Tuesday, November 9, 2010

૨૦મી થી ૨૧મી સદી -યંત્રો થી યંત્રો સુધીની.

૨૦મી સદીને બે ભાગમાં વહેચી શકાય.. પહેલો ભાગ હાર્ડ વર્કનો અને બીજો ભાગ સ્માર્ટ વર્કનો. ૨૦મી સદીની શરૂવાત ઓદ્યોગીક ક્રાન્તીના ચરમ ચક્રની શરૂવાત હતી. બધે જ યાંત્રીકરણ પુરજોશમાં થઈ રહ્યું હતું. બની શકે તેટલુ ઉત્પાદન મેળવવા માનવબળનો મહત્તમ ઉપયોગ આ ગાળા દરમ્યાન થયો. ભલે પછી તે ઉત્પાદન માનવભક્ષક યંત્રો બનાવવા જ કેમ ના થયો હોય. પણ આ ગાળા દરમ્યાન માનવે ખરેખર ચરમબિંદુ સુધીનો પરિશ્રમ કર્યો. જ્યારે માનવીય શક્તિની સિમા આવી ત્યારથી શરૂ થયુ સ્માર્ટ વર્કનું આયોજન. પહેલા આવી એસમ્બલી લાઈન અને ૨૦મી સદીનો અંત આવતા સુધીમાં તો કોમ્યુટર અને રોબોટીક હાથ સુધી વિસ્તરણ થયું. ૨૦મી સદીના છેલ્લા દાયકા સ્માર્ટવર્કના નામે ગુંજ્યા.

પણ ૨૧મી સદી આવી કે તરત આ સ્માર્ટવર્કમાં પણ પુર્ણ પણે હરીફાય થવા મંડી. ૨૦-૨૫ વર્ષ પહેલા સેકંડ્રી કે હાયર-સેકંડ્રી જે વેલ્યુ હતી કે પછી૧૦ વર્ષ પહેલા ગ્રેજ્યુએટની જે વેલ્યુ હતી તે આજે માસ્ટર ડીગ્રીની થવા મંડી છે. અરે તેમાં પણ સ્પેશ્યેલાઝેશનનો જમાનો આવ્યો. સ્માર્ટ વર્કનું સ્થાન સ્માર્ટ હાર્ડ વર્કે લીધુ. જમાના સાથે જંખનાઓ પણ બદલાણી અને જરૂરિયાતો પણ. પહેલા જ્યાં બેઝીક જરૂરીયાતોમાં રોટી કપડા ઓર મકાન આવતું ત્યાં હવે તેમાં પણ સ્પેશીફીકેશન આવ્યું. રોટી ખરી પણ તે પાછી તંદુરી હોવી જોઇએ અને "ઓનેસ્ટ"ની હોય તો વાત જુદી છે બાકી છેલ્લે "કબીર"ની તો હોવી જ જોઇએ. કપડામાં "લી-વાઇન્સ" કે પછી "ફ્લાઇંગ મશીન"ના જીન્સ ઉપર "લીવરપુલ: કે "પીટર ઇંગ્લેન્ડ"નું ફોર્મલ શર્ટ જ જોયશે. મકાન તો સેટેલાઇટમાં 3BHK ફ્લેટ કા પછી બોપલમાં 4BHK પર્શનલ પાર્કીંગવાળો બંગ્લોઝ. આ ઉપરાંત ડ્યુલ સીમ QWERTY કી-પેડ વાળો 5MP કેમેરા સાથેનો સોશીયલ નેટવર્કીંગ ઇનેબલ સ્માર્ટફોન તથા છોકરા માટે 180cc સેલ્ફ સ્ટાર્ટ બાઇક, વાઇફ માટે બ્લેક કલરની Honda એક્ટીવા અને છેલ્લે પોતાના માટે ઓછામાં ઓછી 1.4L સેડાન કાર તો ખરી જ. વ્યક્તિ જરૂયાતનું બહાનું કરી અપેક્ષાની લીટી લાંબી કરતો જ જાય છે પછી તે જરૂરી નથી રહેતું કે તે લીટી તેની પહોચમાં હોય . ચાદર કરતા જ્યારે પગ લંબાવ્યે ત્યારે કા માથુ ખુલ્લુ રહે કા પગ. અને છેલ્લે આ પરિસ્થીતી માટે બધો જ દોષનો ટોપલો ભાગ્ય,નશીબ કે પછી ગોચરના અમુક તમુક બદનામ ગ્રહો ઉપર ઢોળવામાં આવે છે. જાણે જે તે ગ્રહ ગયા ભવનો બદલો કેમ લેતો હોય.

હવે શરૂ થશે કષ્ટો નિવારણને નેજા તળે યંત્રોની માયાજાળ. ટુંકી ચાદર પણ પગ સંકોચવાની શરમવાળી આવી વ્યક્તિના લાભાર્થે પેલી ચાદરમાં થીગળા મારવાની હાટળીઓ આજે સેટેલાઇટનું ૨૪ કલાકનું ભાડુ વસુલકરવાના બહાના તળે લગભગ બધી જ TV ચેનલો ઉપર મંડાયેલા દેખાશે. પ્રભાવશાળી નામ જેવા કે,
૧. બાધા મુક્તિ યંત્ર
૨. કુબેર યંત્ર
૩. નજર સુરક્ષા કવચ
૪. લક્ષ્મી મહાધન યંત્ર
૫. પિરામીડ યંત્ર
૬. શ્રી યંત્ર
૭. વાસ્તુ દોષ યંત્ર
૮. રાહુ યંત્ર
૯. કેતુ યંત્ર
૧૦. શનિ શુભ યંત્ર
૧૧. સૌભાગ્ય લક્ષ્મી યંત્ર.
આ બધુ જ હંબગ છે તેમ તો હું જરાય નથી કહેતો, હશે દૈવિય શક્તિ તેમા પણ શું ખાલી તેને ધારણ કરવાથી જ બધુ સમુસુતરુ થઈ જાવાનું ? રસોયમાં મીઠુનું પ્રમાણ હંમેશા સ્વાદ અનુશાર હોય છે તેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી હોતું તેવું જ જીવનમાં લક-નસીબ-ભાગ્યનું હોય છે તેવું મારૂ દ્રઢ પણે માનવું છે. મીઠા વગરની રસોય જેવી ફીક્કી તેવી જ રીતે નસીબ-ભાગ્ય-લક વગની જીંદગી. પણ તેનો મતલબ તે નથી કે જીવનમાં તે જ સર્વસ્વ છે. કા ચાદર લાંબી કરવી પડે કા પગ ટુંકા આ સિવાયનો ત્રીજો કોઈ ઓપશન જ નથી. હા, માંગેલ ચાદર વધુ સમય નથી રહેતી એક દીવસ તો પાછી આપવી જ પડે છે અને ચોરેલી ચાદરનો ઓપશન માન્ય નથી. કા અપેક્ષાઓ ઓછી રાખો અથવા તો અપેક્ષા મુજબ સ્માર્ટ હાર્ડ વર્ક કરવું બે માથી એક તો કર્યે જ છુટકો. જો બન્ને ના કરવું હોય તો ઉપરોક્ત યંત્રો તમારી રાહ જોય રહ્યા છે. નિરાસાનું વાવેતર આપડેજ યોગ્ય મહેનત ના કરી ને કર્યે છીએ અને છેવટે તેના પર અવિશ્વાષના ફળો બેસે છે. અવિશ્વાષ પોતાની જાત પર, મહેનત પર, ઇશ્વર પર. જીવનની રેસમાં ઓછી મહેનત કરી પાછળ રહી ગયેલા આવા યંત્રોના શોર્ટ કર્ટ શોધતા હોય છે. આવું જ રહ્યુ તો ચાલુ સદી તે આવા યંત્રોની સદી બની રહેશે. ખરૂ કે નહી ?

-: સિલી પોઇન્ટ :-

રસોય તેજ કહી હોય ત્યારે મરચુ વધુ અને લાઈટ કહી હોય ત્યારે મરચુ ઓછુ નાખે તે રસોયાની સમજ કહેવાય પણ સાથે સાથે બીજા મસાલાની પણ વધ-ઘટ કરે તે રસોયાની આવડત કહેવાય. તેવી જ રીતે અનુકુળ સમયમાં ઓછી મહેનત કરી ને અને પ્રતિકુળ સમયમાં વધુ મહેનત કરી ધાર્યા લક્ષ્ય પાર કરવા એટલે સ્માર્ટ હાર્ડ વર્ક.

Sunday, November 7, 2010

ચાલો તપાસીયે "વ્યક્તિત્વના સરવૈયા" આ દિવાળીએ.

