Saturday, February 19, 2011

વિશ્વ માતૃભાષા દિવસ...

આવતી ૨૧મી તારીખે વિશ્વ માતૃભાષા દિવસ છે. આ નિમીતે મે લખેલ એક નિબંધ શબ્દસ અહી રજુ કરૂ છું. ફરી ટાઇપ કરવાના સમયના અભાવે કદાચ અમુક જોડણી ભુલ હશે તો દર ગુજર કરશો

નિબંધ :-

જ્યારે પણ આવા કોઈ પણ વિષય પર નિબંધ લખવાનો હોય ત્યારે મોટા ભાગે જે તે વિષય ના ભવ્ય ભુતકાળ થી શરૂ કરી ભયંકર વર્તમાન અને અંધકારમય ભવિષ્ય પર આવી પુર્ણાહુતિ થતી હોય છે. કદાચ ગુજરાતી ભાષાનો પણ ભુતકાળ- જોકે અહીં ઇતિહાસ શબ્દ પ્રયોજવો વધુ ઉચીત લાગે છે, તો ઇતિહાસ ભવ્યાતિભવ્ય હશે, હશે શું છે જ પણ તે ભવ્ય હોવાના પોતાના કારણો હશે. પણ આપણે દરેક બાબતે જે થતું આવ્યું છે તેમ તે કારણો ને ભુલી વર્તમાનમાં યોગ્ય પગલા લેવાની જગ્યાએ ભવિષ્યની પારાવાર ચિંતા માં ડુબી જઈશું. ભાષા મરી રહી છે કે તેની અસ્મિતા હણાય રહી છે તેવી દલીલો કરી છાપાઓના પાના ભરીશું પણ રચનાત્મક કાર્ય કરવાનું કોઈ ને નહી સુજે. પણ આ ગુજરાતી ભાષા દિવસ ઉજવાનું પગલું અને તેમાં પણ સામાન્યજન પાસે થી આ નિબંધ રૂપે તેમના તંતવ્યો મંગાવવાનું પગલુ રચનાત્મકતા તરફ પહેલું પગલું છે તેવું સહર્ષ કહેવું પડશે.

કોઈ પણ દિવસ એટલે કે જન્મદિવસ હોય કે પુણ્યતિથી, મેરેજ અનિવર્સરી હોય કે વેલેન્ડાઇન ડે કે પછી હોય મધર, ફાધર કે ફ્રેન્ડશીપ ડે તેને આપણે શા માટે ઉજવ્યે છીએ ? શું મધર્સ ડે કે ફાધર્સ ડે સિવાય આપણે આપણા માતા-પિતાને પ્રેમ થી યાદ નથી કરતા ? શું લગ્નની તિથી કે પછી વેલેન્ડાઇન ડે સિવાય પ્રિયજનને પ્રેમ નથી કરતા ? કરતા જ હોઇએ છીએ પણ તેને જતાવવા માટે કોઈ એક દિવસ નક્કી હોય ત્યારે આખા વર્ષનો વ્હાલ તે દિવસે વર્ષાવી દઈયે છીએ. તે જ રીતે આપણી ભાષા ગુજરાતી ભાષાનો દિવસ ઉજવી આપણે તેને જતાવવું પડે છે કે "હે માતૃભાષા, અમે તમને ભુલ્યા નથી. ભલે અમે અમારા સંતાનોને બીજા માધ્યમમા ભણવા બેસાડ્યે, રોજીંદા વપરાસમાં તમારો ઉપયોગ દિન-પ્રતિદીન ઓછો કરીય઼ે, જોડણી અને વ્યાકરણની શુદ્ધી ઘટતી જાય તેમ છતા અમારા હ્યદયમાં તમારૂ સ્થાન જે કાલે હતું તે જ આજે છે અને આવતીકાલે પણ રહેશે."

"વિશ્વ ગુજરાતી દિવસ"ની ઉજવણી શા માટે :-

આજ-કાલ બહુ બુમો પડે છે, ગુજરાતી બચાવો આંદોલન જોર-શોરમાં ચાલ્યુ છે. એક એવરેજ માતા-પિતા કાયમ ચિંતામા હોય છે કે પોતાન બાળકને અંગ્રેજી માધ્યમમાં ભણાવવો કે ગુજરાતી માધ્યમમાં. ઘણા લોકો વર્તમાન પરિસ્થિતી ઉપર થી તારણ પણ કાઢી નાખે છે કે આવનાર કેટલાક વર્ષોમાં ગુજરાતી ભષાનું અસ્તિત્વ ખત્મ થઈ જાશે. પહેલી વાત કે જ્યાં સુધી એક પણ ગુજરાતી ભાષા બોલતી વ્યક્તિ જીવિત રહેશે ત્યાં સુધી ભાષા જીવતી રહેશે. ઘણા લોકો સંસ્કૃતનું ઉદાહરણ આપે છે. પણ શું સંસ્કૃત ભાષા મરી રહી છે ? મારા ખ્યાલે તેનું ઉપાંતરણ થતું આવ્યુ છે અને તેમાથી મોટાભાગની નવી ભષાઓ જન્મી છે. કદાચ મુળ તો આપણે સંસ્કૃત જ બોલતા હોઈશું પણ જેમ હિન્દુ ધર્મના અનેક ફાટાઓ પડ્યા તેમ સંસ્કૃતના પણ અનેક ફાટાઓ પડ્યા અને ભવિષ્યમાં ગુજરાતીના પણ પડે, આ કુદરતી ક્રમ છે અને તેને રોકી શકાશે નહી. જો રોકવા પ્રયત્ન કરીશું તો કદાચ......

