Showing posts with label નેટ ના અનુભવ. Show all posts
Showing posts with label નેટ ના અનુભવ. Show all posts

Friday, September 23, 2011

નાની નાની વાતો...

૨૦૦૮ મા જ્યારથી સોશીયલ નેટવર્કીંગ શરૂ કર્યુ ત્યાર થી અમુક જાતે જ બનાવેલા નિયમો પાળવાનો આગ્રહ રાખ્યો છે. નિયમો બહુ સામાન્ય કહી શકાય તેવા છે અને અમુક નિયમો તો દાજ્યા પછી ના છે પણ જેમ જેમ નિયમો બનાવતો ગયો-બદલ તો ગયો વ્યવહાર સ્પષ્ટ અને પારદર્શક થતા ગયા. હું એમ તો ના કહી શકુ કે છેલ્લા ત્રણ વર્ષ કોઈ પણ જાતની માથાકુટ વગર પસાર થયા પણ જે કાઈ બન્યુ અને તેમાથી જે કાઈ શિખ્યો તેના આધારે જીવનમાં જે કાઈ ફેરફાર કર્યા તે ઓનલાઈન-ઓફલાઇન બન્ને દુનિયામાં કામમાં આવ્યું. કારણ બહુ સિમ્પલ છે માણસ હંમેશા માણસ જ રહેવાનો છે તમે તેને જાણતા હોય કે ના જાણતા હોવ તેના ગુણ-દોષમાં કાઈ ફરક પડવાનો નથી.

શરૂવાત ઓર્કુટીંગ થી જ કરૂ. અદાવાદ આવ્યો તેને હજી છ મહીના જ થયા હતા . ઘણુ બધુ અજાણ્યુ ના જોયેલુ હતું તેમાની એક આ આભાષી દુનિયા પણ ખરી. ક્લાસમા બધા રોજ ઓર્કુટ વિષે પોતાની “એક્સપર્ટ કોમેન્ટ” આપતા હોય ત્યારે મારી પાસે તેના મોઢા જોવા શિવાય બીજો કોઈ વિકલ્પ જ ના હતો. આમ તો યાહુ પર ચેટ કરેલુ પણ આ તો વળી નવી જ વસ્તુ અને તેમા તેના વિષે સાચી-ખોટી જે વાતો સાંભળેલી અને તેના જ આધારે ખોટા નામે જ (ફેક) પ્રોફાઈલ બનાવી. ધીરે ધીરે એવું લાગ્યુ કે ઓહ. આપણે જેવું ધાર્યુ હતું તેવું તો અહી કાઈ નથી ભલે દુનિયામાં ખરાબ લોકોની બોલબાલ હોય અને તેની જ ચર્ચા થતી હોય પણ સારૂ કોઈ છે જ નહી તેવું માનવાને પણ કોઈ કારણ નથી . બોધ :- આપણે જેટલુ ધારેલુ હોય તે બધુ જ સાચુ હોવું તે જરૂરી નથી ક્યારેક આપણી જે તે ધારણા આપળા જ પગની બેડીઓ બની જાતી હોય છે.

ધીરે ધીરે આ આભાસી દુનિયાનો ચસ્કો લાગવા લાગ્યો. બીજાના ફ્રેન્ડસ લીસ્ટ સામે જોય ઇર્ષા થવી સ્વાભાવિક હતી એટલે જાણ્યા અજાણ્યાને રીક્વેસ્ટ મોકલતો ગયો. પણ આ ઉતાવળમાં પાયાગત વાત ભુલી ગયો જેમ વાસ્તવિક જીવનમાં તમારે તમારી જાતને સાબીત કરવી પડે છે તેવું જ કાઈક અહી પણ હોય છે. Who R U ? હું તમારી સાથે શા માટે મીત્રતા કરૂ ? શું હું તમને જાણુ છુ ? આવા આવા અને આનાથી પણ વેધક પ્રશ્નો સામે આવ્યા. અમુક લોકો પાછા ડીપ્લોમેટીક રીતે રીક્વેસ્ટ એપ્રુવ પણ ના કરે અને રીજેક્ટ પણ ના કરે. તરત જ નિર્ણય લીધો સાવ અંગત ના હોય તે સિવાયની કોઈ વ્યક્તિને સામેથી ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલવી નહી. બોધ :- તમે તમારી જાતને ગમે તે માનતા હો જરૂરી નથી કે જે તે સ્વરૂપમાં લોકો પણ તમને સ્વિકારે .