નવું વર્ષ, નવો જ ઉમંગ અને આશ, કાઈક નવીનનો વિશ્વાષ. ઘર માટે થયેલી શ્રેષ્ઠ ખરીદી નવા વર્ષને દીવસે બહાર કઢાતી હોય છે. દરેક વ્યક્તિ પોતાની શક્તિ મુજબ આ દિવસ માટે "સોપિંગ" કરતી હોય છે. પણ અમુક વસ્તુ તો બધા માટે આવશ્યક જ હોય છે, જેમ કે નવું તારીખ્યું. ડીજીટલ કેલેન્ડર ના આ જમાનામાં પણ કેલેન્ડર કે પછી પુઠ્ઠુ અને ડટ્ટો લગભગ દરેક ઘરમાં જોવા મળશે અને દર વર્ષે તે ને બદલવો જ પડશે. તે જ રીતે નવા વર્ષના ચોપડા પણ આવશ્યક છે. જો કે આધુનીક જમાનામાં ઘણી જગ્યાએ તે નદારદ છે તો પણ આ જે પણ ઘણા નાના તથા મધ્યમ વેપારીઓ દિવાળીને દીવસે ચોપડા પુજન તથા નવા વર્ષથી નવા ચોપડા અપનાવે છે.

આ જ પ્રક્રીયાના ભાગ રૂપે વર્ષોથી બે કામ થતા આવ્યા છે. ૧.સરવૈયા કાઢવા તથા ૨.બાકી આગળ ખેચવી. સરવૈયા એટલે કે ગયેલ વર્ષમાં કરેલ વેપારમાં શું મેળવ્યું અને શું ગુમાવ્યું. મુડી ક્યાં રોકાયેલી છે અને કોને આપવાનાં છે. ટુંકમાં પેઢીની કુલ હાલત કેવી છે તેનો ચિતાર આપતું દસ્તાવેજ. જ્યારે બાકી આગળ ખેચવી એટલે કે વર્ષ દરમ્યાન જે તે વ્યક્તિ સાથે કરેલ વહેવાર દરમાન્ય છેલ્લે સરવાળા બાદબાકી કર્યા પછી નિકળતી કે દેવાની થતી રકમ. ટુંકમાં આપણે આપ્યું હોય તેના કરતા ઓછી ચુંકવણી થાય તો બાકી ખાતે તેની પાસેથી લેણા નોંધાશે જ્યારે આપણે લીધા કરતા ઓછી ચુકવણી કર્યે તો બાકી ખાતે આપણા દેણા નોંધાશે. થોડા બોર થઈ ગયા ને. ધો.૧૧ કોમર્સના ક્લાસમાં હું પણ બોર થઈ ગયેલો. પણ વેપારનું આ સામાન્ય બેઝીક છે એટલે સમજ્યે જ છુટકો. પણ તમને થશે આને અને વ્યક્તિત્વને શું લેવા દેવા.

ચાલો તો હવે મુદ્દા પર આવું.

હવે વેપાર શબ્દની જગ્યાએ વ્યવહાર શબ્દ મુકીને અને મુડી શબ્દની જગ્યાએ લાગણી શબ્દ મુકીને જોવ જોઇએ. બધુ જ સમજાય જશે. ટુંકમાં પેઢીની સદ્ધરતા તેના મુડી રોકાણમાં છે, જેમ કે મુડી રોકાણી અને ફસાણી બન્ને શબ્દનો અર્થ અલગ થાય તે જ રીતે સ્નેહ,લાગણી, પ્રેમ, મીત્રતા તે વ્યક્તિત્વની મુડી છે યોગ્ય પાત્રમાં રોક્યે તો રોકાણ કર્યું કહેવાય સમય આવ્યે અને જરૂરીયાતના સમયે પાછા મળવાની આશ ખરી બાકી... જેમ વેપારમાં ધર્માદાની એક લીમીટ હોય છે તેમ વ્યવહારમાં પણ. એટલે વ્યક્તિત્વના સરવૈયા તપાસતી વખેતે જોય જવું કે પેઢી ફળચામાં તો જતી નથી ને ?

મોટા પપ્પા કહેતા કે ઘણા લાંબા સમયથી ચડત બાકી હોય અને તે આવવાની કોઈ જ આશા ના હોય તેને દીવાળી સમયે માંડી વાળવી આગળ ના ખેચવી. તે જ રીતે વહેવારમાં લાંબા સમયના મતભેદની બાકી ભુલી જઈ નવા વર્ષે નવી શુભ શરૂવાત કરવી પણ મોટા પપ્પાના પાછળના શબ્દો યાદ રાખી ને.. ભવિષ્યમાં તેની સાથે વેપાર (અહી વ્યવહાર) કરતા પહેલા સાત વખત વિચારવું.

તો ચાલો તપાસીયે વ્યક્તિત્વના સરવૈયા કેટલા નવા સંબંધો બાંધ્યા અને તે કેવા છે. જુના કેટલા સંબંધો ગુમાવ્યા અને તેના કારણો શું હતા ? સ્નેહનું મુડી રોકારણ યોગ્યતો છે ને ? આપણે સ્વાર્થી નથી બનવું પણ એટલું મુર્ખ પણ નથી બનવું કે લોકો આપણને ચેરીટેબલ આયટમ સમજી મનફાવે ત્યારે યુઝ કરી જાય. બી પોઝીટીવ, બી પ્રેક્ટીકલ. નવા વર્ષની તે જ શુભકામના સહ.

-: સીલી પોઇન્ટ :-

નવું તારીખ્યું હાથમાં આવે ત્યારે સૌથી પહેલા શું કરો છો ? મોટા ભાગના મારી જેમ આવતે વર્ષે દીવાળી કઈ તારીખે છે તે ચેક કરશે... :P

Sunday, October 31, 2010

સાચો નિર્ણય, ખોટો નિર્ણય, યોગ્ય સમયનો યોગ્ય નિર્ણય.


શું કોઈ વ્યક્તિ હાથે કરી ને ખોટો નિર્ણય લેશે ? લગભગ નહી જ લે. મારા મતે કોઈ નિર્ણય ખોટો હોતો જ નથી ખાલી તેનું પરિણામ અપેક્ષાથી વિપરીત હોય છે. દરેક પરિસ્થિતી અનુરૂપ પ્રાપ્ય સાધન-સંપતિ માથી શ્રેષ્ઠ પરિણામ લાવવાની ઇચ્છા કોને ના હોય. પરંતુ નિર્ણયને યોગ્ય ગતિ તથા દિશા આપવામાં જોયતો શ્રેષ્ઠ પ્રયત્ન ક્યારેક ધાર્યા કરતા ઓછો નિવડે ત્યારે જોયતું પરિણામ કદાચ ના પણ મળે. ક્યારેક પરિણામથી થોડા દુર પણ રહી જવાય પણ આ બધી જ બાબતમાં નિર્ણય તરફ આંગળી ના ચીંધી શકાય. બીજુ ક્યારેક સમયને અનુરૂપ અમુક કઠોર નિર્ણય લેવા પડતા હોય છે જેની અસર ટુંકા ગાળા માટે ભલે વિપરીત હોય પણ લાંબા ગાળે તે સારૂ પરિણામ આવતા હોય છે. અમુક વખતે પરિસ્થી એવી આવીને ઉભી રહે છે કે બન્ને બાજુ એ નુકશાન જ હોય ત્યારે ઓછા નુકશાનવાળો નિર્ણય પસંદ કરવો જ રહ્યો. તો ક્યારેક મતલબી પણૂ ત્યજી પોતાનું થોડુક નુકશાન કરી એક કરતા વધુ લોકોનો ફાયદો ઇચ્છી અમુક નિર્ણય લેવા પડતા હોય છે. આ બધા જ નિર્ણય સાચા કે ખોટા નહી યોગ્ય સમયના યોગ્ય નિર્ણય કહેવાય.