બીજુ પાલનપુર થી પોરબંદર, અમદાવાદ થી અમરેલી, દાહોદ થી ડાંગ, શામળાજી થી સુરત, ભુજ થી ભરૂચ દરેક જગ્યાએ અલગ અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલી ની પોતાની એક આગવી ઓળખ છે અને તેથી જ તેની અલગ એક લીજ્જત છે. જે તે પ્રદેશના લોકગીત અને લોકસાહિત્યનું આગવું પ્રદાન છે. તે બધુ જ ગુજરાતી જ છે. આટલી વૈવિધ્ય સભર ભાષા હોય ત્યારે તેની ચિંતા કરવી અને તેને બચાવવા ભાગદોડ કરવી પડે તે થોડુ વધુ પડતું લાગે છે. હા સાહિત્યના સર્જનની દ્રષ્ટીએ સ્થિતિ કરૂણ અને દારૂણ છે. તેવી જ રીતે મોટા સેન્ટરમા રોજ-બરોજના વપરાસમાં ગુજરાતીનું પ્રમાણ ઘટ્યું છે. પણ તેનું કારણ શું ? આપણે ટુર ઉપર અમેરીકા માં હોઇએ ત્યાંરે ત્યાં પણ ઉંધીયું માંગીયે છીએ, આફ્રીકામા ખમણ, મલેશિયામાં પાત્રા અને ઓસ્ટ્રેલીયામાં ખાંડવી પિરસાય તેવી ઇચ્છા જતાવ્યે છીએ અને મોટાભાગે તે પુરી (હા, પુરી સાથે જ) પણ થાય છે. પણ અમદાવાદમાં રિક્ષાવાળા, ગલ્લાવાળા કે પછી શાકવાળા સાથે હિન્દીમાં વાત કરવી તે સ્ટેટસ માં આવે છે. મારા મોટાબાપા દિલ્હિમાં પણ ગુજરાતીથી કામ ચલાવતા. તે કહેતા દુકાનવાળા ને જરૂર હશે તો આફેડો સમજશે બાકી બીજો....

ભગવદ્ગોમંડલ ગુજરતીમાં થયેલો સિમાચિન્હ રૂપ પ્રયાસ છે. અને તે સિમા-ચિન્હ કાયમી સિમા જ રહી. તે પછી શું થયું ? લગભગ મારા જેવા સામાન્ય વ્યક્તિને તેની ખબર નથી હોતી આમ તો ભગવદ્ગોમંડલ વિષે પણ ક્યાં બધા ને ખબર છે. આપણે પ્રયાસો કર્યે છીએ પણ તેની માહીતી સામાન્ય જન સુધી પહોચતી નથી. સાહિત્ય સંસ્થાઓની પોતાની જ એટલી દયનીય હાલત છે કે તે પોતે અસ્તિત્વ ટકાવે કે ગુજરાતી ભાષા અને તેની અસ્મિતાનું ? આજે રોજબરોજ ગુજરાતી ભાષામાં જ વપરાતા કેટલાય નવા શબ્દો કે જેની વ્યુત્પતી કદાચ ઇતર ભાષા માથી થઈ હશે, તેમજ તેનો અર્થસભર ગુજરાતી શબ્દ મળવો પણ મુશ્કેલ હશે તેમ છતા વર્ષે-બે વર્ષે તેનો ’ઓફીશીયલી’ ગુજરાતી ભાષામાં વિધીવત સમાવેસ થવો જોઇએ તે થતો નથી. અને થાય છે તો સામાન્ય લોકોને તેનો ખ્યાલ રહેતો નથી. વર્ષે-બે વર્ષે કે પાંચ વર્ષે ગુજરાતી શબ્દ કોશ બહાર પડવો જોઈએ કે જેમા નવા-નવા શબ્દોનો સમાવેસ થયો હોય, બાકી મોબાઇલ કે કોમ્પ્યુટરનો શુદ્ધ ગુજરાતી શબ્દ મને તો નથી જ ખબર. ભગવદ્ગોમંડલની ઇ-આવૃતિ નેટ ઉપર મુકાય છે. ખુબ જ સારો પ્રયાસ છે પણ તેમા પણ કેટલાય શબ્દો શોધવા જતા જવાબ મળે છે "આ શબ્દ મળ્યો નથી" શા માટે ? શબ્દકોશ નું જ્યાં સુધી નવિનિકરણ (અપડેટ) ના થાય ત્યાં સુધી તેનો પુર્ણ મતલબ રહેતો નથી.

ગુજરાતી સાહિત્ય સર્જન(અને સર્જક બન્નેની)ની સ્થિતી થોડી ખરાબ છે. જેટલુ સારૂ સાહિત્ય સર્જન થવું જોઇએ તેટલું થતું નથી, તો સામે સર્જકો બુમો પાડે છે કે કોઈ વાંચતું નથી. આજે સારૂ ગુજરાતી સાહિત્ય વાંચન "બાય ચાન્સ" મળે છે નહી કે "બાય ચોઇસ". પુસ્તકોનું સ્થાન આજે પણ પહેલા હતું તે જ છે પણ સારૂ ગુજરાતી સાહિત્ય ના મળતું હોય લોકો કા જુના સર્જનને ફરજીયાત ફરી ફરી માણે છે કા પછી અંગ્રેજી જેવી બીજી ભાષા તરફ વળે છે. અમુક નાના સમુહ ધરાવતી વિદેશી ભાષા માંથી જે પ્રમાણમાં સાહિત્યનું બીજી ભાષામાં ભાષાંતર થાય છે તેટલા પ્રમાણમાં ગુજરાતી ભાષા માંથી થાય છે ? આજ થી ૧૫, ૨૫ કે ૫૦ વર્ષ પહેલા સાહિત્ય સર્જનની અને આજે શું પરિસ્થિતી છે ? આ બન્ને પ્રશ્નો વિષે વિચારીય઼ે તો પણ વિશ્વ ગુજરાતી ભાષા ઉજવવાનું એક મોટુ કારણ મળી શકશે.