ઓર્કુટીંગમા એક સ્ટેપ આગળ વધ્યો કોમ્યુનિટીઓ માં સક્રીય થયો. ઓનલાઇન ગુજરાતીમાં વ્યક્ત થવાનું પ્લેટફોર્મ મળ્યુ અને દબાયેલા વિચારો ઉછળી ઉછળીને બહાર આવ્યા મીત્રો મળ્યા તેમ અમુક લોકો કે જે આપણી વાત થી સહમત ના હોય તેવા પણ મળ્યા. સારૂ લખો અને જેમ તમારી વાહ વાહ થાય એટલે જરૂરી નથી કે બધા લોકો ખુશ જ હોય અમુક લોકો તમારી પ્રગતીથી ના ખુશ પણ હોય . જેમ જેમ પ્રગતી કરતા જાવ તેમ તેમ મીત્રોની સાથે સાથે આવા લોકોની પણ સખ્યા વધતી જાવાની. આવા અમુક લોકોના પુર્વગ્રહને લીધે થોડુ વેઠવું પડ્યુ. નિયમ કર્યો સ્વેચ્છાએ ક્યારેય કોઈ કોમ્યુનિટીનું મોડરેટર પદ લેવું નહી. બોધ :- ભિષ્મ પિતામહની નિષ્ઠા દુર્યોધનને ઉત્સાહીત કરનારી હોય તો તેનું પરિણામ વિનાશક જ હોય છે . અમુક દુર્યોધનો હંમેશા આપણી પાસે આવી જ નિષ્ઠાની અપેક્ષા રાખતા હોય છે.

એક-બે કોમ્યુનિટીમાં પોપ્યુલર થયા પછી પથારો ફેલાવાની ઇચ્છા રોકી ના શક્યો. સમાંતર ચાલતી બીજી કોયુનિટીમા સક્રીય થયો . બધે જ બધા જ લોકો સરખી રૂચી વાળા હોય તેવું જરૂરી નથી તેટલી પાયાગત વાતને ભુલ્યો . તે જ રીતે અમુક કોમ્યુનિટીમાં હું “સ્થાપિતહિત” હતો તેમ બીજી કોયુનિટીના અમુક લોકો માટે હું ઘુસણખોર હતો. પ્રામાણીકતા-પારદર્શકતા વ્યાપકહિત સામે કાઈ માયને નથી રાખતી તે શિખ્યો પણ અપમાન સહન કરી ને. તરત અજાણી કોમ્યુનિટી (હવે ગ્રુપ) મા એક્ટીવ નહી થાવાનું તેવો નિયમ લીધો. બોધ :- એક જગ્યાએ થોડા માન પાન મળે એટલે જરૂરી નથી કે એવા જ માન પાન બધે જ મળશે . અને આવી અપેક્ષા ખરેખર તો દુખનુ મુળ હોય છે.

કોમ્યુનિટી પર મળેલા અમુક મીત્રો સાથે ચેટ પર પણ ઘણી લાંબી વાતો થતી. તેનાથી આગળ વધી ને SMS અને મોબાઇલ પર વાતો થવા લાગી. ધીરે ધીરે એક ઓફ લાઇન કોયુનિટી-પરિવાર બનવા લાગ્યો. રૂબરૂ પહેલી વખત મળ્યા તેમ તેમ તેમાથી મોટા ભાગ ના લોકો મારા ઘરની એકદમ નજીક રહેતા હોવાનું માલુમ પડ્યુ . છ-આઠ મહીના થી જેની સાથે પરિચય હોય અને જ્યારે ખબર પડે કે તે વ્યક્તિ તો ઘર થી ફક્ત પાંચ મીનિટ ના અંતરે રહે છે ત્યારે કેવુ આશ્ચર્ય થાય ? અને આવા પાંચ-સાત મીત્રો નિકળે તો ? આશ્ચર્યનો ઓવર ડોઝ થવા લાગ્યો. બોધ :- એક જ ઘરમાં રહેતી બે વ્યક્તિ જેમ ક્યારેક મન થી એટલી દુર હોય છે તે જ રીતે લાગણીઓ થી જોડાયેલી બે વ્યક્તિ માટે ફિઝીકલ અંતર કાઇ માયને નથી રાખતું.