આજથી બરોબર એક વર્ષ પહેલા હું કાઇક આવી જ કટોકટીમાં ફસાયેલો હતો. સ્વાર્થ અને અહં થી ઘેરાયેલા એક સમુહમાં જ્યારે લાગણીશીલ ખંભો પણ મળવો મુશ્કેલ હતો ત્યારે મારે નિર્ણય લેવાનો હતો કે સામે પડેલી એક નવી જ, ભલે કઠીન પણ ઉજ્જવળ જીંદગી, બાળકનું એટીકેટ અને કલ્ચરવાળૂ જીવન તથા વાઈફની પ્રમાણમાં પ્રાઇવેટ કહી શકાય તેવી લાઇફના ભોગે અમદાવાદ છોડવું કે નહી. એ તબક્કે બુમાવવાનું કાઇજ ના હતું, ના પૈસા ના સંબધો. સંબધો ફક્ત નામના જ હતા કોઈ પણ જાતના સ્નેહ કે હુંફ વગરના. અને બન્ને છોડ્યુ હોત તો કોઈ આંગળી પણ ના ચીંધેત કે તે શા માટે આમ કર્યું. કદાચ કોઈ પણ વ્યક્તિ પાસે સલાહ લેવા જાવ તો તે મને આંખ બંધ કરી ને આમ કરવાનું કહે. કારણ કે જે પરિસ્થિતીમાં સંયુક્ત પરિવાર હતો તે પરિસ્થિતીમાં તેને ટુટવું જ રહ્યું. બીજો કોઈ રસ્તો જ ક્યાં હતો. ખરેખર તે ખુબ જ કપરા દીવસો હતા. પરિવાર ટુટવા કરતા પણ જે પરિસ્થિતીમા ટુટવા જઈ રહ્યો હતો તે બહું કરૂણ હતું.

બીજો રસ્તો હતો મેળવેલુ બધુ જ મુકી આ કપરા સમયમાં પરિવાર અને ખાસ કરી ને પપ્પાની સાથે રહું. બબ્બે બહેનોના મેરેજ સામે હતા ત્યારે પરિવાર ટુટવો તે કદાચ વધુ પડતું હતું. અને તેમાં પણ ભાભીના અવસાનને હજી ૧૫ દિવસ પણ થયા ના હતા. આ બધી જ બબાલમાં સૌથી વધુ અમે મે અને પપ્પાએ સહન કર્યું હતું. તેમ છતા વિતેલું બધુ જ ભુલાવી એવા પ્રોબલેમનો હલ કરવા હું નિકળવા જઈ રહ્યો હતો કે જેને સુલજવાનો ચાન્સ પુરા ૧ % પણ ના હતો. તેમ છતા અહં અને સ્વાર્થ ને બાજુ એ મુકી મે તે નિર્ણય લીધો. મીત્રો-સ્નેહીઓ અરે સગ્ગા ભાઈએ જેનો વિરોધ કર્યો તે નિર્ણય લીધો. એ નિર્ણય કે જેમાં સૌથી વધુ નુકશાન મને જ હતું, શારીરીક, માનસીક, આર્થીક અને સામાજીક બધી જ રીતે. બધા જ બુમાબુમ કરતા રહ્યા અને મે હતાશા સાથે પણ મનમાં એકાદ ખુણે થોડી આશા સાથે ભીની આંખે અમદાવાદ છોડ્યું.

એ અમદાવાદ કે જ્યાં હું એક નવી ઓળખ પામ્યો, અમારી ૧૭ પેઢીમાં કોઈ એ જે કામ નહી કર્યું હોય તે કામ શીખ્યો અને તે કામમાં બીજા કરતા કાઇક વધુ સારી આવડત મેળવી. એ અમદાવાદ કે જ્યાં પરિવારથી પણ વિશેષ પહેલા વર્ચ્યુલ અને પછી રીયલ એક પરિવાર મળ્યો. જીવનના ગોલ્ડન દીવસોમા ના દિવસો હું જ્યાં જીવ્યો અને હ્યદયના ખુણામાં કાઇક અલગ અને વિશેષ સ્થાન પામનાર તે નામ મારા માટે એક શહેર નહી જીવન નું માઇલસ્ટોન છે. છોડતી વખતે આગળનો કોઈ રસ્તો મારા ધ્યાનમાં ના હતો બસ એક જ વાત મગજમાં હતી આ પરિસ્થીતીમા આનીથી વધુ સારો અને યોગ્ય નિર્ણય બીજો એક પણ ના હતો.

આજે એક વર્ષ પછી ? જો હું મારા નિર્ણયને મુલવવા બેસુ તો એમ કહી શકુ કે મે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો હતો. આજે પરિવાર લગભગ નોર્મલ સ્થીતીમાં છે. ભલે પહેલા જેવી મીઠાશ ના પણ કોઈ કમસેકમ પહેલા જેવી કડવાશ તો નથી. કદાચ આવનાર ભવિષ્યમાં તે મીઠાશ પણ આવી જાશે અને ના આવે અને કદાચ પરિવાર પોત પોતાના અલગ રસ્તાઓ પસંદ કરે તો પણ એક આનંદ હમેશા રહેશે કે આ પરિવાર એક વર્ષ પહેલા જેવી સ્થીતિમાં તો ક્યારેય નહી આવે. ભલે પરિવાર મને મારા નિર્ણય માટે ના યાદ રાખે પણ કમશેકમ હું મારી જાતને પરિવારના વિર્સજન માટે નિમીત ના બનવા બદલ આજીવન ધન્યવાદ આપીશ. આજે હું મારી ખુધની નજરમાં એક હીરો બની ગયો બીજા નોંધ લે કે ના લે તેનાથી શું ફરક પડે છે. કદાચ આ અભિમાન પણ હોય અને મને આ અભિમાન નો હક પણ છે. મે મારી જાતને આપેલો હક.

-: સિલી પોઇન્ટ :-

તમને થશે આ સિલી પોઇન્ટ એટલે શું ?
મારા મતે એવા બોધ કે જે મુર્ખાઇઓ માથી પ્રગટ થયા હોય અને જેના પર આપડે પોતે પણ હસી શકીયે.

Tuesday, October 26, 2010

"સંબધો" -અહી ત્રાજવા લઈ તોળવા ના બેસો.

ઘણા સમયથી સમય,લાઈફ અને શબ્દો વેડફતો આવ્યો છું. ગયા અઠવાડીયે જ થયુ લાવને કાઇક ક્રિયેટીવ લખુ પણ એજ સમસ્યાઓના સમાધાનમાં સમય ક્યાં જતો રહે છે તે ખબર જ નથી પડતી. આજે મે અનુભવલી વાસ્તવિકતા વર્ણવું છું. કદાચ ઘણા લોકો મારી સાથે સહમત નહી હોય પણ હું પુર્ણ પણે મારી આ થીયરી પર ભરોસો રાખુ છુ અને તેમા સફળ પણ થયો છું.

મારી વાતની શરૂવાત એક સંવાદથી કરૂ :-
"સાંભળ્યું છે કે મીનાના લગ્ન થઈ ગયા ?"
"હા, તેની જ કાસ્ટમાં થયા છે, એરેન્જ મેરેજ. છોકરો કોમ્યુ. એન્જીન્યર છે અમેરીકામાં અને તેના સસરાને અહી ખુબ જ મોટો બિઝનેસ છે."
"પણ આમ અચાનક ? હજી તો તેને આગળ ભણવું પણ હતું ને ?"
"આવું સરસ ઘર છોડવાનું કોઈ ને કેમ મન થાય. તેમા પણ અમેરીકા. આપણા નશીબ એવા ક્યાં"
"કેમ, તારા નસીબમાં શું ખરાબી છે ?"
"શું સારૂ છે ? ક્યાં તેનું સાસરૂ અને ક્યાં... !"
"સાવ એવું પણ નથી હો.."
"હા..હા.. ખબર છે."
ઉપરોક્ત સંવાદ ક્યા બે વ્યક્તિ વચ્ચે થયો છે તે જરૂરી નથી, જરૂરી છે આપણી માનશીકતા. આપણે દરેક વાતમાં "ઉસકી શર્ટ મેરી શર્ટ સે જ્યાદા સફેદ ક્યું?" વાળો એપ્રોચ ધરાવતા હોયે છીએ. દરેક વખતે ત્રાજવું લઈ તોળવા બેસીએ છીએ. આ આપણી સ્વાભાવિક વૃતિ તથા પ્રવૂતિ છે. મીનાના લગ્નની ખુસી તેના સારા અને સુખી સંસારની જલનમાં ક્યાં ગુમ થઈ જાય છે તે ખબર જ નથી પડતી. અને વાત ગાડી,બંગલો કે અમેરીકા થી જ નથી અટકતી તેના પતિની કમ્પેરીઝન પોતાના પતિ કે પત્નિ સાથે તેવી જ રીતે સાસુ, સસરા, સગા વગેરેની પણ તુલનાઓ થવા મંડે. જાણે પરમપિતા બ્રમ્હ્માની તે લાડકી દીકરી હોય અને સંસારના બધા જ સુખ તેને જ મળી કેમ ગયા હોય. આ સ્વાભાવિક ક્રિયા છે અને આમાં કાઈ ખોટુ નથી. પણ...