"વિશ્વ ગુજરાતી ભાષા દિવસ"ની ઉજવણી કેવી રીતે :-

જો "શા માટે" નું વિશ્લેષણ કરવામાં આવે તો તે માથી જ કેટલીક બાબતો સામે આવી શકે છે. જેમ કે...
માતૃભાષાનો પ્રસાર વધારવો જોઇએ,નવા શબ્દકોશ નિયમીત રીતે બહાર પાડવો જોઇએ અને તેને માટે વિશ્વ ગુજરાતી દિવસથી વધુ યોગ્ય ક્યો દિવસ હોય શકે. આજની પેઢી કેટલાય ગુજરાતી શબ્દોથી પરિચીત નથી તો સામે કેટલાય નવા શબ્દો કે જેનો કોઈ ગુજરાતી અર્થ સભર શબ્દ પ્રાપ્ય નથી આ બન્નેની વચ્ચે સેતુંનું નિર્માણ નિયમીત અંતરે પ્રકાશીત થતા શબ્દકોશ થી જ થઈ શકે તેમ છે.
પુસ્તકાલયની સંખ્યા વધારવી અને વાંચન સ્પર્ધા રાખવી વગેરે તો ખરૂં જ પણ કાઇક નક્કર કાર્ય કરવાની પણ જરૂરિયાત છે. જો સારો વાચક જોઈતો હોય તો તે માટે પહેલા સારા લેખક નું સર્જન કરવું પડશે. તેના માટે આ ઉજવણી ના ભાગ રૂપે જ લેખન સ્પર્ધાની સાથે સાથે એક માર્ગદર્શન શિબીરનું પણ આયોજન કરવું જોઇએ. જેથી ઉગતા લેખકો-કવિઓ ને યોગ્ય તકની સાથે યોગ્ય માર્ગદર્શન પણ મળી રહે. આજે સ્કુલો માં વ્યાકરણ અને જોડણી વિષે પુરતું આમ તો અલ્પ માત્રા માં પણ માર્ગદર્શન નથી મળતું તો આવું માર્ગદર્શન મળી રહે તેની વ્યવસ્થા કરવી જોઇએ. આજે સમયાંતરે અમુક શિબીરો થતી જ હોય છે પણ તેનો ખ્યાલ બહુ ઓછા લોકો ને હોય છે તેથી જ તેનો લાભ પણ બહુ અલ્પ માત્રામાં લોકો લઈ શકતા હોય છે. આવી શિબીરો વ્યાપક જન-સમુદાય સુધી પહોચે તે પણ જરૂરી છે.


ગુજરાતી સાહિત્ય સર્જન ખોટનો સોદો છે તેવી માન્યતાને ખોટી પાડવા અને ગુજરાતી ભાષામાં વિપુલ પ્રમાણમાં સર્જન થાય તે માટે યોગ્ય વાતાવરણ ઉભુ કરવા સર્જકને પોતાના સર્જનનું યોગ્ય વળતર મળી રહે તેમજ પ્રોત્સાહન પણ મળી રહે તેવી વ્યવસ્થા થવી જોઇએ તથા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ના દિવસે વર્ષ દરમ્યાન થયેલ સારા સર્જનનું યોગ્ય બહુમાન પણ થવું જોઇએ.
ઇન્ટરનેટ અભિવ્યક્તિનું એક સક્ષમ માધ્યમ તરીકે ઉભર્યું છે. ગુજરાતી ભાષા થી સેકડો-હજારો માઇલ દુર એવા લાખો ગુજરાતી બંધુઓને આ માધ્યમથી તેમની માતૃભાષા સાથે જોડી શકાય છે. આ દિવસે એકાદ "ઈ-બુક" બહાર પાડી ઇન્ટરનેટના માધ્યમથી તેમના સુધી ગુજરાતી ભાષાના વિકાસની માહીતી પહોચાડી શકાય તેમ છે. તેમજ આવી સ્પર્ધામાં કે જે "વિશ્વ ગુજરાતી ભાષા" ના નામ તળે યોજાય છે ત્યારે ખરેખર વિશ્વનો દરેક ગુજરાતી તેમા ભાગ લઈ શકે તે માટે નિબંધો "ઇ-મેઇલ" થી મંગાવી તેમના પણ અમુલ્ય મંતવ્યો મંગાવી શકાય તેવું આયોજન થવું જોઇએ..
અમુક સારા સારા પુસ્તકોની ઈ-આવૂતિ બનાવી આ દિવસે પ્રકાશીત કરવી જોઇએ. જેથી આ કૃતિઓનો લાભ વિશ્વના છેવાડાના ગુજરાતી વાચક સુધી પહોચે તથા તે પણ પોતાની આવનાર પેઢીને ગુજરાતી ભાષાના સાનિધ્યમાં ઉછેરી શકે. અંતે તો આ "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ " છે.

કારણોનું યોગ્ય અધ્યન કરવામાં આવે તો કેટલીય રીતો મળી શકશે... જરૂર છે ફક્ત યોગ્ય દિશા તરફ ડગ માંડવાની. પહેલુ ડગ મંડાયુ એટલે યાત્રા શરૂ અને યોગ્ય જગ્યાએ પહોચ્યા જ સમજો. પણ આ પ્રથમ ડગ માંડિયે ત્યારે ને ? બસ આટલુ કરીયે તો પણ ઘણુ છે.