અમદાવાદ છુટ્યુ અને તેની સાથે સોશીયલ નેટવર્કીંગ પણ છુટતુ લાગ્યુ. ક્યારેક હાઉક કરવા પુરતો જ આવતો બાકી નિયમીત રીતે તો આજે પણ નથી અવાતું. લોકો ઓર્કુટ પરથી ફેસબુક પર માઇગ્રેટ થયા . ફેસબુક પ્રોફાઇલ તો ક્યારની બનાવેલી પડી હતી પણ મન તેને સ્વિકારવા તૈયાર ના હતું. જેમ જેમ ફેસબુક ઉપર જાણીતા ચહેરાઓ ની ભીડ વધતી ગઈ ના છુટકે અહી આવવું પડ્યું. બોધ :- પરિવર્તન સંસાર નો નિયમ છે તમે નહી બદલાવ તો લોકો તો બદલાય જ જાશે અને પછી થોડુ વધુ જોર લગાડવું પડશે તેને પકડવા માટે.

વધુ આવતા અંકે….

-: સિલી પોઇન્ટ :-

સોશીયલ નેટવર્કીગમા કેટલીય વખત ઝગડા કર્યા છે.. તેના આધારે કાઢેલું તારણ, “બુદ્ધીશાળી વ્યક્તિ જો તમારો વિરોધ કરે તો તેની સાથે જગડો કરવા કરતા તેને મીત્રો બનાવો તમારી પ્રગતીમા તે ભાંડાય (ખાલી વાહ વાહ) કરતા લોકો કરતા વધુ ઉપયોગી નિવડશે. –આ મારો જાત અનુભવ છે. મારી ફેન્ડસ લીસ્ટ માં કેટલાય એવા લોકો છે જેની સાથેની પહેલી મુલાકાત ઝગડાના રૂપમાં જ હતી.

Thursday, April 7, 2011

ધોતિયા ઉપર બેલ્ટ પહે્રાવવાની વૃતિ…



વૃતિ તો જોકે સારો શબ્દ છે આવી પ્રવૃતિ કરનાર વ્યક્તિને અંતરીક એક કીડો સળવળતો હોય છે. આ કિડાને તમારા-મારા જેવા જ લોકો પ્રોત્સાહન આપતા હોય છે પણ પ્રશ્ન એ છે કે આ વૃતિનો જન્મ ક્યાંથી થયો ? અમે નાના હતા ત્યારે ગામડે રહેતા. શંકર મંદીરની બાજુમાં જ એક ઘેગુર વડલો અને તે વડલા ફરતે એક મોટો ઓટલો કરાવેલો. ઓટલો એટલો મોટો હતો કે ૨૫-૫૦ માણસો આરામથી બેસી શકે. ઇ ઓટલા પર ઠેક ઠેકાણે નવ કુકરી રમવા માટે ની જગ્યાઓ. ડીઝાઇન દ્રાબો થતો હતો ત્યારે જ કોઈ પુર્વાનુમાની એ દોરેલી એટલે વારંવાર દોરવી ના પડે. ઇસ્ટો માટેની પણ ડિઝાઇન કોક જગ્યાએ દોરેલી. બપોર વચ્ચારે જમ્યા પછી ત્યાં લોકોની ભીડ જામે. કોક લંબાવી જાય અને અમુક નવ કુકરી તો અમુક ઇસ્ટો રમે. ત્યાં એક કાકા રોજ આવે. ધોતીયું અને બંડી તેનો પોષાક પણ એક વિચીત્રતા તે ધોતીયા ઉપર કમર ફરતે નાળી બાંધતા. સમયાંતરે પેટના વ્યાસના વધ-ઘટની સાથે નાળી પણ ટાઇટ-ઢીલી કરતા એટલે અમને ખબર. આ વિચીત્રતા મારાથી સહન ના થઈ એટલે એક દીવસ મારાથી આ વિષે પુછાય જ ગયું. પ્રતિઉત્તર આપતા તેમણે કહ્યુ, “શેઠ, આ છોકરાવ હરનીના ધોતિયુ કેડે રેવાજ નથી દેતા વાહેથી પાટલી ખેચી ને હડી કઢી જાય છે તી… ચેતતા નર સદા સુખી ”.