હા, પણ.. જ્યારે આ તુલના ઘરના જ કોઈ અંગત બે વ્યક્તિની થાય તો ? થોભો, ચેતો, વિચારો અને આગળ વધો. આ સંસારમાં જ્યારે કોઈ બે વ્યક્તિ સરખા નથી હોતા અરે બે જોડીયા (ટ્વિન્સ) પણ નહી ત્યારે બે અંગત વ્યક્તિની તુલના કરવી વ્યાજબી છે. માતા અને પત્નિ વચ્ચે, પિતા કે પતિ વચ્ચે, ભાઇ-ભાઇ વચ્ચે, બહેન-બહેન વચ્ચે કે મીત્રો વચ્ચે તુલના શક્ય છે. આ તો કેરી અને સિતાફળ કે પછી ચોળી અને કોબીજ વચ્ચે તુલના કરી કહેવાય. કેરીનો પોતાનો સ્વાદ છે, ગુણ છે-અવગુણ છે, જ્યારે સિતાફળનો પોતાનો સ્વાદ, ગુણ-અવગુણ છે. અને તે યુનિક છે. તેના જેવો બીજો સ્વાદ બીજા કોઈ ફળ કે શાકભાજીમાં ના જ હોય. હા, કેરી હજી કાચી હોય અને થોડી ખાટી હોય તો સ્નેહની હુંફ આપી તેને પરિપક્વ કરો પણ તેનો સ્વાદ સિતાફળ જેવો નથી તેમ કહી તેની સાથે અન્યાય તો ના જ કરાય. કદાચ આ ઉદાહરણ મારી વાત સમજાવવા માટે પુરતું છે.

કોઈ પણ સંબધો "પારદર્શકતા" ઉપર ટકતા હોય છે. તે પછી મા-બાપ-દિકરાના સંબધો હોય કે પછી પતિ-પત્નીના કે પછી મીત્રોના. જેટલુ દ્રષ્ય ચોખ્ખુ તેટલા સંબધો મજબુત. થોડુક છુપાવવાની કોશીસ કરી તો સામેની વ્યક્તિ કાચ તોડી અંદર જોવાની ટ્રાય કરશે અને પછી તે વિશ્વાષ રૂપી કાચ ફરી ક્યારેય જોડાશે નહી. આ મારો ખુદનો ૮ વર્ષના લગ્નજીવનનો અનુભવ છે. અરે મીત્રતામાં પણ આવું જ કરવું પડે છે. બે મીત્રો ક્યારેય સરખા નથી હોતા, આપણે મીત્રને તેના પ્લસ-માઇનસ પોઇન્ટ સાથે જ સ્વિકારવો પડે છે. બાકી તે મીત્રતા નહી મતલબ થયો કહેવાય. બીજુ ક્યારેય કેરી અને સીતાફળ વચ્ચે તુલના કરતો નથી એટલે જ તો આજે અમુક મીત્રો સાથે ૨૬-૨૭ વર્ષ જુની મીત્રતા છે અને તેમા પણ અમુક તો એવા છે કે જે બન્ને છેલ્લા કેટલાય સમયથી એક-બીજાનું મોઢુ પણ જોવા નથી ઇચ્છતા અને બન્ને મારા મીત્રો છે.

મારી એટલી જ નમ્ર અપીલ છે કે સાલ્લુ આ જગતમાં ૭-૮ અબજ માણસો છે તેમાથી ભારતના ભાગે ૧૧૦-૧૧૫ કરોડ લોકો આવ્યા તેમા આપણને ઓળખતા હોય કે આપણી નજીક આવ્યા હોય તેવા લોકો કેટલા ? રેસીયો તો માંડી જુઓ. પછી ક્યો મને કે સંબધો ને ત્રાજવે તોળી તેને ગુમાવવું પોસાય તેમ છે આપણ ને ?

-: સિલી પોઇન્ટ :-

તમને થશે આ ઉદાહરણમાં કેરી-સિતાફળ અને ચોળી-કોબીજ જ કેમ લીધા. અંદરની વાત છે, કેરી અને
ચોળી મને ખુબ ભાવે છે જ્યારે સિતાફળ અને કોબીજ.... યાર સમજી જાવને :D

Tuesday, September 21, 2010

"ખીસ્સા કાતરૂથી સાવધાન"


કેટલાક દીવસ પહેલા છાપામાં સમાચાર આવ્યા હતા. કુતિયાણા SBI બ્રાન્ચ મા કેશિયર અમુક કરોડ નું કરી ગયો. પછી થી આ બાબતે CBI તપાસ શરૂ છે પણ છાપે કાઇ ચડતું નથી. કદાચ આ કોંભાંડ મસ મોટુ પણ હોય અને હોહા ના થાય તે આસયથી બંધ બારણે બધી પ્રક્રીયા ચાલતી હોય, બની શકે છે. અહી હું કાય તે કોંભાંડની વાત માંડીને બેસવાનો નથી. અમુક ધ્યાન રાખવા જેવી બાબત કે જે ધ્યાન બહાર રહી જતી હોય છે તે ને અહી મુકવા જઈ રહ્યો છું.

મોટા ભાગે વિશ્વાષ અને થોડીક સમજણનો અભાવ આવા કિસ્સા માટે જવાબદાર હોય છે. નિચેના અમુક મુદ્દા ધ્યાનમાં રાખો તો આવી છેતરપિંડીથી બચી શકાય તેમ છે. તો પહેલા જોઇએ સેવિંગસ અને કરંટ ખાતામાં ધ્યાન રાખવા જેવી બાબત.

૧. મોટા ભાગે આજે પણ સેવિંગસ ખાતામાં મોટા ભાગે "વિડ્રોલ ફોર્મ" થી પૈસા ઉપાડતા હોય છે. એક તો ખાતામાં મીનિમમ બેલેન્સમાં છુટ મળે છે બીજુ ચેકબુકના પૈસા નથી કપાતા. પણ વિડ્રોલ ફોર્મનો ઉપયોગ ત્યારે જ કરો કે જ્યારે ખાતામાં બેલેન્સ રહેતી ના હોય. બીજુ જો ફોર્મ ભરતા ના આવડતુ હોય તો બેટર છે કે શિખી જાવ અથવા તો બેન્કમા કોઈ પરિચીત વ્યક્તિ પાસે ફોર્મ ભવાવો. કેશિયરને ક્યારેય પણ કોરૂ ફોર્મ સહી કરેલુ ના આપો.

૨. જો ચેક હોય અને તમારી જ સહી હોય તો બીજી વિગત ભલે ભરી લ્યો પણ સહી તો કાઉન્ટર ઉપર જ કરો. જેથી કદાચ ચેક રસ્તામાં પડી જાય તો ચિંતા નહી. બીજુ ચેક આપી તરત ટોકન મેળવવાનો આગ્રહ રાખો જો ટોકનના હોય તો ચેક પાછળ બે સહી કરવાને બદલે એક જ સહી કરો. ચેકમા રકમ લખવામાં જગ્યા ના છોડો. મોટા ભાગે આંકડામાં લખતી વખતે -૫૦૦૦/= અને શબ્દોમાં લખતી વખતે અંકે રૂપિયા પાંચ હજાર પુરા અથવા -પાંચ હજાર પુરા------------- લખી ખાલી જગ્યામાં લીટી ખેચી લ્યો.

૩. નાંણા ઉપાડતા કે જમા કરાવ્યા પછી પાસબુકમાં અન્ટ્રી પડાવી લ્યો. ચાલુ ખાતા કે બચતખાતામાં શક્ય હોય તો "મોબાઈલ એલર્ટ" કરાવો. જેથી ખાતામાં થતા જમા-ઉધાર તથા બેલેન્સની જાણકારી રહે. શક્ય હોય તો ATM કાર્ડ પણ વસાવો જેથી ક્યારેક લાંબા સમય સુધી પાસબુક પ્રિન્ટા ના થઈ હોય તો મીની સ્ટેટમેન્ટ નીકળી શકે. પાસબુક પ્રિન્ટ કરાવ્યા બાદ હંમેસા બેલેન્સ ટેલી કરો તથા પાસબુક પ્રિન્ટ કરનારની સહી કરાવો. બેલેન્સમા જો કાઈ ગડબડ લાગે તો તરત ફરીયાદ કરો.

૪. જમા કરાવતી વખતે સહી તથા સિક્કો કરાવી કાઉન્ટમાં જમા રકમનો ફિગર લખાવવાનો આગ્રહ રાખો.