-: સિલી પોઇન્ટ :-

"બેટા જલ્દીથી વેક્ક-અપ થઈ જા, બ્રેક-ફાસ્ટ કરી લર્ન કરવા મંડ યસ્ટર ડે થી તારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, જો તુ લર્ન નહી કર તો બેક રહી જાયશ અને તારા ફ્રેન્ડસ ફોર્વડ થઈ જાશે તો ફાસ્ટ-ફાસ્ટ બાથ લઈ ફ્રેસ થઈ જા જો મે તારા માટે હોટ-હોટ થેપલા બનાવી રાખ્યા છે અને ચા પણ કોલ્ડ થાય છે તારી". અહી એક મમ્મી તેના અંગ્રેજી મીડીયમમાં ભણતા છોકરા સાથે વાત કરે છે તે ભાષાને શું કહીશુ ? વાઇબ્રન્ટ ગુજરાતી... :P





Wednesday, February 2, 2011

આવું તે કેવું નશીબ…

વિતેલી વાત ભાગ ૧ – http://marisamvedana.blogspot.com/2011/01/blog-post.html ભાગ ૨ http://marisamvedana.blogspot.com/2011/02/blog-post.html મારી સંવેદના પર.

આપણે ત્યાં લોકશાહી છે, મુળભુત અધીકારોની વાતો જોર-જોર થી કરવામાં આવે છે. અને તેનો આપણા સૌને ગર્વ છે. હું કદાચ આ લખી શકુ છુ તેનો શ્રેય મારા “વિચાર સ્વાતંત્ર”ને જાય છે. તમને ગમે તો અથવા તમને ના ગમે તો પણ તમે તમારો મત રજુ કરો તે પણ એક લોકશાહી નો ભાગ છે. બ્લોગ શરૂ કર્યો ત્યારે હું આ લાઇનનો સાવ નિરક્ષર માણસ હતો. જેમ જેમ જોતો ગયો જાણતો ગયો તેમ તેમ એક વાત ખુંચી., “લોકો પોતાને ગમે છે તે જ લખે છે અને પછી અપેક્ષા રાખે છે (અહી દુરાગ્રહ વાંચવું) કે બધા ને ગમવું જ જોય.” કોઈ ને ના ગમે અને/અથવા કાઈક માહીતી દોષ હોય અને કોઈ તેના વિષે કોમેન્ટ કરે એટલે કે જાણે સેન્સેટીવ જગ્યાએ કીડી-મકોડો કર્ડ્યો હોય તેમ બુમા-બુમ કરી મુકે છે. જો વિરોધ કરના વ્યક્તિ બૌધીક ચર્ચા પર ઉતરી આવે અને પોલ છતી થવા મંડે ત્યારે લોકશાહીને નેવે મુકી “ફોલોવર”ની ટોળાશાહી કામે લાગે છે. આવું તો ઘણી વખત જોયું છે અને તે પરથી લોકશાહીની એક વાત નક્કી થાય છે કે, “લોકશાહીમાં સત્યનો નહી બહુમતીનો વિજય થાય છે.” કદાચ અત્યારે કૌરવ-પાંડવ વચ્ચે લોકશાહીની રીતે ચુંટણી જંગ થાય તો કૌરવ જીતી જાય . આજે જો તમારે સત્ય કહેવું હશે અથવા તો સત્યએ જીતવું જ હશે તો પહેલા જે તે સત્ય બહુમતી લોકો સુધી પહોચાડવું પડશે. કારણ કે સત્યની શોધ કરવા કે તેના પ્રયોગો કરવા આજે કોઈ પાસે સમય જ નથી.

અમારા સયુંક્ત કુંટુંબમાં પણ લોકશાહી જ ચાલે છે(હજી ચાલે જ છે.) મે જે કાઈ સ્ટ્રગલ કરી અને કરૂ છુ તેમા સૌથી વધુ મારો જ વાંક હું જોવ છું. હું હંમેશા જોતો આવ્યો છું કે સફળ વ્યક્તિ મોટા ભાગે પોતાની સફળતાનો શ્રેય પોતાની મહેનત અને ઇશ્વર કૃપાને દેતો હોય છે જ્યારે નિષ્ફળ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનો દોષ બીજાને માથે ઢોળવાનો પ્રયાસ કરે છે. “સફળ વ્યક્તિની આત્મકથામાં પોતાની મહેનતની વાહ વાહ હોય છે જ્યારે નિષ્ફળ વ્યક્તિની આત્મકથામાં લોકોને ગાળો”.

બીજા દીવસે સવારે યથાર્થ સ્કુલે ગયો પછી હું અને મારી પત્નિ બન્ને મુંજાણા, ૧૦ વાગ્યે જોબ પર પહોચવાનું હતું પહેલા દીવસે જ જો મોડો પડીશ તો ? અને પાછુ ગઈકાલે પેલા ઓફીસમાં કામ કરતા ભાઈ સાથે વાત થયા મુજબ મોડા પડવાની સજા અડધો દીવસનો પગાર હતો અને તે મને કોઈ કાળે પોસાય તેમ ના હતું. ૧૦ વાગ્યે પહોચવા માટે મારે સવા ૯ પહેલા નિકળવું જ પડે અને અત્યારે પોણા ૯ તો થવા જઈ રહ્યા હતા. મોટામાં મોટી તકલીફ મારા ટીફીનની હતી રસોય તો તૈયાર હતી પણ ઘરમાં ટીફીન બોક્સ ના હતું. અવું લેવા નો સમય પણ ના હતો અને ખીસ્સુ પણ. “ચાલ હું નિકળુ ત્યા ક્યાંક નાસ્તો કરી લઈશ” એમ કહી હું સમસર પહેલી જોબ પર પહોચવા નિકળી પડ્યો. ઉત્સાહ કરતા ઉદ્વેગ વધુ હતો. કદાચ તે આત્મવિશ્વાષ ઓછો હોવાની મને પ્રતિતિ કરવતો હોય. જેમ તેમ કરી હું ઓફીસે પહોચ્યો. કાલની જેમ જ હજી ઓફીસ બંધ હતી અને કાલની જેમ જ પેલો ભાઈ ત્યાં ઉભો હતો. થોડો સમય ત્યાં ઉભા રહ્યા પછી થાકી-કંટાળી તેણે મને સામેની કિટલીએ ચા પીવા આવવા કહ્યું. મે “હું નથી પિતો તમે જાવ” તેમ કહી ના પાડી. જો કે કારણ કાઇક બીજુ જ હતું હું તે સમયે પણ મારો ભુતકાળ, મારૂ “શેઠપણુ” મુકી નહોતો શક્યો. હું તેની સાથે ચા પિવા જાવ તો પૈસા મારે જ દેવા જોઈએ અને તે મને પોસાય તેમ ના હતુ તેવુ હું ત્યારે માનતો. બન્ને પોતપોતાના પૈસા આપે તેવું અમદાવાદનું “વહેવારપણું” હજુ હું શિખ્યો ના હતો.

