Wednesday, August 12, 2009

ભાઈ ૨૦ રૂપિયાની મગફળી આપો ને.

મગફળી અને સીંગદાણા વચ્ચે જન્મ થયો અને જીવના ૨૭ વર્ષ તેની વચ્ચે કાઢ્યા. ફેમીલી બીઝનેશ હોવાથી નાનપણ થી જોડાય ગયેલો, નાના-મોટા કામ થી શરૂ કરી અને બે વર્ષ એકલા હાથે ફેક્ટરી ચલાવા સુધીની સફર ખેડેલી. શરૂમા ઓફીસમા સાફ સફાઈ કરવાની, વેકેશનમા બપોરે બધા જમવા જાય ત્યારે ફોન ઉપાડવાના અને જવાબ આપવાના, બેન્કના કામો કરવાના મગફળી આવી હોય કે સીંગદાણા જતા હોય બોરીની સંખ્યા ગણવાની અને લોટ મુજબ કે પાર્ટી મુજબ તેના ઉપર નિશાન કરવાનું કામ કરતો. મોટા ભાઈ કામમા એટલી ચોક્કસાઈનો આગ્રહ કરતા કે ભુલ થાય એટલે આવી બને અને કદાચ આ બીકથી જ ભુલ થતી. પરંતુ આ નાની નાની ભુલથી મળતી સજા મોટી ભુલો થતા રોકતી.

સમય વિતતો ગયો તેમ-તેમ અનુભવ મળતો ગયો. અનુભવની સાથે જવાબદારી અને સત્તા પણ મળતી ગઈ. પરંતુ આ જવાબદારી અને સત્તા એક લાંબી પ્રક્રીયાની સીડીઓ ચડીને મળી એટલે તેને સ્વિકારતા, પચાવતા કે છોડતા કોઈ તકલીફ ના પડી. આ પ્રક્રીયાએ મને એટલો ફ્લેક્સીબલ બનાવ્યો કે કોઈ પણ પરિસ્થિતીને સ્વિકારતા મને બહુ ઓછો સમય લાગવા મંડ્યો. કદાચ આ મારા ઘરની પરંપરા હતી. દરેક વ્યક્તિએ ઓફીસમા પોતાની ખુરશી પ્રાપ્ત કરતા પહેલા એક પ્રક્રીયા માથી પસાર થવુ પડતુ. પપ્પા, મોટા બન્ને ભાઈઓ અને હું આ જ રીતે ખુરશી સુધી પહોચીયા હતા.

આ જે જ્યારે હું જોબ કરૂ છુ ત્યારે અસંખ્ય એવા લોકો સાથે "ટચ"મા આવવાનુ થાય છે જે પપ્પાનો ફેમીલી બીઝનેસ સંભાળતા હોય છે. તેમાથી ઘણા ખુબ સરસ રીતે તેને આગળ વધારતા હોય છે. કુનેહ અને હોશીયારી કાબીલે દાદ હોય પરંતુ એક વાત ખુટતી જોય શકુ છું, પોતાના કામ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિઓ પ્રત્યેનું માન સદંતર ખુટતુ હોય છે. પર્વત પર ચડવુ અને સીધા જ હેલીકોપ્ટરથી લેન્ડ થવુ બન્નેમા ફરક છે. ચડનારને પર્વતની મહાનતા અને સાર્મથ્યની ખબર હોય છે જ્યારે કદાચ હેલીકોપ્ટરથી લેન્ડ કરનાર પોતાને પર્વતથી ચડીયાતો ગણવાની ભુલ કરી શકે છે.

આજે કોમ્પિટીશનના આ જમાનામા જ્યારે તમારી જગ્યા લેવા માટે એક લાંબી લાઈન પાછળ તૈયાર હોય ત્યારે પર્વતથી પોતાને ચડીયાતો ગણવાની ભુલ બહુ મોંઘી પડી શકે છે. હું કોઈ પણ જગ્યાએ હોવ, ગમે તે પોઝીશનમા હોવ, ગમે તેવી સ્થિતીમા હોવ મારે મારા કામ અને તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિનું માન જળવાઈ રહે તે જોવાની મારી ફરજ છે. પછી તે મારી ઓફીસમા પ્યુન હોય કે મારા બોસ, ક્લાઇન્ટ હોય કે કુરીયરવાળો.

ગયા મહીને યથાર્થને મગફળીના ઓરા ખાવા હતા એટલે રેકડીવાળા પાસે મે ૨૦ રૂ. ની મગફળી માગી. દોઢ વર્ષ પહેલા મારે ત્યા કોઈ ૨૦ બોરી મગફળી વેચવા આવતુ તો હું તેને કહેતો કે "અમે છુટક મગફળી નથી લેતા". પેલો વેચવા આવનાર બહુ જીદ્દ કરતો કે શેઠ લઈ લો ને બીજે ક્યા જાઈશ ત્યારે થોડોક ગુસ્સો આવતો અને ના પાડી દેતો ત્યારે વિચાર સુદ્ધા કર્યો ના હતો કે એક દીવસ મારે જ ૨૦ રૂ. ની મગફળી લેવા જાવી પડશે અને રેકડીવાળો મને કહેશે કે ૪૦ રૂ,ની કોલો છે અને તેનાથી ઓછી નથી વેચતો.

યે જીવન હૈ... યહી હૈ યહી હૈ ઇસકા રંગરૂપ..