લોન, OD, C.C. અથવા તો FD ખાતામાં ધ્યાન રાખવા જેવી બાબતો :-

૧. લોનખાતામાં તેગ્યુલર હપ્તા ભરતા હો તો દર છ અથવા તો વર્ષે સ્ટેટમેન્ટ તથા વ્યાજનું સર્ટી. માંગો.
૨. વ્યાજનો દર નિયમીત અંતરે ચેક કરો.
૩. જેની સામે લોન લિધા હોય અને જે કાગળો બેન્કમાં આપ્યા હોય તેની વિગત દર્શાવતો "સિક્યુરીટી ડીલીવરી લેટર" તથા દરેક કાગળની ફોટોકોપી કરાવી તેના પર બેન્કનો સિક્કો તથા ઓથોરાઇઝ પર્શનની સહી તથા તારીખ અચુક નખાવો. જો આ ના કર્યુ હોય તો લોન લીધા પછી ગમે ત્યારે કરી શકો છો.
૪. મોર્ગેજ લોનના કિસ્સામાં સમયાંતરે પ્રોપર્ટી કે પછી જો ગોલ્ડ હોય તો તેનું વેલ્યુએશન કરાવો. જેથી કદાચ લોન ચુકવવામાં નિષ્ફલ જાવ તો છેલ્લા વેલ્યુએશન મુજબ તેની કિંમત નક્કી થાય. અને વધુ લોનની જરૂરીયાત હોય તો મેળવી પણ શકો.
૫. OD ખાતામાં જો FD સામે લીધી હોય તો દર વખતે તેને રિન્યુ કરાવતી વખતે FD ની વેલ્યુએશન કરાવો. સાથે સાથે ખાસ ધ્યાન રાખો કે FD ફોટોકોપી તમારી પાસે છે કે નહી.
૬. CC ખાતાંમાં માસીક સ્ટેટમેન્ટ નિયમીત આપો તથા અવાસ્તવિક સ્ટોક દર્શાવાનું ટાળો.
૭. FD ની સશીદ મોટાભાગે કોમ્યુટર પ્રિન્ટ આવે છે. ઉતાવળમાં મેન્યુલ લેવાનું ટાળો. રશીદ પર લખેલા ખાતા નંબરની વિગત તથા નામ વગેરે તપાસી લ્યો.
૮. શક્ય હોય તો FD માં એક કરતા વધુ નામ રાખો. તથા બધા જ બેન્ક ખાતામાં નોમીની દાખલ કરો.

સાવધાની રાખવી આપણી ફરજ છે અને ઉપરોક્ત બધી જ બાબત આપણા હકો છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે આજે આપણે આપણા હકોની જ ખબર નથી હોતી.

-: સિલી પોઇન્ટ :-

બેન્કમા નાણા ડુબ્યા પછી બાપ-દીકરાનોં સંવાદ :- "પપ્પા મે કહ્યું હતું કે બેન્કમાં રૂપિયા રાખવા કરતા મને
ગાડી લઈ આપો હવે પેલો કેશિયર આપણા રૂપિયાની ગાડી ફેરવશે", "બેટા રૂપિયા પાછા આવશે ને તો તને
જરૂર ગાડી લઈ દઈશ". "રહેવા દ્યોને પપ્પા ભલે ને ઈ ફેરવતો હોય ગાડી લઈ દીધે થોડો છુટકો છે પાછુ પેટ્રોલ
માટે પણ તમને લબડવું તો ખરા ના.


Thursday, September 16, 2010

જાહેરાતની દુનિયા, દુનિયામાં જાહેરાત.


નવરાત્રી નજીક આવે છે તે સાથે જ "સેલ" ની પણ સિઝન શરૂ થશે. ના અહી હું કાઈ સેલ પુરાણ માંડવા બેઠો નથી. આજે તો બે ત્રણ જુની-પુરાણી વાર્તા નવા જ સંદર્ભમા કહેવી છે ...

વાર્તા નં. ૧ :- એક ગાઢ જંગલ હતું. તેમા એક અભિમાની સસલો રહેતો હતો. તેને પોતાની ઝડપ અને ચપળતા ઉપર ખુબ જ ઘમંડ હતું. એક દીવસ તેણે એક કાચબા સાથે દોડવાની સરત લગાડી. રેસ શરૂ થતાની સાથે જ સસલો તો ખુબ આગળ નીકળી ગયો. કાચબો તો ધીરે-ધીરે ચાલવા લાગ્યો. એક ઝાડ નીચે આવી સસલાને થયું લાવ ને થોડી વાર લંબાલી લવ. સુતાની સાથે જ સસલો ગાઢ ઉંઘમા સરી પડ્યો. આંખ ખુલી તો બહુ સમય નિકળી ગયો હતો. તે તો ઝડપથી દોડવા લાગ્યો પણ ત્યાં સુધીમા તો કાચબો રેસ જીતી ગયો હતો.
મોરલ ઓફ ધ સ્ટોરી :- रात को सोवो गे नही तो ऐसा ही होगा -स्लिपवेल मेट्रीक्स चेइन की निंद दीलाए.

વાર્તા નં. ૨ :- ફરી થી તે જ જંગલ હતું પણ આ વખતે રેસ સસલાના અને કાચબાના બચ્ચા વચ્ચે હતી. રેસ શરૂ થયાની થોડીક જ વારમાં સસલાનું બચ્ચુ એટલે સસલું જુ. આગલ નિકળી ગયો. કાચબો જુ. પાછળ પાછળ ધીમી પણ મક્કમ ડગલે આવતો થયો. સસલું જુ. થોડુ આગળ નિકળ્યુ ત્યાં તો તેની બેટરી ડાઉન થઈ ગઈ. તે તો ઉંઘી ગયો અને કાચબો જુ. રેસ જીતી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી :- बोर्नविटा ++ नेचर ओर सायन्स के गुनो के साथ जो रखे आपके बच्चे की बेटरी पुरा दीन चार्ज.

વાર્તા નં. ૩ :- ફરી એક વખત તે જ જંગલમા રેસ થઈ આ વખતે સસલા-કાચબાની પત્નીઓ વચ્ચે હતી. રેસ શરૂ થતાની સાથે જ મીસીસ સલસા આગળ નિકળી ગઈ. મીસીસ કાચબા તેની પાછળ જ મક્કમતાથી દોડતી(?) હતી. થોડે દુર જતાની સાથે જ મીસીસ સસલાને કમરમાં દુખાવો ઉપડ્યો અને તેણે રેસ અધુરી મુકવી પડી. મીસીસ કાચબા રેસ જીતી ગઈ. મોરલ ઓફ ધ સ્ટોરી :- मुव लगाओ कमर दर्द को भगाओ.

હજી લખવી હોય તો કેટલીય વાર્તા લખી શકાય પણ પછી વાચવા વાળા નો કાઈ વાંક ખરો. મારા કહેવાનો મતલબ એટલો જ છે કે આજે આપણે કોઈ ચીજ જરૂરીયાત ના આધારે નહી જાહેરાતના આધારે ખરીદીયે છીએ. પછી તેની જરૂરીયાત હોય કે નહી. બીજુ બધી જ જાહેરાતમાં એક વાત કોમન છે ડર રેસમાં હારી જવાનો ડર. તે પછી ટુથપેસ્ટ હોય કે હાથ ધોવાનો સાબુ, સેન્પુ હોય કે ચુનો( મોઢે ચોપડવાનો) બધે એક જ વાત હોય છે. પેલી "એઇજ મીરેકલ" ક્રીમ નો ભાવ સાંભળી મારા જેવાના તો વાળ ખરી જાય. બીજુ આ બધી જ વસ્તુમા બીજુ એક કોમન છે. આતંરીક આભિવ્યક્ત ના થઈ શક્તિ ઇચ્છાઓ ને ઉપસાવવી. અરે યાર સ્પ્રે લગાડવાથી ચોખડા ગોઠવાય જતા હોત તો ગામમાં આટલા વાંઢા થોડા રખડેત અને ક્રિમ સાબુ અને હવે તો પાવડર થી ચહેરા ઉપર સફેદી આવતી હોત શું જોયતું તો. હવે તો પાછી "मर्दोवाली फेरनेश क्रीम" પણ નીકળી છે.

ટુંકમા જાહેરાતો સસલા કે કાચબા નહી પણ ઉલ્લુ જરૂર બનાવે છે. આજે મેનેજમેન્ટ ના 5M ની સાથે 6th M એટલે કે માર્કેટીંગ જોડાયો છે. ટુકમાં "दीखावे पर मत जाओ अपनी अक्ल लगावो".