૧૦ વાગ્યા થી લઈ ને લગભગ બપોર ના ૧-૧.૩૦ વાગ્યા સુધી અમે બન્ને ત્યાં જ તે જ સ્થીતીમાં ઉભા-બેઠા રહ્યા. તેણે ઘણી બધી વાતો કરી પણ મોટા ભાગની વાતો હું “કદાચ મને જોબ મળી તે આને ખટકે છે અને એટલે જ આ આપણને ડરાવે છે” તેવું સમજી હું તેને મન પાર ના લેતો.

ઓફીસ ખુલી કે તરત મને નીચે એક કોમ્યુટરમાં પ્રીમીયરની એક કેપ્ચર પ્રોજેક્ટ આપી એડીટીંગ કરવા બેસાડ્યો. લગ્નની કેસેટ તૈયાર કરવાની હતી. મારા માટે સાવ નવું જ કામ હતું. મને થોડી ઘણી સુચના આપી તે તો જતા રહ્યા અને હું મારી રીતે કામ કરતો હતો. આની પહેલા જે એડીટીંગનું કામ કરેલુ તે ડોક્યુમેન્ટરી અને એડ. ફીલ્મ નું હતું અને તેમા ચોક્કસતા જરૂરી હતી એટલે તે જ ચોક્કસતાથી હું કામ કરતો હતો. લગભગ ૧-૧.૩૦ કલાક કામ કર્યા પછી મારૂ શરીર ભુખને લીધે જવાબ દેવા લાગ્યુ હતું. લગભ ૩-૩.૩૦ થવા જઈ રહ્યા હતા અને નીચે હું એકલો જ હતો એટલે નાસ્તો કરવા પણ કોને પુછી ને જાવ ? એટલી વારમાં જ એક કાકા નીચે આવ્યા. કદાચ તે મારા બોસ ના પપ્પા કે કાકા જેવા લાગ્યા. મે તેમને પુછ્યુ, “આજે ટીફીન નથી લાવ્યો નાસ્તો કરી આવું ?” હા જા પણ ૧૦ મીનિટમાં આવી જજે નહીતર અડધા દીવસનો પગાર કપાઈ જશે”. હું તો સ્તભ્ધ થઈ ગયો. મને સવાર વાળો ભાઈ યાદ આવી ગયો.

ઓફીસની બહાર નીકળી મે આમ તેમ ઘણા ફા-ફા માર્યા પણ એટલામાં “મારા ખીસ્સાને પરવડે” તેવો નાસ્તો ક્યાંય નજરે ના ચડ્યો. વધુ દુર જાવ તો અડધા દીવસ ના પગારનું જોખમ. સામે એક જનર સ્ટોર નજરે ચડ્યો ત્યાથી પારલે-જી લઈ સામેની કીટલીએ થી એક ચા લીધી. પરલે આટલા મીઠા ક્યારેય નહોતા લાગ્યા. ૧૦ મીનિટની ડેડલાઇનમાં નાસ્તો કરી પાછો કામે લાગ્યો. થોડીક વારમાં મારા પેલા બોસ આવ્યા અને નાનકડી એવી પોતાની કેબીનમાં તે પણ કામે લાગ્યા. હું કામ કરતો હતો તેની આજુ-બાજુ “પેલા કાકા” કેટલીય વખત આટો મારી ગયા. તેની ધીરજ ખુટી હોય તેમ તે પેલી બાજુની નાનકડી કેબીનમાં ગયા અને પેલા મારા બોસ ને ખખડાવતા હોય તે અવાજે કહ્યું, “આ નમુનો ક્યાંથી પકડી લાવ્યો ક્યારનો એક જ DV પર મંડ્યો છે ?”, “૩૫૦૦ માં કાકા આવા નમુના જ મળે અને તે પણ ટકતા નથી તમારે લીધે.” હું તેનો વાર્તાલાપ સાંભળી ના જાવ તેની તકેદારી લેતા પેલા મારા બોસએ કેબીનનો દરવાજો બંધ કર્યો. “નમુનો” શબ્દ સાંભળી મારૂ મગજ તો બહેર જ મારી ગયું. બંધ કેબીનમાં તેમનો વાર્તાલાપ ચાલતો રહ્યો અને મારૂ બંધ-મગજ ત્યાં જ અટકેલું રહ્યું. લગભગ ૫-૫.૩૦ વાગ્યે ફરી “પેટે” વિગ્રહ કર્યો. ભુખ સહન ના થતા પેલા બોસની “આજે ટીફીન નથી લાવ્યો એટલે વહેલો જાવ ?’ તેમ કહી રજા લઈ ઘરે આવવા નિકળી ગયો. પેલા ને એમ કે કાકા ને લીધે વધુ એક “નમુનો” છટકી ગયો.