આ તો થઈ ૨૦-૨૨-૨૫ વર્ષ પહેલાની વાત… વર્ષોથી આવુ ચાલતુ જ આવ્યુ છે. કોઈક ને કેમ ઉતારી પાડવા અને કોઇકનું કાઇક ખોટુ કેમ થાય તેવું ઇચ્છતો એક મોટો વર્ગ છે. આવુ બધુ કરવામાં તેમને એક વિકૃત આનંદ આવતો હોય છે. કોઇક આપણાથી આગળ કેમ નિકળી જાય ?? ધોતિયુ ખેચો એટલે તે ધોતિયુ સરખુ કરવામાં રહેશે એટલી વારમાં આપણે આગળ નિકળી જઈશું અને આગળ ના નિકળાય તો પણ કાઇ નહી તેને ધોતિયું સરખુ કરતા નિહાળવાનો આનંદ તો મળશે. કોઈક આપણા થી સારૂ કેમ દેખાય ??? કોઈક ના વખાણ મારા કરતા કેમ વધુ થાય ??? મારી ફ્રેન્ડસ લીસ્ટમાં ૨૦૦ અને તેના માં ૪૦૦૦ કેમ ? ઉસ કી સફેદી મેરી સફેદી સે જ્યાદા ક્યુ ?

હવનમાં હાડકા નાખવાની આસુરી વૃતીનો ઠેકો કાઇ રાક્ષષો નો જ ના હતો પણ અમુક અંશે તેના વિકૃત રંગસુત્રો માનવોમાં પણ આવ્યા છે. આના માટે મોટા ભાગે બે કારણો જવાબદાર છે.. સફળતાની ખોટી વ્યાખ્યા અને બીજુ અપરિપક્વતા. આપણે મોટે ભાગે પુર્ણતા ને બધુ સમજતા હોઈયે છીએ અને એટલે જ તો અમાસ કરતા પુનમનું મહત્વ વધુ છે. અમાસ અને પુનમના આ ચક્કરમા ભુલી જાયે છે કે અંતે તો તે ચંન્દ્ર જ છે ને. હું એમ નથી કહેતો કે પુનમનું મહત્વ ના હોવું જોઇએ પણ ખરૂ મહત્વ અમાસ થી પુનમ સુધીની આખી યાત્રાનું હોવું જોઇએ. જો પુનમ સફળતા છે તો તેનું ખરૂ શ્રેય બીજને જાય છે. બીજ થી ચૌદસ સુધી ની મહેનતનું પરિણામ પુનમ છે. તે જ રીતે જો અમાસ નિષ્ફળતાનું પ્રતિક છે તો તેનું કારણ પણ બીજ(વદ) જ છે. મહાનતા પુર્ણતામાં નથી મહાનતા અપુર્ણતા સ્વિકારવામાં છે. અપુણતા તો આવશ્યક છે અને અનિવાર્ય પણ. તેવી જ રીતે સામેની વ્યક્તિને તેની અપુર્ણતા-મર્યાદા સાથે સ્વિકારવામાં જ આપણી મહાનતા છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે આપણને દરીયાની વિશાળતા-અફાટતા, અમર્યાદીત શક્તિ, વિપુલતા અને સમૃદ્ધી નહી પણ તેની ખારાશ જ દેખાય છે. કારણ કે આપણે એટલા મહાન, શક્તિશાળી અને સમૃદ્ધ નથી . ધોતિયુ પહેરતા નથી આવડતું ? વાંધો નહી બીજાનું ખેચી ને ઉતારી નાખો . સફળતા બીજા ને નિષ્ફળ કરવામાં નથી જ આટલી નાનકડી વાત આપણે ક્યારે સમજીશું ?