-: સિલી પોઇન્ટ :-

વાર્તા નં. ૪ :- એક વખત જંગલમાં એક વાંદરાએ શિયાળ સાથે સરત લગાવી કે હું આ જંગલનો રાજા સિંહને થપ્પડ મારી બતાવું. શિયાળ કે પેલો તારી ચટ્ટણી બનાવી નાખશે. વાંદરો કહે કાઈ ના થાય. શિયાળ કહે જોઇએ. વાંદરાએ તો સિધો જ જઈ ને સિંહને જોર થી એક ચોડી દીધી. પછી તો વાંદરો આગળ ને સિંહ પાછળ થોડી વાર થઈ ત્યાં તો વાંદરો એક જગ્યાએ TV સામે ઉભો રહી ગયો. તેમા ન્યુઝ આવતા હતા. अनहोनी को होनी कर दीया एक बंदरने हा..हा.. एक बंदरने जीसने एक शेर हो थप्पड मार दी. देखना ना भुलीयेगा ब्रेक के बाद सिर्फ आज-तक पर -सब से तेज.














































"પા" સુપરસ્ટાર AB સિનિયરની એક્ટીંગ માટે ગમેલી. વાર્તા જોકે થોડી અધુરી લાગી પણ તે જોતી વખતે ક્યાંય પણ AB સિનિયરની આનંદ થી લઈને બાબુલ કે ઝુમ બરા બર ઝુમ કે પછી બન્ટી-બબલી વાળા એક પણ કેરેક્ટર મગજ ઉપર ના આવ્યું. AB સિનિયરની લગભગ બધી જ ફિલ્મો જોયેલી હોય ત્યાંરે આ તેની એક્ટીંગની કમાલ નહી તો બીજુ શું છે ? કદાચ કોઈ અજાણ્યા વ્યક્તિને કે જેને ખબર ના હોય તેને આ ફિલ્મ બતાવી દેવામાં આવે અને પછી કેવામાં આવે કે આ વ્યક્તિ આ છે તો કદાચ તેના તો માયનામાં ના આવે.

ફિલ્મો વિષે લખવાની મને આદત નથી છતા કાલે સમાચાર મળ્યા કે AB સિનિયર ને નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે આ પોસ્ટ લખ્યા વગર રહી ના શક્યો. લાગે છે હજી તો તેમણે અભિનય કરવાની શરૂવાત કરી છે. સ્વસ્થાપુર્ણ દિર્ઘાયુ માટે પ્રાર્થના સહ.

-: સિલી પોઇન્ટ :-

"મોમ તુમ્હે આચાર કે બીના ખાના ગલે સે નહી ઉતરતા હૈ ના તો યે અનનેસેશરી સેક્રીફાઇઝ ક્યુ ં ?" પા ફિલ્મનો એક સંવાદ લગભગ દરેક ઘરમાં સંતાન બિમાર હોય ત્યારે માતા આવું બલીદાન દેતી જ રહેતી હોય છે જ્યારે માતા બિમાર હોય ત્યારે ???? -જાગ્રત.

Wednesday, September 15, 2010

પકોડી, પુચકા, ગોલગપ્પે અર્થાત પાણીપુરી.

કાલે બપોરે જ મમ્મીએ કહ્યુ સાંજે જમવામાં પાણી પુરી છે ચાલશે ને ત્યારે એક સેકન્ડની પણ રાહ જોયા વગર મે હા પાડી દીધી. ૩-૪ મહીનાથી મને શું ભાવે છે તે નહી નિતા શું ખાય શકે છે તેના આધારે મેનુ તૈયાર થતુ હતુ અને તે લીસ્ટમા પાણીપુરીને સ્થાન ના હોય લાંબા બ્રેક બાદ કાલે પાણીપુરી ખાવા મળી.

આમ તો મને પાણીપુરી સાથે કોઈ વાંધો નથી અને એટલો પ્રેમ પણ નથી કે તેના વગર ના ચાલે. મારી બન્ને નાની બેન પાણીપુરીની બાબતમાં ક્રેઝી કહી શકાય તેટલી હદની શોખીન. અઠવાડીયે એક વાર ૧૦-૧૫ પાણીપુરી ના ખાય ત્યાં સુધી તેને ચેન ના પડે. જ્યારે હું થોડો ટફ ખરો બે-ચાર મહીનાનો વિયોગ સહેજ રીતે સ્વિકારી લવ. થોડો ચુઝી પણ ખરો બની શકે ત્યાં સુધી ઘરે જ ખાવાની અને જો બહાર ખાવી પડે તો સફાઈ પહેલા જોવ. બીજી બાજુ કોઈ નવા સેન્ટરમાં જાવ તો ત્યાંની પ્રખ્યાત ખાવાની વસ્તુ સાથે પાણીપુરી પણ ટેસ્ટ તો કરૂ જ. વર્ષો સુધી અહી માંગરોલમાં ખાણી-પિણીની દ્રષ્ટીએ ખુબ પછાત. વણેલા ગાઠીયા અને સાંજે પાણીપુરી બે જ વસ્તુ હમણા સુધી મળતી. પફ પણ માંગરોલ માટે હમણાની જ શોધ કહેવાય. પંજાબી-ચાઇનીસ રેસ્ટોરન્ટ તો હમણા થોડા વર્ષ પહેલા જ થઈ. પપ્પાની ધાક જબરી લારી ઉપર ખાતા જુએ તો ચડ્ડી ભીની થઈ જાય એટલે મમ્મી આજે પણ બધુ ઘરે જ બનાવી આપે. હા મામાને ઘરે જુનાગઢ જાયે ત્યારે માસીના છોકરા સાથે પાણીપુરી લારીએ ખાવા મળે.

સગાઈ પછી પહેલી વખત સાસરે ગયો ત્યારે ત્યાં પણ ફેમસ પાણીપુરી ક્યાંની તે જ પ્રશ્ન કર્યો હતો. મુંબઈમા મોટાભાગે વેસ્ટન સાઈડ સારી પાણીપુરી મળે બાકી મોટાભાગે પુરીમાં ગરમ "રગડો" નાખી ને જ આપે. ગરમા ગરમ "પાણીપુરી" એક વખત માધવપુરના મેળામા પણ ખાધેલી અને હા મારા જન્મદીવસને દીવસે રાજકોટથી મોડો આવતો હતો ત્યારે જુનાગઢ પણ ખાધેલી સૌથી બેકાર પાણી પુરી મને તે લાગે. બાકી જુનાગઢની નારાયણભાઈની આઇસ કોલ્ડ પાણી પુરીનો તો જવાબ નહી. બીઝનેસને કામે પહેલા રોજ જુનાગઢ જવાનું થતું ત્યારે તે તો અમારી જીવાદોરી હતી.

અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર સીટીગોલ્ડ નવું નવું થયુ ત્યારે સીનેમસાલામાં પહેલી વખત પાણી પુરી ખાધેલી. સાલ્લુ ચમચીથી પુરીમા કાણૂ પાડી મસાલો ભરી પાણી ભરી ખાવા તો ભવ નીકળી જાય. અસલી મજા તો પુરી મોઢામાં ટુટે અને હોઠની કીનારીએ થી પાણીનો રેલો નિકળી આવે તેની છે. બે મીનિટ માટે આંખો બંધ કરી ધ્યાન મગ્ન અવસ્થામાં રહેવાનું અને પછી આજે ક્રિયા ફરી ફરી કરવાની. અરેના સેટેલાઈટની એકદમ નીચે "બેક ફ્રી" વાળાની કહેવાતી હાઇજેનીક પાણીપુરીનો સ્ટોલ શરૂ થયો હતો. તેને ઘણી વખત લાભ આપ્યો હતો. બૈરા મંડળ મોટા ભાગે ઘરની પાછળ સાઈડ આવેલા રોલાઇન્સ અને મોરની ચોકડીએ ઉભતા ભૈયાને લાભ આપતા. શાક લેવા જાય ત્યારે ચાખી આવતા. પણ સૌથી વધુ તો ઘરની પાછળ IOC પંપની સામે ફ્લેમસની પાણીપુરી ખાધેલી છે. ચોખ્ખાય અને ટેસ્ટ બન્ને માટે તેના પર પસંદગીનો કળશ ઢોળાતો. જોકે માનસી સર્કલ પાસેનો ભય્યો પણ વખણાતો અને અમુક પાર્લર વાળા વળી 6 ટેસ્ટ અને 8 ટેસ્ટ પાણીપુરી પણ વહેચા પણ તેનો અખતરો ક્યારેય નથી કર્યો. હા રસરંજનની પાણીપુરી બહુ ખાધી છે.