ઘરે આવી જોબ વિષે કોઈ ઉત્સાહ જનક વાતો તો કરવાની ના હતી એટલે ઓર્કુટ પર મને જોબ મળી ગઈ ના મીત્રોના વધામણા વાંચી મનને થોડી રાહત થઈ. પછીનો દીવસ રુટીન કામ માં વિત્યો અને બિજો દીવસ ક્યારે ઉગ્યો તેની પણ ખબર ના પડી. બીજા દીવસે હું નિચે ઉતર્યો ત્યારે જ પાછુ ટીફીન યાદ આવ્યુ પણ નીચે જોયુ તો યથાર્થનો જુનો લંચ બોક્સમાં મારૂ ટીફીન તૈયાર હતું. તે લઈ હું સમયસર ઓફીસે પહોચી ગયો. ગઈકાલ કરતા ઉલ્ટું આજે હજી હું પહોચ્યો કે તરત જ પેલા મારા બોસ આવી પહોચ્યા. આજે કામમાં કાલ કરતા થોડી ઝડપ થતી હતી પણ પેલા કાકા જ્યારે પણ બાજુ માથી નિકળે ઉંદરડો(માઉસ) ધ્રૂજી જતો હતો. “એક મીનિટ ઉભો થા તો આ DV કેપ્ચર કરવા ત્યાં લગાડી દવ” મારા બોસનો પાછળથી અવાજ સંભાયો. તેણે હું જે કોમ્યુટરમા કામ કરતો હતો તે કોમ્યુટરમાં કેપ્ચર ચાલુ કર્યુ એટલે હું નવરો પડ્યો. મને નવરો જોય પેલા કાકા મારી પાસે આવી પુછ્યું કેમ બેઠો છે ? “મે કહ્યુ ___ભાઈ અહી કેપ્ચર મુકી ગયા છે” “તો નવરો શું બેઠો છે જમી લે પાછો તેમા સમય બગાડીશ” તેવો લગભગ આદેશ જ કર્યો અને મે ઘડીયાલમાં જોયુ ૧૧.૩૦-૧૨ થવા જઈ રહ્યા હતા. હું જમવા બેઠો તેને હજી ૪-૫ મીનીટ પણ નહી થઈ હોય ત્યાંતો આવી “કેટલી વાર લાગે છે, કાલથી ૪ DV પુરી કર્યા સિવાય ઘરે નહી જવા મળે અને ઓવર ટાઇમ પણ નહી મળે” આટલુ સાંભળતા જ જોબ છોડવાનું નક્કી કરી નાખ્યું. તરત જ બીજો પ્રશ્ન સામે ઉભો રહ્યો “બીજી જોબનું શું ?” માર્ચ મહીના ડેડલાઇન નું શું. ?

વધુ આવતા અંકે…

સિલી પોઇન્ટ

પહેલા જ પેરેગ્રાફમાં કહ્યુ તેમ “લોકશાહીમાં સત્યનો નહી બહુમત્તીનો વિજય થાય છે” તેમા બહુમત્તી મોટાભાગે પૈસા અને શક્તિની હોય છે. :P બીજુ આ લેખના ટાઇટલમાં નસીબની જોડણી ખોટી છે. ખરી જોડણી રવિન(કે પછી રવીન :D) એ મલેશિયા બેઠા બેઠા શિખવાડી છે. અધીરભાઈ જોડણીની બાબતે વખતો વખત ટોકે છે એટલે કદાચ મારી જોડણી થોડી સુધરી છે. બ્લોગર બીરાદરો કોઈક તમને સુધારવા પ્રયત્ન કરે તો તે તમારા ફાયદામાં છે ડીયર એટલુ તો સમજો. બાકી જેવી પ્રભુની ઇચ્છા.

નોંધ :- આ લેખમાળા ૨૦૦૮-૦૯ વચ્ચેના ગાળામાં બનેલ સત્ય ઘટનાઓ ઉપર આધારીત છે. મોટાભાગે અમુક નામો લખવાનું ટાળ્યું છે કારણ કે તે નામ જાહેર કરવાથી કોઈ ફરક પડતો નથી. બીજુ આ લેખમાળા ખાલી મારો બળાપો ના રહી જાય એટલે દરેક લેખના પહેલા પેરાગ્રાફમાં મે સમજી છે-જાણી છે તેની નાની નાની ઉપયોગી વાતો લખવાનો પ્રયાસ કર્યો છે. હું પ્રોફેશન રાઇટર નથી પણ પ્રોફેશન એપ્રોચ રાખવાનો પ્રયાસ જરૂર કર્યો છે. બીજુ આ લેખમાળાના આધારે ઘણા લોકોએ મદદની ઓફર કરી છે હું તે બધાનો ખુબ ખુબ આભારી છું.


