યારે ઘરના એ પસ્તિમા આપી દીધા અને બચ્યાતા તે માળીયા ઉપર પાણી ભારાયુ તેમા પલળીને નાશ પામ્યા.
વિ.વિ,નગર એક વર્ષ ફક્ત બીજાઓ માટે જ લખ્યુ . કોઇક ડિબેટમા કે પછી નિબંધ લેખનમાં ભાગ લે તો મારી પાસે આવે હું ઉભાઉભ લખાવી આપુ. કદાચ ત્યારે મારા ડીપ્રેશન-સીઝોફેનિયાનો અંતિમ તબક્કો શરૂ થઈ ગયો હતો. તેવું જ માંગરોલ આવ્યા પછી કોલેજમાં પણ ચાલુ રહ્યું. ડિપ્રેશનની દવા ડીસેમ્બર-૧૯૯૮ થી શરૂ થઈ ગયેલી દર અઠવડીયે સીટીંગ લેવા પણ જવું પડતું પણ હજુ તેની પુર્ણ અસર તો થવાને વાર હતી . કોલેજમાં કોઇ ને પણ કોઇ પણ વિષય પર લખવાનું-બોલવાનું હોય બિન્દાસ મારી પાસે આવી જાય અને તેમાથી કેટલાય ને તો હું જાણતો પણ ના હોવ અને અમુક તો મારા હરીફ પણ હોય તેમ છતા ગમે તેને ગમે તે વિષય પર લખી દેતો. કદાચ ત્યારે વાંચન પણ આજથી ઘણૂ વધુ હતુ .
તે પછી આવ્યો મારો શુન્યાવકાશ કાળ… ૨૦૦૧-૦૨ માં ડિપ્રેશનની દવા તથા સીંટીંગની અસર વર્તાવા લાગી . લાઇફ જાણે વિચારશુન્ય અવસ્થામાં પસાર ના થતી હોય કોઈ જાતના વિચારો જ ના જન્મતા . લખાણ તો દુર વાંચન પણ શક્ય ના બન્યું. સામાન્ય નિર્ણય પણ લેવાની માનશીક શક્તિ ખોય બેઠેલો તે જ અરસામાં લગ્ન જેવા લાઇફના મોટા નિર્ણયો પરાણે લેવા પડ્યા . હું જ્યારે મારી ખુદની ચિંતા કરી શકવા અક્ષમ હતો ત્યારે જ વધારાની એક વ્યક્તિની પણ ચિંતા મારા માથે આવી . આ જ ક્સમશકમાં હું જીંદગી થી હારી ગયો અને ના કરવાનું કરી બેઠો ….
જ્યારે જ્યારે હું પડ્યો છુ બમણા જોરથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો છે અને તેમા સફળતા પણ મળી છે . જ્યારે બધાને એવું લાગતું હતું કે હવે આ ડિપ્રેશન માથી ઉભો જ નહી થઈ શકે અને સીટીંગ ફરી ચાલુ કરવા પડશે ત્યારે જ મે દવા બંધ કરી દીધી . દવા બંધ કરવાથી પહેલો ફાયદો તે થયો કે હું ફરી વિચારતો થયો… સપના જોતો થયો . ભલે તે સપના કદી પુરા થવાના ના હોય તો પણ એક આત્મવિશ્વાષ આવ્યો. જે રીતે દવા શરૂ કરવી તે પણ અનિવાર્ય હતી તેમ તેને બંધ કરવી પણ જરૂરી હતી. આ દરમ્યાન માનશીક રીતે મારૂ ઘડતળ થયુ… થેન્ક્સ ટુ ડો. મૃગેશ વૈષ્ણવ .