અમદાવાદ મોટેભાગે ઘરે વધુ બનતી ત્યારે "પકોડી" લેવા જવાનું દુષ્કર કાર્ય મારા ભાગે આવતું. નિતા ક્યાકથી સાંભળી આવે કે ફલાણી દુકાનની પકોડી તાજી અને સારી આવે છે એટલે ત્યાં સુધી ધક્કે ચડવાનું. રામદેવનગર ચાર રસ્તા પાસે એક દુકાનમા અમો પકોડી લેવા ગયા ત્યારે તેમણે તો પ્રશ્નો પુછી કાનફ્યુઝ કરી દીધા. સાદી પકોડી જોઇએ છે કે ભય્યા પકોડી, નાયલોન પકોડી જોઇએ છે કે ફોદીના પકોડી અને હા વળી લસણ્યા પકોડી પણ ખરી અને મરી પકોડી પણ ખરી. મે કહ્યુ ભાઈ ૩૦ રૂપિયાની ૧૦૦ આવતો હોય અને પેટને ભારી ના પડે તે આપી દ્યો. કોક વળી ૧૦૦ પકોડી જોડે ૧ લીટર પાણી ફ્રી આપતુ હોય તો ૧ લીટર પેટ્રોલ બાળી ત્યાં સુધી લાંબા થવાનું. યાર અમદાવાદમા રહી આ કાઠીયાવાડી જીવ શા માટે મુંજાતો હતો તે હવે ખબર પડી ?

કલકતા સોરી કોલકોતામાં પાણીપુરીને પુચકા કે પણ ત્યા પુરીમા માફસરનો મસાલો ભરે અને પાણી ખુબ જ ટેસ્ટી હોય. અમદાવાદી તો ઝગડી જ પડે એટલો જ મસાલો ત્યાં ભરાય. પણ બે-ચાર પડીયા પાણી આરામથી પીવાય જાય તેવું ટેસ્ટી પાણી હોય. પણ મે ખાધેલી સૌથી બેસ્ટ પાણીપુરી સોરી ગોલગપ્પા તો રાજસ્થાન જોધપુરમાં નેશનલ હેન્ડલુમ હાઉસની. પ્યોર ઘીમા તળેલી પાણીપુરી માફસરનો મસાલો અને ખુબ જ ટેસ્ટી પાણી. ગમે તેટલુ જમ્યા પછી ખાવ તો પણ ભારે ના પડે. દીલ્હીની પણ સારી હતી પણ આના જેવી તો નહી જ. સૌથી ખરાબ પાણીપુરી લુધીયાનાની ખાધેલી બે ખાધા પછી ત્રીજી મોઢામા જ ના ઘુસી.

ટુંક એવરેજ ગુજરાતી અને ભારતીય ની જેમ હું પણ સામાન્ય છુ અને મને પણ પાણીપુરી ભાવે છે.

-: સિલી પોઇન્ટ :-
કહેવાય છે(વાયકા છે) કે અમારા ગામનો વર્મા પાણીપુરી વાળો મારવાડી પાણીપુરીની લારી માથી એટલો કમાણો કે તેણે પોતાની ત્રણ દીકરી ના લગ્નમાં ૫-૫ લાખનું દહેજ દીધુ. પણ અત્યારે રોડ ઉપર આવી ગયો. યુ નો પાણીપુરીની કમાણી દહેજમાં સમાણી.

Tuesday, September 14, 2010

વિચારો




નેટ ઉપર આવ્યો તે પહેલા આવતા વિચારો ને નોટ ઉપર ટપકાવી લેતો. નેટ પર આવ્યો ત્યારે અભિવ્યક્તિનું નવું જ માધ્યમ
મળ્યું. મીત્રોની સ્ક્રેપબુક, કોમ્યુનિટીની ફોરમ કે પછી ચેટ દરમ્યાન વિચારો અભિવ્યક્ત કરતો આવ્યો છું. આજે બે વર્ષે પાછળ વળીને જોવ છુ તો ખ્યાલ આવે છે હું ક્યાં હતો અને અત્યારે ક્યાં પહોચ્યો છું. શું આ બધુ કોઈ ક્રાન્તિ માટે મે કર્યું છે ?

ના, મારૂ લખાણ માત્રને માત્ર મારા માટે છે, મારા વિકાસ માટે. હું દ્રઢ પણે માનુ છું કે કોઈ પ્રોસેસમા જો તમારો સ્વાર્થ ના હોય તો તે પ્રોસેસ ભાર થી વધુ કાઈ નથી. આ લેખનની પ્રોસેસ હું મારા વિચારોની પરિપક્વતા માટેની છે અને એટલે જ હું અનિયમીત રીતે લખુ છું. આ દરમ્યાન કોઈને મદદરૂપ થયો હોવ તો તે આ પ્રોસેસની આડપેદાશ ગણી શકાય. બ્લોગ ઉપર લખવાનું શરૂ કર્યુ ત્યારે સામે કેટલીય મુસ્કેલીઓ હતી. આ મુસ્કેલીઓ નો યોગ્ય રીતે સામનો કરવો તે પ્રાથમીકતા હતી. બીજુ કે કોઈ કઠીન કાર્ય કરતા હોયે ત્યારે પ્રોત્સાહનની તાતી જરૂરીયાત રહે છે તો બ્લોગને તે માટેનું માધ્યમ બનાવ્યું. આજે લખવાનું શરૂ કર્યુ ત્યારથી મારા વિચાર મા જે બદલાવ આવ્યો તે વિષે ખુબ જ ટુકમા લખવા જઈ રહ્યો છું.

આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલા લખવાનું શરૂ કર્યું ત્યારે લેખનમાં વેધકતા હતી પણ પરિપક્વતા ના હતી. મારી નાખુ, તોડી નાખું, ભાંગીને ભુક્કો કરી નાખુ આટલી જ વાત. સમાજ દેશ દુનિયા વિશ્વને બદલી નાખવાની તમ્મના અને જુનુન હતું. હું મારી જાતને ખુશનસિબ સમજુ છુ કે જીવનની વાસ્તવિકતા બહુ જલ્દી સમજી શક્યો . જીવન ફોર ટ્રેક રોડ પર BMW ચલાવવું તે નથી જીવન તો ક્રોસ કન્ટ્રી રેસ જેવું છે. ક્યારેક ચાલવું પડે તો ક્યારેક તરવું પડે, ક્યારે દોડવું પડે તો ક્યારે સાકડા રસ્તે સાયકલ ચલાવવી પડે. જેમ જેમ લાઈફને સમજતો ગયો તેમ તેમ વિચારોને પણ પરિપક્વ બનાવતો ગયો. તેમાં પણ છેલ્લા ૩-૪ વર્ષથી દરેક વાતને પોઝીટીવલી લેતા શિખ્યો.

આજે બ્લોગ જગતમાં ઘણા મીત્રો ઘણુ સારૂ લખે છે. હું દરેક વખતે તેના લખાયેલા શબ્દો કરતા તેના વિચારોને વાંચવાનો પ્રયત્ન કરૂ છું. તે સાથે જ જે તે વિચાર કેવી મનોસ્થીતીમા લખાયેલા હશે તેનો કયાસ કાઢવાનો પણ પ્રયત્ન કરૂ છું. મોટા ભાગે કોમેન્ટ લખવાનું માંડી વાળૂ છું. ક્યાંક બહુ જરૂરી લાગે તો કોમેન્ટ લખુ છું અથવા તો મેઇલ કરી ધ્યાન દોરવાનો પ્રયત્ન કરૂ છું. મોટા ભાગે ભુલ સામે આંગળી ચિંધવામા સંબધોનું જોખમ રહે છે છતા તે જોખમ ઉઠાવીને પણ તે કાર્ય નિષ્ઠાથી કરતા હરેવો નિશ્ચય કર્યો છે. ઘણા મીત્રો દુર ગયા છે પણ મને વિશ્વાષ છે કે સાચી વાત સમજાશે એટલે પાછા આવી જાશે.

ઘણા બધા વિષયો ઉપર ઘણૂ બધુ લખવું છે પણ પરિસ્થીતી અને સંજોગો અનુકુળ નથી. જોયે વિચારોની પ્રસુતી થાય છે કે મીસકેરેજ.

-: સિલી પોઇન્ટ :-
મીત્રોની માફી માંગવી સહેલી છે, માફ કરવા થોડા અઘરા છે, સુધારવાનો પ્રયત્ન કરવો વધુ અઘરો પણ તેને તેની
મર્યાદા સાથે સ્વિકારવા સૌથી વધુ અઘરા છે. ક્ષમા પર્વ પર મને મારી મર્યાદા સાથે સ્વિકારવા નમ્ર આપીલ -જાગ્રત.