Tuesday, February 1, 2011

પપ્પા મને જોબ મળી ગઈ…


વિતેલી વાત...http://marisamvedana.blogspot.com/2011/01/blog-post.html

જીવન જીવવાના મુખ્ય બે જ રસ્તા હોય છે. એક સમાજના નિતી-નિયમો એટલે કે પેરામીટર પર જીવવું અને બીજુ તમારા ખુબના નિતી-નિયમો એટલે કે પેરામીટર બનાવી તેને અનુસરવું. પહેલો રસ્તો સિધો છે અને તેમા મર્યાદાઓ-પ્લસ પોઇન્ટ-માઇનસ પોઇન્ટ બધાની ખબર હોય છે. શું કરવાથી શું થશે તેના રેડી રેફ્રન્સ અને ઉદાહરણો ઢગલાબંધ મળી રહેશે. બીજુ આવા પ્રકારનું જીવન સમાજમાં રૂટીન હોય તરત સ્વિકાર્ય બની જાય છે. બીજા પ્રકારના જીવનમાં ઘણી તકલીફ પડતી હોય છે, રસ્તો નવો જ બનાવવાનો હોય છે. સમાજની પ્રતિક્રીયાનું કાઇ નક્કી નથી હોતુ તે સ્વિકારે પણ ખરા અને કદાચ ના પણ સ્વિકારે. મોટાભાગે તો શરૂવાતમાં સ્વિકારતું જ નથી પણ પાછળથી તે જ સમાજ વ્યક્તિએ બનાવેલ પેરામીટર્સને અનુસરે છે. આપણે ૫’૭-૮-૯ કે ૧૦” ના સીંગલ-ડબલ કે મધ્યમ બાંધાના, વાન ગોરો-કાળો કે ઘઉંવર્ણા વાળી રુટીન લાઈફ જીવતી લાખો કરોડો વ્યક્તિ મા ની એક વ્યક્તિ બનવું છે કે આપણું પોતાના નામે ઓળખાવું છે, તે વિષે વિચારવા જેવું ખરૂ નહી ?

ચાલો હવે મુદ્દા પર આવું, જોબ માટે ફાફા મારતો હતો ત્યારે જ સ્ટેડીયમ સર્કલ પાસે પ્રીમીયર માટેની એક જોબ માટે કોલ આવ્યો. બીજા દીવસે ૧૦-૩૦ વાગ્યે બોલાવેલ, હજી બપોર પડી ના હતી ત્યાં તો ઇન્કમટેક્ષ આગળ બીજી એક જગ્યાએ થી પણ કોલ આવ્યો. આ પહેલી વખત હતું જ્યારે મને સામેથી ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો હોય. બાકી તો અત્યાર સુધી હું જ ઘુસ મારી સામેથી જ ઇન્ટરવ્યુ આપી આવતો. થોડીક આશા બંધાતી જતી હતી અને હજી તો જમીને બેઠો જ હતો ત્યાં મોબાઇલ વાગ્યો, “જાગ્રતભાઈ, શિવરંજની કે પાસ એક કોલસેન્ટર મે જોબ મીલ શકતી કે સેલરી ૪૫૦૦-૬૦૦૦ તક હૈ આપ આજ સામ કો ઇન્ટરવ્યું કે લીયે જાના ચાહોગે ?” પ્લેસમેન્ટ એજન્સીવાળી મેડમ ને તો ખબર જ હતી કે આ ના નહી પાડે. એટલે મારા હા પાડ્યા પછી હું હજી વધુ કાઈ પુછુ તે તરત આગળ વધ્યા,” ઓ.કે. તો મે ડીટેઇલ આપકો મેઇલ કર રહી હું લાસ્ટ પેઇજ કી પ્રીન્ટ નિકાલ કે સામ ૫-૫.૩૦ બજે વહા ટચ હો જાના. ઓ.કે. બેસ્ટ ઓફ લક.” લગભગ દરેક વખતે આ છેલ્લુ વાક્યે બહુ ખુચતું અને તેનું કારણ પણ હતું સાલ્લુ તે એક તો આપણી પાસે બેસ્ટ ના હતું બાકી બે વર્ષ પહેલા મારી નીચે ૧૦૦-૧૨૫ માણસો કામ કરતા અને આજે મારે જ જોબ માટે…..

નિરાસાની પરાકાષ્ઠાએ જો વ્યક્તિ થોડોક સમય મનને શાંત રાખી નિર્ણય લે તો તેમાથી રસ્તો તરત મળી જાય છે કારણકે હવે થોડોક જ પ્રયત્ન બાકી રહેલો હોય છે, ઓલ મોસ્ટ પ્રયાસો તેના અંતિમ તબક્કામાં હોય છે અને સત્યતા એ છે કે મોટાભાગના લોકો અહી સુધી આવીને જ ભાંગી પડે છે. જણાવેલ સમયે હું જે-તે જગ્યાએ પહોચી ગયો. સિક્યોરીટી જોય ને તો એવું લાગ્યુ જાણે હું વિધાનસભામાં કેમ ના જતો હોય. સીડી ઉપર સેન્સર- કેટલા ઉપર ગયા-કેટલા નીચે ઉતર્યા તેની ગણતરી માટે, કેટલાય કેમેરા અને કેટલીય જગ્યાએ ગાર્ડ. એક પણ દરવાજો ફિંગરપ્રીન્ટ સ્કેન કર્યા વગર ના ખુલે. ચક્રવ્યુંના સાતેય કોઠા પાર તો કર્યા પણ છેલ્લે જે દ્રશ્ય જોયુ તે જોય ને તો અભિમન્યુ કરતા પણ મારી હાલત કફોડી થઈ. એક મોટા અરે જબર જસ્ત મોટા હૌલમાં કેટલાય લોકો બેસીને ગણ-ગણ કરતા હતા. તેની વચ્ચે અમુક ઉભા-ઉભા જોર-જોરથી બરાડા નાખી જે રીતનું બોલતા હતા તે જોય ને હું નક્કી ના કરી શક્યો કે તે તેને સમજાવતા હતા કે પછી તેની રીમાન્ડ લેતા હતા. આ પ્રક્રીયા ચાલુ હતી ત્યારે જ એક વ્યક્તિ કે જે લગભગ ટોર્ચર કરતો હતો તેની બાજુમાં એક મેડમ આવી ને ઉભા રહ્યા અને જાણે અચાનક કાઇક થયુ હોય તેમ પેલો સ્વિચ ઓવર થઈ એટક માથી ડીફેન્સ પર આવી ગયો. સહજ ભાવે હું તો બધુ જોતો હતો ત્યાં તો તે જ મેડમ મારી પાસે આવ્યા. નાનકડો એવો ઇન્ટરવ્યું લીધો તેમા ૧૦ માથી ૮ પ્રશ્ન, “આપ યહ જોબ કર શકોગે ?? તે એક જ હતો. અંતમા તેણે મને એક ફોર્મ પર સહી કરાવી બે કાગળ હાથમાં પકડાવ્યા તેમા એકમાં નિતી-નિયમોની યાદી હતી અને બીજામાં મારે જે જે મેડીકલ ટેસ્ટ કરાવવાના હતા તેની યાદી હતી. સાલ્લુ એક જગ્યાએ H.I.V. લખેલું જોય હું તો ચોક્કી જ ઉઠ્યો.