લાઇફમાં જ્યારે પણ લાગે કે તે હવે બરોબર સેટ થઈ ગઈ છે ત્યારે જ ન જાણે ક્યાથી આંતરીક એક કીડો સળવડે અને પાછો અનિશ્ચીતતાઓ તરફ ધકેલાય જાવ . માંગરોલની ઠાઠ-માઠ ભરેલી લાઇફ મુકી અમદાવાદ ધુળ ફાંકવા આવી ચડ્યો. મારા જોબની બે-ત્રણ મહીનાની સેલેરી જેટલુ રોજ કમાય લેતો તે છોડીને આવવું સામાન્ય લોકોની નજરે તો મુર્ખામી જ દેખાય . પણ અમદાવાદ આવ્યો અને રાખ નીચે દબાયેલા અંગારા ફરી સળગવા મંડ્યા. ઓર્કુટ કોમ્યુનિટી થી શરૂવાત થઈ તે પછી બ્લોગ અને ફેસબુક સુધી વિસ્તરી ઘણા મીત્રો મળ્યા, ઘણા સાથે મુક્ત ચર્ચાઓ કરી તો કેટલાય ઝગડાઓ પણ કર્યા . વાર્તાના રાજકુમાર(રી)ની જેમ દીવસે નહી વિકસ્યો હોય તેટલો (મોટાભાગે) રાતે વિકસ્યો . કટાયેલી (કલમની)તલવાર ફરી ધારદાર બની અને કેટલાય સાથે રીતસરના યુદ્ધો લડ્યા. ૧૯૯૭ ના વર્ષને જો હું સુવર્ણકાળ ગણતો હોવ તો આ મારો રૂપેરીસમય હતો. ફરક એટલો કે આ ગાળાનું લગભગ બધુ જ સર્જન સચવાયેલુ છે. આ ગાળામાં મને ઘણા લોકોએ પ્રોત્સાહીત કર્યા બધા ના નામ લેવા શક્ય નથી પણ તેમા થી બે નામ લખવા માટે કી-પેડને રોકી શકતો નથી .રજનીભાઈ તથા જે.વી. કદાચ આ બન્નેના પ્રોત્સાહને હવનમાં ઘીનું કામ કર્યું અને બીજા દરેક વ્યક્તિનો ફાળો આહુતી થી ઓછો ના જ ગણી શકુ . બે-ચાર નામો એવા છે કે કદાચ તેણે ટાટીયા ખેચવાનો પ્રયત્ન ના કર્યો હોત તો પણ હું કદાચ આટલુ લખી ના શક્યો હોત .
નવેમ્બર ૨૦૦૯ મા પેલો કીડો ફરી સળવળ્યો અને લગભગ સેટલ થઈ રહેલી લાઇફ છોડી માંગરોલ પાછો આવ્યો. માંગરોલ પરત ફરવાની સિધી અસર લખવા પર પડી અને લાગતું હતું કે ફરી પાછો શુન્યાવકાશકાળ આવશે ત્યારે જ મારા મીત્રો-સ્વજનોએ મને સાચવી લીધો . જેમ જેમ લખોતો આવ્યો તેમ તેમ આવેગો અને ઉત્તેજનાઓ ઘટતી ગઈ અને સ્થીરતા વધતી ગઈ કદાચ થોડી શુષ્કતા પણ આવી ક્યારેક હું પોતે તાજગીનો અભાવ અનુભવું છું પણ આ તો એક સતત ચાલતી પ્રક્રિયા છે એક માથી બીજામાં થતા રૂપાંતરણ દરમ્યાન કાઇક નવું વધુ સારૂ વધુ બહેતર મળે છે તો થોડુક જુનુ જતું પણ કરવું પડે છે.
શરૂવાતમાં લખેલી પ્રાર્થનામાં જે પ્રભુની વાત છે તેને મે ક્યારેય જોયા નથી . મારા માટે તો તે ઇશ્વર મારા મીત્રો, સ્વજનો સ્નેહીજનો હિતેચ્છુઓ શત્રુઓ જ છે જે મારા વર્તમાન અને ભવિષ્યવિષે વિચારે છે ચિંતા કરે છે . દરેક એ વ્યક્તિ કે જેણે જીવનમાં એક વખત પણ મારા વિષે સારૂ-ખરાબ વિચાર્યુ હશે તે મારે મન પેલા ઇશ્વરથી કમ નથી . તો હે મારા ઇશ્વર તું મને મારી આ અપુર્ણતા થી પુર્ણતા તરફના પ્રયાણમા જે રીતે મદદરૂપ થયો છે તે બદલ હું તારો આભાર માનું છુ અને આગળ પણ મદદ કરતો રહેજે તેવી નમ્ર વિનંતી કરૂ છુ કારણ કે હું તો જેવો છું તેવો જ છુ તેને બદલવો તે તારા હાથમાં છે.
નોંધ :- હું કોઈ અસામાન્ય વ્યક્તિ નથી એટલે પ્લીઝ …….
-:સિલી પોઇન્ટ :-
૧૯૯૭ થી ૨૦૧૧ વચ્ચેના મારા જીવનને એક વાક્યમાં વર્ણવું હોય તો કેવી રીતે વર્ણવી શકાય ? સો સિમ્પલ “બાલ ઠાકરે માથી મનમોહનસિંહ માં રુપાંતરણ “ :P

.jpg)
.jpg)