Wednesday, August 4, 2010

તમે વિ.વિ.નગર માં ભણ્યા છો, તો ખાધે-પિધે સુખી હશો.


અહી ખાધે પિધેનો અર્થ અર્થશાસ્ત્રની દ્રષ્ટીએ નહી સમાજશાસ્ત્રની દ્રષ્ટીએ કરવાનો છે. બાળકને હોસ્ટેલમાં મુકવાનું હોય ત્યારે દરેક માતા-પિતાને એક ચીતાં હેરાન કરતી હોય કે તેનું ખાવાનું શું થશે ? અહી બાળકની ઉમર ગોણ બની જતી હોય છે. લગ્ન કરવાની ઉમર હોય તેવી દીકરી માટે પણ માતા-પિતા આવી ચીંતા કરતા હોય છે.(જ્યારે ખરેખર તો જો તેને જમવાનું બનાવતા ના આવડતું હોય તો સાસરીયાની ચિંતા કરવી જોઈએ.) પણ એક સ્થળનું નામ પડે એટલે ચિંતા દુર થાય છે. વલ્લભ વિદ્યાનગર. બાળકને અહી ભણવા મોકલ્ય એટલે માતા-પિતાને ખાવા-પિવાની ચિંતા તો કરવાની નહી પછી બાળક ભણે નહી તો કાઈ નહી ખાધે-પિધે તો સુખી હોય. આવું ધારવાન અને માનવાના પણ ચોક્કસ કારણો અને ઠોસ પુરાવા છે મારી પાસે. ઉપર જે ભણવાની વાત કરી ગયો તેનો એકનમુનોહું પણ છું. ત્રણ વર્ષ જે વિ.વિ.નગરમાં કાઢ્યા તેમા હું પણ ખાલી ખાધે પિધે સુખી હતો. તે વાત પછી અત્યારે ખાલી ત્યાં ખાવા-પિવાની વસ્તુઓ નું પિષ્ટપિંજણ મારી નજરે કરીશું.

તો પ્રથમ સવારના નાસ્તાથી લઈએ :-


બટાકાપૌવા :-


લગભગ દરેક એવરેજ વિદ્યાનગર વાસીની સવાર ચાની લારી ઉપર હાથમાં બટાકાપૌવાની ડીસ લઈને ઉભા-ઉભા ગપટા મારવાથી થતી હોય છે. ઘરના બટાકાપૌવા અને લારીના બટાકાપૌવામાં ઘણુ અંતર છે. ઘરના સીધા-સાધા પૌવામાં બહુ બહુ તો કોથમીર અને દાડમ નો પગપેસારો હોય જ્યારે અહી તો પૌવા ઉપર ડાઇટીંગ કરી ને પાતળા બની ગયેલા ગાઠીયા જેવી સેવ રીતસરનો અડ્ડો કમાવૂ બેસી હોય. ગાઠીયા રસીકને જો ખોટૂ લાગ્યુ હોય તો બીજી ભાષામાં તેને ઓવરવેઇટ સેવ પણ કહી શકો. ટુકમાં નહી સેવ નહી ગાઠીયા બન્નેની વચ્ચે સમવિષ્ટ થતો કોઈ પદાર્થ હોય. મારા જેવો એસીડીટીનો દર્દી સેવ વધુ પ્રમાણમાં ખાય જાય કે પછી તેને મીક્ષ કરવામાં લોચો મારે તો બીજા દીવસે સવારના નાસ્તો કરવા જેવો ના રહે. ખાસ તો ચોમાસાની સિઝનમાં કે જ્યારે મરચા પણ સેવની સાથે કોમ્પિટીશનમાં ઉતરે ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. છતા પણ અહી બનતા અને ખવાતા બટાકાપૌવા યુનિક છે તે તો સ્વિકારવું પડે.

બન-બટર :-
આમ તો બન-બટરને સવારન નાસ્તાની કેટેગરીમાં ના મુકી શકાય. જો કે તેને કોઈ પણ એક કેટેગરીમાં ન મુકવું જોઈએ કારણ કે બન-બટર એ ભુખ્યાનો બેલી જેવો સદાકાળ મળતો એવો નાસ્તો છે. વહેલી-સવાર થી મોડી રાત સુધી આ એક જ ચીજ એવી છે જે તમે માંગો ત્યારે મળે. બન પાછા બે જાત ના મળે સ્વિટ અને મોળા. પણ ખાવાની બન્ને મજા આવે. બનનું ક્ષેત્રફળ જોતા કાચોપોચો પહેલા ખચકાય કે આવડું મોટૂ બન ખુટશે ખરૂ પણ ખાવાનું શરૂ કરે ત્યારે ખબર પડે કે આ તો તે પોતાની પ્રસીદ્ધીથી ફુલાઈને અવડું મોટૂ લાગે છે બાકી આવ તો બે-ત્રન આરામથી આરોગી શકાશે. પાછુ સસ્તુ પણ ખરૂ, મને યાદ છે ત્યા સુધી ૧.૫-૨ રૂપિયામાં મે બન બટર ખાધેલ છે.


પફ :-
સમોસા અને ખારીનું વર્ણસંકર સંતાન મે પહેલી વખત વિ.વિ.નગરમાં જોયેલું. બીજું આખા ગુજરાતમાં જ્યારે પફ ત્રીકોણ આકારે પેદા થતા ત્યારે અહી લંબ-ચોરસ મળતા. પફ મારા જીવનનો મુળભુત આધાર હતો. સુર્યવંશી હોવાના નાતે મારે જ્યારે નાસ્તો કરવાનો હોય ત્યારે એક માત્ર વસ્તુ મળતી. ઓવનમાં રાખેલા ગરમાગરમ પફ ખાયને સવારે ૧૧ વાગ્યે મારો દીવસ ઉગતો. આજે પણ કોઈ લેબોરેટરીવાળા લોહી ચેક કરે તો મારા લોહીમાં - % તો પફનો ભાગ નિકળે . મારી ફેવરીટ વસ્તુ હોય આન વિષે વધુ તો નહી લખુ પણ બધાને એક વણ માંગી સલાહ જરૂર આપીશ કે એક વખત વિ.વિ.નગર જઈ પફ ખાઇ આવો(પોતાને ખર્ચે હો.).

બર્ગર :-
પફ જોડીયા ભાઈ એવો અને ઓવન માં સાથે રહેતો એવો બર્ગર નામનો પદાર્થ મને તો કોઈ દીવસ ભાવ્યો નહી. ના દાબેલી નો સ્વાદ આવે, ના બટેટા વડાનો ના વડાપાઉનો.. તેના સ્વાદની એવી તો અસર થઈ કે આજે પણ સારામાં સારી રેસ્ટોરાનો સૌ ચાખેલો અને વખાણેલું બર્ગર ખાલી નામ બર્ગર હોવા ના નાતે મને નથી ભાવતું. બર્ગર નામ સાંભળતા કાન વાયા મગજ જીભને મોઢું બગાડવાનો ઓર્ડર આપી દઈ છે. ખરેખર સ્વાદ એટલો ખરાબ નહી હોય પણ મોટે ભાગે પફ ખલાસ થઈ ગયા હોય ત્યારે પરાણે બર્ગર ખાવા પડતા તેની ખીજ માત્ર તેની સામે અણગમો ઉદભવવા માટે કાફી હતી.

આમ તો નાસ્તો ત્યારે ઘણો મળતો પણ મુખ્ય વસ્તુઓ પ્રચલીત હતી. બધા સાથે ફાર્મસી કોલેજમાં ભણતા કેટલા બધા છોકરા વચ્ચે ભનતી એક માત્ર છોકરી જેવી પેસ્ટ્રી એવરગ્રીન હતી. કારણ કે તેનો કોઈ વિકલ્પ ના હતો.


મીત્રો હવે પચીની પોસ્ટમાં બપોરનું જમવાનું,સાંજનો નાસ્તો અને રાત્રીના જમવાનું પિષ્ટપિંજણ કરીશું.


સિલી પોઇન્ટ


હોસ્પિટલમાં તાજા જન્મેલ બાળકે સિસ્ટરને પુછ્યું, "નાસ્તામાં શું છે ?" સિસ્ટરે કહ્યું, "બટાકાપૌવા અને પફ". "હે ભગવાન ! પાછો હું વિધ્યાનગરમાં જન્મયો." બાળક નિસાસા નાખતા બોલ્યો. - વિ.વિ.નગરમાં સાથે ભણતા એક મીત્રનો SMS.