ઘરે આવીને મે નિરાંતે યાદી જોય તો તેમા તો દીવસમાં કેટલી વખત બાથરૂમ જવાનું અને તે પણ કેટલી મીનિટ માટે, કેટલી વખત પાણી પિવાનું, લન્ચ બ્રેક કેટલી મીનિટનો બધુ જ લખ્યુ હતુ. ઉપરાંત જો તેમા વધુ સમય લાગે તો પ્રતિ સેકન્ડ કેટલા નો દંડ તે ની પણ વિગત હતી. એજ ક્ષણે મારો માર્કેટીંગ કોલ કરતી વ્યક્તિ સામે જોવાનો નજરીયો બદલાય ગયો. કેવી લાચારી આ તો… બીજી યાદી જોય તો ખબર પડી કે આ બધા ટેસ્ટ કરાવા જાવ તો ૧૦-૧૫ દિવસનો પગાર તો પહેલા જ વપરાય જાય. અને પહેલો પ્રશ્ન તો એ કે ૨૧મી તારીખે આટલા રૂપિયા લાવવા ક્યાંથી ?? કાલે પેલા બીજા બે કોલ પતાવી નિર્ણય કરવો તેવું નક્કી કર્યું.

બીજા દીવસે આપેલ સમયે હું પહેલા સ્ટેડીયમ સર્કલ પાસેના સ્ટુડીયોએ પહોચી ગયો. સ્ટુડીયો બંધ હતો એટલે થોડીક વાર રાહ જોય. સાથે ઉભેલો વ્યક્તિ ત્યાં જ કામ કરતો હતો એટલે તેણે કહ્યુ કાઈ નક્કી નહી ક્યારે આવે પણ આપણે ૧૦ વાગે હાજર થઈ જવાનું મોડા પડ્યે તો અડધો દીવસનો પગાર કપાય જાય. પહેલા જ જાટકે મન ખાટુ થઈ ગયું. પણ બીજો તો કોઈ ઉપાય ના હતો. તરત વિચાર આવ્યો અહી સમય બગાડવો તેના કરતા ઇન્કમટેક્ષ ઇન્ટરવ્યું આપી આવું. કદાચ આ નિર્ણય મારી લાઈફ ચેન્જ કરનારો હોય શકે . તે આગળ નક્કી કરીશું, હું ત્યાથી સીધો જ ઇન્કમટેક્ષ પહોચી ગયો. સ્ટુડીયો ઉપર નીચે હતો એટલે ઉપર સીધો જ એક નાનકડી કેબીનમાં ગયો. થોડાક સવાલ જવાબ પુછ્યા પછી મને નિચે મોકલ્યો. મારૂ વર્ક જોયું અને પછી મને ફોન કરશે તેમ જણાવી વિદાય કર્યો. દરેક વખતે આવું જ થતું એટલે બહું નવાઇ ના લાગી. કદાચ અહી જોબ મળી જાત તો સારૂ હતું કારણ કે અહી “એપલ” પર વર્ક કરવાનું હતું. જેવું મારૂ નસીબ….

અહી પાછો સીધો જ સ્ટેડીયમ પહોચી ગયો. બપોરના ૧૧.૩૦-૧૨.૦૦ થવા જઈ રહ્યા હતા હજી પેલી ઓફીસ ખુલ્લી ના હતી અને હજી પેલો ભાઈ પણ ત્યાં જ બેઠો હતો. બીજી ૧૦-૧૫ મીનિટ વિતી ત્યાં તો એક ગાડી માથી કોઇક ઉતર્યું એટલે પેલો ભાઈ સામે દોડ્યો હું સમજી ગયો કદાચ તે જ સ્ટુડીયોનો માલોક હશે. મને બહાર ઉભવાનું કહી તેઓ એ અંદર થોડુક સરખુ કર્યું. ઇન્કમટેક્ષની જેમ અહી પણ ઉપર-નીચે સ્ટુડીયો હતો પણ ફરક એટલો કે અહી અંડરગ્રાઉન્ડ એટલે કે નીચે જવાનું હતું અને ત્યાં ઉપર ચડવાનું હતું. અને વાસ્તવમાં પણ હું નીચે જ ઉતરતો હતો. બે-ચાર સામાન્ય પ્રશ્ન પુછી કાલથી આવી જવાનું કહ્યું. મને તો હજી વિશ્વાષ જ ના બેઠો. પગાર ૩૫૦૦ + ઓવર ટાઇમ, ફરજીયાત ઓવર ટાઇમ અને ૬ મહીનાનો બોન્ડ આટલી શરતે મને મારી લાઇફની પહેલી મારી ખુદની ઓળખાણ પર જોબ મળી. ઘરે આવી પપ્પાને ફોન કરી એટલું જ બોલી શક્યો, “પપ્પા મને જોબ મળી ગઈ”.

વધુ આવતા અંકે…

-: સિલી પોઇન્ટ :-

જો તમને બહુ શરમ-સંકોચ આવતી હોય અને તમે બહુ જ સેન્સેટીવ હોવ તો કોલ-સેન્ટરમાં જોબ કરી જુઓ. બધુ જ નિકળી જશે.