નેટ ઉપર આવ્યો ત્યારથી કેટલાય ને પ્રમાણમાં મોટા માથા કહી ચકાય તેવા લોકો ને સાવ વાહીયાત બાબતો ઉપર એક બીજા ઉપર કીચડ ઉછાળતા જોયા છે. આમાથી કોઈ મારો દુશ્માન નથી અને કોઈ સ્વજન નથી. નિરપેક્ષ ભાવે આજે છેલ્લા ત્રણ વર્ષથી આ બધુ જોતો આવ્યો છું. મોરો સગો મોટો ભાઈ આજે સફળતા ઉચ્ચ શિખર પર છે અને મારા હજી ઠેકાણા નથી ત્યારે માનવ સહજ ઇર્ષા થાય તે સ્વાભાવિક છે. પણ શું આ ઇર્ષામાં આંધળો થઈ મારે તેને નિષ્ફળ બનાવવાના પ્રયત્નો કરવાના ? અને આવા પ્રયત્નોમાં મારે અપેક્ષા રાખવાની કે લોકો મને મદદ કરે ? બીજુ હું લખતો થયો ત્યારથી મારા લખાણ ઉપર, જોડની ઉપર અને કન્ટ્યુનિટીના અભાવ ઉપર આંગળીઓ ઉઠતી આવી છે . મારી ભુલ કોઈ મને બતાવે ત્યારે મારે તેનો આભાર માનવાનો કે પછો તેના ઘર સામે મોર્ચો ખોલવાનો ? પેલા એ મારી એક ભુલ પકડી પાડી એટલે તેના દરેક સર્જનને મારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વડે ચેક કરવાનું અને નાનામાં નાની ટેકનિકલ ભુલની પણ છાપરે ચડી જાહેરાત કરવાની ? વ્યક્તિ જેમ જેમ ઉપર ચડતી જાય તેમ તેમ આવી સમજ આપો આપ વિકતી જાય છે.

પુનમના ચંદ્રનું તેજ કાઇ રાતો રાત નથી આવ્યુ… બીજ થી અમાસની નિષ્ફળતા અને બીજ થી ચૌદસ સુધીની સતત પ્રગતીને ફળ સ્વરૂપ આવ્યુ છે. સફળતા જો પરિપક્વતા સાથે આવે તો જ પરિપુર્ણતા આવે બાકી તો અધુરો ઘડો છલકાય ઘણો. નસીબ હોય તો જ સફળતા સાથે વિનમ્રતા પણ આવે બાકી ઉદ્ધતાય, દ્વેષ , ઇર્ષા વગેરે એવી અણજોયતા છે જે આ સફળતા જોડે સ્કિમમાં ફ્રી આવે છે. પરિપક્વતા પોતાની શક્તિની સાથે સાથે સામેનાની શક્તિનું પણ સંમાન કરવામાં છે પણ અત્યારે આવુ સમજે છે કોણ ??? મારા થી આગળ થવા જઈ રહ્યો છે ચાલો તેનું ધોતિયુ ખેચી લ્યો . આવા લોકો જ ધોતિયા ઉપર પણ બેલ્ટ પહેરવા મજબુર કરે છે. કાઇક નવું સારુ લખો એટલે ધોતિયુ ખેચવા આવી જાય .

વિચારજો મારી વાત ઉપર..

-: સિલી પોઇન્ટ :-

ધોતિયા ઉપર નાડી-બેલ્ટ તો પહેરવો જ પણ અંદર પણ પ્રમાણમાં મોટી ચડ્ડી પહેરવી કારણ કે આજ કાલ તો આ લોકો કાતર લઈ ને પણ ફરે છે . :D નજર હટી, દુર્ઘટના ઘટી.